ઉત્સવ

ફોકસ ઃ રિલ્સ ને વીડિયો બનાવવા માટે પાળેલાં પ્રાણીઓ સાથે વધી રહી છે ક્રૂરતા….

-કે. પી. સિંહ

આજકાલ સોશિયલ મીડિયા પર ચોંકાવનારા વીડિયો અને રીલ અપલોડ કરવા માટે લોકો પાળેલા પ્રાણી અથવા તો વસાહતોમાં રહેતા બિન-ઘરેલુ પ્રાણીઓ સાથે એવા ક્રૂર કૃત્યો કરી રહ્યા છે કે જેને જોઈને અને સાંભળીને આત્મા કંપી ઊઠે છે. આવી કેટલીક ઘટનાઓ તરફ નજર કરીએ.

નવેમ્બર ૨૦૨૨માં, એક ઇન્સ્ટાગ્રામ ઇંફ્લૂએંસર, કિરણ કાજલે સૌનું ધ્યાન ખેંચાય એવી રીલ બનાવવા માટે ગલીમાં રખડતા કૂતરાને એટલી જોરથી લાત મારી કે તે લાંબા સમય સુધી પીડામાં સળવળતો રહ્યો હતો. આટલું જ નહીં, જ્યારે તેનો રડવાનો અવાજ ઓછો થયો, ત્યારે આ છોકરીએ ફરીથી તેને એક જોરદાર લાત મારી જેથી તે થોડા વધુ સમય સુધી રડતો રહે અને તેનો વીડિયો બની શકે. જ્યારે કાજલે આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો તો લોકોએ તેની આકરી ટીકા કરી, જેના કારણે તેણે આ વીડિયો હટાવવો પડ્યો અને આખરે લોકોની માફી માગવી પડી.

ફેબ્રુઆરી ૨૦૨૪માં, રાજધાની દિલ્હી નજીક ગ્રેટર નોઈડામાં એક બહુમાળી ઈમારતમાંથી એક યુવકે તેના એક મહિનાના પાળેલા ગલુડિયાને ફેંકી દીધું, પરિણામે તેનું મૃત્યુ થયું. ખબર નથી કે તેણે પોતે જ તેના ગલુડિયાનો વીડિયો બનાવવા માટે ફેંકી દીધો હતો કે પછી કોઈએ સંયોગથી તેનો વીડિયો બનાવી લીધો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો અપલોડ થવાની સાથે જ ખળભળાટ મચી ગયો હતો. પોલીસ પર પણ દબાણ વધ્યું અને તેમણે આ છોકરા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવી પડી. તાજેતરમાં, યુપીના બુલંદ શહેરથી સોશિયલ મીડિયા પર એક નાનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એક યુવક બિલાડીને કોથળામાં ભરીને ઝૂલાવી રહ્યો છે. એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ સુરભી રાવતે પોતાના એક્સ હેન્ડલ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના કારણે લોકોએ આ વીડિયોની ઘણી ટીકા કરી હતી.

તાજેતરનાં વર્ષોમાં, આવા ચોંકાવનારા વીડિયો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્ર્વના દરેક ખૂણેથી સામે આવી રહ્યા છે. તેઓ એટલા ક્રૂર છે કે તેમને જોઈને ઘણા સંવેદનશીલ લોકોને ચક્કર આવે છે. હકીકતમાં ઈન્ટરનેટ પર વીડિયો રિલીઝ કરવા કે ફેસબુક પર સેલ્ફી પોસ્ટ કરવાના નામે આપણે આવા હજારો યુવાનોને પહાડો, નદીઓ, ટ્રેન, હેલિકૉપ્ટર વગેરે પર સ્ટંટ કરતા જોયા છે, જેના કારણે મોટી સંખ્યામાં આવા યુવાનોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી, એક ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી જોવા મળી રહ્યો છે કે લોકો સોશિયલ મીડિયા પર અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તેમના પાળેલાં પ્રાણીઓ સાથે વધુને વધુ ક્રૂર કૃત્ય આચરી રહ્યા છે. આની પાછળ કેટલાક લોકોનો હેતુ વાઇરલ વીડિયો દ્વારા વધુમાં વધુ પૈસા કમાવવાનો હોય છે, તો ઘણા લોકો માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે આવું કામ કરી રહ્યા છે.

ઇતિહાસમાં માનવ સંસ્કૃતિ પ્રાણીઓ માટે અત્યંત ક્રૂર અને જોખમી સાબિત થઈ છે. કારણ કે ઈતિહાસમાં જેમ જેમ માણસે પોતાનો વૈજ્ઞાનિક અને ટેકનોલોજિકલ વિકાસ કર્યો છે તેમ તેમ તે પ્રાણીઓ પ્રત્યે ક્રૂર બનતો ગયો છે, પરંતુ હવે આ ક્રૂરતામાં સોશિયલ મીડિયાનો રોમાંચ અને કમાણીનું સાધન પણ સામેલ થઈ ગયું છે. પહેલાથી જ માણસો એટલાં બધાં પ્રાણીઓ ખાઈ રહ્યા છે કે સમુદ્રની બે તૃતીયાંશ માછલીઓ ગાયબ થઈ ગઈ છે. ભારત જેવાં પક્ષીઓથી સમૃદ્ધ દેશમાં લોકોએ એટલા બધા પક્ષીઓનો શિકાર કર્યો છે કે પક્ષીઓની સેંકડો પ્રજાતિઓ કાં તો લુપ્ત થઈ ગઈ છે અથવા તો લુપ્ત થવાના આરે છે. દર વર્ષે ૪ ઑક્ટોબરના રોજ પશુ કલ્યાણ દિવસ ઉજવવામાં આવે છે જેથી મનુષ્યની આવી ક્રૂરતા સામે જનજાગૃતિ લાવી શકાય ઉપરાંત પ્રાણીઓના અધિકારો અને તેમના કલ્યાણ વિશે લોકોમાં જાગૃતિ લાવી શકાય.
આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ છે-
માણસો પ્રાણીઓ પ્રત્યેની તેમની ક્રૂરતા પર નિયંત્રણ મૂકે.

રખડતાં પ્રાણીઓના રહેઠાણ માટે કુદરતી સુવિધાઓ જેનો મનુષ્યો તેમના લોભ અને સગવડ માટે કરી રહ્યો છે, તેને કાબૂમાં રાખી શકાય.

પ્રાણીઓની સુરક્ષા અને મનુષ્યની જેમ તેમના મૂળભૂત અધિકારોનું સન્માન કરવા માટે પણ આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક જગ્યાએ લોકોને પ્રાણીઓ વિશે જાગૃત કરવામાં આવે છે. તેમને કહેવામાં આવે છે કે તેમની જેમ તેઓ પણ જીવિત છે, તેઓ પણ તેમના જેવા માંસ અને લોહી ધરાવે છે અને જ્યારે તેમની સામે હિંસા થાય છે, ત્યારે તેઓ પણ માણસોની જેમ જ ચીસો પાડે છે અને રડે છે. તેથી, પ્રાણીઓ પર દયા બતાવવી જોઈએ. આ બધું લોકોને કહેવા અને સમજાવવા માટે વિશ્ર્વ પશુ કલ્યાણ દિવસ ઉજવવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button