સંવાદો અને સીન જાણીતા અને પરિચિત
કેટલાક સંવાદો અથવા સીન સદાબહાર હોય છે, જે હજારો ફિલ્મોમાં સેંકડો વખત વાપરવામાં આવતા હોય છે. આ સંવાદો એટલા જાણીતા અને પરિચિત થઈ જતા હોય છે કે દર્શકોને પહેલેથી જ ખબર પડી જતી હોય છે કે હવે આ પૂછશે એટલે એનો જવાબ આ આવશે. આવો આપણે આજે જોઈ લઈએ આવા જ પરિચિત સંવાદો.
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
નાયકનું તકિયા-ચાદર લઈને બહાર સૂઈ જવું
નાયિકા ઘરેથી ભાગી છૂટી છે. નાયક આવારા અને મવાલી પ્રકારનો છે. બંનેની મુલાકાત થાય છે. નાયિકા બેઘર છે, તેને સૂવા માટે એક છતની જરૂર છે. નાયકને આ વાતની ખબર પડે છે અને તે નાયિકાને પોતાની ઓરડી પર લઈને આવે છે. રાતે સૂવાના સમયે અચાનક નાયિકા ચોંકીને એવો સવાલ કરે છે કે ‘તમે ક્યાં સૂવાના છો?’ નાયક ચૂપચાપ એક તકિયો અને એક ચાદર લઈને ઊભો થઈ જાય છે અને ઓરડીની બહાર જઈને સૂઈ જાય છે. આ સીન ભારતીય નાયકના ચરિત્રનું દર્પણ છે. નાયક ભલે ચોરી-ચપાટી કરતો હોય, ભલે મવાલી હોય, આવા પ્રસંગે તે પહેલાં પણ બહાર જ સૂઈ જતો હતો, આજની તારીખે પણ બહાર જ સૂવા જતો રહે છે અને આવતીકાલે પણ તે બહાર જ સૂવા જતો રહેશે. ઓ વિદેશીઓ આવો અને અમારા હીરોનું ચરિત્ર જોઈ લ્યો. આ મવાલી પાસેથી થોડું કંઈ શીખી લ્યો. આવું જ પાત્ર શ્રી ૪૨૦ મુવીમાં રાજ કપૂરે ભજવ્યું હતું.
પરદેશીને પ્રેમ કરી બેસવું
ભારતીય ફિલ્મોની નાયિકા ઘણી વાર પરદેશીને જ પોતાનું દિલ આપી બેસે છે. પ્રેમના મામલામાં પરદેશી જ તેની પહેલી પસંદગી છે. મધુમતી ફિલ્મની મધુ હોય કે પછી રામ તેરી ગંગા મૈલીની ગંગા હોય. આવી ફિલ્મોમાં એક બાબુ જેવો માણસ આવે છે, જે પરદેશી હોય છે. નાયિકા તેને પહેલી જ નજરમાં દિલ આપી બેસે છે. તે પરદેશી બાબુ તેને પહેલી મુલાકાતમાં જ ગર્ભવતી બનાવી દેતો હોય છે. ન જાણીતો, ન ઓળખીતો, ન પરદેશી બાબુનું સરનામું પણ ખબર હોય, બસ, નાયિકાને એટલો પાક્કો વિશ્ર્વાસ હોય છે કે તેનો પરદેશી બાબુ એક દિવસ ચોક્કસ પાછો આવશે અને સાહેબ તે આવે છે. આખા ગામમાં છોકરીની થૂ-થૂ થયા પછી, જ્યારે તેનો પિતા આત્મહત્યા કરી લે છે અને ગામવાળાઓ છોકરીને ગામમાંથી કાઢી મૂકે છે ત્યારે તે પાછો ફરે છે. પણ તે પાછો ફરે છે જરૂર.