ધ્યાન- મેડિટેશન ને હોર્મોન્સ… કેટલી હદે કામયાબ?

ત્રિકોણનો ચોથો – વિક્રમ વકીલ
ફેઇથ હીલિંગ એટલે કે શ્રદ્ધાવડે બીમારની સારવાર કરવાની એક પદ્ધતિ. આપણા દેશમાં અને વિદેશમાં પણ આ ક્ધસેપ્ટ નવો નથી. દેશમાં જ્યારે કોરોનાનો વ્યાપ ખૂબ વધારે હતો ત્યારે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે,જે કોરોનાથી સતત ડરતા નથી કે હકારાત્મક વલણ રાખે છે એમાંથી મોટા ભાગના કોરોનાથી પ્રભાવિત થયા નથી.
આ સાબિત કરવાના કોઈ ડેટા આપણી પાસે જો કે નથી. આમ છતાં આ તબક્કે ફેઇથ હીલિંગ વિશે પુર્ન:વિચાર કરવો જ રૂરી બને છે.
થોડાં વર્ષ પહેલાં અમદાવાદમાં એક ૫૫વર્ષના બહેનને મળવાનું થયું હતું. એ અપરિણિત હતાં ને એકલાં રહેતાં હતાં. એમને એક ગુરુમાતા પર ખૂબ જ વિશ્ર્વાસ-શ્રદ્ધા વાતચિત દરમિયાન એમણે કહ્યું હતું કે
‘હું સતત એવી ફિલિગ રાખું છું કે મારી સાથે મારા ગુરુમા હંમેશાં રહે છે. એ મારું રક્ષણ કરે છે. મારા મા-બાપના મૃત્યુ પછી જ્યારે પણ હું સંકટમાં હોઉં છું કે તબિયત ખરાબ થાય છે ત્યારે હું સતત ગુરુમાનું રટણ કરું છું. એ રીતે હું સંકટોમાંથી બહાર આવી શકું છું…’ અહીં સવાલ એ છે કે શું શ્રદ્ધાથી કે પ્રાર્થનાની મદદથી આપણી શારીરિક તંદુરસ્તી સુધરી શકે છે?અમેરિકા જેવા દેશમાં તો મોટાભાગની હોસ્પિટલોમાં હવે ફેઇથ હીલિંગ’ તરીકે ઓળખાતી શાખા પણ શરૂ કરવામાં આવી છે. ‘આત્માની સંભાળ’ જેવાં નામોથી અમેરિકાની કેટલી તબીબી કોલેજોમાં અભ્યાસક્રમ પણ ચાલી રહ્યો છે. ફેઇથ હીલિંગ બાબતે રિર્સચ કરતા અમેરિકાના ડો. રિચાર્ડ ગ્રિફિથનું માનવું છે કે,શારીરિક અને માનસિક રીતે બીમારીથી ત્રસ્ત થઈને લોકો ડોક્ટર પાસે જતા હોય છે. કેટલાક દર્દીઓ આધુનિક વિજ્ઞાનની મદદથી સારા થઈ શકતા નથી આવા દર્દીઓ વૈકલ્પિક સારવાર પસંદ કરે છે અને આધ્યાત્મિક ગુરુઓને શરણે જાય છે. થોડાં વર્ષ પહેલાં દક્ષિણ અમેરિકાના એક મેડિકલ સેન્ટર ખાતે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. હાર્ટ સર્જરીના કુલ૧૬૨કેસમાંથી ફેઇથ હીલિંગ પર શ્રદ્ધા રાખનારાઓ કરતા આ પદ્ધતિ પર શ્રદ્ધા ન ધરાવનારા દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ ઘણું વધારે જોવા મળ્યું હતું. મુંબઈની એક જાણીતી હોસ્પિટલમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ફેઇથ હીલિંગ દ્વારા સેવા આપતા એક ડોક્ટરની નિમણૂંક કરવામાં આવે છે. અહીંના ડોક્ટર દર્દીને માથા પર હાથ ફેરવીને આશીર્વાદ આપે છે અને દર્દીને એના દર્દમાં ઘણી રાહત પણ લાગતી હોવાનું મનાય છે.
જો કે ફેઇથ હીલિંગમાં પ્લેસીબો ઇફેક્ટની અગત્યતા ઘણી છે. એક જાણીતા મનોચિકિત્સક કહે છે કે ‘દર્દી પોતાને અપાતી સારવારમાં જો સંપૂર્ણ શ્રદ્ધા રાખતો હોય તો કેટલાક કિસ્સાઓમાં એક સામાન્ય દવાથી પણ સારો થઈ શકે છે. શ્રદ્ધાની આ સારવારને ‘પ્લેસીબો ઇફેક્ટ’ પણ કહેવામાં આવે છે. કેટલાક દર્દીને ગળામાં માદળિયુ બાંધવાથી કે મંત્ર દ્વારા સિદ્ધ કરેલી વિંટી પહેરવાથી પણ તબિયતમાં સુધારો થતા હોવાના કિસ્સા જોવા મળે છે. વૈજ્ઞાનિક રીતે પણ આ વિશે અભ્યાસ થઈ રહ્યો છે. જો કે હજી સુધી એ પુરવાર થયું નથી કે ભગવાન કે બીજા ચમત્કારોમાં શ્રદ્ધા રાખનારાઓ મજબૂત મનોબળને કારણે સારા થાય છે કે પછી એ એક ભ્રમણા જ છે.’ જાણીતા લેખક ડો. હર્બટ બેન્સનના પુસ્તક ‘ધ રિલેક્સેશન રિસ્પોન્સ’માં લે છે કે,કોઈ એક જ અવાજ કે કલ્પના પર ધ્યાન કેન્દ્રીત કરવાથી શરીરમાં તણાવ ઉત્પન્ન કરતા હોર્મોન્સ ઓછા થઈ શકે છે. નિયમિત ધ્યાન કરવાથી અનિંદ્રાના રોગીઓ વગર દવાએ ઊંઘ મેળવતા થયા છે. ઘણી બાળક વાંચ્છું સ્ત્રીઓ ગર્ભવતી થઈ છે અને૪૩ટકા જેટલા લોકોએ પેઇનકિલર દવાઓનો ઉપયોગ ઓછો કરી નાખ્યો હોય એવું પણ ધ્યાનમાં આવ્યું છે. લેખક બેન્સને એમના બીજા પુસ્તકનું નામ ‘ટાઇમલેસ હીલિંગ’રાખ્યું છે. એ તો ત્યાં સુધી માને છે કે ‘માણસનું બંધારણ જ ધાર્મિક આસ્થાના આધારે ઘડાયેલું છે.’
આ છે અજબ ગજબની મજાર
મજાર પર જૂતાં મારવાથી મનની મુરાદ પૂરી થાય તેવું તમે ક્યાંય સાંભળ્યું છે?
જો કે , એવી એક મજાર છે જેને લોકો હોશેહોશે જૂતાં મારે છે. એ મજારનું નામ છે ‘ચુગલખોર કી મજાર.’
ઉત્તર પ્રદેશમાં ઇટાવા-ફરુખાબાદ પર આવેલી આ મજાર વિશે એવી માન્યતા પ્રવર્તે છે કે ચુગલખોરની આ મજારને જે માણસ પાંચ વાર બૂટ-ચંપલ-સ્લિપર મારશે એના મનની ઇચ્છા પૂરી થશે. અહીંના એક ચુગલખોરની ચુગલીને કારણે અહીંના રાજાએ યુદ્ધમાં ઘણું નુકસાન ખમવું પડેલું. એ માણસને સજારૂપે મારી નાખવામાં આવ્યો અને ચુગલીની સજા કેવી આકરી હોય છે તે વાત લોકોને યાદ રહે એ માટે રાજાએ મજાર પર મોટી ઇમારત ચણાવી અને ત્યાં એવો શિલાલેખ કોતરાવ્યો કે જે કોઈ આ મજાર પર પાંચ વાર જૂતાં મારશે તેની મનોકામના પૂરી થશે…..!