મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિને અસાધારણ ને ન ધારેલી જીત મળી. ભાજપે એકલા હાથે ૧૩૨ બેઠકો જીતી ત્યારે લાગતું હતું કે ભાજપનો હાથ ઉપર રહેશે અને મુખ્ય મંત્રીની પસંદગી ફટાફટ થઈ જશે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં ભાજપના સૌથી અગ્રણી નેતા છે અને એકનાથ શિંદેની સરકારમાં નાયબ મુખ્ય મંત્રી હતા તથા પહેલાં પણ મુખ્ય મંત્રી રહી ચૂક્યા હતા.
તેથી ડિસેમ્બર શરૂ થતાં પહેલાં તો ફડણવીસની તાજપોશી થઈ જશે એવી ધારણા હતી.
જોકે, બધાની આ ધારણાથી વિરૂદ્ધ એવો માહોલ ખડો થઈ ગયો છે કે ફડણવીસ ગાદી પર બેસશે કે બીજા કોઈ પર કળશ ઢોળાશે એ નક્કી નથી એમાં મુખ્ય મંત્રીની પસંદગી માં કોકડું ગૂંચવાઈ ગયું છે.
આમ તો મહારાષ્ટ્રની સાથે ઝારખંડનાં પણ ચૂંટણી પરિણામ સાથે આવ્યા અને ઝારખંડના ગણતરીના દિવસોમાં મુખ્ય મંત્રીએ ગાદી સંભાળી લીધી, પણ અહીં મહાયુતિની જીત થયાને અઠવાડિયું વીતી ગયું છે, છતાં હજુ સુધી મુખ્યમંત્રી કોણ બનશે એ નક્કી નથી.
મુખ્ય મંત્રી પદ માટે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન જે નિર્ણય લેશે એ મને મંજૂર ..’ એવું કહીને એકનાથ શિંદે ખસી ગયા પછી ભાજપ ફડણવીસના નામની જાહેરાત કરી દેશે એ નક્કી મનાતું હતું, પણ ભાજપ મગનું નામ મરી પાડી નથી રહ્યો તેના કારણે એવી પણ છાપ પડી રહી છે કે, ભાજપ ફરી ફડણવીસને ગાદી પર બેસાડવા નથી માગતો. બાકી ફડણવીસની જ તાજપોશી કરવી હોય તો અબઘડી એમના નામની જાહેરાત ના કરી નાંખી હોત? અમિત શાહ અને ફડણવીસ વચ્ચેના સંબંધ વણસી ગયા છે તેથી શાહ એના બદલે કોઈ નવા જ ચહેરાને તક આપવા માગે છે એવી વાતો પણ આજકાલ ચાલી રહી છે.
બીજી તરફ, એકનાથ શિંદે આડા ફાટ્યા હોવાની પણ એક વાત છે. પહેલાં પણ એકનાથ શિંદે પોતાને જ મુખ્ય મંત્રી બનાવવાની વાત પર અડી જતાં ભાજપ ભીંસમાં આવી ગયેલો. બેઠકોની ગણતરી પ્રમાણે ભાજપ અજિત પવારની એનસીપીનો ટેકો મેળવીને સરકાર બનાવી શકે તેમ છે, પણ અજીત પવાર ભરોસોપાત્ર નથી ને ભાજપે સત્તાને ખાતર પોતાની સાથે રહેલા શિંદેને તરછોડી દીધા એવું લાગે તેમાં ભાજપની આબરૂ વધારે ખરડાય તેથી ભાજપ શિંદેને છોડવા તૈયાર નથી. શિવસેના અને એકનાથ શિંદે ભાજપ માટે સૌથી ભરોસાપાત્ર છે તેથી ભાજપે શિંદેને મુખ્ય મંત્રી પદ છોડવા માટે મનાવવાની મથામણ શરૂ કરી.
ભારે મથામણ પછી શિંદે માની ગયા અને મુખ્ય મંત્રી પદનો નિર્ણય ભાજપ હાઈકમાન્ડ એટલે કે નરેન્દ્ર મોદી પર છોડ્યો છે, પણ એમણે મૂકેલી જાત જાતની શરતોના કારણે કોકડું વધુ ગૂંચવાયું હોવાનું મનાય છે.
આ કોકડું ઉકેલવા માટે મહાયુતિના ત્રણે પક્ષ ભાજપ- શિવસેના અને એનસીપીના નેતાઓની દિલ્હીમાં અમિત શાહના ઘરે બેઠક યોજાઈ તેમાં શિંદે પોતાની શરતો પર અડી ગયાનું કહેવાય છે. આ બેઠકમાં અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રના આગામી મુખ્ય મંત્રી બનશે. સાથે સાથે એમણે શિંદેને નાયબ મુખ્ય મંત્રી બનાવવાની ઓફર આપી, પણ શિંદેને નાયબ મુખ્ય મંત્રી પદ નથી ખપતું.
ભાજપ એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રીપદ આપવા માગે છે કે જેથી લોકોમાં મહાયુતિની એકતાનો મેસેજ જાય અને તડાં નથી એવું લાગે પણ શિંદે મુખ્ય મંત્રી પદ સિવાય બીજો કોઈ હોદ્દો લેવા તૈયાર નથી.
બિહારના નીતીશ કુમારની જેમ શિંદે પણ નમતું જોખવા નથી માગતા. ભાજપે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં શિંદેને મોટાં મંત્રાલયોમાંથી કોઈ એક આપવા ઓફર કરી છે, પણ શિંદેને એ પણ માન્ય નથી. એકનાથ શિંદે કોઈપણ સંજોગોમાં મહારાષ્ટ્રનું રાજકારણ છોડીને પાટનગર જવાના મૂડમાં નથી.
શિંદેએ મૂકેલી બીજી માગણીઓમાં ગૃહ મંત્રાલય અને વિધાન પરિષદનું અધ્યક્ષપદ છે. ભાજપને વિધાન પરિષદનું અધ્યક્ષપદ આપવામાં વાંધો નથી, પણ ગૃહ મંત્રાલય પોતાને જોઈએ છે. સામે શિંદે પણ ગૃહમંત્રાલય લેવા અડગ છે. શિંદેને તો ફડણવીસને મુખ્ય મંત્રી પદે બેસાડાય તેની સામે પણ વાંધો છે.
શિંદેને બદલે કોઈ અન્ય મરાઠાને મુખ્યમંત્રી અપાય એવી માગણી પણ શિંદેએ મૂક્યાનું કહેવાય છે. શીંદેની શિવસેનાના મતે દેવેન્દ્ર ફડણવીસ બ્રાહ્મણ હોવાથી એમની નીચે બે મરાઠા નેતા અજિત પવાર અને એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાથી મરાઠા મતદારો નારાજ થઈ જશે. ભાજપ પાસે બ્રાહ્મણો સહિતની મતબેંક છે, પણ શિંદે પાસે મરાઠા મતબેંક હોવાથી એ મરાઠાઓને નારાજ કરવા નથી માગતા તેથી આ વાત પર અડી ગયા છે.
ભાજપ ઈચ્છે છે કે, શિંદે કોઈપણ સંજોગોમાં ભાજપ સરકારનો હિસ્સો બને પણ મુખ્ય મંત્રી પદ છોડવાના બદલામાં શિંદેએ જે માગણીઓ મૂકી છે એ એટલી આકરી છે કે, ભાજપની હાલત કફોડી થઈ ગઈ છે. હિંદીમાં કહેવત છે કે, ‘ના નિગલે બને ના ઉગલે બને…’ મતલબ કે, ગળી જવાથી પણ સમસ્યા ના ઉકેલાય ને ઓકી દેવાથી પણ પ્રશ્ર્નનો ઉકેલ ના આવે.
શિંદેના મામલે આ જ સ્થિતિ છે કેમ કે ભાજપ શિંદેને છોડી પણ નથી શકતો ને એમની માગણીઓ સ્વીકારી પણ શકતો નથી.
ભાજપ હાઈકમાન્ડ હવે આ સમસ્યા કઈ રીતે ઉકેલે છે એ જોવાનું રહે છે, પણ તેના કારણે નવી સરકારની રચનાનો સમય લંબાઈ જશે. જોકે ભાજપ માટે આ નવી વાત નથી. નજીકના ભૂતકાળમાં જ ભાજપમાં મુખ્ય મંત્રી પદને મામલે કોકડું ગૂંચવાયેલું ને ભાજપે છેક ૧૦ દિવસ પછી નિર્ણય લીધેલો એવું બન્યું જ છે. ભાજપે ગયા વરસે નવેમ્બરમાં મધ્યપ્રદેશ,રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી પછી ત્રણેય રાજ્યના મુખ્યમંત્રી નક્કી કરવામાં લાંબો સમય લીધો જ હતો.
ભાજપ જ્યારે પણ લાંબો સમય લે ત્યારે મોટા ભાગે આશ્ર્ચર્યો સર્જે છે અને કલ્પના ના હોય એવાં લોકોને લોટરી લાગે છે. મધ્યપ્રદેશ,રાજસ્થાન અને છત્તીસગઢ એ ત્રણ રાજ્યમાંથી બે રાજ્યમાં કોઈને કલ્પના પણ ના હોય એવા નેતાઓને ગાદી પર બેસાડીને રાતોરાત રાજા બનાવી દીધા હતા. છત્તીસગઢના મુખ્ય મંત્રી બનેલા વિષ્ણુદેવ સાઈ જૂનો જોગી હતા ને કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા હોવાથી તેમનું નામ રાષ્ટ્રીયસ્તરે જાણીતું હતુ, પણ મધ્યપ્રદેશના ડૉ. મોહન યાદવ અને રાજસ્થાનના ભજનલાલ શર્માનાં નામ રાષ્ટ્રીયસ્તરે કોઈએ સાંભળ્યા ંનહોતાં.
Also Read – ઈકો-સ્પેશિયલ : આ છે કુહાડી પર પોતાના પગ પછાડતા લોકો…
મોહનયાદવ ત્રીજી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ને શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં શિક્ષણમંત્રી હતા તેથી મધ્યપ્રદેશમાં જાણીતા કહેવાય, પણ ભજનલાલ શર્મા તો રાજસ્થાનમાં જ જાણીતા નહોતા. શર્મા રાજસ્થાન ભાજપના કાર્યકરો માટે પણ અજાણ્યું નામ હતું, કેમકે શર્મા પહેલીવાર જ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ભાજપે ગુજરાતમાં વિજય રૂપાણીને હટાવ્યા પછી ભૂપેન્દ્ર પટેલને લોટરી લાગી ગયેલી એવું જ ભજનલાલના કેસમાં થયું હતું. ધનરાશિના એ બંને જાતકોએ બગાસું પણ નહોતું ખાધુ ને ભાજપ હાઈકમાન્ડે એમના મોંમાં પતાસું મૂકી દીધું હતું.
મહારાષ્ટ્રમાં પણ ભાજપ લાંબો સમય લઈ રહ્યો છે એ જોતાં ડૉ. મોહન યાદવ કે ભજનલાલ શર્મા જેવા કોઈ નવા નિશાળિયાને લોટરી લાગી જાય એવું બને તો નવાઈ નહીં પામવાનું !