ઉત્સવ

ખાખી મની-19

ક્રાઈમ સીન – અનિલ રાવલ

`સતિન્દર, તારો પ્રેમદ્રોહ તો હું કદાચ માફ કરી દઉં, પણ દેશદ્રોહ તો હું ક્યારેય માફ નહીં કરું’

ખાલિસ્તાની મૂવમેન્ટના સરઘસમાં સરદાર સંધુની હત્યાથી હાહાકાર મચી ગયો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને લોકોએ નાસભાગ શરૂ કરી મૂકી હતી. ધક્કામુક્કીમાં કેટલાય કચડાયાં. સંખ્યાબંધ લોકો જખ્મી થયા. ખાલિસ્તાન ચળવળના મહારથીઓ હચમચી ગયા. પોલીસનું ધ્યાન બીજે ખેંચવા હવામાં ગોળીબાર થયો અને એની તકનો લાભ ઉઠાવીને સરઘસમાં ઘૂસીને રોના એજન્ટે સરદાર સંધુને ખતમ કર્યો. સરઘસમાં ભાગ લેનારા અન્ય કોઇ લીડર કે સામાન્ય લોકોને ટાર્ગેટ કરાયા નહીં..માત્ર સરદાર સંધુનું નામ સાયલન્સરવાળી ગન પર લખ્યું હતું. વિદેશી ધરતી પરથી અલગ ખાલિસ્તાન માટેની ચળવળ ચલાવનારા ત્રાસવાદી સરદાર સંધુએ થોડા વખત પહેલાં લાલ કિલ્લા પર ખાલિસ્તાની ઝંડો લહેરાવવાની ડંફાસ મારીને ભારતીય ગુપ્તચર એજન્સીઓને સાબદી કરી દીધી હતી. એનો આ હુંકાર જ એને મોંઘો પડ્યો હતો. ભારત સરકારે ત્રાસવાદી સરદાર સંધુને સુપરત કરવાની માગણી અને લીગલ કાર્યવાહી ચાલુ રાખી હોવા છતાં કોઇ જ પરિણામ આવતું નહતું. નેશનલ સિક્યોરિટીના ચીફ અભય તોમાર એક આવા જ મોકાની તલાશમાં હતા.

આની પાછળ કોનો હાથ હોઇ શકે છે એ તજિન્દરસિંહ અને સતિન્દરસિંહ પામી ગયા. કમરે રિવોલ્વર લટકાવીને ફરનારા સતિન્દરસિંહને સરદાર સંધુની હત્યાની ભણક સુધ્ધાં ન આવી. એને સપનેય ખયાલ નહતો કે સરદાર સંધુની આ રીતે જાહેરમાં હત્યા થઇ શકે છે. કદાચ એણે પોતાની અને સરદાર સંધુની સિક્યોરિટીને વધુ ઊંચી આંકી હતી અથવા એને ભારતીય ગુપ્તચર એજન્સીઓની પહોંચનો અંદાજ નહતો. હકીકત તો એ હતી કે બબ્બરના મર્ડરમાંથી તજિન્દર અને સતિન્દર બંધુઓએ કોઇ બોધપાઠ લીધો નહતો. સરદાર સંધુના મોતથી ખાલિસ્તાની ચળવળને મોટો ફટકો પડ્યો હતો. બીજી બાજું, સરદાર સંધુની હત્યાથી કેનેડિયન સરકારના કપાળે કલંકનું કાળું ટીલ્લું લાગી ગયું હતું.

આંતરરાષ્ટ્રીય સ્તરે ખાલિસ્તાની ઝુંબેશનો ઝંડો ઊંચકનારા સરદાર સંધુની હત્યાના અન્ડરવર્લ્ડ અને રાજકીય ક્ષેત્રે ઘેરા પ્રત્યાઘાતો પડવાના શરૂ થઇ ગયા હતા. જોકે આવી બધી બેતૂકી વાતોની અભય તોમાર પર કોઇ અસર પડી નહતી….એમના માટે દેશની સલામતીથી વિશેષ કોઇ બાબત નહતી. એમને કોઇ પૂછી શકે એમ નહતું અને કોઇ પૂછવાની હિંમત કરે તો એમની પાસે જવાબ હાજર હતો: સરદાર સંધુની હત્યા એની અન્ડરવર્લ્ડની અંદરઅંદરની દુશ્મનાવટનું પરિણામ હોઇ શકે અથવા તો વિદેશમાં વસતા ઘણા ભારતપ્રેમી સરદારજીઓને અલગ ખાલિસ્તાનનો મુદ્દો પસંદ નહતો…..એમાંના કોઇ માથાફરેલનું આ કામ હોઇ શકે.


ટીવીમાં નજર માંડીને બેઠેલી લીલી પટેલ કેનેડાના ખાલિસ્તાની સરઘસના સમાચાર જોઇને હેબતાઇ ગઇ હતી. ગોળીઓની ધણધણાટી…..અંધાધૂંધી….નાસભાગ……મહિલાઓ અને બાળકોની ચિચિયારીઓ…પોલીસની દોડધામ….સરદાર સંધુની લાશ…..યશનૂરની ફરતે ઊભા કરેલા રક્ષાકવચમાં સતિન્દર અને તજિન્દરની ઝલક. એણે પહેલીવાર તજિન્દરભાઇ સાહેબને ગુદ્વારાના ગ્રંથીના પહેરવેશમાં જોયા. લીલી પટેલ મ્યુઝિક બેન્ડમાં જોડાઇને….કબૂતર બનીને કેનેડામાં વસી ગયેલા તજિન્દર અને સતિન્દરની અસલિયત જોઇ રહી હતી. સતિન્દર, તારો પ્રેમદ્રોહ તો હું કદાચ માફ કરી દઉં, પણ દેશદ્રોહ તો હું ક્યારેય માફ નહીં કં…અને તજિન્દરભાઇ સાહેબ, તમે ધર્મની આડમાં આવું હિણું આચરણ કરી રહ્યા છો…તમારા આ ગુનાને શીખ તો શું દુનિયાનો કોઇ ધર્મ માફ નહીં કરે.

લીલી પટેલની આંખોમાં ત્યાં પડેલી લાશનો રંજ નહીં, નફરત હતી. જે દેશમાં રહેવું નથી ત્યાં પોતાને માટે અલગ દેશની બેહૂદી માગણીનો તર્ક એની સમજની બહાર હતો. પોતાના માદરેવતનને છોડીને, પત્ની અને પુત્રીને ત્યજીને વિદેશમાં વસી ગયા..હવે ત્યાં બેસીને આવી ઝુંબેશ ચલાવવાનો તમને હક કોણે આપ્યો.? અને એને હાંસલ કરવા ત્રાસવાદી શસ્ત્ર ઉગામવાનું.? ટીવી સામે બેઠેલી લીલી પટેલ હવે ધીમે ધીમે સ્વસ્થ થઇ રહી હતી. એ હવે અગાઉ લીચીને આપવીતી કહેતી વખતની લીલી પટેલ રહી નહતી. દીકરી પાસે મન હળવું કર્યા પછીની હળવાશ અનુભવતી હતી. કંઇક વિચારીને એણે ડીકે મહેતાને ફોન કર્યો.


ડીકે, ટીવી પર કેનેડાના ન્યૂઝ ચાલી રહ્યા છે.' જોયાં મેં.’ ડીકેએ કહ્યું.
`ડીકે, સતિન્દર મને છોડીને જતો રહ્યો ત્યારે મને બહુ દુ:ખ થયેલું, પણ હવે એમ થાય છે કે જે થયું એ સારા માટે થયું. સતિન્દર મને કબૂતર બનાવીને એની સાથે કેનેડા લઇ ગયો હોત તો હું અને લીચી બંને મનેકમને ખાલિસ્તાની ત્રાસવાદી બની ગયાં હોત. સતિન્દરે અમને બંદીવાન બનાવીને રાખ્યાં હોત…ન ભારત પાછાં આવી શક્યા હોત ન કેનેડામાં રહી શક્યાં હોત.’ લીલીએ મન હળવું કર્યું.

`હવે તું ત્રાસવાદી પતિને ભૂલી જા…તું હવે એક જાંબાઝ પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની મા છો…એ છોકરી તાં નામ રોશન કરશે.. લીચી સતિન્દરના પડછાયાથી દૂર છે….એની પર સતિન્દરનો ઓછાયો પણ આવવા દેતી નહીં,’ ડીકેએ કહ્યું. પણ એને ક્યાં ખબર હતી કે લીચી સતિન્દરના પડછાયાથી દૂર નહતી.


બલદેવરાજનો ફોન કટ થયો પછી તરત જ આઇબી ચીફ અભિમન્યુ સિંહ એમની કેબિનમાં પ્રવેશ્યા.
સર, આદિત્ય અવસ્થી ચાલાક નીકળ્યો. એની બેગમાંથી કાંઇ મળ્યું નહીં.' અભિમન્યુ સિંહે ખુરસી પર બેસતા કહ્યું. મુંબઈ અને મહારાષ્ટ્રના એના કોન્ટેક્ટસ તપાસો. હેલિકૉપ્ટરમાં એ ડ્રગ્સ કાં તો પૈસા લાવી શકે…જેનો ઉપયોગ શસ્ત્રો ખરીદવા માટે થતો હોય,’ તોમારે કહ્યું.

`મુબંઈથી હેલિકૉપ્ટરમાં એની અવરજવર વધી ગઇ હતી…હેલિકૉપ્ટર સર્વિસ કંપનીના પાઇલટને એના પર શંકા હતી…પાઇલટની બાતમીને આધારે મેં એને રડાર પર રાખ્યા હતા.

થોડા વખત પહેલાં પણ પાઇલટે મને બાતમી આપેલી, પણ એ દિવસે અવસ્થીએ બહુ વરસાદને કારણે હેલિકોપ્ટર સર્વિસ કેન્સલ કરાવી હતી.’ અભિમન્યુ સિંહે કહ્યું.
`કાંઇ વાંધો નહીં. તમારી પાસે હજી એક શખસ છે…ગુરચરન. અવસ્થી અને ગુચરન કોન્ટેક્ટમાં છે. મને આમાંથી ખાલિસ્તાની ત્રાસવાદની બૂ આવી રહી છે.’ તોમારે કહ્યું.

બલદેવરાજની ઇન્ફોર્મેશન પાકી છે. આજકાલમાં શસ્ત્રો ઊતરશે. એને સામાન સાથે પકડી લેવાનું ટાર્ગેટ છે.' અભિમન્યુ સિંહે કહ્યું. જીવતો પકડજો..જેથી માહિતી ઓકાવી શકાય…એમાં આદિત્ય અવસ્થીનું નામ ખુલી જશે.’ તોમારે કહ્યું.
`અને બીજી એકવાત…..ખાલિસ્તાની મૂવમેન્ટને કયા રાજ્યમાંથી સહાય અને સહાનુભૂતિ મળી શકે એમ છે….એની પાછળ કોણ છે એની તપાસ કરો.’

`ઓકે સર’ અભિમન્યુ સિંહે ટૂંકો જવાબ આપ્યો…..એના દિમાગમાં પંજાબની સરહદે ઊતરવાનાં શસ્ત્રો અને એની પાછળનો ચહેરો ગુરચરન હતો.


તજિન્દરસિંહ અને સતિન્દરસિંહ તથા અન્ય કેટલાક લીડરો ગુદ્વારામાં મોઢા પર માયૂસી સાથે બેઠા હતા. ખાલિસ્તાનના વિશાળ સરઘસનો આવા કણ અંજામની એમને ધારણા નહતી. સરદાર સંધુના મોતનો એમણે સંધુના કુટુંબને, કઇકેટલા લોકોને…માથાભારે શખસોને…જવાબ આપવાનો હતો. તજિન્દર અને સતિન્દર કેનેડામાં બનેલી આ ઘટના માટે જવાબદાર બની ચુક્યા હતા….બંનેને માથે આવી પડેલી આ એક મોટી આફત હતી. બબ્બરના મોતની સરખામણીએ સંધુની હત્યા ખાલિસ્તાની ઝુંબેશને પડેલો મોટો ફટકો હતો. સૌથી મોટી કણતા તો એ હતી કે સરદાર સંધુ કે સતિન્દર કે તજિન્દરના ખૂનખાર માણસો હત્યાનો બદલો લઇ શકે એમ નહતા. આ કામ રોનું છે એ વાત ગુદ્વારામાં માતમ મનાવી રહેલા તમામ જાણતા હતા. પણ એક આડી ખોપરીનો શખસ ત્યાં બેઠો હતો. એ એમ માનતો કે પોતે જે ધારે તે કરી શકે એમ છે..કેનેડાની સરકારને નચાવી શકે છે…એની બગલમાં કેનેડામાં વસતા શીખ કોમ્યુનિટીના લાખો લોકો છે…જે એના એક અવાજે ઊભા થઇ જશે….નાણાં ફેંકશે….તલવારો ખેંચશે. આ શખસનું નામ હતું સતિન્દરસિંહ. બબ્બરની હત્યા બાદ એનું ઝનૂન બમણું થઇ ગયું હતું.

સરદાર સંધુનું સપનું હું પૂં કરીશ....લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ધ્વજ લહેરાવીશ, સતિન્દરસિંહે અચાનક ઊભા થઇને એલાન કર્યું. સૌ એની સામે જોતા રહ્યા. થોડીવારની સ્તબ્ધતા પછી એક અવાજ ઉઠ્યો:સતશ્રી અકાલ, જો બોલે સો નિહાલ.’ એ અવાજ યશનૂરનો હતો…..ત્યાં બેઠેલા દરેકે અવાજને ઝીલી લીધો: `સતશ્રી અકાલ, જો બોલે સો નિહાલ.’


રોના ચીફ બલદેવરાજના ટેબલ પરનો ફોન રણક્યો. સામે છેડે અભય તોમાર હતા. `સતિન્દર અને તજિન્દર. કેનેડામાં બેઠેલા આ બે ભાઇઓની કુંડળી કઢાવો..એમની રજેરજની માહિતી લાવો. પંજાબના નાના ગામથી એ લોકો કેનેડા કઇ રીતે પહોંચ્યા. એમને કેનેડા કોણ લઇ ગયું.
હાલ પંજાબમાં એના કોણ સગાવહાલા છે…

આઇ વોન્ટ ડિટેલ્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ધેમ.’ સામેથી જવાબની અપેક્ષા વિના એમણે ફોન મૂકી દીધો. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત