ઉત્સવ

મુકામ રૂા. ૨૦૦/- (૨)

આજે આટલું જ -શોભિત દેસાઈ

વાચકને તકલીફ પડે અને વાચક વાંચનથી દૂર- થવા માંડે એવા કેટલાક શબ્દોમાંના એક (બે) છે ‘ગતાંકથી ચાલુ’. અરે ભાઈ ‘ગયા અંકની વાત આગળ…’ લખો ને! ભલે બે શબ્દો વધારે વપરાય. પણ વાચકને ‘ગતાંક’ જેવો દુર્બોધ, કઠણ, ભારેખમ લોઢાછાપ શબ્દ તો ન ઉપાડવો પડે!!! તો ગયા રવિવારે- જે વાત છેડી છે એ બે અતિરથી ફિલ્મ જગતના, જો એ વાત આગળ વધારીએ તો અગાઉનો સંઘર્ષક કે જેણે કારમા સંઘર્ષ દરમ્યાન પોતાના આરાધ્ય અને ફિલ્મોના ખૂબ સફળ ગીતકાર/ શાયર પાસેથી રૂા.૨૦૦/- ઉછીના લીધા છે અને જોતજોતામાં પોતે એક અતિશય યશસ્વી કથા-પટકથા-સંવાદ લેખક બની જાય છે… બન્નેની બેઠકો અંગત અને કામની, વધવા માંડે છે ત્યારે લેખક કવિને વારંવાર યાદ કરાવે છે એમના કરજ વિષે, એમ કહીને કે એ કરજ ક્યારેય હું નથી ઉતારવાનો, એ કરજ મારી મોટી મિલ્કત છે… બસ… મહેફિલો ભરાતી રહી, મીઠ્ઠી લેવડદેવદ થતી રહી, આદર્શભાવ અને આદરભાવ દર્શાવાતા રહ્યા…

અને આવે છે તારીખ ૨૫ ઓક્ટોબર ૧૯૮૦. સાંજથી જ કંઈક કોઈક અજ્ઞાત ઉદાસી તો છે જ આજે અને સાંજ વધવાની સાથે વધારે ઘટ્ટ, ઘેરી થતી જાય છે. લેખકને કવિના ડૉક્ટર કપુરનો ફોન આવે છે. ધ્રુજારી અને દર્દ ભરેલા અવાજમાં ડૉક્ટર જણાવે છે કે હાર્ટ એટેકથી કવિએ વિદાય લઈ લીધી છે. લેખકને માથે આભ તૂટી પડે છે.

જેટલા સત્વરે પહોંચાય લેખક કવિને ઘેર પહોંચે છે અને જુએ છે સફેદ ચાદરથી વીંટળાયેલા, ઉર્દૂ શાયરીના સૌથી વધુ ચમત્કારીક સિતારાને. કવિની બે બહેનો, બી. આર. ચોપરાથી લઈને ફિલ્મ જગતના લગભગ બધા દિગ્ગજની હાજરીમાં લેખક કાંપતા હાથે સફેદ ચાદરમાં સમેટાઈ ગયેલા આદરભાવને સ્પર્શે છે. નિશ્ર્ચેત કવિના બન્ને હાથ છાતી પર મુકાયેલા છે. લેખક પોતાના શરૂઆતના દિવસોની કવિની મુલાકાતોની ચિત્રપટ્ટી જોવા માંડે છે મનમાં, સ્પર્શે છે એમની હથેળીઓને અને મહેસૂસ કરે છે કે ફિલ્મનાં સર્વકાલીન ઉત્તમ-સફળ-અદ્ભુત ગીતો લખનારની આંગળીઓ ઠંડી પડી ગઈ છે.

રફી-મજરુહ-મધુ બાલા- તલત મહમુદ જયાં દફન થયા છે એ જુહુ કબ્રસ્તાનમાં સવારે કવિને દફનાવાઈ રહ્યા છે. ધીમે ધીમે હાજર સૌ વિદાય લે છે, પણ લેખક હજી બેઠા જ છે કબર પાસે, અન્યમનસ્ક… ઘણી વાર સુધી શૂન્યભાવ સાથે બેસી રહ્યા બાદ લેખક ઊઠે છે, કબ્રસ્તાનની સામેની બાજુએ પાર્ક કરેલી કાર તરફ જવા માંડે છે ત્યાંજ એમના નામની કોઈ બૂમ પાડે છે. લેખક પાછું વળીને જુએ છે તો કવિના એક દોસ્ત અશફાક એમને બોલાવી રહ્યા છે.

અશફાક કવિના બહુ જ નિકટના મિત્ર અને એ જમાનાના એક બહુ જ ઉત્કૃષ્ટ લેખિકા વાહિદા તબસ્સુમના પતિ. અશફાક નાઈટસુટમાં જ છે, જેવી એમને જાણ થઈ કે કપડા બદલ્યા વગર એ પહોંચી ગયા’તા કબ્રસ્તાનમાં… ઉતાવળા પગલે અશફાક લેખકને કહે છે. ‘આપની પાસે થોડા પૈસા છે? કબર બનાવવાવાળાને આપવાના છે. હું તો ઉતાવળમાં આમ જ આવી ગયો …’ લેખક પાકીટ કાઢતાં પૂછે છે. ‘હા હા…જરૂર … કેટલા રૂપિયા આપવાના છે?’ અશફાક કહે છે. ‘બસ્સો રૂપિયા …’

ગીતકાર શાયરનું નામ: સાહિર લુધિયાન્વી કથા-પટકથા લેખકનું નામ: જાવેદ અખ્તર.

ક્યારેય ન ઉતારી શકાય એવા કરજનું નામ: ગીતકાર/શાયર તરીકેનો વારસો.

એ મૌત! આ કર હમકો ખામોશ કર ગઈ તુ…

સદીયોં દિલો કે અંદર હમ ગુંજતે રહેંગે

  • ફિરાક ગોરખપુરી
    આજે આટલું જ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button