ઉત્સવ

બહોત હૈ મુશ્કિલ ગિર કે સંભલના…પણ માણસ નિશ્ચય કરે તો પડ્યા પછી ફરી ઊભા થઈ શકાય એનો પુરાવો છે એક પોલીસ અધિકારી નૌજિશા!

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

આજે વાત કરવી છે કેરળની યુવતી નૌજિશાની. કેરળની નૌજિશાએ કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી પછી એ એક કોલેજ સાથે ગેસ્ટ લેકચરર તરીકે જોડાઈ હતી. એ પોતાની જિંદગી માણી રહી હતી, પરંતુ 2013માં એના જીવનમાં એક આઘાતજનક વળાંક આવી ગયો. કુટુંબે એને એક યુવાન સાથે પરણાવી. એ પછી એના જીવનનો અત્યંત ભયંકર તબક્કો શરૂ થઈ ગયો…

નૌજિશા માટે પતિનું ઘર દોઝખ સમાન સાબિત થયું. લગ્ન પછી પણ એ નોકરી કરવા ઈચ્છતી હતી. પતિના કુટુંબે લગ્ન પછી નોકરી કરવા માટે મંજુરી પણ આપી હતી, પરંતુ એ પછી સાસરિયાએ વચનભંગ કર્યો. નૌજિશાએ લગ્ન અગાઉ પતિને ય કહ્યું હતું કે હું લગ્ન પછી નોકરી ચાલુ રાખીશ. તમને વાંધો નથી ને?' તેના પતિએ એ વખતે કહ્યું હતું,મને કશો વાંધો નથી.’ પરંતુ લગ્ન પછી પતિએ પણ તેને નોકરી કરવાની ઘસીને ના પાડી દીધી.

નૌજિશા લેક્ચરર બની એ અગાઉ મોડી રાત સુધી જાગીને અભ્યાસ કરતી રહેતી હતી અને એણે માસ્ટર્સ ડિગ્રી અને લેકચરર તરીકે નોકરી મેળવી હતી, પરંતુ પતિ માટે એ સર્ટિફિકેટ્સનું મહત્ત્વ નકામા કાગળથી વધુ કશું જ નહોતું. ઉચ્ચ શિક્ષિત હોવા છતાં નૌજિશાએ ઘરમાં પુરાઈ રહેવું પડતું હતું. પતિ એને અવારનવાર ફટકારતો હતો. ભાગ્યે જ કોઈ એવો દિવસ જતો કે પતિએ એના પર હાથ ન ઉપાડ્યો હોય.

નૌજિશાના પિયરમાં બધા દુ:ખી થઈ ગયા. માતા-પિતા અને મોટી બહેને એને કહ્યું, `તું ઘરે પાછી આવી જા.’ પિયરમાંથી બધાએ કહ્યું છતાં નૌજિશાએ સમાજના ડરથી પિયર જતા રહેવાનું ટાળ્યું. સાડા ત્રણ વર્ષ સુધી પતિના જુલમો સહન કર્યાં.

એ દરમિયાન નૌજિશા એક પુત્રની માતા બની ગઈ હતી. 2016ના વર્ષમાં જિંદગીથી એ એટલી હદ સુધી તંગ આવી ગઈ કે એણે જીવન ટૂંકાવવાનો વિચાર કરી લીધો. પતિના ઘરની સામે એક કૂવો હતો. તે આત્મહત્યા કરવા માટે તે કૂવા પાસે ગઈ, પરંતુ તે વખતે હિંમત ચાલી નહીં.

વર્ષો પછી એક અંગ્રેજી અખબારને એણે આપેલી મુલાકાતમાં કહ્યું હતું: `એ રાતે હું ધીમા ડગલાં ભરતીભરતી મારા ઘર સામેના કૂવા પાસે પહોંચી. હું કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લેવા ઈચ્છતી હતી, પરંતુ હું એ કૂવા પાસે પહોંચી ત્યાં સુધીમાં હિંમત હારી ગઈ. માં આખું શરીર થરથર કાંપવા લાગ્યું. અને મેં આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળ્યો. અને હું મારા એક વર્ષના પુત્ર ઐયામ નઝલ સાથે મારા પતિનું ઘર છોડીને મારા માતા- પિતાના ઘરે ચાલી ગઈ.’ નૌજિશાએ પિયર પાછા ફર્યા બાદ પેરામ્બ્રાની કોલેજમાં લેકચરર તરીકે નોકરી મેળવી લીધી. સાથેસાથે કેરળ પબ્લિક સર્વિસ કમિશનની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ ક્લાસીસમાં જવાનું શરૂ કરી દીધું.

એને સમજાયું કે એણે સંપૂર્ણ સમય અભ્યાસ પર જ કેન્દ્રિત કરવો પડશે તો જ તે પોલીસ અધિકારી બની શકશે એટલે એણે લેકચરર તરીકે નોકરી છોડી દીધી. એ દરમિયાન એણે ડિવોર્સ પિટિશન ફાઈલ કરી દીધી હતી. એણે પતિથી છૂટાછેડા લઈ લીધા. દરમિયાન એણે પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને એર્નાકુલમમાં લોઅર ડિવિઝન કલાર્કની પોસ્ટ માટે તેની પસંદગી થઈ. એ પછી એણે વુમન સિવિલ પોલીસ ઓફિસરની પોસ્ટ માટે પરીક્ષા આપી.એ પરીક્ષા તો પાસ કરી, પણ શારીરિક ટેસ્ટમાં તે નાપાસ થઈ.

જોકે એણે હિંમત હાર્યા વગર પરીક્ષાઓ આપવાનું ચાલુ રાખ્યું. કેરળ પબ્લિક સર્વિસ કમિશનની પોલીસ સ્પેશિયલ રિક્રુટમેન્ટ માટેની પરીક્ષા પાસ કરી લીધી. એ પછી એ ઈન્ટરવ્યુમાં અને શારીરિક ટેસ્ટમાં પણ પાસ થઈ ગઈ. સ્પેશિયલ પોલીસ ઓફિસર માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં કેરળ રાજ્યમાં 141મો નંબર મેળવ્યો અને એપ્રિલ 15, 2021ના દિવસે મહિલા પોલીસ તરીકે નિમણૂક મેળવી.

નૌજિશા પોલીસ ઓફિસર બની એ પછી પત્રકારો સાથે વાત કરતા એણે કહ્યું હતું કે `હું જયારે ભયંકર તકલીફમાં હતી અને મને મદદની જરૂર હતી, મારો પતિ મને સતત મારતો હતો એ સમયમાં મારા જીવનના સૌથી ખરાબ તબક્કામાં માં કુટુંબ મારા પડખે ઊભું રહ્યું અને ખાસ તો મારી મોટી બહેન સતત મારી સાથે રહી, પણ એ વખતે મને પોલીસ પાસે પણ જતાં ડર લાગતો હતો. હવે મને સમજાય છે કે મારે એવો ડર રાખવાની જરૂર નહોતી. હવે હું મહિલાઓને સલાહ આપું છું કે ઘરેલું હિંસાનો ભોગ બનનારી મહિલાએ સીધા પોલીસ પાસે જવું જોઈએ.’

ઘરેલુ હિંસા સહન કરનારી 35 વર્ષની નૌજિશા હવે પોલીસ અધિકારી તરીકે ઘણી મહિલાઓને મદદરૂપ બની રહી છે અને કેરળની કેટલીય મહિલાઓ માટે તે પ્રેરણાનો સ્ત્રોત પણ બની રહી છે. કોઈ વ્યક્તિ જીવનસફરમાં પડી જાય એ પછી એના માટે ઊભા થવાનું મુશ્કેલ ચોક્કસ હોય છે, પણ અશક્ય નથી હોતું એનો પુરાવો નૌજિશા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button