ઉત્સવ

પડકારનો પંથ

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

બેંગલોર યુનિવર્સિટીમાં બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રીમાં ફર્સ્ટ કલાસ મેળવ્યા બાદ ૨૨ વર્ષીય અર્જુન શેટ્ટીનું મન હવે વિદેશમાં માસ્ટર ડિગ્રી માટે થનગની રહ્યું હતું. વિદેશમાં સ્થાયી થયેલા શ્રીધરણ નાયર, જેઓ મૂળ તેના જ ગામના વતની હતા, તેમની સાથે મોબાઈલ પર વાત કરીને અર્જુન અને તેના પિતાએ એમ.બી.એ. માટેની માહિતી મેળવી.

વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટેના એજન્ટની મદદ મળતાં માતા-પિતાના આશિષ લઈને અર્જુન લંડન પહોંચી ગયો. દીકરાની મહેચ્છા પૂરી કરવા અર્જુનના પિતાએ ૨૦ વીઘા જમીન પણ વેચી દીધી હતી.
અર્જુનને લંડનની તેની કોલેજ, ઈમ્પીરીયલ કોલેજ ઓફ બિઝનેસની નજીક જ સ્ટુડન્ટ હોસ્ટેલમાં રહેવાની સગવડ પણ એજન્ટે કરી દીધી હતી. અર્જુનના રૂમ પાર્ટનરમાં ૨૫ વર્ષનો હતો એક ભારતીય સ્ટુડન્ટ હતો. એ કોઈ રિસર્ચ કરી રહયો હતો. બીજો એક હબસી હતો, જે ભણવા કરતાં નાચગાન અને સંગીતમાં મસ્ત રહેતો.

અર્જુન કયારેય પોતાના પેરેન્ટ્સથી અળગો થયો ન હતો, હવે અચાનક આમ દૂર થઈ ગયો. એ વાતે દુ:ખી હતો, પણ સફળતાના પંથે પડકાર તો ઝીલવા જ પડે ને ! પેલો ભારતીય સુધાંશુ ખૂબ સ્માર્ટ જણાતો હતો. પણ પેલો કાળો હબસી ઝીણી આંખે હસતો ત્યારે ડરામણો લાગતો, વળી એ શું બોલે છે, એ પણ ઘણી વાર સમજાતું નહીં. હવે જીવનમાં સફળ થવા અર્જુને છ ટર્મનો અભ્યાસ એમની સાથે રહીને કરવાનો હતો.

આમ તો કોલેજમાં લાઇબ્રેરીમાં વધુ અભ્યાસ કરવો, કલાસ એટેન્ડ કરવા, પ્રોજેકટ વર્ક કરવું આ બધામાં અર્જુનનો સમય નીકળી જતો પણ અમ્મા, અપ્પા અને બહેન વૈજયંતી યાદ આવી જતા ત્યારે અર્જુન ઉદાસ થઈ જતો.

એક શનિવારે હબસી મિત્ર તેને પરાણે ડાન્સ પાર્ટીમાં લઈ ગયો. ત્યાંની સુંદર યુવતીઓના મોહક નૃત્યો, શેમ્પેઈનની જિયાફતમાં હબસી એન્ડ્રુઝ તો ઝૂમી રહયો હતો. એક લાલ ડ્રેસવાળી કોઈ યુવતી અર્જુનને હાથ લંબાવી બોલાવી રહી હતી, પણ અર્જુન એની પાસે ન ગયો. એ તો સંગીતના કોલાહલથી દૂર જઈ ફોન જોડીને અમ્મા સાથે વાત કરી ત્યારે જીવ હેઠો બેઠો.
એ પાર્ટીમાં પેલા હબસીના કહેવાથી અર્જુને પોતાનો મોબાઈલ એક વેઇટરને આપ્યો. વેઇટરે કોઈની સાથે દશેક મિનિટ સુઘી વાત કરી.

પ્રોગ્રામ પુરો થતાં, બંને જણા રૂમ પર આવ્યા ત્યારે રાતના બે વાગ્યા હતા.

બીજે દિવસે અર્જુન કોલેજ જઈ ન શકયો. એનો મોબાઈલ ડેડ-થયો હોય તેવું લાગ્યુ. પેલા હબસી મિત્રને કહયું તો એણે મદદ કરવાનો ડોળ કર્યો. અર્જુને સુધાંશુની મદદ માગી, એણે કહયું હવે તારી બેન્કમાં કે કોઈ મોબાઈલ સેન્ટરમાં જલદી પહોંચી જા. તારા એકાઉન્ટમાંથી પૈસા ઉચાપત થશે, તો શું કરીશ ?

હાંફળો ફાંફળો થયેલો અર્જુન મોબાઈલ સ્ટોરમાં ગયો. ત્યાંના મોબાઈલ મીકેનીકે મોબાઈલ ઓપન કરી આપ્યો. અર્જુને તરત બેંક ડીટેલ જોઈ, અરે, આ શું મારા અકાઉન્ટમાં ઝીરો બેલેન્સ ? એને તો ચક્કર આવી ગયા. એ તો માથે હાથ દઈને બેસી પડ્યો. મીકેનીકે એની હાલત જોઇને પાણી મગાવીને પીવડાવ્યું..

વોટ હેપન્ડ, એનીથીંગ સીરીયસ?, દુકાનદારે પૂછયું.

 સમવન હેક્ડ માય બેન્ક એકાઉન્ટ, ટ્રાન્સફર્ડ ઓલ માય મની ફ્રોમ માય અકાઉન્ટ. આય એમ રુઇન્ડ. અર્જુને રડમસ અવાજે કહયું.

સો સોરી. માય સર્વિસ ચાર્જ ૧૦ પાઉન્ડ પ્લીઝ. દુકાનદારે કહ્યું.

બટ. આય હેવ નો મની. યુ સી, આય એમ રુઇન્ડ.
ઓકે. ગીવ યોર મોબાઇલ નંબર- યુ કેન કમ ડે આફટર ટુમોરો એન્ડ પે મની.

ઓ.કે કહેતાં અર્જુન સ્ટોરમાંથી નીકળ્યો. હારેલા યોદ્ધાની જેમ માંડ માંડ પોતાની હોસ્ટેલ રૂમ પર પહોંચ્યો.

કોલેજમાં ગયો પણ ટેન્શનમાં જ હતો, હવે હું શું કરું. કદાચ, હબસી કોઈ માર્ગ બતાવશે. કદાચ સુધાંશુ ફી માટે પૈસા ઉધાર આપે. પણ હું પાછા કેવી રીતે આપીશ.
રાત્રે રૂમમાં જમ્યા પછી અર્જુને સુધાંશુ અને હબસીને વાત કરી.

સુધાંશુએ સાચી પરિસ્થિતિ સમજાવતાં કહ્યું-તારી ફી, તારા પ્રોજેકટ માટેની સ્ટડી મટિરિયલ અને રૂમ પાર્ટનરશિપ, કેન્ટીનનો ખર્ચ, આ બધો ખર્ચ તો કરવો જ પડશે, એ કેવી રીતે કરીશ?.
આસ્ક યોર ડેડ. હી વીલ સેન્ડ મની. પેલો હબસી બોલ્યો.

નો, નો, આય કાન્ટ આસ્ક માય ડેડ ટુ સેન્ડ મની. ઈવન ઈફ હી કમ્સ ટુ નો અબાઉટ ધીસ, હી વીલ બી વેરી સેડ.

અર્જુને વિચાર્યું એણે કોઇ નોકરી જ કરવી રહી.

સુધાંશુએ અર્જુનને ૨૦ પાઉન્ડ આપતાં કહ્યું- તારી પાસે હોય ત્યારે મને પાછા આપજે. તું અહીં ભણવા આવ્યો છે એ યાદ રાખજે.
પેલા હબસીએ કહ્યું -વન રીચ લેડી નીડ્સ ડોમેસ્ટીક હેલ્પર, શી વીલ ગીવ ગુડ પે.

અર્જુને ના છૂટકે એ સ્ત્રીના ઘરમાં કામ કરવાનું સ્વીકાર્યું. વળી શનિ-રવિવારે રાત્રીએ એક ગોડાઉનમાં મજૂરી પણ કરતો.

એક વાર પેલી લેન્ડ લેડીને ઘેર ડ્રીન્ક પાર્ટીમાં નશામાં ધૂત કોઇ પ્રોઢાએ નવલોહિયા અર્જુનને રંજાડવાનું શરૂ કર્યું. ત્યારે ગભરાયેલો અર્જુન ત્યાંથી ભાગી છૂટ્યો.

એક તરફ અમ્મા અને અપ્પાનો વાત્સલ્યપૂર્ણ ચહેરો અને એક તરફ અહીંના જીવનની સચ્ચાઈ. અર્જુન અમ્માએ શીખવાડેલી પ્રાર્થના રોજ સવારે અચૂક કરતો. તેને વિશ્ર્વાસ હતો કે ગોડ ઈઝ વીથ મી. મારા અમ્મા- અપ્પાના આશિષ મારી સાથે જ છે.

આ બધા ટેન્શનમાં એનો અભ્યાસ અધૂરો રહેતો. તે દિવસે એ ગ્રૂપ ચર્ચામાં એ શૂનમૂન હતો, અને તેનું પાવરપોઈંટ પ્રેઝન્ટેશન નબળું રહ્યું. એટલે તેના પ્રોફેસર જ્યોર્જ લીંડેએ અર્જુનને પુછ્યું- એની પ્રોબલેમ?, યુ આર માય બેસ્ટ સ્ટુડંટ.

અર્જુને પ્રોફેસરને બેન્ક એકાઉન્ટ હેક થઈ ગયાનું જણાવ્યું. પ્રોફેસર તરત અર્જુનને પોલીસ સ્ટેશને લઈ ગયા. ફરિયાદ નોંધાવડાવી. સાયબર ક્રાઈમની મદદથી હેકર્સ પકડાયા, પોલીસે અર્જુનને તેના પૈસા પાછા અપાવ્યા.

અર્જુનનો પડકાર પંથ પૂરો થયો. હવે એ પોતાના લક્ષ્યાંક તરફ નિશ્ર્ચિત થઇને આગળ વધી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button