ઉત્સવ

‘દાદ’ કહે આ જગતમાં સંતોષી એક ઝાડ,એક મૂળિયો પાણી પાવ, ત્યાં રાજી સઘળી ડાળ

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

સુભાષિત, મુક્તકની જેમ છપ્પા, કીર્તન અને દુહામાં પણ માનવ જીવન – સમાજનું પ્રતિબિંબ ઝીલવામાં આવે છે. આ રચનાઓમાં જીવનનું તત્ત્વજ્ઞાન સાવ સરળ વાણીમાં પ્રગટ થતું હોવાથી વધુ અસરકારક બની ચિત્તને ઢંઢોળી જાગૃત કરી શકવાનું કૌવત ધરાવે છે. સુભાષિત પછી મુક્તકનો ભાષા વૈભવ આપણે માણ્યો. આજે એ સફર આગળ વધારીએ. કવિતા – ગઝલની દુનિયામાં ખેડાણ કરનારા મુસાફિર પાલનપુરીનું એક મુક્તક મૈત્રીભાવને એવરેસ્ટની ટોચ પર બેસાડી દે છે. કૃષ્ણ – સુદામાના અમર મૈત્રીભાવને કેન્દ્રમાં રાખી કવિશ્રી સરળ વાણીમાં કહે છે કે તાંદુલી તત્ત્વ હેમથી ભારે જ થાય છે, ક્ધિતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે. જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હૃદય! મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે. આજે સોશિયલ મીડિયા પર મિત્રોની ફોજ રાખવાની પરંપરા છે એ વાતાવરણમાં આ મુક્તક કૃષ્ણ જેવો એક મિત્ર એક ત્રાજવામાં હોય અને બીજામાં ફોજ હોય, કૃષ્ણવાળું ત્રાજવું જ નમી જાય એ સમજાવે છે. તાંદુલ (સુદામા પોટલીમાં કૃષ્ણ માટે લઈ ગયા હતા)ની કિંમત ભલે સોનાની સરખામણીમાં તુચ્છ હોય, એનું મૂલ્ય સોનાથી અનેકગણું વધારે છે એ મહત્ત્વની વાત છે.
દાદુદાન પ્રતાપદાન ગઢવી કવિ ‘દાદ’ની રચનામાં લોકજીવન ધબકતું હતું. સંતોષ – અસંતોષ મનુષ્ય જીવનના અવિભાજ્ય પરિબળ છે. સંતોષી જીવ કોને કહેવો? સહુ અલગ અલગ વ્યાખ્યા બાંધી શકે છે. જોકે, કવિશ્રીની બે જ પંક્તિમાં એવું વર્ણન છે કે વાંચતાની સાથે સંતોષનો ઓડકાર આવી જાય. કવિ લખે છે ‘દાદ’ કહે આ જગતમાં સંતોષી એક ઝાડ, એક મૂળિયે પાણી પાવ, ત્યાં રાજી સઘળી ડાળ. પ્રકૃતિને નિમિત્ત બનાવી ગઢવી જીવન દર્શન કરાવતા કહે છે કે વિશ્ર્વમાં વૃક્ષ સૌથી સંતોષી છે. એનું કારણ પણ આપે છે કે માત્ર એક મૂળમાં પાણી રેડો તો વૃક્ષ પરની બધી ડાળ રાજી રાજી થઈ જાય છે. એક ભગવાનના દર્શનથી અસંખ્ય ભક્તો રાજીના રેડ થઈ જાય એવી વાત થઈ ને.
‘સિંહાસન બત્રીસી’ રચનાથી વધુ ખ્યાતિ મેળવનારા કવિ શામળ ભટ્ટની કથાઓમાં બુદ્ધિચાતુર્યની સમજ આપતા ઘણા છપ્પા પણ સમાવી લેવાયા છે. કોણ વધુ ચડે એ સમજાવતી તેમની પંક્તિઓ સ્થૂળ ભાવ કરતાં સૂક્ષ્મ ભાવ કેમ ચડિયાતો એ વાત દર્શાવે છે. ‘કોણ? કોણનો જવાબ’માં શામળ ભટ્ટની પંક્તિ છે મહીથી મોટું દાન, અણુથી લોભી નાનો, પવનથી પહેલું મન, વિવેક દેવોથી દાનો. કવિ કહે છે પૃથ્વી ભલે વિશાળ રહી, દાન એનાથી પણ વિશાળ ગણાયું છે. અણુ – સૂક્ષ્મ કણને વિજ્ઞાન ભલે સાવ સૂક્ષ્મ ગણતું હોય, શામળ ભટ્ટ લોભી સ્વભાવની વ્યક્તિને એનાથી પણ નાની એટલે કે તુચ્છ ગણે છે. પવન ગમે એટલા વેગથી આગળ વધી શકતો હોય, માનવીનું મન એના કરતાં અનેક ગણા વેગથી ફરી વળવાની ક્ષમતા ધરાવે છે. એ જ રીતે વિવેકને દેવથી પણ વધુ ચડિયાતો ગણવામાં આવ્યો છે.

WORLD IDIOMS – PROVERBS

વિદેશમાં બોલાતી ભાષામાં સ્પેનિશ અને અંગ્રેજીનું પ્રભુત્વ છે એ વાત સાચી, પણ સાથે સાથે અનેક દેશોમાં સ્થાનિક ભાષા – બોલીનું ચલણ પણ જોવા મળે છે. આજે આપણે એક અંગ્રેજી કહેવત યુરોપના વિવિધ યુરોપિયન ભાષામાં કેવા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે એ જાણીએ. મૂળ ભાષાની કહેવતનો અંગ્રેજી અનુવાદ લેવામાં આવ્યો છે. એના પરથી અક્ષર – શબ્દો ભલે ભિન્ન હોય પણ ભાવતત્વ સાર્વત્રિક હોવાનો ખ્યાલ આવે છે. અંગ્રેજી કહેવત છે LIKE FATHER LIKE SON. ગુજરાતીમાં બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા સ્વરૂપમાં જાણીતી છે. રશિયન ભાષામાં આ કહેવત LIKE PRIEST LIKE CHURCH સ્વરૂપે હાજર છે. પિતા પાદરી અને પુત્ર દેવળ બની જાય છે. રશિયામાં કૌટુંબિક ભાવનાથી ધાર્મિક ભાવના સર્વોપરી હશે એટલે આમ બન્યું હશે? રશિયાથી આશરે 5 હજાર કિલોમીટરના અંતરે આવેલા ડેન્માર્કમાં આ કહેવત THE APPLE DOESN’T FALL FAR FROM THE TRUNK. વૃક્ષ પરથી પડતું સફરજન થડથી બહુ દૂર નથી પડતું. મતભેદ થાય મનભેદ નહીં જેવી જ વાત થઈ કહેવાય ને. માનવીય ઉદાહરણ ગાયબ થયા અને પ્રકૃતિનો આશરો લેવામાં આવ્યો છે. અલબત્ત પિતા – પુત્ર કે પાદરી – દેવળ જેવી ઘનિષ્ટતા વૃક્ષ – સફરજન વચ્ચે પણ અકબંધ રહી છે. ડેન્માર્કથી આશરે 700 કિલોમીટર દૂર આવેલા જર્મનીમાં તો એક નજીવા તફાવત સાથે કહેવત ઝેરોક્સ જેવી જ લાગે છે. જર્મનીમાં THE APPLE DOESN’T FALL FAR FROM THE TREE સ્વરૂપમાં હાજર છે. માત્ર થડની જગ્યા વૃક્ષએ લઈ લીધી છે. ભાવનાનો વિસ્તાર થયો છે. પોર્ટુગીઝમાં આ કહેવત A FISH’S CHILD KNOWS HOW TO SWIM સ્વરૂપમાં છે. માછલીના બાળકને જન્મથી જ તરતા આવડતું હોય. કહેવત અંગ્રેજી અને ગુજરાતી સ્વરૂપને બહુ જ મળતી આવે છે. આ વાંચી ફરી બાપ તેવા બેટા યાદ નથી આવી જતી?  સ્પેનમાં કહેવત પ્રાણી જગત ત્યાગી ફરી પ્રકૃતિના ખોળામાં પહોંચી જાય છે. FROM SUCH STICK COME SUCH SPLINTERS કહેવતમાં સ્પ્લિન્ટર એટલે લાકડાને કાપવાથી તૈયાર થતી ચીપ અથવા ફાડ. જેવું લાકડું એવી ફાડ એવો ભાવાર્થ છે જે ગુજરાતી કહેવત જેવો જ સેમ ટુ સેમ છે.

गुजराती प्रयोग हिंदी में

હિન્દી કહેવતો ગુજરાતીમાં દોરમાં આજે આગળ વધીએ એ પહેલા સૌંદર્ય બાબતે બંને ભાષામાં કેવો તિથિ ફેર જોવા મળે છે એ જાણીએ. છોકરી રૂપ રૂપનો અંબાર હોય તો એની સરખામણી ‘પૂનમના ચાંદ’ સાથે કરવામાં આવે છે. હિન્દીમાં આ જ ઉપમા ‘ચૌદહવી કા ચાંદ’ તરીકે આપવામાં આવે છે. ઘણા લોકોને થોડામાં ઘણું કહેવાની કળા હસ્તગત હોય છે. કોઈ નવાસવા લેખકની કૃતિ પ્રકાશનના નિમિત્તે એ પુસ્તકના પ્રારંભમાં ‘બે બોલ’ થોડામાં ઘણું કહેવાની ભાવનાનું જ પ્રતીક છે. હિન્દીમાં આ પ્રયોગ गागर में सागर भरना તરીકે પ્રચલિત છે. कबीर के दोहे की तो क्या बात है. बस दो पंक्तियों में गागर में सागर भर दिया है. તમે જો ક્યારેક બકાલુ – શાકભાજી લેવા જતા હશો તો ફેરિયો હાથમાં રહેલું ત્રાજવું કેવી સિફતથી નમાવી વજનમાપની ચોરી કરી લેતો હોય છે એ જોયું હશે. તોલવામાં હાથચાલાકીથી દાંડી નમાવી દેવી એ કોશિશ હિન્દીમાં डंडी मारना પ્રકારે ખૂબ જ જાણીતી છે.

यह दुकानदार बड़ा बेईमान है। तौलते समय हमेशा डंडी मार लेता है। માણસ મુસીબતમાં મુકાયો હોય કે તકલીફમાં ઘેરાઈ ગયો હોય ત્યારે કેટલાક લોકો મદદરૂપ થવાની વાત તો દૂર રહી, વ્યક્તિને પીડા વધુ થાય એવી કોશિશ કરતા જોવા મળે છે. જેને આપણે  દાઝ્યા પર ડામ દેવો અથવા બળતા પર મરચું – મીઠું ભભરાવવું સ્વરૂપમાં ઓળખીએ છીએ. આ પ્રયોગ હિન્દીમાં અસ્સલ એ જ સ્વરૂપમાં – ભાષાંતર જ જોવા મળે છે. जले पर नमक छिड़कना વાંચી તમે સમજી ગયા હશો.

चोरीचा मामला हळूहळू बोंबला

ભાષામાં ક્યારે કયા શબ્દ પર વજન આપવામાં આવ્યું છે એ જાણવાથી કહેવતનો ભાવાર્થ જલદી સમજાઈ જાય છે. नखाची वाट बघून घालतात नाख्याची वाट કહેવત સમજવા જેવી છે. મરાઠીમાં નખ શબ્દ હાથની આંગળીના નખ માટે તેમજ નાનકડી ખીલી માટે પણ વપરાય છે. છિદ્ર પર નજર રાખીને ખીલી ઠોકવામાં આવે છે, ખીલી પર ધ્યાન નથી રાખવામાં આવતું. કોઈ પણ કામ કરવામાં ચોકસાઈ અને એકાગ્રતા જાળવવાને અહીં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બીજો એક પ્રયોગ જોઈએ: कानात तोंड घालणे જેના શબ્દાર્થથી વાત સ્પષ્ટ નથી થતી. સંતાઈને કે ખબર ન પડે એમ જાણ બહાર અન્ય કોઈની વાતચીત સાંભળવાનો પ્રયત્ન કરનાર માટે આ પ્રયોગ ઉપયોગમાં લેવામાં આવે છે. कानात तोंड घालून ऐकण्याची सवई चांगली नाही. જાણ બહાર કોઈની વાત સાંભળવાની ટેવ સારી નથી. तोंडात तोंड धरणे કહેવતમાં બોલવામાં નિયંત્રણ રાખવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉતાવળે અભિપ્રાય વ્યક્ત કરવાથી ઘણી વાર પાછળથી પસ્તાવાનો વારો આવે છે એ આ કહેવત દ્વારા સમજાય છે. માત્ર મામૂલી ફરકથી કહેવતનો ભાવાર્થ કેવો બદલાઈ જાય છે એ જોઈએ. तोंडाला तोंड देणे એટલે લડાઈ – ઝઘડા કરવા. हातात तोंड घालणे કહેવત એવા લોકો માટે વપરાય છે જેને સતત બોલબોલ કરવાની આદત હોય અને મોઢા પર તાળું ન મારી શકતો હોય.

Show More

Related Articles

Back to top button
Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે