હિંદુઓની ઘટી રહેલી વસતિ માત્ર રાજકીય નહીં, સામાજિક માનસિક સમસ્યાઓ પણ સર્જી શકે છે માત્ર રાજકીય નહીં, સામાજિક માનસિક સમસ્યાઓ પણ સર્જી શકે છે
કવર સ્ટોરી -વિજય વ્યાસ
ભારતમાં હિન્દુઓની વસતિ ઘટી રહી હોવાથી ભવિષ્યમાં એ લઘુમતીમાં આવી જશે ને મુસ્લિમો આ દેશ પર હાવી થઈ જશે એવી ચેતવણીઓ લાંબા સમયથી અપાય છે.
આ માહોલમાં ‘ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલ ચુ પ્રાઈમ મિનિસ્ટર’ (ઙખ-ઊઅઈ)ના બહાર પડેલા તાજા રિપોર્ટ મુજબ:
આઝાદીથી અત્યાર સુધીમાં ભારતમાં હિંદુઓની વસતિમાં ૭.૮ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે મુસ્લિમોની વસતિમાં ૪૩ ટકાનો વધારો થયો છે. એની સાથે ખ્રિસ્તી-બૌદ્ધ અને શીખો સહિત અન્ય લઘુમતી જૂથોની ટકાવારીમાં વધારો થયો છે.
આ રિપોર્ટનાં તારણોની વાત કરીએ એ પહેલાં રિપોર્ટ વિશે થોડી સ્પષ્ટતા કરી લઈએ તો ભારતમાં આઝાદી પછી પહેલી વસતિ ગણતરી ૧૯૫૧માં થઈ હતી, જ્યારે છેલ્લી વસતિ ગણતરી ૨૦૧૧મા થઈ. પછી ૨૦૨૧માં કોવિડ પ્રકોપને કારણે વસતિગણતરી ન થઈ શકી, પણ અત્યારનો આ રિપોર્ટ ૧૯૫૦ થી ૨૦૧૫ની વસતિના આંકડા પર આધારિત છે.
વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટ પ્રમાણે ભારતમાં ૧૯૫૦થી ૨૦૧૫ની વચ્ચે દેશની કુલ વસતિમાં હિંદુઓની હિસ્સેદારી ૭.૮% જેટલી ઝડપથી ઘટી છે, જ્યારે મુસ્લિમોની વસતિની હિસ્સેદારી ૪૩ ટકા વધી છે. આ પરિષદે પોતાના અહેવાલમાં વિશ્ર્વના ૧૬૭ દેશનાં વલણોનો અભ્યાસ કર્યો છે તેથી બહુ વિસ્તૃત વિગતોનો અહીં સમાવેશ થયો છે. જો કે આપણા માટે વિશેષ મહત્ત્વની વાત ભારતમાં વસતિનાં બદલાઈ રહેલાં સમીકરણો છે.
આ બદલાઈ રહેલાં સમીકરણોના કારણે ભવિષ્યમાં હિંદુઓ પર મુસ્લિમો હાવી થઈ જશે એવો ડર બતાવવામાં આવે એ સ્વાભાવિક છે. હિંદુ આગેવાનો તો એવી વાતો પણ કરે છે કે, હિંદુઓ નહીં જાગે તો ૨૦૨૯માં ભારતના વડા પ્રધાનપદે એક મુસ્લિમ હશે. થોડાંક વરસ પહેલાં હિંદુવાદી સંગઠનની ધર્મસંસદોમાં તો સાધુ-સંતોએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે, ભારતમાં મુસ્લિમો વધી રહ્યા છે અને હિન્દુ વસતિ ઘટી રહી છે તે જોતાં આગામી સાત વર્ષમાં દેશના રસ્તા પર મુસ્લિમો સિવાય બીજું કોઈ દેખાશે જ નહીં… ધર્મસંસદોમાં હિંદુ-મુસ્લિમો વિશે આ પ્રકારની અતિશ્યોક્તિભરી વાતો પણ થઈ હતી.
હિંદુવાદી આગેવાનો તો હિંદુઓએ વધારે છોકરાં પેદા કરવાં જોઈએ એવું પણ કહે છે. અનેક હિંદુવાદીઓ એમ પણ કહે છે કે, આ દેશમાં હિંદુ એકલા કુટુંબ નિયોજન અપનાવશે તો હિંદુઓ લઘુમતીમાં આવી જશે…
જો કે બીજી તરફ, મોહન ભાગવત જેવા એકલદોકલ આગેવાને વધારે છોકરાં પેદા કરવાની વૃત્તિ- પ્રવૃત્તિને જાનવરો જેવી ગણાવીને અલગ સૂર કાઢ્યો છે.
ખરું પૂછો તો આ બધી રાજકીય વાતો છે, પણ મુસ્લિમોમાં વસતિ વધારાનો દર દેશના વસતિ વધારાના દરથી ઘણો ઊંચો છે એ હકીકત છે. આ વાત સરકાર દ્વારા કરાતા વસતિ વધારાના આંકડા કહે છે અને તેના કારણે ડેમોગ્રાફિક ઈમેબેલેન્સ સર્જાઈ જ રહ્યું છે. સાથે સાથે દેશમાં પછાતપણું પણ વધી રહ્યું છે, કેમ કે વધારે સંતાન હોય એ મોંઘવારીના જમાનામાં સંતાનોને વધારે બહેતર જિંદગી આપી ન શકે એ વાસ્તવિકતા છે.
આ સંજોગોમાં હિંદુઓ ઓછાં સંતાનો પેદા કરે તેના કારણે ભવિષ્યમાં મુસ્લિમો એમના પર હાવી થઈ જાય એ ખતરો સાવ નકારી કઢાય એવો નથી.
બીજી તરફ, ભારતના હિંદુઓમાં ઓછાં સંતાનો પેદા કરવાની વધતી જતી માનસિકતાના કારણે સર્જાતી સામાજિક અને માનસિક સમસ્યાઓ વિશે પણ વિચારવાની જરૂર છે.
હિંદુઓમાં મોટા ભાગનાં મધ્યમ વર્ગીય દંપતી એક જ સંતાનનું પ્લાનિંગ કરે છે. તેનું કારણ વધતી જતી મોંઘવારી છે. આના કારણે શિક્ષણ અને ઉછેરનો ખર્ચ વધ્યો છે. એક જ સંતાન હોય તો બધો ખર્ચ એની પાછળ કરી શકાય તેથી એને પોતાની આવકના પ્રમાણમાં શ્રેષ્ઠ ઉછેર, શ્રેષ્ઠ સગવડો, શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાય એવી માતા-પિતાની ગણતરી હોય છે. દરેક માતા-પિતાની આ જ ભાવના હોય તેથી તેમાં કશું ખોટું નથી, પણ તેના કારણે ભવિષ્યમાં જે સ્થિતિ સર્જાશે તે વિશે પણ વિચાર કરવો જોઈએ.
એક જ સંતાન હોય ને એ ભણી-ગણીને બીજે નોકરી-ધંધા માટે જાય કે વિદેશ જાય તો પછી માતા-પિતા એકલાં પડી જાય છે. એમની સારસંભાળ રાખનારું કોઈ રહેતું નથી તેથી શારીરિક તકલીફો તો પડે જ છે, પણ માનસિક તકલીફો પણ પડે છે. દંપતી એકલતા અનુભવે છે ને એના કેવાં ઘાતક પરિણામો આવે છે તેનો હમણાં જ સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો બની ગયો.
સુરતમાં ૬૮ વર્ષના ચુનીભાઈ ગેડિયા અને એમનાં ૬૬ વર્ષનાં પત્ની મુક્તાબેને આપઘાત કરી લીધો. ચુનીભાઈ-મુક્તાબેનનો પુત્ર પીયૂષ કેનેડા રહે છે. દીકરાને કેનેડા મોકલવા માટે ચુનીલાલે ૪૦ લાખ રૂપિયાનું દેવું કરેલું, પણ પીયૂષ માતા-પિતાને લાંબા સમયથી કોઈ આર્થિક મદદ મોકલતો નહોતો. છેલ્લે છેલ્લે એમના કોલ લેવાનું પણ બંધ કરી દીધેલું. વિદેશ જનારા બધા મબલખ કમાણી કરતા નથી હોતા ને ઘણા તો જોઈતી નોકરી પણ મેળવી નથી શકતા. એટલે પિયૂષ વિશે આપણે કોઈ કોમેન્ટ ના કરી શકીએ, પણ એક સંતાન હોય એની આ મોટી સમસ્યા છે.
ભારતમાં આવી સમસ્યાથી હજારો માતા-પિતા પિડાય છે. સંતાનોને સારા ભવિષ્ય માટે
વિદેશ મોકલીને પાછલા જીવનમાં નિરાંતની આશા રાખનારાં એકલાં પડી જાય એટલે તૂટી જતાં હોય છે. સંતાન પોતાની પળોજણમાં હોય તેથી સમય ના આપી શકે તો એ પણ અકારું લાગે છે ને છેવટે તેનું પરિણામ આ પ્રકારની કરુંણાંતિકામાં આવે છે.
એક જ સંતાન કરવાની લાહ્યમાં માતા-પિતા પછી પરિવારમાં એકલા સંતાનને ભાઈ કે બહેનનો સંગાથ મળતો નથી. કોઈને પોતાને ભાઈ-બહેન હોય તો એ એમની સાથે પોતાની તકલીફો વહેંચી શકે છે, સુખ-દુ:ખની વાતો કરીને હળવા થઈ શકે છે, પણ એક જ સંતાન હોય ત્યારે તકલીફોની વાત કોઈને કરી શકતા નથી પરિણામે વધતા સ્ટ્રેસમાં સંતાન પછી હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બની શકે અથવા તો કોઈ અકસ્માતમાં એનું ક્-મોત થાય તો એ વખતે પણ માતા-પિતા નોંધારાં બની જાય છે.
અલબત્ત, એકથી વધારે સંતાનોનું આર્થિક ભારણ પણ મધ્યમ વર્ગ માટે માનસિક ત્રાસસર્જક હોય છે આપણે ત્યાં સરકાર પણ કોઈ ખાસ જવાબદારી અદા કરતી નથી. મધ્યમ વર્ગે તો શિક્ષણ, મેડિકલ, પાછલા જીવન માટે બચત સહિતનું બધું પોતે જ કરવું પડે છે એથી વધારે બાળકો પરવડે તેમ નથી માટે દંપતી વધુ સંતાન ટાળે છે. આ સજોગોમાં આપણા દેશમાં હિંદુઓની વસતિમાં ઘટાડો થતો જ રહેશે.