ડિજિટલ પેમેન્ટ: ધરખમ પરિવર્તન-સાચી દિશામાં…!
યુપીઆઈ અને રૂ-પે કાર્ડ જેવી પ્રોડકટસ ધરાવતા સરકારી સાહસ ‘એનપીસીઆઈ’ની ભુમિકા-એનું
મહત્વ અને ક વ્યાપકતા સમજવા જેવી છે ને નવેસરથી વિચારવા જેવી પણ ખરી….
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’ (એનપીસીઆઈ)ને તમે ભારતની પોતાની ફિનટેક કંપની ગર્વથી કહી શકો-દુનિયા સમક્ષ દુનિયા સમક્ષ દર્શાવી શકો.
વર્ષ ૨૦૨૩ માટે ટાઈમ’ મેગેઝિને ઘોષિત કરેલી ટોચની ૧૦૦ પ્રભાવશાળી કંપનીઓમાં
આને સ્થાન મળ્યું છે. યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ’ (યૂપીઆઈ) અને રૂ-પે કાર્ડ નેટવર્ક એનપીસીઆઈની મુખ્ય પ્રોડકટસ છે, પણ તેના અન્ય પ્રોડક્ટ્સ – જેમ કે, ઈમીડિએટ પેમેન્ટ સર્વિસ (આઈએમપીએસ), નેશનલ ફાઈનાન્શિયલ સ્વિચ (એનએફએસ),
ભારત ઈન્ટરફેસ ફોર મની (ભીમ – ઇઇંઈંખ), ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (બીબીપીએસ), નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસ (એનએસીએચ) અને આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (અયઙજ)ને લીધે ભારતીય ઉદ્યોગજગતમાં નાણાંની લેવડદેવડના પ્રકારમાં ધરખમ પરિવર્તન આવી ગયું છે.
ટેક્નોલોજીને સતત અપગ્રેડ કરી- એની જાળવણી કરવામાં, એના માટે જાહેરખબરો તૈયાર કરાવવા, પ્રોડક્ટમાં નવીનતા લાવવા માટે સંશોધન કાર્ય હાથ ધરવા માટે એનપીસીઆઈ’ સતત મૂડી રોકાણ -ઈન્વેસ્ટમેન્ટ કરતી રહે છે. નાણાકીય વર્ષ ૨પ્૦૨૩ના અંતે તેણે રૂ. ૮૨૮ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. આને લીધે તે ભારતની સૌથી વધારે નફો કરતી ફિનટેક કંપની
બની છે.
સાર્વજનિક હિતના ઉદ્દેશ્ય અને વધુ લોકોને ઔપચારિક અર્થતંત્રમાં સામેલ કરવા માટે તે બિન-નફાકારક સંસ્થા તરીકે કાર્ય કરતી રહી છે. એનો મુખ્ય હેતુ ડિજિટલ પેમેન્ટ્સ અને આર્થિક સ્તરે સામેલગીરી વધારવાનો છે. પરંતુ શું એણે બહોળા હિત માટે પોતાની વ્યૂહરચના વિશે ફેરવિચારણા કરવી જોઈએ ખરી? યૂપીઆઈ મુક્ત છે, પણ એનપીસીઆઈ હજી પણ પૈસા બનાવે છે, તો બિઝનેસ મોડેલ તો લાભકારી છે અને રૂપે કાર્ડ તથા અન્ય પ્રોડકટસના ઉમેરા સાથે એની કમાણી વધી જ
રહી છે.’ આવું પેમેન્ટ્સ ઉદ્યોગના જાણકારોનું કહેવું છે. તેમણે એવો સવાલ કર્યો છે કે એનપીસીઆઈની આર્થિક સ્થિતિ મજબુત છે, તેમછતાં યૂપીઆઈ વ્યવહારોનો ખર્ચ બેન્કોએ શા માટે ઉઠાવવો જોઈએ? એફએસએસના સીઈઓ માને છે, માત્ર ૨૦ કરોડ લોકો જ લેવડદેવડ માટે ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરે છે. જો બાકીના ૮૦ કરોડ લોકોને આ પ્રવાહમાં જોડવા હોય તો આપણે આર્થિક સહાયતા આપવી જરૂરી છે.’
એનપીસીઆઇ’ સામેના સવાલ…
ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશન (આઈબીએ)ના સહયોગ સાથે રચાયેલી એનપીસીઆઈને ૧૦ બેન્કો દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી. આમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, સિટીબેન્ક, બેન્ક ઓફ બરોડા અને એચએસબીસીનો સમાવેશ થાય છે. ૨૦૧૬માં, શેરહોલ્ડિંગ ૫૬ સભ્ય બેન્કો સાથે વ્યાપક બન્યું હતું. તેને પગલે ૨૦૨૦માં નવી સંસ્થાઓ પણ સામેલ થઈ, જેમ કે, પેમેન્ટ સર્વિસ ઓપરેટર્સ, પેમેન્ટ બેન્ક્સ અને સ્મોલ ફાઈનાન્સ બેન્ક્સ.
એની એકાધિકારવાદી પ્રકૃતિને કારણે બજાર ઉપર એકહથ્થૂ નિયંત્રણ રાખવા, પોતાની જરૂરિયાતો મુજબ બજારની જરૂરિયાતોમાં ફેરફારો કરવા અને દેશી પ્રોડક્ટ્સને આગળ કરવાની તેની ક્ષમતા વિશેની ચર્ચાને છૂટો દોર મળ્યો. નવીન કે ભિન્ન એપ્લિકેશન્સના અભાવનું કારણ આપીને રિઝર્વ બેન્કે નવી સંસ્થાની યોજનાને ઔપચારિક રીતે રદ કરી દીધા બાદ ખાનગી ક્ષેત્રના લોકોએ અવાજ ઉઠાવ્યો કે એનપીસીઆઈ વધુપડતી સત્તા ધરાવે છે અને તેને કારણે તંદુરસ્ત હરીફાઈ ગાયબ છે.
આમેય નવીનતા લાવવામાં સમય લાગે છે. જેમ કે, એનપીસીઆઈની સ્થાપના ૨૦૦૮માં કરવામાં આવી હતી, પણ એની કામગીરીનો આરંભ છેક ૨૦૨૦ થયો હતો ને યૂપીઆઈનો આરંભ ૨૦૧૬માં થયો હતો. હવે નવા સ્તરે પહોંચવું હોય તો ખાનગી ક્ષેત્રના ભાગીદારોને સાથે રાખવા જ જોઈએ એવો ઉદ્યોગક્ષેત્રનો મત છે.
દેશના ડિજિટલ પેમેન્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો પૂરો પાડવા માટે માત્ર એક જ સંસ્થા પર સંપૂર્ણ આધાર રાખવો એ ચિંતાનો વિષય બની શકે છે. એનપીસીઆઈની નોંધણી નેશનલ ક્રિટીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે કરવામાં આવી છે, જેમાં સાઈબર જોખમના ઘટાડા, વિદેશી ટ્રાફિક પર દેખરેખ અને એનપીસીઆઈ બોર્ડ અને આરબીઆઈ દ્વારા સતત નિરીક્ષણ પર જોર આપવામાં આવ્યું છે. યૂપીઆઈ નેટવર્ક પર ઓક્ટોબર ૨૦૨૩માં વિક્રમસર્જક કહેવાય એવા ૧,૧૪૧ કરોડ વ્યવહાર પ્રોસેસ થયા હતા, જેનું
મૂલ્ય રૂ. ૧૭.૧૬ લાખ કરોડ હતું.
આ વ્યવહારો ૩૩ કરોડ યૂનિક યૂઝર્સ વચ્ચે અને ૪૦૦ સહભાગી બેન્કો મારફત થયા હતા. વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૩ વચ્ચેના સમયગાળામાં યૂપીઆઈ વ્યવહારો મૂલ્યની દ્રષ્ટિએ ૧૬૩ ટકા અને કદની દ્રષ્ટિએ ૫૬ ટકા વધ્યા હતા.
જો કે, પબ્લિક સેક્ટર યૂનિટ નવરત્ન રાતોરાત માથાનો દુખાવો બની શકે છે અને ભૂતકાળમાં આપણે આવું જોઈ ચૂક્યા છીએ.
સાર્વજનિક હિત…
એનપીસીઆઈના દ્રષ્ટિકોણથી જોઈએ તો, નોન-પ્રોફિટ ટેગ આવશ્યક લાગે છે, કારણ કે ઓપન માર્કેટ અભિગમ મૂડીવાદ તરફ દોરી જાય અને ખાનગી ભાગીદારોની નફાની લાલચ તમામ નાગરિકો માટે મફત કે સસ્તા ખર્ચે ડિજિટલ પેમેન્ટ્સ વ્યવસ્થા અને આર્થિક સામેલગીરીને ઉત્તેજન આપવાના સરકારના ઉદ્દેશ્યોને ક્યાંય ફગાવી દે, પરંતુ એનપીસીઆઈએ બહોળી વૈશ્વિક સ્વીકૃતિ માટે, ખાસ કરીને યૂપીઆઈ અને રૂ-પે માટે, હજી ઘણું કરવાનું બાકી છે. કેટલા દેશો રૂ-પે કાર્ડ ઈશ્યૂ કરે છે?
ભારતમાં તો તમે સરકારના ટેકા વડે મેજોરિટી પ્રોડક્ટ બનાવી શકો, પણ વૈશ્વિક સ્તરે જો એને બળવાન બનાવવા હોય તો તમારે ખાનગી ભાગીદારોને સાથે રાખવા જ પડે, એવું એક વરિષ્ઠ પેમેન્ટ નિષ્ણાતનું કહેવું છે. હાલ અમલમાં રહેતા ડેબિટ કાર્ડ્સના ક્ષેત્રે માર્કેટ શેરની દ્રષ્ટિએ રૂપેએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ક્રેડિટ કાર્ડ માર્કેટમાં પણ તે વિકાસ માટે અગ્રસર છે. એ માટે તાજેતરમાં તેણે મોટી બેન્ક તથા નોન-બેન્ક ઈશ્યૂઅર્સ સાથે સહયોગ કર્યો છે.
યૂપીઆઈ પર રૂપે ક્રેડિટ કાર્ડને લિન્ક કરવા અને વિદેશમાં રૂપે પ્રીપેડ ફોરેક્સ કાર્ડ ઈસ્યૂ કરવા સહિતના વેલ્યૂ-એડેડ ફીચર્સ મારફત ઓફર કરાયેલા લાભોના આધારે તંત્ર ચાલે છે. નવા ઈસ્યૂ કરાયેલા ક્રેડિટ કાર્ડ્સમાં આશરે ૨૫ ટકા કાર્ડ્સ રૂપે નેટવર્ક પર છે.
હાલ ૩૦ કરોડ યૂપીઆઈ યૂઝર્સમાંથી માત્ર અઢીથી ત્રણ કરોડ જેટલા જ ક્રેડિટ કાર્ડધારકો છે. માસિક ક્રેડિટ કાર્ડ ખર્ચમાં ૧૦ ટકા માર્કેટ હિસ્સો હાંસલ કરવાની એનપીસીઆઈની નેમ છે. જે હિસ્સો હાલ માત્ર એક ટકો છે – એટલે કે રૂ. ૧,૩૦૦-૧,૫૦૦ કરોડ જેટલા વ્યવહારો. એનપીસીઆઈએ તેના લક્ષ્યાંકને હાંસલ કરી લીધા છે અથવા ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી લીધી છે અને હવે આ નફાનું રૂપાંતર નવરત્નમાં કરી શકાય એમ છે અથવા સ્ટોક એક્સચેન્જો પર એને લિસ્ટ કરાવી શકાય એમ છે એવું જો સરકાર નક્કી કરે તો તેનું માળખું યા સ્વરૂપ વધુ બદલાઈ શકે. તાજેતરમાં જ રિઝવ બેંકે મ્યુચ્યુઅલ ફંડની યોજનામાં પણ ટ્રાન્ઝેકશનદીઠ રોકાણ મર્યાદા ૧૫ હજારથી વધારીને રૂ ૧ લાખ કરી છે. અગાઉ શિક્ષણ સંસ્થા અને હોસ્પિટલ્સ માટે પણ યુપીઆઈ માર્ગે પેમેન્ટ લિમિટ વધારાઈ હતી. આમ યુપીઆઈનું ચલણ સતત વધી રહે એવા સંજોગો અને શકયતા આકાર પામી રહયા છે.
બીજા શબ્દોમાં જય હો, ડિજિટલ ઈન્ડિયા’! (સંપૂર્ણ )