મુંબઈની સુરક્ષા માટે દિવસરાત જાગતું રહે છે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ
પૂર, ટ્રાફિકજામ, આગ, ઈમારત તૂટી પડવા જેવી ઘટનાઓ વખતે તાત્કાલિક કરે છે કામગીરી
મુંબઈનામા – નિધિ શુકલા
અંદાજે દોઢ કરોડ જેટલા મુંબઈવાસીઓને બીએમસી પાણી, શૌચાલય અને રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધા પૂરી પાડે છે. આ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જે તેની જવાબદારી નિભાવે છે, પરંતુ બીએમસીનું એક એવું ડિપાર્ટમેન્ટ છે જે મુંબઈગરાઓ માટે ચોવીસ કલાક ઉપલબ્ધ રહે છે અને એ છે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ.
મુંબઈના લોકો સંકટના સમયે કે આપત્તિની સ્થિતિમાં સૌથી પહેલા બીએમસીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી પાસે મદદ માગે છે. સૌથી મોટી અને મહત્ત્વની વાત તો એ છે કે મુંબઈના નાગરિક તરફથી મદદ માટે ફોન આવ્યાના તુરંત બાદ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ મદદ પૂરી પાડવા એકદમ સક્રિય થઈ જાય છે. મુંબઈમાં ભારે વરસાદ, પૂર કે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય ત્યારે મુખ્ય પ્રધાન સૌથી પહેલા બીએમસીના વડા મથકે આવેલા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લે છે. અહીંથી જ મુંબઈની સંપૂર્ણ પરિસ્થિતિનું આકલન થઈ જાય છે. આ પરથી જ અંદાજ લગાડી શકાય છે કે મુંબઈમાં ચોમાસાના દિવસોમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ભૂમિકા કેટલી મહત્ત્વપૂર્ણ હોય છે.
ફરિયાદીઓનું માર્ગદર્શન
બીએમસી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના એક અધિકારીના જણાવ્યા અનુસાર અમે મુંબઈવાસીઓની મદદ કરવા વરસના ૩૬૫ દિવસ ચોવીસે કલાક તત્પર રહીએ છીએ.
ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં આગ, ઈમારત તૂટી પડવી, ખાડામાં કે સમુદ્રમાં પડી જવાની, ક્યાંક ફસાઈ ગયા હોવાની, દરિયામાં ભરતી, પાણી ન આવવાની, ટ્રાફિકજામ, લોકલ ટ્રેનો ધીમી ચાલી રહી હોવાની, ગટરના ઢાંકણ ખુલ્લા હોવાની, રસ્તા પરના ખાડા, કચરો ન ઉપાડ્યો હોવાની, ગેરકાયદે બાંધકામની તેમ જ શ્ર્વાન સંબંધિત સહિત વિવિધ ફરિયાદને લગતા ફોન આવે છે.
ત્રણ શિફ્ટમાં થાય છે કામ
કંટ્રોલ રૂમમાં ત્રણ શિફ્ટમાં કામ થાય છે. એક શિફ્ટમાં પંદર કરતાં વધુ કર્મચારી કામ કરતા હોય છે. એ જ પ્રમાણે પ્રત્યેક વૉર્ડમાં પણ એક-એક મીની ડિઝસ્ટર કંટ્રોલ રૂમ તૈયાર રાખવામાં આવ્યા છે. ત્યાં ત્રણ શિફ્ટમાં એક-એક કર્મચારી ફરજ પર હોય છે. વિવિધ ટીવી ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવતા સમાચારો નિયમિત રીતે જોઈ શકાય તે માટે ત્રણ ટેલિવિઝન સેટ પણ લગાડવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમમાં સંદેશવ્યવહાર ઠપ થઈ જાય તેવી સ્થિતિમાં તાત્કાલિક સંપર્ક કરવા હેમ રેડિયો સેટ પણ તૈયાર રાખવામાં આવ્યો છે. બૅકઅપ કંટ્રોલ રૂમ હૉટલાઈન, વાયરલેસ સિસ્ટમ, હેમ રેડિયો મારફતે મુખ્ય કંટ્રોલ રૂમથી જોડાયેલું હોય છે. આ સાથે જ હૅલ્પલાઈન નંબર ૧૯૧૬ પર ફરિયાદ નોંધાવવાની વૈકલ્પિક વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે. બીએમસીના ૨૪ વૉર્ડ, છ મોટી હૉસ્પિટલ અને ૨૮ અન્ય બહારની સિસ્ટમ વચ્ચે સમન્વય રાખવા કુલ ૫૮ હૉટલાઈન સક્રિય રહેશે. આ વ્યવસ્થાને કારણે આપત્તિની સ્થિતિમાં આપસમાં સંદેશવ્યવહાર કરવાની સરળતા રહેશે.
તાકીદની પરિસ્થિતિમાં કઈ રીતે કામ કરે છે?
ડિઝાસ્ટર મૅનેજમેન્ટમાં બે પ્રકારના ફોન કૉલ આવે છે. એક ઈમરજન્સી અને એક સિવિક કૉલ. ઈમરજન્સી કૉલમાં આગ, ઈમારત તૂટી પડવી, ભેખડો ધસી પડવી, ખાડા કે સમુદ્રમાં પડી જવા જેવી ફરિયાદોેનો સમાવેશ થાય છે. સિવિક કૉલમાં સમુદ્રમાં ભરતી, પાણીની સમસ્યા, શ્ર્વાનની સંખ્યામાં વધારો, ગટરનાં ઢાકણાં ખુલ્લાં હોવા, કચરો નથી ઉપાડી ગયા જેવી ફરિયાદો આવે છે. ઈમરજન્સી કૉલને પ્રાથમિકતા આપવામાં આવે છે. ઈમરજન્સી નંબર ૧૯૧૬ પર કૉલ ઑટોમેટિક સિસ્ટમમાં રજિસ્ટર થઈ જાય છે. સાત દિવસની અંદર આ ફરિયાદોને ધ્યાન પર લઈ તેનું નિવારણ લાવવું ફરજિયાત છે. અન્યથા આઠમા દિવસે આ ફરિયાદ ડીએમસીમાં ટ્રાન્સફર થઈ જાય છે. ત્યાં પણ સમયસર કાર્યવાહી ન થાય તો સાત દિવસ બાદ ફરિયાદ એએમસીમાં ટ્રાન્સફર થાય છે. એએમસી જો એક મહિનાની અંદર કોઈ કાર્યવાહી ન કરે તો ફરિયાદ આપોઆપ કમિશનર પાસે પહોંચે છે. ૧૯૧૬ ઈમરજન્સી નંબરની ૬૦ જોડાણ લાઈન છે.
આપત્તિ મિત્ર સજ્જ
ઈમારત તૂટી પડવા જેવી વિપત્તિના સમયે સ્થાનિક સ્તરે તાત્કાલિક મદદ પહોંચાડવા માટે બીએમસીએ પ્રશિક્ષણ આપીને ૧,૦૦૦ જેટલા આપત્તિ મિત્ર તૈયાર કર્યા છે જે એનડીઆરએફ અને અગ્નિશમન દળ કરતા પણ પહેલા ઘટનાસ્થળે પહોંચશે અને લોકોને મદદ કરશે. આપત્તિ મિત્રોમાં પોલીસ, હોમગાર્ડ, કૉલેજના વિદ્યાર્થીઓ, સિવિલ ડિફેન્સ તેમ જ અન્ય સ્વયંસેવકોનો પણ સમાવેશ થાય છે. આપત્તિ મિત્રોને તમામ ૨૪ વૉર્ડમાં ગોઠવી દેવામાં આવ્યા છે અને તેમની યાદી મુંબઈ પોલીસ, મુંબઈ ફાયર બ્રિગેડને આપી દેવામાં આવી છે. તાલીમ આપીને આપત્તિ મિત્રોને તૈયાર કરવામાં આવ્યા છે.
ચોમાસામાં મોટી જવાબદારી
ચોમાસા દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભૂમિકા નાગરિકો અને સંબંધિત વિભાગો વચ્ચે સમન્વય સાધી આપવાનું કામ કરવાની છે. આપત્તિના સમયમાં પ્રશાસન પાસે મદદ માગવા બીએમસી ડિઝાસ્ટર મેનેજમેન્ટે અનેક હૅલ્પલાઈન નંબર જાહેર કર્યા છે જેના પર સતત લોકોના ફોન આવતા રહે છે. આ નંબરોમાં બીએમસીનો ૧૯૧૬ ઈમરજન્સી નંબર અને ૦૨૨-૨૨૬૯૪૭૨૫, ૦૨૨-૨૨૬૯૪૭૨૭ અને ૦૨૨-૨૨૭૦૪૪૦૩નો સમાવેશ થાય છે. આ નંબર પર ફોન કરવાથી નાગરિકોને ૨૪ કલાક મદદ મળે છે. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર ૧૯૧૬ પર પણ અનેક ફોન આવે છે. સામાન્ય દિવસોમાં આ નંબરો પર સાતથી આઠ હજાર ફોન આવે છે. ભારે વરસાદના સમયમાં આ સંખ્યા ૧૦,૦૦૦થી ૧૩,૦૦૦ જેટલી થઈ જાય છે.
બીએમસી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ મુંબઈના નાગરિકો માટે ૨૪ કલાક કામ કરે છે. કોઈ પણ નાગરિક વિપરિત પરિસ્થિતિમાં અમને ફોન કરે તો તેને તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવે છે. ચોમાસા દરમિયાન ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ભૂમિકા મહત્ત્વની બની જાય છે. અભિજિત પવાર, એડિશનલ કમિશનર, બીએમસી.
૫,૩૬૧ સીસીટીવી કૅમેરાથી દેખરેખ:
મુંબઈમાં વિવિધ સ્થળે લગાડવામાં આવેલા ૫,૩૬૧ સીસીટીવી કૅમેરા બીએમસી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા છે. ટ્રાફિક પોલીસ અને પોલીસ પણ આ કૅમેરાનો ઉપયોગ કરે છે જેને કારણ ટ્રાફિકની સમસ્યા, રસ્તા પર પાણીનો ભરાવો દૂર કરવામાં અને દુર્ઘટનાના સમયે તાત્કાલિક મદદ પહોંચાડવામાં સરળતા રહે છે. પાણી ભરાય, ઝાડ પડે, રસ્તા પર વાહન બંધ પડી જાય તેવાં સ્થાનોની માહિતી કંટ્રોલ રૂમની સીસીટીવી કૅમેરાની મદદથી મળે છે. વધુ પાણી ભરાઈ જાય તેવા સંજોગોમાં લોકોને ત્યાંથી સુરક્ષિત કઈ રીતે બહાર કાઢી શકાય તેમાં પણ સીસીટીવી કૅમેરા મહત્ત્વની ભૂમિકા ભજવે છે.