બાવાના બારણે દટાયા ભક્તિ-ભીડ ભારે પડી
મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઇટલ્સ:
વિશ્ર્વાસ-અંધવિશ્ર્વાસમાં શ્ર્વાસ જેવી પાતળી ભેદરેખા છે.
(છેલવાણી)
આપણાં જેવા સામાન્ય માણસોને માપસર ફિટિંગમાં આવે એવું જીન્સ નથી મળતું તો સાક્ષત્ ભગવાન ક્યાંથી મળે? રવિવારે પણ ખાલી રસ્તા પર ગાડી પાર્કિંગ નથી મળતું તો પરમકૃપાળુ પરમાત્મા ક્યાંથી મળે?
એક કપલ ચર્ચમાં ગયું, ત્યાં ખૂબ ભીડ હતી એટલે પત્નીએ પતિને કહ્યું : ‘ડાર્લિંગ, તું પાદરીને સાંભળ, હું બાજુમાં સાડીનું સેલ જોઇને આવું છું.’ પછી પેલી પાંચ જ મિનિટમાં પાછી આવી તો પતિએ પૂછ્યું, શું થયું? ભગવાનનો ડર લાગ્યો એટલે પાછા આવવું પડ્યુંને? ‘ના હવે, સાડીનાં સેલમાં આ ચર્ચ કરતાં વધારે લાંબી લાઇન હતી!’
ટૂંકમાં, લાઇન ને ભીડ બધે જ છે. ભવભવની ભીડ ભાંગે એવા ભગવાનને ત્યાં પણ અને ભગવાન સુધી પહોંચાડવાનો દાવો કરતા બાવા-બાપુ-મૌલવી-પાદરીઓને ત્યાં પણ. હમણાં થોડા દિવસો પહેલા યુ.પી. ના હાથરસમાં સૂરજપાલ ઉર્ફ ભોલેબાબાના સત્સંગમાં ૧૨૩ લોકો ભાગદોડમાં ચગદાઈને મરી ગયા! એવામાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઓડિશાના પુરી શહેરમાં અનેક લોકો ઘાયલ થયેલા અને એક જણનું મૃત્યુ પણ થયેલું.
સવાલ થાય છે કે ઇશ્ર્વરને શોધવા નીકળેલાંઓ તરફ ઈશ્ર્વર આટલો બેરહેમ કેમ છે? ઈશ્ર્વર કઈ સરકાર તો છે નહીં કે સામાન્ય માણસ તરફ જુવે જ નહીં! હા, નાસ્તિકો સામું ભગવાન ના જુવે એ સમજાઇ શકે છે, પણ આસ્તિકો માટે પણ સાવ આવો એટિટ્યુડ કેમ? અગાઉ ૨૦૧૫માં આંધ્ર પ્રદેશના રાજમુંદ્રીમાં ગોદાવરી નદીના કિનારે પુષ્કરના મેળામાં નદીમાં ડૂબકી લગાવાની હોડમાં ૨૯ લોકો ચગદાઇને મરી ગયેલાં ને ૧૦ લોકો ઘાયલ થયેલા. કુંભમેળાથી કેદારનાથ સુધીના આવા અનેક કિસ્સાઓ થતા જ રહે છે, પણ નિંભર સરકાર અને ખાઇબદેલ સરકારી તંત્રની ચામડી પર થિરકન પણ થતી નથી
આ માત્ર ભારતની જ વાત નથી. ૨૦૨૨માં નાઇજીરિયાના પોર્ટ હરકોર્ટના ચર્ચની ભાગદોડમાં ૨૯ લોકો ઉકલી ગયેલા. ૨૦૦૯માં રિપબ્લિક ઓફ કોંગોના સ્ટેડિયમમાં પોપનાં દર્શન કરવામા ૩૧ લોકો મરી ગયેલા. મક્કામાં-મદિનામાં ૨૦૧૫માં હજ યાત્રાના સમયે ૨૪૦૦ લોકોએ જાન ગુમાવેલા ને ૪૦૦થી વધુ ઘાયલ થયેલા. જે લોકો આવી ધાર્મિક ભીડમાં ચગદાઇ મરે છે એમની અંતિમ ક્ષણ કેવી હશે? શું ચાલતું હશે એમનાં મનમાં? અમારી સાથે ભગવાને આમ કેમ કર્યું? માણસ પોતાની અંદર જ ઈશ્ર્વરને શોધવાને બદલે ઢોંગી બાવાઓના ખોટાં એડ્રેસ પર જઇ ચઢે છે ને ચગદાઇ મરે છે. આવી ઘટનાઓ કમનસીબ એક્સિડન્ટ કહેવાય છે, પણ આ અંધશ્રદ્ધા છે. ધર્મને નામે વોટ ભીખનાર સરકાર કે વ્યવસ્થાવાળાંઓની જેમ ભીડ ભેગી કરનારા બાવા-બાપુઓની પણ એટલી જ અક્ષમ્ય ભૂલ છે- બલ્કિ અપરાધ છે. ભોળા લોકો યા તો પંડિત, મુલ્લાં કે પાદરીઓની ગાઇડેડ ટૂર જેવી ધાર્મિક રસમોમાં બટકી જાય છે અથવા તો અમારો જ ઈશ્ર્વર બેસ્ટ! એવી બાળહઠમાં ભટકી જાય છે. અગાઉ ઈશ્ર્વરને શોધનારા લોકો સૂફીઓ પાસે જતા. એ સૂફી સંતો સાવ સામાન્ય જીવન જીવે, માટીનાં વાસણો બનાવે કે જૂતાં બનાવે. આસપાસનાં લોકોને પણ ખબર ના હોય કે એ માણસ આટલો મોટો સૂફી સંત છે! કોઇ નવો ભક્ત, સૂફી પાસે જાય ત્યારે સૂફીઓ ડાયરેક્ટ આધ્યાત્મિક જ્ઞાન આપવાને બદલે બે-ત્રણ વરસ તો માત્ર ચા કેમ પીવી? કે ગાર્ડનમાં સૂક્કાં પાંદડાં કેમ ઉપાડવા?’
જેવાં મામૂલી કામ પર ધ્યાન આપવાં માટે કહે! બોલો, કમાલ છેને?
ઇન્ટરવલ:
મોકો કહાં ઢૂંઢે રે બંદે
મૈં તો તેરે પાસ મૈં (કબીરજી)
આખરે ૨-૩ વરસે સૂફી સંત પાસે ઈશ્ર્વર શોધવા આવેલો પેલો કંટાળીને પૂછે કે આગળ શું?- ત્યારે શાંત સૂફી માત્ર એટલું જ કહે કે- બરોબર ધ્યાન લગાવીને ચા પીવી એ પણ ઇશ્ર્વરની આરાધના જ છે!’
હદ્દ છેને? આ જ કહેવું હતું તો ત્રણ વરસ પહેલા કેમ નહીં કહ્યું હોય? અદ્દલ આ જ ફોર્મ્યૂલા છે ઇશ્ર્વરનું અર્થઘટન કરનારાઓનું. દરેક ધર્મમાં ઇશ્ર્વરનાં સોલસેલિંગ એજંટો ભક્તોને ડાયરેક્ટલી ભગવાન સુધી પહોંચવા જ નથી દેતા! જેમ દિલ્હીમાં મિનિસ્ટરો સાથે મીટિંગ અને કામ કરાવવા માટે દલાલો કે ફિક્સરો હોય છે એવું જ ધર્માંધતાનાં ધખારામાં પણ છે. આજનાં ભારતની જેમ અગાઉ એક ખેડૂતને માથે ખૂબ દેવું થઈ ગયેલું. વાવણી કરવા માટે સો રૂપિયા પણ નહોતાં બચ્યા એટલે કંટાળીને ઇશ્ર્વરને કાગળ લખ્યો કે: પ્રભુ, મને ખેતી ચલાવવા માટે ૧૦૦ રૂ. મોકલ નહીં તો હું આત્મહત્યા કરીશ! ગામની પોસ્ટ-ઓફિસમાં પત્ર પહોંચ્યો. પોસ્ટ ઓફિસવાળાંઓએ જોયું કે આ તો ઈશ્ર્વરને નામે પત્ર છે. સૌએ કુતૂહલવશ પત્ર વાંચ્યો. પોસ્ટઓફિસનાં સ્ટાફને દયા આવી. ગરીબ પોસ્ટમેનોએ માંડ માંડ ૮૦ રૂ. જમા કરીને ખેડૂતને મોકલવાનું વિચાર્યું, જેથી કિસાન, આપઘાત ના કરે. થોડાં દિવસ પછી એજ ખેડૂતનો ફરીથી ઈશ્ર્વરને નામે પત્ર આવ્યો. પોસ્ટવાળાઓએ ખોલીને વાંચ્યું તો એમાં લખેલું: વ્હાલાં ઈશ્ર્વર, ૮૦ રૂ. મળ્યા, પણ બીજી વાર પૈસાને પોસ્ટ દ્વારા નહીં મોકલતા. ગામનાં હરામખોર પોસ્ટઓફિસવાળાંઓ ૧૦૦માંથી ૨૦ રૂ. ખાઇ ગયા છે. એમનાં પર ભરોસો ના કરવો.
આ વાંચીને બિચારા પોસ્ટ-ઓફિસવાળાંઓ પર શું ગુજરી હશે એ તો ખબર નથી, પણ આ જોઇ ઈશ્ર્વર નક્કી મનમાં વિચારતો હશે કે જે માણસ જાતને પોતાનાં જ ગામનાં માણસો પર ભરોસો નથી અને એ મને શોધવા નીકળ્યો છે? સારું જ છે કે મેં મારું સાચું એડ્રેસ માણસ જાતને નથી આપ્યું.
નહીંતર મારાં પર પણ અવિશ્ર્વાસ જ કરત! ‘હવે આપણી જાતને પૂછવાનો સમય આવી ગયો છે: ઈશ્ર્વરની ખોજમાં આપણે કઇ લાઇનમાં ઊભા છીએ?’
એંડ ટાઇટલ્સ:
ઇવ: તું ભગવાનમાં માને?
આદમ: તને મળ્યા પછી તો ખાસ.