ઉત્સવ

કવર સ્ટોરી : પાકિસ્તાનની જાસૂસી જાળના ભેદ-ભરમ

-વિજય વ્યાસ

પાડોશી છતાં જાની દુશ્મન એવા પાકિસ્તાનની ખતરનાક જાસૂસી એજન્સી ISI ના મૂળિયાં આપણે ત્યાં ઊંંડે સુધી પ્રસરેલા છે. દેશની અત્યંત ગુપ્ત એવી સંરક્ષણની માહિતી મેળવવા એના આકાઓ રૂપલલનાની હની ટ્રેપ અને નગદ રૂપિયાની લાલચથી લઈને બ્લેકમેલિંગ અને જરૂર પડે તો ધમકાવીને પણ અનેક ભારતીયોને પોતાના એજન્ટ બનાવી- એમની પાસે દેશ સાથે ગદ્દારી કરાવે છે. હરિયાણાની જ્યોતિ મલ્હોત્રા એનો તાજો દાખલો છે. આજના હાઈટેક જમાનામાં આવી સ્પાઈ ગેમ રમવી જેટલી આસાન લાગે છે એટલી જ એ અટપટી પણ છે… !

સેજલ કપૂર, સતેન્દ્ર સિવાલ , જ્યોતિ મલ્હોત્રા, માધુરી ગુપ્તા , પ્રદીપ કુરૂલકર , ઝારા દાસગુપ્તા.

હરિયાણાની રૂપાળી- સ્માર્ટ યૂ-ટયૂબર જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIની એજન્ટ હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

જમ્મુ- કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી જ્યોતિએ ભારતીય લશ્કરની હિલચાલ વિશે પાકિસ્તાનને માહિતી પહોંચાડી હોવાનો ભાંડો ફૂટતાં જ એને જેલભેગી કરી દેવામાં આવી છે. હકીકતમાં તો આ જ્યોતિ લાંબા સમયથી પાકિસ્તાનની ખોફનાક જાસૂસી એજન્સી ISI સાથે કામ કરતી હોવાની કહેવાય છે.

‘ટ્રાવેલ વીથ જૉ’ નામે ટ્રાવેલ ચેનલ ચલાવતી 33 વર્ષની જ્યોતિ મલ્હોત્રા દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં કામ કરતા દાનિશ તથા ISIના અન્ય ઓપરેટર્સ સાથે એન્ક્રિપ્ટેડ એપ્સ (આંતરીને એના સંદેશ ઉકેલી ન શકાય એવાં ) માધ્યમથી સતત સંપર્કમાં હતી અને ભારતના સંવેદનશીલ વિસ્તારોની વિગતો પહોંચાડતી હતી એવો આરોપ મૂકાયો છે.

આ દરમિયાન, જ્યોતિ બે વાર પાકિસ્તાન ગઈ હતી અને જાસૂસી માટે એને ISI તરફથી તગડી રકમ અને વિવિધ સુવિધા મળતી હતી. એના જોરે થોડાં વર્ષ અગાઉ સાવ સામાન્ય જોબ કરતી જ્યોતિ લેવિશ લાઈફસ્ટાઈલ-વૈભવી જીવન જીવતી થઈ ગઈ હતી.

આમ જૂવો તો ભારતમાં પાકિસ્તાની જાસૂસી એજન્સી ISI માટે કામ કરતાં ઝડપાયેલી જ્યોતિ પહેલી વ્યક્તિ નથી. બલકે જ્યોતિ ઝડપાઈ એ સમયગાળામાં ભારતમાંથી જ બીજા IS એજન્ટોને પણ ઝડપી લેવામાં આવ્યા છે. ‘ઓપરેશન સિંદૂર’ની ગુપ્ત વિગતો ISના હેન્ડલરને આપવા બદલ પંજાબના સુખપ્રીતસિંહ-કરણબીર સિંહ અને દેવેન્દર સિંહ ઢિલ્લોન નામના યુવકો પણ ઝડપાયા છે. એમાંય ઢિલ્લોને તો પટિયાલા આર્મી કેન્ટોનમેન્ટની તસવીરો પાકિસ્તાન મોકલાવી હતી અને ગયા વર્ષે પાકિસ્તાનની ટૂર પણ કરી આવ્યો હતો.

ભૂતકાળમાં પણ બીજા ઘણા ભારતીયો આ રીતે પાકિસ્તાન માટે જાસૂસી કરતાં ઝડપાયા છે તેના પરથી જ ભારતમાં ઈંજઈંનું નેટવર્ક કેટલું વ્યાપક છે તેનો અંદાજ આવે.

બીજા દેશની ગુપ્ત માહિતી કઢાવવા માટે કોઈ પણ દેશની જાસૂસી એજન્સી જે જે મોડસ ઑપરેન્ડી અજમાવે એવી બધી ટ્રિક્સ ISI પણ આપણે ત્યાં અજમાવે છે. હની ટ્રેપ, નાણાંની લાલચ, બ્લેકમેલિંગ અને જરૂર પડે તો ધમકાવીને પણ સંખ્યાબંધ ભારતીયોને પોતાના એજન્ટ બનાવી- એમની પાસે દેશ સાથે ગદ્દારી કરાવે છે.

જો કે, જ્યોતિ ને બીજા યુવકો તો સાવ નાનાં પ્યાદાં છે. પાકિસ્તાની ISIની જાળમાં મોટા મોટા ધુરંધરો પણ ફસાઈ ચૂક્યા છે. પાકિસ્તાનની જાળમાં ફસાયેલા સૌથી મોટા ત્રણ કેસ માધુરી ગુપ્તા, પ્રદીપ કુરૂલકર અને સતેન્દ્ર સિવાલના છે.

ઈસ્લામાબાદના ભારતીય દૂતાવાસમાં ડિપ્લોમેટ માધુરી ગુપ્તાના કેસે 2010ના દાયકામાં ભારે ચકચાર જગાવી હતી. 53 વર્ષનાં માધુરી ગુપ્તા 30 વર્ષના પાકિસ્તાની જાસૂસ જમશેદ ઉર્ફે જિમના સંપર્કમાં આવી પછી એની સાથે સેક્સ સંબંધ બંધાયા હતા.

માધુરી તો જિમ સાથે લગ્ન પણ કરવા માગતી હતી, પણ જમશેદને લગ્નમાં રસ નહોતો. એને તો માધુરી પાસે જાસૂસી કરાવીને ભારતને લગતી ગુપ્ત માહિતી કઢાવવામાં રસ હતો. ISIનો મુબ્સર રાઝા રાણા પેલા જમશેદનો હેન્ડલર હતો. ‘હાઈ કમાન્ડ’ તરફથી ઓર્ડર મુજબ માધુરીને સેક્સ- જાળમાં ફસાવીને જમશેદ બ્લેકમેલ કરીને માધુરીને ભારતનાં રહસ્યો એને પૂરાં પાડવા દબાણ કરતો હતો. માધુરી પાકિસ્તાન માટે જાસૂસી પોતાની મરજીથી કરે છે એ સાબિત કરવા એને દર મહિને રૂપિયા એક લાખ આપવામાં આવતા. માધુરીને મોબાઇલ ફોન અને પાકિસ્તાની સીમકાર્ડ પણ આપવામાં આવ્યા હતા. 2010માં માધુરીનો ભાંડો ફૂટી જતાં ધરપકડ થઈ અને સાત વર્ષની જેલની સજા ભોગવ્યા પછી માધુરી ભારતના કોઈ અજ્ઞાત સ્થળે રહેતી હતી અને એક અહેવાલ મુજબ 64 વર્ષની વયે એનું અવસાન પણ થયું …

આ જ રીતે, ISIની જાળમાં ફસાયેલા પ્રદીપ કુરૂલકર તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના ટોચના વૈજ્ઞાનિક હતા. 2023ના નવેમ્બરમાં ‘આઉટસ્ટેન્ડિંગ સાયન્ટિસ્ટ’ તરીકે નિવૃત્ત થાય એ પહેલાં ઈંજઈંના અધિકારીઓ સાથે સંપર્ક કરવા બદલ મહારાષ્ટ્ર એટીએસે 3 મે, 2023ના રોજ કુરૂલકરની ધરપકડ કરીને ઓફિશિયલ સીક્રેટ એક્ટના ભંગ બદલ કેસ નોંધ્યો હતો. ‘ડીઆરડીઓ’ની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (એન્જીનિયર્સ) લેબોરેટરીના ડિરેક્ટર કુરૂલકર ન્યુક્લીયર શસ્ત્રો લઈ જવા સક્ષમ ‘અગ્નિ’ મિસાઈલ તથા 2019માં સફળતાપૂર્વક પાર પડાયેલા એન્ટિ-સેટેલાઈટ મિસાઈલ ટેસ્ટ માટેના ‘મિશન શક્તિ’ જેવાં મોટા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હતા.

‘ઝારા દાસગુપ્તા’ તરીકેની કોડ આઈડેન્ટિટી-ઓળખ ધરાવતી પાકિસ્તાની જાસૂસ યુવતીની મોહજાળમાં કુરૂલકર ફસાયેલા. આ ‘ઝારા દાસગુપ્તા’ને બ્રહ્મોસ મિસાઈલનો હાઈલી ક્લાસિફાઈડ રિપોર્ટ બતાવવા સુધ્ધાં કુરૂલકર તૈયાર થઈ ગયેલા. વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી અને લશ્કરી વડા સિવાય કેટલાક ટોચના અધિકારીઓને જ આ સિક્રેટ રિપોર્ટ જોવા મળે છે. ત્યારે કુરૂલકરે તો 2022ના જૂનથી 2022ના ડિસેમ્બર દરમિયાન ‘ઝારા દાસગુપ્તા’ સાથે બ્રહ્મોસ, શક્તિ, અગ્નિ 6, અનમેન્ડ એર વ્હીકલ રૂસ્તમ, સરફેસ ટુ એર મિસાઈલ્સ, અનમેન્ડ કોમ્બેટ એર વ્હીકલ્સ, ડ્રોન પ્રોજેક્ટ્સ મુદ્દે ચેટ પણ કરી હતી ને તેમાં જ એ ફસાઈ ગયા…!

મોસ્કોના ભારતીય દૂતાવાસમાં કામ કરતા સતેન્દ્ર સિવાલની 2024ના ઓગસ્ટમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય દૂતાવાસમાં સિક્યુરિટી આસિસ્ટન્ટ તરીકે કામ કરતો 28 વર્ષનો સિવાલ ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લાનો છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં મલ્ટિટાસ્કિંગ સ્ટાફ તરીકે 2019માં જોડાયેલો. પૂજા નામની યુવતીએ ‘ફેસબુક’ પર સતેન્દ્રને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતાં એ બન્ને વચ્ચે ચેટ શરૂ થઈ ને પછી નંબરની આપ-લે થતાં વાતચીત શરૂ થઈ. પોતાને રિસર્ચર ગણાવતી પૂજાએ સતેન્દ્રને નાણાંની લાલચ આપી. એના બદલામાં સતેન્દ્રે લશ્કરની મૂવમેન્ટ, ડિપ્લોયમેન્ટ, ટ્રૂપ્સ વગેરેને લગતી માહિતી પૂજાને વેચી હતી.

આજ રીતે મૂળ મુસ્લિમ, પણ ‘સેજલ ક્પૂર’ના નામે એક ફૂટડી યુવતીએ ભારતીય સંરક્ષણ ખાતાના અનેક અધિકારીઓને ‘હની ટ્રેપ’માં સંડોવીને ઢગલાબંધ અત્યંત ગુપ્ત માહિતી કઢાવીને છટકી પણ ગઈ હતી…

માધુરી, કુરૂલકર અને સતેન્દ્ર તો છીંડે ચડેલા-ઝડપાયેલા ચોર છે પણ એ સિવાય બીજા પણ ઘણા હાઈ પ્રોફાઈલ લોકો ઈંજઈં સાથે જોડાયેલા હોય એવી પૂરેપૂરી શક્યતા છે. એ લોકો પકડાય નહીં ત્યાં સુધી શરીફ ને દેશપ્રેમી હોવાનો ઢોંગ કરીને જીવ્યા કરે છે ને ઘણાં એવાં હોય છે કે દેશ સાથે ગદ્દારી કરતા હોવા છતાં જે વરસો સુધી હાથ આવતા પણ નથી.

2023માં ગુજરાતમાંથી લાભશંકર દુર્યોધન મહેશ્વરી નામનો પાકિસ્તાની જાસૂસ ઝડપાયો હતો. 53 વર્ષનો મહેશ્વરી 17 વર્ષથી પાકિસ્તાની એજન્ટોને ભારતીય સીમ કાર્ડ મેળવવામાં મદદ કરતો કે જે આર્મી સ્કૂલોમાં ભણતાં સંરક્ષણ મંત્રાલયના કર્મચારીઓમાં બાળકોના ફોન હેક કરીને જાસૂસી કરવા માટે વપરાતા હતા !

આપણ વાંચો:  આજે આટલું જ -આભને આંબવા…

જ્યોતિ મલહોત્રાના જાસૂસી કાંડે એક બીજી એ વાત તરફ પણ ધ્યાન દોર્યું છે. મોટા ભાગના મુસ્લિમોની વફાદારી ભારત તરફ નહીં, પણ પાકિસ્તાન તરફ છે એવો રાજકીય ફાયદા માટે કુપ્રચાર પણ થાય છે. બીજી બાજુ, આ દેશમાં હિંદુ કે શીખોની દેશભક્તિ તરફ કદી શંકા કરાતી નથી, પણ જ્યોતિ મલ્હોત્રા, સુખપ્રીતસિંહ, કરણબીરસિંહ કે દેવેન્દરસિંહ ઢિલ્લોન મુસ્લિમ નથી પણ નખશીખ હિંદુ કે શીખ છે. પાકિસ્તાન માટે કામ કરનારા દેશના ગદ્દારોમાં બીજાં પણ ઘણાં ભારતીયોનાં નામ ઉમેરી શકાય તેમ છે.

ભારતમાં હિંદુઓ પાકિસ્તાન માટે જાસૂસી કરતા હોય એવો વિચાર પણ કોઈને ના આવે. તેનો લાભ લઈને પાકિસ્તાન રૂપલલનાઓ અને રૂપિયાનો ધૂમ ઉપયોગ કરીને જાસૂસી કરાવડાવે છે.

વાત તો સારે છે કે સેક્સ, પૈસા કે બીજી કોઈ લાલચમાં કોઈ પણ અહીંનો વતની પણ દેશ સાથે ગદ્દારી કરે છે કરી શકે છે એ કડવી, પણ વાસ્તવિકતાને ના ભૂલવી જોઈએ. અલબત્ત, આવા દેશદ્રોહીઓની સંખ્યા મુઠ્ઠીભર છે તેથી આખા હિંદુ કે શીખ સમુદાય પર દેશદ્રોહીનું લેબલ ના લગાડી શકાય. એ જ લોજિક મુસ્લિમોને પણ લાગુ પડે જ છે. થોડાક મુસ્લિમ આતંકવાદ ફેલાવે તેથી બધા મુસ્લિમોને આતંકવાદી ના ગણી શકાય કે મુઠ્ઠીભર મુસ્લિમો અહીં રહીને પાકિસ્તાનની તરફદારી કરે એટલે બધા મુસ્લિમોને પાકિસ્તાનના એજન્ટ ના ગણાવી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button