સંવાદો અને સીનજાણીતા અને પરિચિત

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
ખૂંખાર ખલનાયક
દરેક ફિલ્મમાં એક ખૂંખાર ખલનાયક હોય જ છે. તે કેટલો ખૂંખાર છે તે દર્શાવવા માટે તેની ખૂંખારી વિશેના અલગ અલગ પ્રકારે વર્ણન કરવામાં આવતું હોય છે, અલગ અલગ પ્રકારના સંવાદો બોલાવવામાં આવતા હોય છે. આવો જ એક સીન ભારતીય ફિલ્મોમાં એક પરંપરા બની ગયો છે. જ્યારે ખલનાયક આ સંવાદ બોલ્યો કે ‘દુનિયામેં ઐસી કોઈ જેલ નહીં બની, જો મુઝે એક મહિને સે જ્યાદા કૈદ રખ સકે.’ (દુનિયામાં એવી કોઈ જેલ બની નથી, જે મને એક મહિનાથી વધુ સમય માટે કેદ રાખી શકે.)
ત્યારપછી તો એક મહિનાની અંદર-અંદર તે ખલનાયક જેલ તોડીને ભાગી જતો હોય છે. હવે દરેક ખૂંખાર ખલનાયકને એક મહિનાની અંદર જ જેલ તોડીને ભાગવું પડે છે, એક દિવસ પણ વધુ લાગી ગયો તો ઈજ્જત મળી ગઈ માટીમાં.
હવે તો ખલનાયકની પ્રતિષ્ઠાના ગૂણગાન ગાવા માટે પોલીસે જ આ સંવાદ બોલવો જોઈએ કે ‘હજુર, યહ તો આપકા બડપ્પન હૈ કી આપ એક મહિના ઈસ જેલમેં ટિકે રહે, વરના પહેલે ભાગ જાતે તો કોઈ આપકા ક્યા બિગાડ લેતા.’ (સાહેબ, આ તો તમારી મોટાઈ છે કે એક મહિનો તમે આ જેલમાં ટકી રહ્યા, અન્યથા વહેલા ભાગી જાત તો કોણ તમારું શું બગાડી લેવાનું હતું.)
અપને આદમિયોં સે કહો, બંદૂકેં ફેંક દેં
હમણાં થોડા દિવસ પહેલાં એક ફિલ્મ જોઈ રહ્યો હતો. ક્લાઈમેક્સનો સીન હતો, ખલનાયક અને નાયકના માણસો વચ્ચે ફાયરિંગ ચાલી રહી હતી. એટલામાં નાયક અને તેના માણસો અત્યંત સ્ફૂર્તિથી ખલનાયકને કાબૂ કરી લે છે, આમ છતાં આખા હોલમાં એકેય તાળી વાગી નહીં. હું પરેશાન થઈ ગયો અને બાજુમાં બેઠેલા એક દર્શકને પૂછ્યું તો એણે કહ્યું કે ‘અત્યારે તાળી કેવી રીતે વગાડી શકાય? હજી તો ખલનાયકનો માણસ નાયકની માતાને બાંધીને લઈ આવશે અને નાયકને કહેશે કે તમારા માણસોને કહો કે હથિયાર ફેંકી દો. પછી એવું જ થયું. નાયકની અપહૃત માતાને દેખાડવામાં આવી અને ખલનાયકનો અવાજ ગુંજ્યો. ‘અપને આદમીઓં સે કહો બંદૂકિેંં ફેંક દેં’ અને નાયકના માણસોએ બંદૂકો ફેંકી દીધી. ક્યારેક નાયક અને ક્યારેક ખલનાયકના મોંમાં આ સંવાદ અનેક ફિલ્મોમાં નાખવામાં આવ્યો છે. (શબ્દાંકન: વિપુલ વૈદ્ય)