અંતરના અજવાળાં

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત
પૂનમચંદના પાનિયા આગળ, ડોસી લખાવે ખત …
ગણગણતા મનોરમાબાનું હૈયું ભરાઈ આવ્યું. આજે મુંબઈમાં રહેતા, દીકરા પિયુષને મળવાની લાગણીથી તેઓ બેચેન થઈ ગયાં છે. પહેલાના જમાનામાં તો અભણ મા પોતે લખી- વાંચી શકતી નહીં એટલે કોઈની પાસે કાગળ લખાવતી, કોઈ આવતું જતું હોય તો દીકરા માટે પોતાના હાથે બનાવેલી સુખડી મોકલી રાજીની રેડ થઈ જતી. જ્યારે આજે તો આ નાનકડા મોબાઈલમાં તો પળ વારમાં દીકરા જોડે વાત થઈ શકે. પણ, હવે આ શરીર કામ નથી કરતું. મુંબઈ સુઘી તો કયાંથી જવાય, આ દેવદર્શન માટે મંદિરે કે માર્કીટમાં પણ કયાં જવાય છે?.
મનોરમાબાને આંખે અંધારા આવવા લાગ્યા, ખાટલા પર જ બેસી પડ્યાં. બાથરૂમમાં કામ કરતી માલતી કપડાં સૂકવવા બહાર આવી ત્યારે મણિભાઈના ફોટા સામું જોઈને મનોરમાબા બબડી રહયાં હતાં- હે, પ્રભુ જીવતરની ભઠ્ઠીમાં આમ એકલાં કયાં સુધી બળવાનું-તમે મને એકલી મૂકી ગયા, અને પંખીઓ માળો છોડી ઉડી ગયાં હવે હું સાવ એકલી—
બા, ડોકટરે ના પાડી છે ને- આવો લવારો નહીં કરવાનો. ચાલો, આપણે ટી.વી પર કથા જોઈએ. માલતીએ કહ્યું.
ત્યાં જ ફોનની ઘંટડી રણકી. દીકરા પિયુષનો ફોન હતો. એણે કહ્યું,બા, બેનનો ફોન હતો, કહેતી હતી કે તારી તબિયત સારી રહેતી નથી. કહે છે કે મોટા ડોકટરને બતાડવું પડશે. હવે તારી તબિયત કેમ છે? સમયસર, દવા લે છે ને?
બેટા, મને ખૂબ અશક્તિ લાગે છે, આંખે અંધારા આવે છે. હળવા અવાજે મનોરમાબા બોલ્યાં.
મમ્મી, તું ચિંતા ન કરતી. હું તને લેવા આવું છું. તું અહીં આવીશને એટલે બધું સારું થઈ જશે. જે શ્રીકૃષ્ણ બા.
જેશ્રીકૃષ્ણ, બેટા. બોલતાં મનોરમાબાનો ચહેરો ખીલી ઉઠ્યો.
આ બાજુ પિયુષની ચિંતા વધતી જતી હતી.કોમ્પયુટર પરઓફીસનું કામ કરી રહેલી નિમિષાએ ફોન પર પિયુષની વાત સાંભળતા અકળાતા કહ્યું- તારી બાને ભલે લાવજો, પણ મારા માથે કામનો કોઈ બોજો ના જોઈએ. ઘરમાં ધસરડા કરો, ઓફિસ સંભાળો, મિહિરને ભણાવો અને ઉપરથી તમારાં માંદા બાની ચોવીસ કલાકની ડ્યુટી- ઈમ્પોસીબલ. મારાથી નહી બને
નિકી, જરા શાંત ચિત્તે વિચાર કર. હવે આ ઉંમરે બા ક્યાં જાય?, આપણા સિવાય એમનું કોણ છે? પપ્પાને ગુજરી ગયે પંદર વર્ષ થયા,બા કયારે ય હિંમત હારી નથી. મને સિવિલ એન્જીનીયર બનાવ્યો, બેનને ગ્રેજ્યુએટ કરી, સારા ઘરમાં પરણાવી. બાએ થાય ત્યાં સુધી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરી, પોતે હંમેશા સ્વમાનથી રહી છે. કોઈ પાસે હાથ લંબાવ્યો નથી. આજે એને આપણા ટેકાની જરુર છે. તું ના ન પાડીશ. કહેતાં પિયુષનું મન ભરાઈ આવ્યું.
જો, પિયુષ તારી માતૃભક્તિ તારી પાસે જ રાખ. હું તો એટલું જાણું મને કોઈ ટેન્શન ના જોઈએ, તારે કોઈ મોટા ડોકટરને બતાવવું છે તો સુરતમાં કોઈ ડોકટર નથી? અને ત્યાં બેન ડોકટર પાસે લઈ જઈ શકે છે, અને એ તો મારી જેમ જોબ પણ નથી કરતી. નિકિતાએ ભાર દઈ કહ્યું.
બસ,બસ બહું થયું, નિકિ. હવે મારે કંઈ સાંભળવું નથી.દીકરા તરીકે મારે જે કરવાનું છે, તે હું કરીશ. તું આડી ન આવ. તું કશું જ કરતી નહીં. હું મારી બાની સેવા કરીશ. જરા ઉગ્ર સ્વરે પિયુષે કહ્યું.
પણ, રસોડા કોણે સંભાળવાના- ડોળા કાઢતા ને હાથના ચાળા કરતાં નિકિતા બોલી.
તારે જે કરવું હોય તે કરજે, પણ આ તારી જીભ ઠેકાણે રાખજે. મારી બાને કોઈ દુ:ખ ન થાય. બે દિવસ પહેલાં જ- પિયુષનું ગળું રૂધાઈ ગયું.
ટી.વીમાં કાર્ટુન જોઈ રહેલા નવ વર્ષના ચીંટુ, ટી.વી બંઘ કરતાં બોલ્યો- આ શું માંડયું છે મોમ-ડેડ. દાદી આવવાના છે એમાં ઝગડા કરવાના હોય. દાદીને હું મારી રૂમમાં રાખીશ. દાદીના બધા કામ હું કરીશ.
ચીંટુની વાત સાંભળીને ઘરમાં શાંતિ ફેલાઈ ગઈ. નિકિતા તેનું લેપટોપ બંધ કરીને બેડરુમમાં જતી રહી.
મંગળવારે સવારે સાડા અગિયારે પિયુષ સૂરતના ઘરે પહોંચ્યો ત્યારે મનોરમાબા ની તબિયત ગંભીર હતી. પિયુષને જોતાં જ ભામિની રડવા લાગી, ભાઈ જોને, મા કશો જવાબ આપતી નથી. સવારે ૧૦વાગે થોડી ચા પીધી, પછી કહે કે એને ગભરામણ થાય છે. મેં ડોકટરને બોલાવ્યા. બાને તપાસીને ડોકટર સાહેબે ઈંજેકશન આપ્યું. કહેતા ગયા કે પિયુષ આવે ત્યારે મને ફોન કરાવજો.
પિયુષે ડોકટર જગદીશ દેસાઈ સાથે વાત કરી. ડોકટરે કહ્યુ, એક તો વૃધ્ધાવસ્થા, વળી તેમાં સાવ એકલતાનો ભાર. આ ઉંમરે વૃધ્ધ માતા-પિતા પોતાના સંતાનો માટે ઝૂરતા હોય છે, પરિણામે ડીપ્રેશન, હાર્ટએકેટના ભોગ બને છે. સંતાનો એમની કાળજી રાખે ને તો તેમનું અડધું દરદ ભાગી જાય.
પિયુષ ડોકટર સાહેબનો આભાર માની, મુંબઈની અંબાણી હોસ્પીટલના ડોકટર સાથે વાત કરી. બપોરે ૪-૦૦ વાગે પિયુષ અને તેના બનેવી ચેતન ભટ્ટ એમ્બ્યુલંસમાં મનોરમાબાને લઈને મુંબઈ આવવા નીકળ્યા.
ત્યાં જ નિકિતાનો ફોન આવ્યો. મમ્મીને કેમ છે?, ડોકટરે શું કહયું ?
નિકિ, સિરિયસ તો કહેવાય, પણ હમણાં જરા આંખ ખોલી છે. હું અને ચેતન બાને લઇને મુંબઇ આવવા નીકળી ગયા છીએ. એને ડાયરેક્ટ અંબાણીમાં જ લઈ જઈશું. ડોકટર મૂલચંદાનીની એપોઈંટમેન્ટ મળી ગઈ છે.
પિયુષ તું જરા પણ મૂંઝાતો નહીં. હું હમણાં જ અંબાણી હોસ્પીટલમાં જાઉં છં. ચીંટુને મારી બહેન મીનાને ઘરે મોકલીશ, બે-ત્રણ દિવસમાં જ બા હરતાફરતાં થઈ જશે.
નિકિતાના આ શબ્દો સાંભળતા પિયુષને નવાઈ લાગી. સાવ અચાનક હ્રદય પલટો ક્યાંથી આવ્યો ?
મનોરમાબાને ત્રણ દિવસ હોસ્પીટલમાં રાખવા પડ્યા. ઓફિસમાંથી રજા લઈને નિકિતાએ સાસુમાની ખડે પગે સેવા કરી.
હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ લેતી વખતે પિયુષે નિકિતાને પૂછયું- બાને સૂરત લઈ જવા એ.સી કાર બુક કરી લઉં ?
ના,ના. હવે, બા સૂરતમાં એકલાં રહેશે નહીં, આપણી સાથે રહેશે. નિકિતાએ કહ્યું. સાંભળીને પિયુષ રાજી થયો, પણ એ સમજી ન શક્યો કે નિકિતાનો સ્વભાવ આટલો કેવી રીતે બદલાયો.
છેક ત્રણ મહિના પછી પિયુષે જાણ્યું કે નિકિતાના પપ્પા ગુજરી ગયા પછી એની મમ્મીને ભાભીએ ત્રાસ આપવાનું શરુ કરી દીધું હતું. અને જે દિવસે પિયુષ એની બાને તેડવા સુરત ગયો હતો એ જ દિવસે નિકિતાની મમ્મીને એની ભાભી વૃદ્ધાશ્રમમાં મુકી આવ્યા હતાં.
નિકિતાના અંતરના અજવાળાના પ્રકાશમાં સૌ ઝળહળાં થઈ ગયાં.