કવર સ્ટોરી : વક્ફ એક્ટ’માં સુધારાથી ખરેખર શું શું બદલાશે?

-વિજય વ્યાસ
વર્ષોથી વાદ-વિવાદમાં અટવાતું રહેતું
વક્ફ બોર્ડ’ના નવા સુધારાઓને હવે સંસદની મહોર લાગી જવાથી દાદાગીરી કરીને કોઈની પણ સંપત્તિઓ પચાવી પાડવાનો જે ખેલ ચાલતો હતો તે બંધ થશે અને એના અન્ય અનિષ્ટો પર પણ અંકુશ આવશે એવી `ઉમીદ’ આ નવા ખરડાથી જરૂર જાગી છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અંતે વક્ફ એક્ટ, 1995'માં સુધારો કરવા માટેનો ખરડો સંસદનાં બંને ગૃહોમાં
ઉમીદ’ના નવા નામે પસાર કરી દીધો. મોદી સરકારે ગયા વરસે ઓગસ્ટમાં આ ખરડો લોકસભામાં રજૂ કર્યો ત્યારે મોદી જેમના ટેકે સરકાર ચલાવે છે એ ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશ કુમારે વાંધો લેતાં ખરડો સંસદીય સંયુક્ત સમિતિ (જેપીસી)ને સોંપી દેવો પડ્યો હતો. બધા પક્ષોની બનેલી જેપીસીએ બેઠકો પર બેઠકો કર્યા પછી અંતે 14 સુધારા સાથેનો ખરડો પસાર કરવામાં આવ્યો છે.
મોદી સરકારે પહેલાં વક્ફ એક્ટમાં 40 જેટલા સુધારા કરવાનું નક્કી કરેલું પણ લોકસભા અને રાજ્યસભા બંનેમાં બહુમતી નથી એટલે સાથી પક્ષો કહે એ સુધારા માન્યા વિના છૂટકો નહોતો. તેના કારણે આ ખરડો મોળો બની ગયો છે અને અત્યંત જરૂરી એવી થોડીક જોગવાઈ પણ જતી કરવી પડી છે. એક જોગવાઈ એ છે કે, આ ખરડાનો અમલ પાછલી અસરથી નહીં થાય. મતલબ કે, વક્ફ બોર્ડને લગતા જે પણ વિવાદો છે એ જૂના કાયદા પ્રમાણે જ ઉકેલવા પડશે.
કોઈ સંપત્તિને `વક્ફ’ જાહેર કરાય ને વક્ફ ટ્રિબ્યુનલ તેને માન્ય રાખે પછી તેની સામે કોઈ કોર્ટમાં અપીલ કરી શકાતી નથી. જોકે, નવા કાયદામાં અદાલતમાં ટ્રિબ્યુનલના ચુકાદાને પડકારવાનો અધિકાર અપાયો છે. અહીં એક પ્રશ્ન એ જાગે કે જો પાછલી અસરથી કાયદો લાગુ ના થાય તો જૂના કેસોમાં ટ્રિબ્યુનલનો ચુકાદો જ અંતિમ ગણાય તો પછી બદલાશે શું?
અહીં મૂળ સમસ્યા જૂની સંપત્તિઓને લઈને છે. નવા કાયદામાં વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમોના સમાવેશને મંજૂરી અપાઈ છે, પણ ધાર્મિક બાબતોમાં કોઈ બિન-મુસ્લિમ દખલગીરી નહીં કરી શકે એવી પણ જોગવાઈ છે. વક્ફના વિવાદોમાં ધાર્મિક સ્થાનોને લગતા વિવાદની જ સૌથી મોટી મગજમારી છે. તેમાં બિન-મુસ્લિમ કશું કહી જ ના શકે તો પછી મતલબ શું છે ?
આ તો બે કાયદાના નિષ્ણાતોને ઊડીને આંખે વળગે એવાં બે ઉદાહરણ આપ્યાં છે, પણ જેમ જેમ કાયદાનો અભ્યાસ થતો જશે તેમ તેમ મોદી સરકારે ક્યા ક્યા મામલે સમાધાનકારી વલણ અપનાવ્યું છે તેની ખબર પડતી જશે.
બીજી બાબતો બહાર ના આવે તો પણ આ બે ઉદાહરણ જ મૂળ ખરડા કરતાં પસાર થયેલો ખરડો અલગ છે એ સાબિત કરવા માટે પૂરતાં છે.
અલબત્ત, આપણે ત્યાં વક્ફના નવા કાયદાથી અમુક કામ ચોક્કસ થશે. અત્યાર સુધી વક્ફ એક્ટની કલમ 40ના જોરે રીતસરની લુખ્ખી દાદાગીરી કરીને સંપત્તિઓ પચાવી પાડવાનો ખેલ ચાલતો હતો એ બંધ થશે ને વક્ફની સંપત્તિઓનું યોગ્ય મેનેજમેન્ટ થશે તો પણ ઘણું છે.
1954માં જવાહરલાલ નહેરૂના શાસનમાં સંસદે વકફ એક્ટ 1954 પસાર કરીને વક્ફ બોર્ડની રચનાને કાયદેસર બનાવી. 1955માં કાયદામાં સુધારો કરીને રાજ્ય સ્તરે વક્ફ બોર્ડ બનાવવાની જોગવાઈ કરવામાં આવી.
1995માં નરસિંહરાવની સરકાર વખતે નવો વક્ફ બોર્ડ કાયદો આવ્યો અને 2013માં તેમાં સુધારા કરાયા હતા. તેમાં સૌથી ખતરનાક બાબત નરસિંહરાવની સરકારે બનાવેલા વક્ફ એક્ટ, 1995ની કલમ 40 છે. એ કલમ હેઠળ વક્ફબોર્ડને કોઈ પણ સંપત્તિ વક્ફછે કે નહીં એ નક્કી કરવાનો અબાધિત અધિકાર મળેલો છે. વક્ફ બોર્ડમાં બેઠેલા ભ્રષ્ટ હોદ્દેદારોની મિલિભગતમાં મુસ્લિમોના બની બેઠેલા ઠેકેદારોએ આ કલમનો ભયંકર દુરુપયોગ કરીને સંપત્તિઓ હડપ કરી. કોઈ પણ સંપત્તિ પર નજર ઠરે કે કોઈની સાથે વાંકું પડે એટલે ખોટા દસ્તાવેજો બનાવીને એ સંપત્તિને વક્ફ સંપત્તિ જાહેર કરી દેવાનો ખેલ વરસોથી
ચાલે છે.
વક્ફ બોર્ડ એક્ટ 1995ની કલમ 40 મુજબ વકફ બોર્ડ સામેથી પણ કોઈપણ મિલકત પર પોતાનો અધિકાર જાહેર કરી શકે છે. બોર્ડને લાગે કે, આ સંપત્તિ વક્ફની છે કે તરત સંપત્તિની માહિતી એકત્રિત કરીને વક્ફ બોર્ડ તેને વક્ફ સંપત્તિ જાહેર કરી શકે છે. વક્ફના આ નિર્ણય સામે વાંધો હોય તો વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલમાં અરજી કરી શકાય છે.
વક્ફના કિસ્સામાં ટ્રિબ્યુનલનો નિર્ણય અંતિમ ગણાય છે અને તેની સામે અપીલ કરવી હોય તો હાઈકોર્ટમાં જઈ
શકાય પણ તેના માટેની કાનૂની પ્રક્રિયા બહુ અટપટી છે. આ જોગવાઈ ખરેખર તો લેન્ડ ગ્રેબિંગને કાયદેસરતા આપે છે તેથી તે નાબૂદ થવી જ જોઈતી હતી. મોદી સરકાર તેમાં સુધારો કરીને ટ્રિબ્યુનલને બદલે અદાલતોને વધારે સત્તા આપીને ખરેખર સાં કામ કર્યું છે.
અત્યારના કાયદાના કારણે વક્ફની સંપત્તિઓ ધૂળ ખાય છે અને દેશના વિકાસમાં કે મુસ્લિમોના કલ્યાણમાં પણ કોઈ યોગદાન નથી આપી શકતી. મોદી સરકારે નવા કાયદામાં વક્ફ સંપત્તિઓના મેનેજમેન્ટમાં સુધારો કરવાની જોગવાઈ કરી છે. આ જોગવાઈ રાષ્ટ્રના હિતમાં છે કેમ કે અત્યારે 2 લાખ કરોડની વક્ફ સંપત્તિઓમાંથી માત્ર 200 કરોડની આવક થાય છે.
ભારતમાં 30 સુન્ની અને બે શિયા મળીને કુલ 32 વક્ફ બોર્ડ છે. મુસ્લિમોની નોંધપાત્ર વસતિ ધરાવતાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં શિયાઓ અને સુન્નીઓનાં અલગ અલગ વક્ફ બોર્ડ છે. આ 32 વક્ફ બોર્ડ પાસે દેશભરમાં કુલ અચલ 8,72, 292 સંપત્તિ છે. 9.4 લાખ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી વકફની સંપત્તિની કિમત 1.20 લાખ કરોડ રૂૂપિયા અંદાજાય છે કેમ કે મોટા ભાગની વકફ મિલકતો ખંડિયેર હાલતમાં છે.
આ મિલકતોને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે તો તેમની કિમત 2 લાખ કરોડ રૂૂપિયાથી વધારે ઉપજે, પણ આ વક્ફ સંપત્તિઓમાંથી વાર્ષિક માત્ર રૂપિયા 200 કરોડની કમાણી થાય છે. વક્ફ બોર્ડ્સ પાસે 3,56,031 વક્ફ એસ્ટેટ અને 16,173 ચલ સંપત્તિ છે. મુસ્લિમોના સીધા ઉપયોગમાં લેવાતાં કબ્રસ્તાન, ઈદગાહો, મસ્જિદો વગેરે વક્ફ એસ્ટેટ ગણાય પણ તેનો બીજો ઉપયોગ ના થઈ શકે.
આ બધાનું તમે સાદુ વ્યાજ ગણો તો પણ 1 ટકા લેખે 1.20 લાખ કરોડ રૂપિયાની જમીનો ધરાવતી વક્ફ સંપત્તિઓ વરસે 12 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી શકે. વક્ફ સંપત્તિઓમાંથી વધારે કમાણી નથી થતી કેમ કે વક્ફ બોર્ડમાં બિન- મુસ્લિમોને લઈ શકાતા નથી. બીજી તરફ મુસ્લિમોમાં સંપત્તિઓનું યોગ્ય રીતે સંચાલન કરવા માટે સિનિયર સરકારી અધિકારીઓ કે વહીવટદારો જ નથી.
નવા કાયદાથી આ સ્થિતિ બદલાશે ને વક્ફ સંપત્તિઓ દેશના લાભાર્થે વપરાશે એવી આશા રાખીએ.
આપણવાંચો: ઓપિનિયન : અત્યારનાં બાળકો બુદ્ધિશાળી અને ચપળ પણ મા-બાપો માટે મોટી મોબાઈલ સમસ્યા