સંવાદો અને સીન જાણીતા અને પરિચિત
કેટલાક સંવાદો અથવા સીન સદાબહાર હોય છે, જે હજારો ફિલ્મોમાં સેંકડો વખત વાપરવામાં આવતા હોય છે. આ સંવાદો એટલા જાણીતા અને પરિચિત થઈ જતા હોય છે કે દર્શકોને પહેલેથી જ ખબર પડી જતી હોય છે કે હવે આ પૂછશે એટલે એનો જવાબ આ આવશે. આવો આપણે આજે જોઈ લઈએ આવા જ પરિચિત સંવાદો.
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
ઓપરેશન થિયેટરની બહાર
આપણો દેશ પરંપરાઓમાં આસ્થા રાખે છે, કેમ કે પરંપરાઓ પર ચાલવું સહેલું હોય છે. ફિલ્મોની બાબતોમાં પણ આપણે ઘોર પરંપરાવાદી છીએ. આ વાતનો પુરાવો છે, ફિલ્મોના કેટલાક જાણીતા-ચિરપરિચિત સીન.
ઓપરેશન થિયેટરની બહાર લાલ બત્તી સળગી રહી છે. પરિવારના બધા જ સભ્યો ભારે ચિંતાગ્રસ્ત હાલતમાં બેઠા છે. એમાંથી એક વ્યક્તિ આંટા ફેરા કરી રહી છે. આ સીન જો ઈન્ટરવલ પહેલાં આવ્યો તો દર્શકોને ખબર છે કે શું થશે અને ક્લાઈમેક્સ પહેલાં આવે તો પણ દર્શકોને ખબર જ હોય છે કે શું થવાનું છે. મારું નિરીક્ષણ છે કે બંને સ્થિતિને બાદ કરતાં આ સીન ફિલ્મમાં આવતો જ નથી.
અત્યંત સરળ છે. જો સીન ઈન્ટરવલની પહેલાં આવ્યો તો ડૉક્ટર મોં લટકાવીને થિયેટરની બહાર આવશે અને આંટાફેરા કરી રહેલી વ્યક્તિના ખભે હાથ મૂકીને કહેશે કે ‘અમે દરદીને બચાવી શક્યા નથી.’ જો આ સીન મહિલા વોર્ડનો હશે તો ડોક્ટર એક જ સમાચાર આપશે કે ‘માફ કરજો, અમે બાળકની માતાને બચાવી શક્યા નથી.’
જો આ સીન ક્લાઈમેક્સની પહેલાં આવતો હશે તો પહેલાં તો ડોક્ટર મોં લટકાવીને થિયેટરની બહાર આવશે, આંટાફેરા કરી રહેલા વ્યક્તિના ખભે હાથ મૂકશે, થોડું સ્માઈલ આપશે અને પછી કહેશે કે ‘દરદીને હોશ આવી ગયું છે. તમે એમને મળી શકો છો.
નાયિકા પાસેથી ‘હા’ પડાવવી
નાયિકા કદાચ નાયકને પ્રેમ કરી રહી છે, પરંતુ હજી સુધી તેણે ‘હા’ પાડી નથી. નાયક તેની પાસે હા પડાવવા માગે છે. ‘અરે બેવકૂફ, આ છોકરી છેલ્લા ત્રણ કલાકથી એકાંતમાં તારી સાથે છે. જો તને પ્રેમ ન કરતી હોય તો જખ મારવા માટે અહીં આવત જ શા માટે? પરંતુ તે આ વાત સમજશે નહીં. તે તો બસ, જેમ કે આજે સ્ટેમ્પ પેપરની ઉપર લખાવીને પછી જ જંપશે.’
મને પ્રેમ કરતી હોય તો ‘હા’ પાડ નહીં તો ‘હું આમ કરી નાખીશ,’ ‘તેમ કરી નાખીશ,’ ‘અહીંથી કૂદી જઈશ.’ નાયિકા પણ અત્યંત માસૂમ બનીને કહી દેશે કે ‘અચ્છા તો કૂદી જા.’ અને પછી નાયક કૂદી જાય છે.
હવે નાયિકા ખોટે-ખોટા બેહોશ પડેલા નાયકની પાસે એવી રીતે વિલાપ કરતી હોય છે જાણે કે કોઈ સતી-સાવિત્રીનો
પતિ મરી ગયો હોય. નાયક એક આંખ ખોલીને થોડી વાર મજા લેતો હોય છે અને તેની સાથે જ આપણા પરંપરાવાદી દર્શકો પણ મજાનો આનંદ માણતા/મજા માણી રહ્યા હોય છે. દર્શકોની સ્વીકૃતિ મળતાં જ આ સીન પરંપરા બની ગયો અને દર ત્રીજી ફિલ્મમાં આવવા લાગ્યો છે. (શબ્દાંકન: વિપુલ વૈદ્ય)