સંવાદો અને સીન જાણીતા અને પરિચિત
કેટલાક સંવાદો અથવા સીન સદાબહાર હોય છે, જે હજારો ફિલ્મોમાં સેંકડો વખત વાપરવામાં આવતા હોય છે. આ સંવાદો એટલા જાણીતા અને પરિચિત થઈ જતા હોય છે કે દર્શકોને પહેલેથી જ ખબર પડી જતી હોય છે કે હવે આ પૂછશે એટલે એનો જવાબ આ આવશે. આવો આપણે આજે જોઈ લઈએ આવા જ પરિચિત સંવાદો.
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
તુમને આને મેં બહુત દેર કર દી
વીસ વર્ષ પહેલાં એક ફિલ્મ આવી હતી. પિતા હોસ્પિટલમાં બીમાર પડ્યો છે, ડૉક્ટર દવાના પ્રિસ્ક્રિપ્શન પુત્રના હાથમાં પકડાવીને કહેશે કે આ દવાઓ જલદી જઈને લઈ આવો. દીકરો ભાગી-ભાગીને ક્યાંથી જુગાડ બેસાડીને દવાઓ લઈને પાછો હોસ્પિટલમાં આવે છે. તેનો પિતા મરી ચૂક્યો છે અને ડૉક્ટર તેને કહે છે કે તુમને આને મેં બહુત દેર કર દી. (તમે આવવામાં ઘણું મોડું કરી નાખ્યું છે)
તેના પછી આવી પરિસ્થિતિઓમાં જ્યારે જ્યારે કોઈ દીકરો દવાના પ્રિસ્ક્રિપ્શન લઈને બજારમાં જાય છે ત્યારે ત્યારે તેને ડૉક્ટરો પાસેથી એ જ જૂનો અને જાણીતો સંવાદ સાંભળવા મળે છે. તુમને આને મેં બહુત દેર કર દી. હવે ખબર પડતી નથી કે દીકરો ક્યારે ટાઈમ પર આવશે અને ખબર નહીં કે ક્યારે અમારા સંવાદ લેખકને તેના બદલે નવો સંવાદ સૂઝશે.
મૈં તુમ્હારે બચ્ચે કી માં બનને વાલી હું
જેવી રીતે આત્મા અમર છે તેવી જ રીતે કેટલાક સંવાદો પણ અમર હોય છે. જ્યાં સુધી ફિલ્મો રહેશે ત્યાં સુધી આ સંવાદો પણ રહેશે. આવો જ એક સંવાદ છે કે મૈં તુમ્હારે બચ્ચે કી માં બનને વાલી હું. (હું તારા સંતાનની માં બનવાની છું)
આ સંવાદ કંઈ કેટલીય વખત કંઈ કેટલીય ફિલ્મોમાં ઉપયોગમાં લેવામાં આવ્યો છે. કોઈ ફિલ્મમાં આ સંવાદ સાંભળીને કોઈને અપાર આનંદ મળ્યો છે, તો કોઈ ફિલ્મમાં આ સંવાદ સાંભળીને કોઈની નાની મરી ગઈ છે. કોઈએ આ સંવાદ સાંભળીને મુસીબત વહોરી લીધી છો તો કોઈએ આ સાંભળીને પોતાની જાતને મુશ્કેલીમાં હોવાનું અનુભવ્યું છે. આવો અસરદાર અને બહુઆયામી છે આ સંવાદ, મૈં તુમ્હારે બચ્ચે કી માં બનને વાલી હું. જેટલો સુખદ એટલો જ ડરામણો. એટલો જ બોર અને વાસી. ભગવાન ખબર નહીં કે ક્યારે આવા સંવાદથી ફિલ્મોને મુક્તિ મળશે. (શબ્દાંકન: વિપુલ વૈદ્ય)