વેપારીઓ માટે આવ્યો ક્રિકેટોત્સવ
બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી
ભારતમાં ક્રિકેટનો મહાસંગ્રામ શરૂ થઇ ગયો છે, વર્લ્ડ કપ રમાશે ૪૫ દિવસ, ૪૮ મેચો, ૧૦ સ્થળો અને દુનિયાની ૧૦ ટીમો ભાગ લેશે. વર્લ્ડ કપ ૨૦૨૩ દરમ્યાન ઉત્પાદનોનું વેચાણ અને વપરાશ વધશે તેવી અપેક્ષા છે. નામી અને અનામી બ્રાન્ડો આ સમય દરમ્યાન પોતાનું પ્રદર્શન કરવા આતુર છે. જે પ્લેટફોર્મ અને ચેનલ પર આનું પ્રસારણ થશે તેના પર ૮૦૦ મિલિયન દર્શકો સુધી પહોંચવાની ધારણા છે. વર્લ્ડ કપ ઐતિહાસિક રીતે આકર્ષક જાહેરાતો અને બ્રાન્ડ પ્રમોશન માટેનું પ્લેટફોર્મ રહ્યું છે. આપણે જાણીયે છીએ કે ભારતમાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે. આપણે તે પણ જાણીયે છીએ કે ક્રિકેટ પાછળ અને ઉત્સવો દરમ્યાન બ્રાન્ડ પોતાના પ્રમોશન માટે દિલ ખોલીને પૈસા ખરચે છે. મજાની વાત તો એ છે કે આ વખતે વર્લ્ડ કપ અને ભારતની તહેવારોની મોસમ બંને એકસાથે આવ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે હૉસ્પિટાલિટી, એવિએશન, એપ્લાયન્સિસ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો ચજછ (ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ) અને આલ્કોબેવરેજિસની સાથે બીજી ઘણી કેટેગરી અને સેક્ટરોને આનો ફાયદો થશે.
વેપારીઓ અને બ્રાન્ડ માટે પોતાને પ્રદર્શિત કરવાની અને વધુ વેચાણ કરવાની આ તક છે. વર્લ્ડ કપ એક એવી ઘટના છે જે ગ્રાહકોની લાગણીઓને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે અને વૃદ્ધિને વેગ આપે છે. આપણે અનુભવ્યું છે કે કંપનીઓ વ્યૂહાત્મક રીતે તેમના ઉત્પાદનોને ટૂર્નામેન્ટ સાથે સાંકળે છે, નવીન પ્રચારો સાથે ચાહકોને જોડે છે. ભૂતકાળમાં જોઈએ તો કોલા કંપનીઓએ બોટલની કેપ્સ હેઠળ આકર્ષક ઈનામો ઓફર કર્યા હતા, તો ઘણા ઉત્પાદનોએ સ્ક્રેચ કાર્ડ્સનો ક્રેઝ વધાર્યો હતો. એફએમસીજી બ્રાન્ડે ગ્રાહકોને વર્લ્ડ કપની ટિકિટ જીતવા માટે તેમના ઉત્પાદનો ખરીદવા પ્રોત્સાહિત કર્યા, “બ્રિટાનિયા ખાઓ, વર્લ્ડ કપ જાઓ કેમ્પેઇન આજ સુધી લોકો નહિ ભૂલ્યા હોય. કહેવાનું તાત્પર્ય વર્લ્ડ કપ પોતાનામાં એક ઉત્સવ છે અને તેના માટે લોકો પોતાની બધી તાકાત લગાવી દે છે.
મોટી બ્રાન્ડો માટે આની પાછળ રોકવા મોટી રકમ હશે, તેઓ ટીવી ચેનલો, વૃત્તપત્રોમાં, હોર્ડિંગ્સ વગેરેમાં પોતાની જાહેરખબરો આપી શકે પણ નાની બ્રાન્ડનું શું? મુદ્દો પૈસા રોકવાનો કે ખર્ચવાનો નથી. ઉત્સવો વર્ષમાં એકવાર આવે છે અને ક્રિકેટ વર્લ્ડ કપ ચાર વર્ષે એકવાર, અને આ વખતે બંને એકસાથે તો આનો લાભ ઉપાડો. બસ જરૂર છે વાતાવરણ ઊભુ કરવાની. તમારી ક્ષમતાના આધારે તમારી વેપાર કરવાની જગ્યાને સજાવો અને ઓફર ચલાવો. કોઈ કહેશે કે અમે તો ઇ૨ઇ કંપની છીએ કે અમારે તો ફેક્ટરી છે તો અમને આ કઈ કામ ના લાગે. ક્રિકેટ આ દેશમાં બધાને પ્રિય છે. તમારી ફેક્ટરીમાં કે ઇ૨ઇ કંપનીમાં તમારા કર્મચારીઓનો ઉત્સાહ વધારો; મોટી સ્ક્રીન રાખો, ઇન્ડિયા- પાકિસ્તાન જેવી મેચ હોય ત્યારે ખાણી-પીણીનો કાર્યક્રમ રાખો, કર્મચારીઓમાં ક્રિકેટને સંબંધિત સ્પર્ધાઓ ચલાવો જેમ કે; મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, અને પાવર પ્લે, ટાઈમ આઉટ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરો. આ વાતો તમારા ગ્રાહકો માટે પણ અપનાવી શકો. આ સમય દરમ્યાન વિશિષ્ટ બ્રોશર, લીફલેટ ક્રિકેટ અને ઉત્સવને સંબોધી તેઓને આપો, સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને ઓફરો આપો, તેઓ માટે સ્પેશિયલ મેચનું સ્ક્રીનિંગ કરો. આનાથી તમે તમારા કર્મચારીઓ અને ગ્રાહકોનું દિલ જીતશો અને તેઓ તમને વધુ આઉટપુટ અને ઓર્ડર ચોક્કસપણે આપશે. આ ઉપરાંત તમારી કંપનીની છબી ઊભરશે તે નફામાં. આ વાત નાના વેપારીઓ અને રિટેલ સ્ટોર માટે પણ લાગુ પડે છે. તેમની માટે વધુ આકર્ષક સમય છે કારણ તેઓ પોતાના ગ્રાહકો માટે ઘણું વિશેષ કરી શકે છે. પોતાના સ્ટોરમાં ઝટ સેટ લગાવો, તમે ટીમ ઇન્ડિયાની ટી-શર્ટ પહેરી કાઉન્ટર પર ઊભા રહો. મેચ જો ઇન્ડિયા જીતે તો વધુ ડિસ્કાઉન્ટની જાહેરાત કરો વગેરે. આ બધા વિચારો નવા નથી પણ આસાનીથી અમલમાં મૂકી શકાય તેવા છે. આપણે નાના છીએ અથવા આપણા વેપારને આની જરૂરત નથી જેવી વિચારધારા આપણને હંમેશાં આઉટ ઓફ ધ બોક્સ વિચારવા માટે રોકે છે. બીજું કઈ નહિ તો લોકો આપણને યાદ રાખશે કે આણે ક્રિકેટ વર્લ્ડ કપના સમયે આમ કર્યું હતું. બસ આપણું કામ થઇ ગયું. બ્રાન્ડ ગ્રાહકના મગજમાં ફિટ થવી જોઈએ અને તેના માટે આવી તકોને ઝડપી લેવી જોઈએ.
આજની તારીખે બીજો મોટો ફાયદો તે એટલે ડિજિટલ માધ્યમની લોકપ્રિયતા. તેના માટે વધુ રોકાણની જરૂર નથી પણ સારૂં ક્ધટેન્ટ તમને લોકો સુધી આપોઆપ લઇ જશે. ઘણા તરીકાઓ છે આ માધ્યમ પર તમારી બ્રાન્ડને પ્રમોટ કરવાના. આજે સામાન્ય સ્ટોરનો માલિક પણ કસ્ટમરનો ડેટાબેઝ રાખે છે તો તેઓ સુધી પણ જો સંદેશો પહોંચી શકે તો આપણે ગંગા નાહ્યાં. ફેસબુક, ઇન્સ્ટા અને વોટ્સએપ પર વધુ એક્ટિવ થઇ જાવ આ સમયે અને ક્રિકેટ સંબંધિત સંદેશાઓ મોકલતા રહો. અમુક વાતો કરી શકાય જે લોકોને જોવી અને વાંચવી ગમે છે. જેમ કે, મીમ્સ બનાવો. મેચ દરમિયાન ઘણી બધી યાદગાર ક્ષણો અને રમૂજી દૃશ્યો જોવામાં આવે છે જેનો ઉપયોગ કરી સોશિયલ મીડિયાના સહારે તમારા ગ્રાહકો અને ચાહકોની વિશાળ વસ્તી સુધી પહોંચવા માટે કરો. દરેક બ્રાન્ડે પોતાનું માર્કેટિંગ કરવા માટે આ મીમ્સનો ઉપયોગ કરી લાભ લેવો જોઈએ. આ તમને સમાન તક અને સ્થળ (પ્લેટફોર્મ) આપે છે પછી ભલે તમે નાની બ્રાન્ડ હોવ કે મોટી બ્રાન્ડ.
ચાહકોને તેમના મનપસંદ રમતવીર વિશે સાંભળવું ગમે છે. દરેક રમતવીર પાસે કહેવા માટે એક વાર્તા હોય છે. એક વાર્તા જે તેમને વ્યાખ્યાયિત કરે છે અને તેમની મુસાફરીનું વર્ણન કરે છે. જો તમે તેમને તેમના મનપસંદ ક્રિકેટરની વાર્તા જે તેણે ક્યારેય નહિ સાંભળી હોય તે જણાવશો કે પછી સાંભળેલી વાત પણ રસપ્રદ રીતે જણાવશો તો તેને ગમશે. તમારી જાતને માર્કેટિંગ કરવાની અને તમારા પ્રેક્ષકો સાથે ભાવનાત્મક રીતે કનેક્ટ થવાની આ એક સરસ રીત છે. આમ વાર્તા બીજો પ્રકાર હોઈ શકે સોશિયલ મીડિયા પર તમારી બ્રાન્ડને પ્રમોટ કરવાનો. લોકોને કોઈ સ્પર્ધામાં ઇનામ મળે તે ગમે છે. તો આવા સમયે તમારા પ્રેક્ષકો સાથે સર્જનાત્મક બનો. ક્વિઝ બનાવો અથવા લોકોને રમતના પરિણામ પર મત આપવા માટે કહો અને જે લોકો સાચા જવાબ આપે છે તેમના માટે મફત અને ભેટોની વ્યવસ્થા કરો. આમ આવા ઘણા પ્રકારો હોઈ શકે તમારા ગ્રાહકો સુધી પહોંચવાના.
આ વર્ષે ઉત્સવો અને વર્લ્ડ કપ સાથે આવ્યા છે તો ચોટીનું જોર લગાવી, ક્રિકેટોત્સવ એવી રીતે મનાવો જે તમને આવતા ચાર વર્ષ માટે કમાવી આપે અને વર્લ્ડ કપ વિજેતાનો અહેસાસ આપે.