ઉત્સવ

ડેટાઈઝમ: જયારે અલ્ગોરિધમ્સ ભગવાન બની જશે

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

મારા તાજા અનુવાદિત પુસ્તક : ‘હોમો ડેયસ’માં લેખક યુવલ નોઆ હરારીનું એક વિધાન છે: ટેકનોલોજીને ધર્મની ‘ગરજ રહે છે…’ આ પુસ્તકના વાચક અને ‘ફેસબૂક’ મિત્ર મનીષ ક્રિસ્ટીયનને જિજ્ઞાસા થઈ છે. એ પૂછે છે : ટેકનોલોજીથી ઉચ્ચ કોટિનાં ધર્મસ્થાનો ઓછા સમયમાં બની શકે. ધાર્મિક યાત્રાઓ સહુલિયતવાળી બને. એ જ ‘ટેકનોલોજીથી હોસ્પિટલ કે યુનિવર્સિટીને પણ ઘર આંગણે લાવી શકો. ચીન જેવો દેશ, જ્યાં ધર્મ ખૂબ જ ઓછો પ્રચલિત છે, ત્યાં પણ ટેકનોલોજી કામ કરી રહી છે ફક્ષય અને દેશ વિકસિત થઈ રહ્યો છે તો, આ વિધાન ક્યા અર્થમાં છે?’
અહીં ધર્મ ક્રિયાકાંડના અર્થમાં નથી, પણ નૈતિક સંહિતાના અર્થમાં છે. દરેક ટેકનોલોજીનો સંભવિત દુરુપયોગ હોય છે. જે ભાલાથી માણસ જંગલમાં ખોરાક માટે શિકાર કરતો હતો, તે જ ભાલાથી તે પાડોશીનું ખૂન પણ કરતો હતો.

વીસમી સદીમાં ઝડપી યાતાયાત અને સંપર્ક માટે ટ્રેન અને રેડિયોની શોધ થઈ તેનો જ ઉપયોગ કરીને અમુક શાસકો આતતાયી બની ગયા.

બીજુ વિશ્ર્વયુદ્ધ, ટ્રેન અને રેડિયોના કારણે જ વધુ લોહિયાળ બન્યું હતું, પણ એ જ યુદ્ધમાંથી
લોકશાહી, ઉદારવાદ, માનવાધિકાર, સમાનતા અને ભાઈચારોના આદર્શો મજબૂત થયા હતા, જે મૂળભૂત રીતે ધાર્મિક વિચારોનું જ આધુનિક સ્વરૂપ હતું.

ધર્મ નીતિ-અનીતિનો ફરક કરીને, ટેકનોલોજીએ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેનું માર્ગદર્શન પૂરું પાડે છે. જ્યારે કૃષિ ક્રાન્તિ આવી ત્યારે મનુષ્યો પ્રાણીઓ અને પ્રકૃતિ પ્રત્યે સદાચાર જાળવી રાખે તે માટે કૃષિ દેવતાઓની સ્થાપના થઇ હતી. એમનાં નામે, માણસોએ કૃષિ કામ કરવા માટેના નીતિ- નિયમો ઘડ્યા હતા.

એ પહેલાં, માણસ જ્યારે જંગલમાં શિકાર કરતો હતો ત્યારે જીવવાદ (ફક્ષશળશતળ) ધર્મનું પાલન કરતો હતો. ધર્મોએ હંમેશાં માણસની વૃત્તિઓ અને વ્યવહારનું નિયમન કર્યું છે અને એટલે જ દરેક ટેકનોલોજીએ નવા દેવતાઓને જન્મ આપ્યો છે.

દાખલા તરીકે, ૨૧મી સદીમાં ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’નો દુરુપયોગ અટકાવવા માટે એક એવા નવા ધર્મની જરૂર પડશે, જે આધુનિક જીવનની અનિવાર્યતાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આચારસહિંતા ઘડે.

  કહેવાનો અર્થ એ કે ટેકનોલોજી સ્વત: સારા-ખરાબનો ભેદ નથી કરતી,  કારણ કે તેનો ઉપયોગ હંમેશાં માણસના હાથમાં હોય છે  અને માણસના વ્યવહારનું નિયમન ધર્મ દ્વારા થાય છે એટલે ભવિષ્યમાં ધર્મની જરૂરિયાત એટલી જ   રહેવાની છે,  જેટલી આજે છે.  ખાલી તેનું સ્વરૂપ બદલાશે (જેમ કે હરારીએ ‘ડેટાઇઝમ’  નામના ટેકનો-રિલિજીયનની  કલ્પના કરી છે).

    ‘ન્યૂ સાયંટિસ્ટ’ નામના સામયિકનાં પૂર્વ એડિટર-ઇન-ચીફ, સુનિતા ચૌધરી  એક વિશદ્ લેખમાં લખે છે કે ધર્મ ક્યારેય

અચળ નથી રહેતાં. તેમાં પરિવર્તન આવતાં રહે છે અને તે કોઈને કોઈ સ્વરૂપમાં જીવતા રહે છે. સુનિતા આ વાત એક ઉદાહરણથી સમજાવે છે. એ લખે છે કે ઈસુ ખ્રિસ્ત પહેલાં, મહંમદ પયગંબર પહેલાં, સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ પહેલાં ઝોરોએસ્ટર અથવા જરથ્રુસ્ટ્ર હતા. આશરે ૩૫૦૦ વર્ષ પહેલાં કાંસ્ય યુગના ઈરાનમાં, એમને એક સર્વોચ્ચ દર્શન થયું હતું. એક હજાર વર્ષ પછી, વિશ્ર્વનો પ્રથમ મહાન એકેશ્ર્વરવાદી ધર્મ ઝોરોષ્ટ્રિયનવાદ, શકિતશાળી ફારસી સામ્રાજ્યનો સત્તાવાર ધર્મ બની ગયો હતો, તેના અગ્નિ મંદિરોમાં લાખો અનુયાયીઓ હાજરી આપતા હતા. તેના એક હજાર વર્ષ પછી, સામ્રાજ્યનું પતન થયું, અને ઝોરાષ્ટરના અનુયાયીઓ પર અત્યાચાર કરવામાં આવ્યા પછી એ બધા નવા ધર્મ- ઇસ્લામમાં ભળી ગયા. બીજા ૧૫૦૦ વર્ષ પછી, આજે, પારસી ધર્મની મશાલ બુઝાઈ રહી છે. આપણે એવું માનીએ છીએ કે ધર્મો જન્મે છે, વધે છે અને મૃત્યુ પામે છે. હકીકત એ છે કે કોઈ નવો ધર્મ શરૂ થાય
ત્યારે તેને સંપ્રદાય ગણીને ખારીજ કરી દેવામાં આવે છે, પરંતુ તેના ઉપદેશોમાં માનનારા લોકોની સંખ્યા વધતી જાય પછી તે વિશ્ર્વાસ અને પરંપરાનું પ્રતીક બની જાય છે અને જયારે તેનું પતન થાય ત્યારે તે દંતકથા બનીને રહી જાય છે.

ઇજિપ્તની, ગ્રીક અને નોર્સ મંદિરોની વાર્તાઓને હવે દંતકથાઓ માનવામાં આવે છે- પવિત્ર લખાણ નહીં.

     હરારી લખે છે કે અન્ય અનેક ધર્મોની જેમ ઈસાઈ અને યહૂદી ધર્મ  કૃષિ તક્નિકોના ઉદય અને પ્રસાર સાથે ઉભરી આવ્યા હતા. હરારી માને છે કે આ ધર્મોએ તેમના સર્જનાત્મક હેતુઓ પૂરા કર્યા છે અને આપણી વર્તમાન   તકનીકીઓની સાથે ઊભી થઇ રહેલી તકો અને ભયનો સામનો કરવામાં તે સક્ષમ નથી.

      ૨૧મી સદીમાં, આ પરંપરાગત ધર્મોનું સ્થાન ડેટાવાદ અથવા ડેટાધર્મ લેશે. હરારી સમજાવે છે કે  હજારો વર્ષોથી મનુષ્યો માનતા હતા કે માનવ જીવનમાં અંતિમ સત્તા દેવતાઓમાંથી આવે છે. તે પછી, આધુનિક યુગ દરમિયાન  દૈવી સત્તાનું સ્થાન માનવતાવાદે લીધું અને કહ્યું કે માનવતાનાં મૂલ્યો, સત્તા અને તેના અધિકારો સર્વોપરી છે. હવે જયારે મશીનો અને કોમ્પ્યુટરો ‘બુદ્ધિશાળી’ બની રહ્યાં છે ત્યારે, હાઇ-ટેક ગુરુઓ અને સિલિકોનવેલીના પયગંબરો એક નવું  શાસ્ત્ર લખી રહ્યા છે,  જે અલ્ગોરિધમ્સ અને બિગ ડેટાની સત્તાને કાયદેસર બનાવે છે.

     આ નવીન સંપ્રદાયને  ‘ડેટાઝમ’  કહી શકાય. તેના આત્યંતિક સ્વરૂપમાં, ડેટિસ્ટ દૃષ્ટિકોણના સમર્થકો સમગ્ર બ્રહ્માંડને માહિતીના એક વિશાળ પ્રવાહ તરીકે અને સજીવોને બાયોકેમિકલ અલ્ગોરિધમ્સ કરતાં થોડું વધારે જુએ છે અને માને  છે કે માનવતાનું કામ એક સર્વગ્રાહી ડેટા-પ્રોસેસિંગ સિસ્ટમ બનાવવાનું છે-અને પછી તેમાં ભળી જવાનું છે.

     બ્રહ્માંડની વિશાળ ડેટા સિસ્ટમની અંદર આપણે એક નાની ચિપ્સ બની રહ્યા છીએ જેને ખરેખર કોઈ સમજી શકતું નથી. આપણે દરરોજ અસંખ્ય ઇમેલ્સ, ફોન કોલ્સ અને ટેક્સ્ટ દ્વારા અનગિનત ડેટા બિટ્સને આપણી અંદર શોષી    લઇએ છીએ-  આપણે એ ડેટાનું પ્રોસેસિંગ કરીએ છીએ; અને વધુ ઇમેલ્સ, ફોન કોલ્સ અને ટેક્સ્ટ મારફતે નવા  બિટ્સ પાછા બ્રહ્માંડમાં પ્રસારિત કરીએ છીએ.

     આપણને ખબર નથી કે આ મહાકાય યોજનામાં આપણે ક્યાં ફિટ થઈએ છીએ અને આપણા ડેટાના બિટ્સ અબજો અન્ય મનુષ્યો અને કમ્પ્યુટર્સ દ્વારા ઉત્પાદિત બિટ્સ સાથે કેવી રીતે જોડાય છે. આપણી પાસે તે જાણવાનો સમય    નથી, કારણ કે આપણે તો ઇમેલ્સનો જવાબ આપવામાં ખૂબ વ્યસ્ત છીએ. આ અવિરત ડેટા ફ્લો નવી શોધો અને વિક્ષેપોને જન્મ આપે છે જેની ન તો કોઈએ યોજના બનાવી છે, ન તો કોઈનું નિયંત્રણ છે અથવા ન તો કોઈની પાસે   તેની સમજ જ છે.

      ડેટાશાસ્ત્રીઓ માને છે કે પૂરતા પ્રમાણમાં બાયોમેટ્રિક ડેટા અને કમ્પ્યુટિંગ શક્તિથી, સર્વગ્રાહી સિસ્ટમ મનુષ્યને

આપણે પોતાને સમજીએ તેના કરતાં વધુ સારી રીતે સમજી શકશે. એક વાર આવું થઈ જાય પછી, મનુષ્યો એમની સત્તા ગુમાવશે અને માનવનું સારું-નરસું ડેટાના હાથમાં આવી જશે.
ટૂંકમાં, ડેટા ભગવાન બની જશે. વિજ્ઞાને અત્યાર સુધી જેટલી શોધો કરી છે- ડેટા પેદા કર્યો છે. સમજણ વિકસાવી છે તેણે આવ ધર્મ માટે પહેલેથી જ માર્ગ તૈયાર કરી દીધો છે.

     એક સાદા ઉદાહરણથી સમજીએ. સદીઓ પહેલાં,   મનુષ્ય બીમાર પડતો હતો ત્યારે એ  એવું માનતો હતો કે   આ એક  ઈશ્ર્વરિય

પ્રકોપ છે અને તેનો ઉપાય ઈશ્ર્વરે ‘નીમેલા’ વિશેષ ભૂવાઓ પાસે છે. આધુનિક યુગમાં મેડિકલ વિજ્ઞાનનો વિકાસ થયો ત્યારે બીમારીનું નિદાન અને ઉપાય કરવાની સત્તા ડોકટરો પાસે આવી ગઈ હતી. હવે, આ કામ કોમ્પ્યુટર કરે છે. હું કે એક ડોકટર મને જેટલો જાણે છે તેના કરતાં વધુ કોમ્પ્યુટરનો ડેટા મને જાણે છે.

       ૨૦૧૩માં, હોલીવૂડ એક્ટ્રેસ એન્જેલિના જોલીએ એક જીનેટિક ટેસ્ટ કરાવ્યો હતો, તેમાં કોમ્પ્યુટર અલ્ગોરિધમ્સે એને ‘ગેબી’ ચેતવણી આપી હતી કે, તને ભલે કશું થતું ના હોય, પણ તારા ડીએનએમાં બ્રેસ્ટ કેન્સરનો બોમ્બ ટિક... ટિક કરી

રહ્યો છે- અત્યારથી જ કંઇક ઉપચાર કર…’ અને એન્જેલિનાએ એ સલાહ માની લઈને એને સ્તન કેન્સર થાય એ પહેલાં જ બ્રેસ્ટ સર્જરી કરાવી લીધી હતી..!
ભવિષ્યમાં, આપણા પ્રશ્ર્નોના જવાબ ડેટાથી સંચાલિત અલ્ગોરિધમ્સ પાસે હશે. એક જમાનામાં એ જવાબ ધર્મો પાસે હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે…