સંવાદો અને સીન જાણીતા અને પરિચિત

સાહબ બાથરૂમ મેં હૈ – આશકરણ અટલ
કેટલાક સંવાદો અથવા સીન સદાબહાર હોય છે, જે હજારો ફિલ્મોમાં સેંકડો વખત વાપરવામાં આવતા હોય છે. આ સંવાદો એટલા જાણીતા અને પરિચિત થઈ જતા હોય છે કે દર્શકોને પહેલેથી જ ખબર પડી જતી હોય છે કે હવે આ પૂછશે એટલે એનો જવાબ આ આવશે. આવો આપણે આજે જોઈ લઈએ આવા જ પરિચિત સંવાદો
એ પૂછો કે શું નથી થયું
ફિલ્મના દૃશ્યમાં જ્યારે કોઈ ઠાકુર કે સરદાર પોતાના માણસો સાથે ઊભો હોય ત્યારે જગ્ગા નામનો વ્યક્તિ તેના માણસને ઉઠાવીને લઈ ગયો છે અને ત્યારે જ તેનો એક ચમચો અત્યંત ગભરાયેલી અવસ્થામાં આવીને તેમને આની જાણકારી આપે ત્યારે તેમની વચ્ચે જે વાતો થાય તે આવી જ રીતે થતી હતી અને આગળ પણ થતી રહેશે–
‘હુજુર, ગજબ હો ગયા.’ (સાહેબ, ભારે ગજબ થઈ ગયું)
‘ક્યા હુઆ?’ (શું થયું)
‘યહ પૂછીએ કી ક્યા નહીં હુઆ.’ (એમ પૂછો કે શું નથી થયું)
‘અબે, ખડા-ખડા પહેલિયાં હી બુઝાતા રહેગા યા કુછ બકેગા ભી.’ (હવે, ઊભો ઊભો કોયડા કરશે કે શું થયું તે કહેશે)
‘જગ્ગા કે આદમી હમારે આદમી કો ઉઠાકર લે ગયે.’ (જગ્ગાના માણસો આપણા માણસને ઉઠાવીને લઈ ગયા છે)
સરદાર તરત જ તેને એક તમાચો મારે છે
‘અબ ખડે-ખડે મેરા મુંહ ક્યા તાક રહે હો? જાઓ, ઉસે જાકર ઢૂંઢો.’(હવે ઊભા ઊભા મારું મોં શું જોઈ રહ્યા છો, જઈને એને શોધો)
હું તને એટલી સહેલાઈથી નહીં મારું
એક અત્યંત ચિર-પરિચિત ડાયલોગ જે લગભગ દર બીજી ફિલ્મમાં સાંભળવા મળે છે તે છે ‘મૈં તુઝે ઈતની આસાની સે નહીં મારુંગા.’ (હું તને એટલી સહેલાઈથી નહીં મારું) આ ડાયલોગ સાંભળે એટલે દર્શક સમજી જાય છે કે આની બુદ્ધિ બહેર મારી ગઈ છે. હવે આ તેને ક્યારેય મારી નહીં શકે અને પછી થાય છે પણ એવું જ, તે બચીને છટકી જતો હોય છે. જેટલો ચિર-પરિચિત આ સંવાદ છે એટલો જ ચિર-પરિચિત આ દૃશ્યનો અંત પણ હોય છે.
તડપાવી તડપાવીને મારવાની લાલચમાં હાથમાં આવેલો દુશ્મન બચીને ભાગી જતો હોય છે અને કદાચ એટલા જ માટે કહ્યું છે કે લાલચ બૂરી બલા છે. ‘હવે તું પોતે જ તડપ. તે હવે તારા હાથમાં થોડો જ આવવાનો છે. કોઈ ઢાબામાં બેસીને અંડા-કરીનો ઑર્ડર આપી રહ્યો હશે. ઉપરવાળો આવી તક વારંવાર થોડી આપતો હોય છે.’ પૃથ્વીરાજ ચૌહાણે પણ આ જ ભૂલ કરી હતી. આપણો નાયક પણ આવી જ ભૂલ કરતો હોય છે.