દિલ દિયા હૈ, જાઁ ભી દેંગે
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે
૧૫ ઑગસ્ટ ૨૦૨૪ ને રોજ ગયા ગુરૂવારે આપણે ૭૭મો સ્વાતંત્ર્યદિન ઉજવ્યો. ત્યારે આપણા મનમાં રાષ્ટ્રપ્રેમની સરવાણી જાગે તે સ્વાભાવિક છે. સ્વાતંત્ર્ય સંગ્રામના એ રાષ્ટ્રીય નેતાઓને યાદ કરતાં તથા વીર શહીદોની અમર ગાથાનું સ્મરણ કરતાં આજે પણ નતમસ્તક થઈ જવાય છે.
અમે નાના હતા ત્યારે પંદરમી ઑગસ્ટે શાળામાં લાઉડ સ્પીકર પર તેમજ રેડિયા પર આ ગીત સાંભળતા:
હમ લાયે હૈ તુફાનસે કસ્તી નિકાલ કે,
ઈસ દેશ કો રખના મેરે બચ્ચો સંભાલ કે,
રઘુપતિ રાઘવ રાજારામ.
વીર શહીદોની કુરબાનીનું લતા મંગેશકરના મધુર કંઠે ગવાયેલું, કવિ પ્રદીપનું આ ગીત સાંભળતા આજે પણ મનમાં રાષ્ટ્રપ્રેમ ઝંકૃત થાય છે.
ઐ મેરે વતન કે લોગો, જરા આંખમેં ભર લો પાની.
જો શહીદ હુએ હૈ ઈનકી જરા યાદ કરો કુરબાની-
આઝાદી માટેની જંગના ભગતસિંહ, સુખદેવ કે મંગળપાંડેના બસંતી ચોલાના એ ભગવા રંગમાં આજે પણ આપણા વીર શહીદો દેશની રક્ષા કાજે શહાદત વહોરી લે છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ભારતસરકાર તરફથી સૈનિકોની વીરતાને બિરદાવવા તેમને (૧) પરમવીર ચક્ર (૨) મહાવીર ચક્ર (૩) વીર ચક્ર (૪) અશોકચક્ર (૫) શૌર્યચક્ર જેવા વિશેષ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે.
માત્ર ગીતોમાં, સિનેમામાં કે ઈતિહાસના ચોપડે આ વીરગાથા જાણીએ એના કરતાં જેમણે શહાદત વહોરીને માતૃભૂમિ માટે પોતાના પ્રાણના બલિદાન આપ્યા કે અભૂતપૂર્વ બહાદુરી દાખવી હોય તેમની વીર ગાથા જાણવી જોઈએ.
સિયાચીનની સરહદે ૧૯૯૯માં ઓપરેશન વિજયને સફળ કરતાં ભારતને કારગિલ વિજય મળ્યો. તે વિજયના ૨૫મા રજતવર્ષ નિમિત્તે તથા સ્વાતંત્ર્યના ૭૭મા પર્વની એક બે વીરસ્મૃતિ પ્રસ્તુત કરું છું.
પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન બાણાસિંઘ
વિશ્ર્વની સર્વોચ્ચ. અતિશીત અને દુર્ગમ યુદ્ધભૂમિ એટલે ભારતની ઉત્તર સરહદે આવેલું સીયાચીન. ૧૯૪૭માં આપણને સ્વતંત્રતા મળી ત્યારથી માંડીને આજ સુધી સીમાસુરક્ષા માટે પાકિસ્તાન સાથે આપણે ઘણા યુદ્ધ ખેલવા પડ્યા છે.
૧૯૮૪માં સરહદ પર પાકિસ્તાન સૈન્ય વારંવાર હુમલા કરતું હતું. પાકસૈન્યને અહીંથી ખદેડવા ઓપરેશન રાજીવ યોજના તૈયાર કરવામાં આવી હતી.
સાલ્ટરો રીજ પર ભારતની સોનમ પોસ્ટ હતી, તેની પાછળ થોડી વધુ ઊંચી જગ્યા પર ૨૧૦૦૦ ફૂટની ઊંચાઈએ પાકિસ્તાને ક્વેડપોસ્ટ (કાયદ-ચોકી) ઊભી કરી જેથી ભારતની હિલચાલ પર તે ચાંપતી નજર રાખી શકે.
એપ્રિલ-૧૯૮૭માં આ ઘટના બની. ૧૮એપ્રિલ ૧૯૮૭ની સવારે આપણા બે જખમી સૈનિકોને લઈને આપણું ચોપર બેઝ કેમ્પ તરફ આવી રહ્યું હતું, ત્યારે પાકિસ્તાને આ ચોપર પર હુમલો કર્યો. ચોપરમાંના બે સૈનિકો તત્કાળ મોતને ભેટ્યા અને એક
સૈનિક ખૂબ ઘાયલ થયો. આપણું ચોપર
તૂટી પડ્યું. હવે આપણા સુરક્ષાદળે દૃઢ
નિશ્ર્ચય કર્યો કે ક્વેડપોસ્ટ પાછું મેળવીને જ જંપીશું.
ક્વેડપોસ્ટ મિશનને પૂર્ણ કરવા લેફ્ટનન્ટ કર્નલ એ.પી.રાવનું ૨૪મેની રાત્રિએ મિશન શરૂ થયું. તેમાં લેફ્ટનન્ટ રાજીવ પાંડે સહિત પાંચ જવાનો શહીદ થયા.
૨૩મી જૂને બીજી ટુકડી તૈયાર થઈ પણ હિમવર્ષાને કારણે અગાઉના રોપવે દટાઈ ગયા હોવાથી ટુકડી પાછી ફરી. ૨૫મી જૂને ૧૦ જવાનોને લઈને એક ટુકડી ક્વેડ પોસ્ટ તરફ ગઈ.
તેમણે ગ્રેનેડ અને નાનાં હથિયારો વડે હુમલો કર્યો. ૨૬મી જૂને હવાલદાર બળવંતસિંઘ, લાન્સનાયક લક્ષ્મણ અને સુબેદાર બાણાસિંઘે રાતના અંધારામાં
પ્રયાણ કર્યું.
આ ટુકડીએ આખી રાત બરફના પર્વતના કાંગરે પસાર કરી. વહેલી સવારે ૨૧૫૦૦ ફૂટની ઊંચાઈએ બાણાટોપ પહોંચી ગયા અને હેન્ડગ્રેનેડ વડે પાકસૈન્ય પર અચાનક હુમલો કર્યો. લગભગ બે કલાક સુધી સામસામે ફાયરિંગ થયું.
અંતે બાણાસિંઘે પાકિસ્તાની પોસ્ટ પર કૂદકો માર્યો અને પાકસૈન્યને હંફાવ્યું. અંતે બાણાસિંઘે એ ચોકી કબજે કરી લીધી. બાણાસિંઘની બહાદુરીને બિરદાવતા આ લશ્કરી થાણાને નામ અપાયું બાણાપોસ્ટ. કેન્દ્ર સરકારે ૨૬જાન્યુઆરી ૧૯૮૮ને રોજ ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીરચક્ર એનાયત કરતા તેની વીરતા અને દેશપ્રેમને બિરદાવ્યા.
અત્રે નોંધવું જોઈએ કે વીર બાણાસિંઘે ભારતીય સેનામાં રેજીમેન્ટ-૮ જે.એન્ડ-કે માં ૧૯૬૯ થી ૨૦૦૦ સુધી સેવા આપી હતી.
મિત્રો, હવે આવા જ એક બીજા યુવા ડોકટરની શહીદી અને તેના વૃદ્ધમાતા-પિતાની મૂકવ્યથાની વાત જાણીએ.
સિયાચીન પર ૨૦૦૪માં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા એક યુવાન ડોકટરની હૃદયવિદારક ઘટના જોઈએ.
રોજની જેમ એ દિવસે પણ આજુબાજુએ આવેલી ચોકી પર નિત્યક્રમ મુજબ ડોકટર વિઝિટે નીકળ્યા હતા. તેમની સાથે બીજા બે સાથીદારો પણ હતા. સાથીદારો આગલા સ્નો-સ્કૂટર પર હતા અને ડોકટર એમના સ્કૂટર પર પાછળ આવતા હતા.
જમીન પર બધે બરફ છવાયેલો હતો. થોડી વાર પછી આગળ સ્કૂટર ચલાવી રહેલા સાથીદારોના ધ્યાનમાં આવ્યું કે ડોકટરનું સ્કૂટર તેમની પાછળ પાછળ નથી આવી રહ્યું. તેમને લાગ્યું કે કદાચ ડોક્ટરનું સ્કૂટર ખોટકાઈ ગયું હશે,પણ ડોકટર તો દેખાવા જોઈએ ને ? ડોકટર કેમ દેખાતા નથી? સાથીદારોએ
જોયું કે નજીકમાં ઊંડો ખાડો પડ્યો હતો,
એટલે એ ત્યાં ગયા. ડોકટર કદાચ સ્કૂટર પરથી પડી ગયા હોય પણ ત્યાં ડોકટર દેખાયા નહીં, એટલે એમની કોઈ નિશાનીની
તપાસ કરી, ગોગલ્સ કે એવી કોઈ
નિશાની તો મળવી જોઇએ. પણ કોઈ ભાળ મળી નહીં. અહીં વધુ સમય રહેવું જોખમકારક હતું.
પેલા સાથીદારોએ તેમની પોસ્ટ પર જણાવ્યું. થોડી જ વારમાં બચાવ ટુકડીએ ત્યાં શોધ આદરી. ૫૦ થી ૨૫૦મીટર દોરડું બરફના ઢગમાં ફેરવ્યું પણ કોઈ સફળતા મળી નહીં. અધિકારીઓએ એમને મિસિંગ જાહેર કર્યા.
આખરે વરિષ્ઠ અધિકારીએ ડોકટરના કુટુંબીજનોને દુ:ખદ હકીકત જણાવતાં કહ્યુ:- યોર સન ઈઝ મિસિંગ.
ડોકટરના વૃદ્ધમાતા-પિતાના માથે જાણે આભ તૂટી પડ્યું, પણ તેમના હૈયાના ખૂણે આશા હતી કે કાલે નવો સૂરજ ઊગશે અને અમારો દીકરો મળી જશે. એ રોજ પ્રભુને પ્રાર્થના કરતા- હે, પ્રભુ મારા દીકરાનું રક્ષણ કરજે.
ચાર-પાંચ વર્ષ પછી વૃદ્ધ માતા-પિતાએ કડવા સત્યને સ્વીકારતા દીકરાના આર્મી અધિકારીને પત્ર લખી જણાવ્યું- અમારી આંખ મીંચાય તે પહેલાં મારો દીકરો જ્યાં લાપતા થયો હતો, એ સ્થળના અમને દર્શન કરાવો. આમ તો પરતાપૂરથી આગળના દુર્ગમ સ્થળે કોઈ નાગરિકને જવાની પરવાનગી નથી. પણ આ માતા-પિતાને અધિકારી સાથે જવાની રજા મળી.
માતા-પિતાએ દૂરથી દેખાતા પર્વતશિખરોને તથા ગ્લેશિયર્સને પ્રણામ કર્યા, બરફના નાના ટુકડાને માથે ચઢાવતા અશ્રુભીની આંખે કહ્યુ:-હવે, અમારા દીકરાને તમે સંભાળજો.
દેશ માટે શહાદત વહોરી લેનાર આવા શહીદોનું તેમજ આવા માતા-પિતાનું પુણ્યસ્મરણ કરતાં કરતાં તેમની દેશપ્રેમની ભાવનાને શતશત પ્રણામ કરીએ.
જીવો તો એવું જીવો, જીવન ઉત્સવ લાગ્યા કરે,
મારી માતૃભૂમિને ખાતર, ભલે ને આ રક્ત વહ્યા કરે.
(મેજર ડો. હરેશ તિવારી )
મૈં તિરંગા ફહરાકર વાપસ આઉંગા યા ફીર તિરંગે મેં લિપટકર આઉંગા, લેકિન મૈં વાપસ જરૂર આઉંગા.
ઘર ઘર ત્રિરંગાના આ અભિયાનમાં દેશપ્રેમને તેના સાચા અર્થમાં જાણીએ.
હર કરમ અપના કરેંગે, ઐ વતન તેરે લિયે.
દિલ દિયા હૈ જાઁ ભી દેંગે- ઐ વતન તેરે લિયે.
વંદેમાતરમ, ભારત માતા કી જય.
(સંદર્ભ- મારું પુસ્તક આપણું સિયાચીનમાંથી.)