જિંદગીમાં કોઈ પણ પ્રકારના ચડાવઉતાર આવે ત્યારે પણ ગરિમા જાળવી રાખવી જોઈએ
સુખનો પાસવર્ડ -આશુપટેલ
ફિલ્મસ્ટાર શાહરૂખ ખાનની એક સ્પીચ હમણાં યુ ટ્યુબ પર જોઈ. તેમણે એ સ્પીચ કોલેજીયન વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહી હતી. તેમણે એ સ્પીચમાં કહેલી કેટલીક વાતો વાચકો સાથે શેર કરવાની ઇરછા થઈ. એ વાતો દરેક વ્યક્તિને જીવનમાં ઉપયોગી થઈ શકે એવી છે.
શાહરૂખ ખાન ઘણી વાર વિવાદમાં ઘેરાતા હોય છે અને ઘણા લોકો તેમને અહંકારી માણસ ગણાવતા હોય છે, પરંતુ શાહરૂખ ખાન હોય કે બીજી કોઈ પણ સેલિબ્રિટી, તેમના અનુભવોને આધારે તેમણે કહેલી કેટલીક વાતો પ્રેરક હોય તો એ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના જાણવી-સમજવી જોઈએ. શાહરૂખ ખાને કહેલી આવી જ કેટલીક વાતો જાણવા જેવી છે. આગળના શબ્દો શાહરૂખ ખાનના છે:
“મારા પિતા ખૂબ ભણેલા હતા. તેઓ ખૂબ ગરીબ હતા. તેમને કોઈ નોકરી ન મળી, થોડા ઘણા પૈસા તેમની પાસે હતા. તેમણે એક ધંધો શરૂ કર્યો, પણ એમાં તેમને નિષ્ફળતા મળી. તેમની પાસે પૈસા નહોતા, પણ તેમણે મને ખૂબ પ્રેમ આપ્યો. તેમની આર્થિક સ્થિતિ નબળી હતી એટલે તેઓ મારા દરેક જન્મદિવસે મને તેમની કોઈ જૂની વસ્તુ ભેટરૂપે આપતા હતા.
તેમણે સૌ પ્રથમ જે જૂની વસ્તુ મને મારા જન્મદિવસે ભેટ આપી હતી એ તેમના શતરંજનો સેટ હતો. અને એ પણ તૂટેલો! તેઓ દરરોજ શતરંજ રમતા હતા. અમારા ઘર નજીક હનુમાનજીનું એક મંદિર હતું એના પૂજારી સાથે મારા પિતા રોજ રાતે શતરંજ રમતા હતા. એ સેટ મને ભેટ આપતી વખતે તેમણે મને કહ્યું હતું કે શતરંજથી તમે જિંદગી વિશે ઘણું બધુ શીખી શકશો. પહેલી વાત તો એ કે એકબીજાને સહયોગ આપવો અને હળીમળીને કામ કેવી રીતે કરવું. બીજી વાત એ કે જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક પાછળ પણ જવું પડે છે અને ત્રીજી વાત એ કે તમારાથી જે નાના માણસો છે તેમને સૌથી વધુ માન આપવું. કોઈ પણ માણસ નાનો નથી હોતો. નાની વ્યક્તિઓ પણ જિંદગીમાં કામ લાગે છે. શતરંજમાં જે નાનાં પ્યાદાં હોય છે એ પણ કામ લાગતાં હોય છે. ચોથી અને છેલ્લી વાત એ કે શતરંજ એ શીખવે છે કે જેની સાથે આપણને સૌથી વધુ લગાવ હોય છે એનો પણ કયારેક આગળ વધવા માટે ભોગ આપવો પડતો હોય છે.
બીજી વસ્તુ જે તેમણે મને ભેટરૂપે આપી હતી એ એક ટાઈપરાઈટર હતું. આજના બાળકોને ખબર પણ નહીં હોય કે ટાઈપરાઈટર કેવું હોય છે? હવે બધા કોમ્પ્યુટર પર કામ કરે છે એટલે તેમણે બહુ સાવચેત રહેવું પડતું નથી, પણ ટાઈપ રાઈટરથી માણસ જ્યારે ખોટું લખે છે તો એને ભૂંસવામાં બહુ તકલીફ થાય છે. ટાઇપ રાઈટર પર બહુ જ ધ્યાનથી લખવું પડે છે, આપણે ભૂલ નથી કરી શકતા. અને અગાઉ લોકો ટાઇપ રાઇટર પર ટાઇપ કરતી વખતે ભૂલ કરતા હતા તો એ ભૂંસવા માટે મહેનત કરવી પડતી હતી. એટલે બહુ જ મહેનતથી, બહુ જ ધ્યાનથી કામ કરવું પડતું હતું. હું જયારે સ્કૂલમાં કોમર્સનો અભ્યાસ કરતો હતો એ વખતે મને ખબર પડી કે ટાઈપિંગ માટે પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. તો ટાઇપ રાઈટર પરથી એ બોધ લેવા જેવો છે કે તમે જે પણ કામ કરો એ ખૂબ ધ્યાનથી કરો જેથી કોઈ ભૂલ ન થાય. દરેક કામ એવી રીતે કરો કે એ કામ તમારી જિંદગીનું પહેલું અને છેલ્લું કામ છે અને એના પછી એ કામ ફરી વાર કરવા માટે તમને બીજી તક નહીં મળે.
તેમણે મને ત્રીજી વસ્તુની ભેટ આપી હતી એ હતો એક બહુ જ જૂનો કેમેરા. તેમણે મને જૂનો કેમેરા એટલા માટે આપ્યો હતો કે તેઓ બહુ ગરીબ હતા. અને એ ચાલતો નહોતો! ખાલી એનાથી સારીસારી તસવીરો દેખાતી હતી, પણ નવી તસવીર ખેંચી શકાતી નહોતી! એ કેમેરા થકી તેમણે મને એ શીખવ્યું કે આપણી જે ક્રિએટિવિટી (સર્જનાત્મકતા) હોય છે, આપણો જે શોખ હોય છે. કયારેક કયારેક આપણને કોઈ પ્રવૃત્તિ માટે પ્રેમ હોય છે, પણ આપણે એને આપણી આજીવિકાનું સાધન નથી બનાવી શકતા. આપણી ઇચ્છા હોવા છતાં આપણે એ કામ અપનાવી નથી શકતા. બહુ જ થોડા માણસો હોય છે જેઓ પોતાને શોખ હોય કે લગાવ હોય
એવી પ્રવૃત્તિને આજીવિકાનું સાધન બનાવી શકતા હોય છે, પણ આપણી જે કલા છે જેમ કે કોઈ કોઈ પેઈન્ટર ચિત્રો બનાવે કે કોઈ કવિ કવિતા લખે છે, કોઈને ગાવાનો શોખ હોય છે, પણ જરૂરી નથી કે દુનિયા તેની એ ક્રિએટિવિટી સ્વીકારે. જેમ મારા પિતાએ આપેલા કેમેરાથી તસવીર ખેંચી શકાતી નહોતી, પણ એમાંથી જોવાથી દૃશ્યો સુંદર લાગતાં હતાં એવી જ રીતે આપણી જે ક્રિએટિવિટી છે તે આપણા માટે રાખીએ, કારણ કે જિંદગીમાં ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે તમે બહુ એકલા છો. બની શકે કે તમને જીવનમાં દુ:ખી કરનારો તબક્કો પણ આવે. એ વખતે તમારી જે ક્રિએટિવિટી છે એ તમારી સૌથી સારી દોસ્ત બનશે. દુનિયા તેને માને કે ના માને. હું બહુ જ ખરાબ કવિતા કરું છું, પણ જ્યારે દુ:ખી થાઉં છું ત્યારે લખી લઉં છું! મારી શાયરીઓ બહુ ખરાબ હોય છે. પણ હું જયારે દુ:ખી હોઉં છું ત્યારે લખવા બેસું છું તો મનને શાંતિ મળે છે.
એક જન્મદિવસે મારા પિતાએ મને ભેટ આપી હતી એ કોઈ વસ્તુ નહોતી, પણ એ હતી માણસાઈ. તેમણે મને કહ્યું હતું કે “જીવનમાં હંમેશાં માણસાઈ રાખજે. તેમણ મને એ પણ શીખવ્યું કે “હંમેશાં હસતા રહેવું અને નિર્દોષતા જાળવી રાખવી. એક બાળકની નજરે દુનિયાને જોવી. બાળક બહુ માસૂમ હોય છે એમાં કોઈ ગણતરી કે ખામી નથી હોતી, દુનિયાદારીની વાતો નથી હોતી. એટલે આપણી એક બાળક જેવા બની રહેવું. ઘણી વાર બાળપણમાં મેં ખોટું કામ કર્યુ, કોઈ ભૂલ કરી તો તેમણે હંમેશાં મને તેમની સેન્સ ઓફ હ્યુમરથી બચાવ્યો. એટલે તેમણે એક ભેટ મને સેન્સ ઓફ હ્યુમરની ભેટ પણ આપી. તેમણે મને સમજાવ્યું કે જિંદગીભર તમને લોકો સારી વાત પણ કહેશે અને ખરાબ પણ કહેશે, પણ સેન્સ ઓફ હ્યુમરથી જોશો તો જિંદગી બહુ જ સુંદર લાગશે.
શાહરૂખે એ સ્પીચમાં છેલ્લે કહ્યું હતું કે “તમારા માતા-પિતાએ તમને જે ભેટ આપી છે એ છે ગિફ્ટ ઓફ લાઈફ. જિંદગી એક ખુદ જ બહુ મોટી ભેટ છે. જિંદગીમાં જે પણ મુકામ આવે, જેવું પણ થાય સારું થાય, ખરાબ થાય, તકલીફો આવે, પણ દરેક વસ્તુને રિસ્પેક્ટ કરો અને જિંદગીમાં ગ્રેસ રાખો. દરેક માણસ જે પણ વાત કરશે એ તેની મુશ્કેલીના હિસાબથી કરશે, પોતાની હેસિયત પ્રમાણે કરશે, કયારેક ખોટી વાત પણ કહેશે. જ્યારે તમે કામ કરશો, મોટીમોટી કંપનીમાં નોકરી કરશો, બધા જિંદગીમાં કશુંક બનવાની કોશિશ કરે છે એમ તમે પણ કશુંક બનવાની કોશિશ કરશો, પણ હંમેશાં ગ્રેસ જાળવી રાખજો. જે તમારા સાથી છે, જે તમારી સાથે કામ કરી રહ્યા છે કે જે તમારી સાથે કામ નથી પણ કરતા અને જે તમને સાથ નથી આપતા એ સૌ સાથે ગ્રેસથી (એકબીજાની ગરિમા જળવાઈ રહે એમ) વર્તજો. ગ્રેસથી મોટી વસ્તુ તમે જિંદગીને પાછી આપી શકતા નથી.
સેલિબ્રિટીઝના જીવનમાંથી પણ જીવનમાં કશુંક અપનાવી શકાય. શાહરૂખ ખાનની આ વાતોમાંથી ઘણી પ્રેરણા લેવા જેવી છે, પણ એમાંથી સૌથી મોટી અપનાવવા જેવી વાત એ છે કે જિંદગીમાં કોઈ પણ પ્રકારના ચડાવઉતાર આવે, પણ ગરિમા જાળવી રાખવી જોઈએ.