ઉત્સવ

અંતરના અજવાળાં

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

કર્મયોગી જગદીશ જોષી સરકારી ઊંચા પદેથી નિવૃત્ત થયા ત્યારે જ શેષ જીવન સમાજસેવામાં અર્પણ કરી દીધું. પોતાની જ્ઞાતિસેવા હોય, બ્રાહ્મણસમાજ હોય કે કોઈ કેળવણીસંસ્થા હોય, જગદીશભાઈ જે-તે સંસ્થાના ઉત્કર્ષ માટે ખૂબ મહેનત કરે. ૧૯૫૫-૫૬ના સમયમાં મુંબઈ રાજયના સરકારી કાર્યાલયમાં જોડાયેલા જગદીશ જોષીએ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં જઈને માસ્ટર ઈન પબ્લિક એડમિનિસ્ટેશનની ડિગ્રી મેળવી અને આજીવન મુંબઈ મહાનગરપાલિકામાં મોટા હોદ્દા પર કામ કર્યું. ગાંધીવિચારોના હિમાયતી અને પશ્ર્ચિમી કાર્યસંસ્કૃતિને આચરણમાં મૂકનાર જગદીશ જોષી જે સંસ્થામાં જોડાય એ સંસ્થાના ઉત્કર્ષ માટે સતત મહેનત કરે.

તે દિવસે શાળાના પ્રિન્સીપાલ સાથે એક વહીવટી પત્ર વાંચતી વખતે જગદીશભાઈની આંખમાં ઝાંખપ વળી ગઈ, અને વાંચવામાં તકલીફ પડી.

૬૦વર્ષે કેટરેક્ટનું ઓપરેશન કરાવ્યું હતું, હંસા, પણ, હવે શું થયું હશે? ચિંતિત સ્વરે એમણે પત્નીને પૂછ્યું.

તમે ચિંતા ન કરો, આપણે કાલે જ ડો.પરીખની એપોઈંટમેન્ટ લઈશું. હંસાએ કહ્યું.

ડો.પરીખે કહ્યું- રેટીનામાં પ્રોબ્લેમ છે. તમને બેંગલોરની હોસ્પિટલમાં જવાની હું સલાહ આપું છું.

ડો. પરીખે તત્કાળ રાહત થાય તે માટે આય ડ્રોપ્સ આપ્યાં.

પંદરેક દિવસ થઈ ગયા, કોઈ ખાસ ફરક જણાયો નહીં. ડો.પરીખની મદદથી બેંગલોરની હોસ્પિટલના ડોકટરની એક મહિના પછીની એપોઈટમેન્ટ મળી.

જગદીશભાઈને આંખ સાથે માથાનો દુખાવો પણ રહેવા લાગ્યો. શારીરિક તકલીફ કરતાં પણ પોતે સ્કૂલનું કામ કરી શકતા નથી,, તેનો એમને રંજ હતો.

હમણાં હમણાં તેઓ ફોન પર જ ઓફિસમાં જરૂરી સૂચના આપી દેતા. બેંગલોર જવાના હતા, ત્યારે શાળાના પ્રમુખ હરિભાઈને તેમણે કહ્યું- આ ઓપરેશન થઈ જશે, પછી આપણે કોલેજમાં સાયન્સનો નવો વિભાગ શરૂ કરીશું, એક કલ્ચરલ સેન્ટર પણ શરૂ કરીશું.

જગદીશભાઈ તેમની પત્ની હંસા અને પુત્ર યતિન સાથે બેંગલોર ગયા.

બેંગલોરના ડોકટરે ઓપરેશન પછી ત્રણ દિવસ રાખ્યા. પટ્ટી ખોલી ત્યારે જગદીશભાઈએ સૌથી પહેલાં શ્રીકૃષ્ણના દર્શન કરવાની ઈચ્છા બતાવી. પછી ઓપરેશન કરનાર ડો.રાવ અને હંસા અને યતિનને જોયાં. થોડું ઝાંખું પણ જોઈ શકવાનો આનંદ હતો.

ડોકટરે દવા અંગે જરૂરી સૂચના આપતાં કહ્યું- મિ.જોષી, આંખમાં ડ્રોપ્સ સમયસર નાંખજો, જેથી કોઈ કોમ્પિલકેશન ન થાય, પૌષ્ટિક આહાર અને આરામ જરૂરી છે. અને ખાસ માનસિક સ્ટ્રેસ ન થાય તે જોવું,:

મીઠું સ્મિત આપતાં જગદીશભાઈએ પૂછ્યું- હું મારી સ્કૂલમાં ક્યારે જઈ શકીશ ?

એક મહિના પછી, ઓકે? હમણાં તમારી આંખોને અને દિમાગને આરામની જરૂર છે. પંદર દિવસ પછી મારે તમારું સ્ટ્રેસ લેવલ જોવું પડશે. ડો.રાવે કહ્યું.

જગદીશભાઈ મુંબઈ આવી ગયા.

ઓપરેશનના પછી જગદીશભાઈ બંને આંખે ઝાંખું ઝાંખું જોઈ શકતા હતા. પણ પાંચ-છ દિવસ પછી ડાબી આંખે દેખાતું બંધ થઈ ગયું. તેમને ક્યારેક અચાનક ચક્કર પણ આવી જતા. ગળગળા અવાજે જગદીશભાઈએ કહ્યું- હંસા, મને ડાબી આંખે કંઈ જ દેખાતું નથી.

હંસાએ જોયું કે જગદીશની ડાબી આંખમાં સોજો થયો હતો, અને આંખની આસપાસની ચામડી પર લાલાશ હતી. એમણે તરત ડો.પરીખને ફોન કરીને જણાવ્યું.

કદાચ કોઈ ઈંફેકશન લાગ્યું હશે, અથવા દવાનું રીએકશન હોઈ શકે. તમે ડો.રાવને તુરંત જણાવો. ડો.પરીખે કહ્યું.

ડો.રાવે તરત જ બેંગલોર આવી જવા કહ્યું. પહેલી વાર દૃઢ મનોબળ ધરાવતા જગદીશભાઈ હતાશ થઈ ગયા. હંસા અને દીકરા યતિને હિંમત બંધાવી- તમને પહેલાં દેખાતું હતું ને- જે કાંઈ પ્રોબ્લેમ હશે,તે ડોકટર દૂર કરશે.

ડો.રાવે જોયું કે રેટીનાની પાછળ આવેલી બે નસ દબાઈ ગઈ હોવાથી રક્તવાહિની બ્લોક થાય છે. હવે ફરી વાર ઓપરેશન કરીને નસ છૂટી પાડી શકાય. પણ દ્રષ્ટિ આવવાના ચાન્સ ઓછા છે. વળી સ્ટ્રેસ લેવલ પણ હાઈ છે, એ નોર્મલ થવું
જોઈએ.

ચિંતિત ભાવે હંસા, યતિન એકમેક સામું જોઈ રહ્યા. પછી યતિને જ કહ્યું- ડોકટર, જે જરૂરી હોય તે કરો, સાહેબ.

ડો.રાવે બીજે જ દિવસે એક માયનર સર્જરી કરી. ત્યારે દરેકના મનમાં એક જ આશા હતી કે જગદીશભાઈને આંખના અજવાળા પાછા મળે.

ઓપરેશનના ૪૮ કલાક પછી ડો.રાવે પટ્ટી ખોલી પણ ફરી પાછું એ જ અંધારું ઘેરાઈ વળ્યું. ડોકટરે હિંમત બંધાવી તમે આંખમાં ટીપાં નાખજો, ઘણી વાર આંખના કોર્નિયા નીચેની છાજલી દૂર થતાં દ્રષ્ટિ પાછી આવે છે.

ડો.રાવે જરૂરી સૂચના આપતાં આશા બંધાવી કે સ્ટ્રેસ ઓછું થતા પેશન્ટ જોઈ શકશે.

હંમેશાં સ્વમાનભેર જીવેલા જગદીશભાઈ માટે પરવશ જીવન કેવી રીતે જીવી શકશે- આ વિચારમાત્રથી કાંપી ઉઠતા. મારાથી સમાજસેવાના કામ કેવી રીતે થશે ? અને એમાં ય જ્ઞાનજયોત વિદ્યાલયનો વિકાસ કરવો છે, એમાં નવા પ્રોજેકટ કરવાના છે. નાવ આય એમ ગુડ ફોર નથીંગ. મારું જીવન હવે વ્યર્થ છે.

ઊંડા વિચારોમાં ડૂબી ગયેલા પતિને જોઈ હંસાએ કહ્યું- તમે જરા ય ન મૂંઝાતા, હું તમારી આંખ બની તમારાં કામ કરીશ.

પપ્પા. હું છું ને! યતિને કહ્યું.

બેંગલોરથી હતાશ થઈને પાછા ફરેલા હંસાનું એક જ કામ હતું કે પતિને કોઈ તકલીફ ન થાય.

જગદીશભાઈને મનમાં થતું કે આ તે કેવું પરવશ જીવન- શું મારે હવે આમ જ ભારરૂપ થવાનું ? જયારે આતમરામના પડઘામાંથી અવાજ આવતો- નિયતિને માથે ચઢાવી, જે પરિસ્થિતિ છે તેનો સામનો કરો. કેટલાક તો જન્મથી જ અંધત્વ પામે છે. એમણે તો આ દુનિયા જોઈ જ નથી એ કેવી રીતે જીવન જીવતા હશે.

મુંબઈ પાછા આવ્યા પછી એક સાંજે વિચાર્યું – મારું જીવન પણ આ અસ્ત થતા સૂરજ જેવું છે. હવે હું જ્ઞાનજ્યોત શાળાના વિકાસમાં કંઈ કરી શકું તેમ નથી, મારે સેક્રેટરીના પદેથી રાજીનામું આપતો પત્ર મોકલવો જોઈએ.

યતિન બેટા, એક કાગળ લખાવું છું, તે કાલે ટાઈપ કરી લાવજે, તારે સ્કૂલમાં મેનેજીગ ટ્રસ્ટીશ્રી ગૌતમ શ્રોફને હાથોહાથ આપવાનો છે.

યતિને લખ્યું- મેનેજિંગ ટ્રસ્ટી સાહેબશ્રી ગોવિંદ શ્રોફ,
આંખના ઓપરેશન માટે હું બેંગલોરની બેસ્ટ ગણાતી હોસ્પિટલમાં ગયો હતો. મારી ડાબી આંખે ઝાંખપ આવી ગઈ હતી. ઓપરેશન સારું થયું હતું મને ઝાંખું ઝાંખું દેખાવા લાગ્યું હતું, પણ, પછી અચાનક દ્રષ્ટિ ચાલી ગઈ. વીસેક દિવસ પછી એ જ ડોકટરે ફરી વાર રેટીનામાં ઊભી થયેલી ક્ષતિ માટે ઓપરેશન કર્યું. પણ, આય ટોટલી લોસ્ટ માય આયસાઈટ.
મારી બંને આંખે હવે કાયમના અંધારા છે.

સેક્રેટરીપદે હવે સંસ્થાનું વહીવટી કામ સંભાળવા હું સક્ષમ નથી.

આપને મારું રાજીનામું સ્વીકારવા વિનંતી કરું છું. મારે હૈયે સંસ્થાના વિકાસની ભાવના સદા ય રહેશે.

                                   લિં. જગદીશ જોષી.

પત્ર મળતાં જ ત્રીજે દિવસે શ્રોફસાહેબ, પ્રિન્સીપાલ વંદના ત્રિપાઠી જગદીશભાઈને મળવા આવ્યા.

ઔપચારિક વાત પછી ટ્રસ્ટી શ્રોફસાહેબે કહ્યું- જગદીશભાઈ, આ રાજીનામું અમે સ્વીકારતા નથી. આપણી સંસ્થાની સ્થાપનામાં અને વિકાસમાં આપનું પાયાનું યોગદાન રહેલું છે. સંસ્થાને આપની જરૂર છે. યુ આર ફાઉન્ટન ઓફ નોલેજ. વિકટ પરિસ્થિતિમાં તમે ક્યારેક હિંમત હારતા નથી, તો પછી રાજીનામું કેવી રીતે આપી શકો?

પણ, હવે હું કશું કરી શકું તેમ નથી. પરવશ ભાવે જગદીશભાઈ બોલ્યા.

સર, હમ સબ આપકે સાથ હૈ. વંદનામેડમે જગદીશભાઈને કહ્યું.

શ્રોફ સાહેબે જગદીશભાઈના ખભે હાથ મૂકતાં કહ્યું- જગદીશભાઈ, આ સંસ્થા તમારી છે અને તમારી જ રહેશે. તમે પહેલાં આવતા હતા, એવી જ રીતે સંસ્થાના કાર્યાલયમાં આવવાનું છે. હા,તમને લેવા-મૂકવા માટે એક ખાસ માણસ રાખીશું. ઓફિસમાં તમને મદદરૂપ થવા, તમારી સૂચનાઓ નોંધવા એક મદદનીશ હશે. આપણી સંસ્થાના નવા પ્રોજેકટમાં તમારે ઘણું માર્ગદર્શન
આપવાનું છે.

ખભે મૂકેલા શ્રોફસાહેબના હાથને પોતાના હાથમાં લઈને માથે મૂકતા જગદીશભાઈ બોલ્યા- આજે તમે મને જીવનનું નવું બળ આપ્યું છે. મેં ભલે દ્રષ્ટિ ગુમાવી છે,પણ અંતરના અજવાળે હું સંસ્થાની સેવા કરીશ. મારું શેષજીવન લાચાર કે પરવશ બનીને નહીં પણ ગૌરવપૂર્ણ રીતે જીવીશ.
જગદીશ-હંસાના ઘરમાં અંતરના અજવાળાં રેલાયા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો