કવર સ્ટોરી : દિશાના ક-મોત પર રાજકીય ફાયદાની હોડ?

કોઈ ફિલ્મને પણ ટક્કર મારે એવો જબરો વળાંક હમણાં બોલિવૂડની સેલિબ્રિટી મૅનેજર દિશા સાલિયનના ક-મોતના જૂના કિસ્સામાં આવ્યો છે. એમાં આદિત્ય ઠાકરેની કહેવાતી સંડોવણી પણ ગાજી છે. હવે દિશાના પિતાએ તાજી કોર્ટ પિટિશન કરી છે. આથી દિશાનો કેસ બળાત્કાર- આત્મહત્યા કે હત્યા હતો એમાં જ હમણાં અટવાઈ ગયો છે.
મહારાષ્ટ્રમાં આજથી પાંચ વર્ષ પહેલાં 2020માં સનસનાટી સરજી દેનારા દિશા સાલિયનના ક્-મોત મૃત્યુ કેસે ફરી પાછો ઉપાડો લીધો છે.
ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયનનું 8 જૂન, 2020ના રોજ મલાડના એક એપાર્ટમેન્ટના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. પોલીસે પહેલાં દિશાએ આપઘાત કર્યો હોવાનું જાહેર કર્યું હતું, પણ પછી દારૂના નશામાં અકસ્માતે સંતુલન ગુમાવતાં ઉપરથી પડી જતાં નીચે પટકાઈને એનું મોત થયું હોવાનો દાવો કર્યો હતો.
એ વખતે દિશાના અકસ્માતની હજુ ખાસ નોંધ લેવાઈ ન હતી, પણ દિશાના એ રહસ્યમય મોતના લગભગ અઠવાડિયા પછી 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત પણ રહસ્યમય રીતે પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાધેલો મળ્યો અને એ સાથે જ દિશાના મોતને સુશાંતના મોત સાથે જોડીને મીડિયામાં મસાલેદાર વાતો આવવા માંડેલી.
એક અહેવાલ મુજબ કહે છે કે સેલિબ્રિટી મૅનેજરની કામગીરી બજાવતી દિશા સાલિયને એક નિર્માતાની પાર્ટીમાં કોઈ સગીરા સાથે દુષ્કર્મ થતું નજરે જોયું હતું અને એમાં જે સંડોવાયેલા હતા એ વિશેની જાણ એણે સુશાંત સિંહને કરી હતી એ પછી દિશા અને સુશાંતનાં ઉપરાઉપરી મોત થયાં હતાં.
એ વખતે `રિપબ્લિક ભારત ટીવી ચેનલ’ના અર્ણબ ગોસ્વામીએ સૌથી આક્રમક રીતે આ કેસની વિગતો ચગાવી હતી.
મહારાષ્ટ્રમાં એ વખતે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં `મહાવિકાસ અઘાડી’ની સરકાર હતી ને ભાજપ વિપક્ષમાં હતો તેથી દિશા પર એક પાર્ટીમાં ગૅંગ રેપ કરીને એને કાયમને માટે ચૂપ કરી દેવામાં આવી અને એના મોતને આપઘાતમાં ખપાવી દેવામાં આવ્યું એવા આક્ષેપ ગાજ્યા હતા. બીજી તરફ, સુશાંત સિંહ રાજપૂત દિશા પર થયેલા ગૅંગ રેપ વિશે જાણતો હતો તેથી એને પણ ચૂપ કરી દેવાના આક્ષેપો શરૂ થઈ ગયેલા.
આ તરફ, દિશા અને સુશાંત બંનેની કહેવાતી હત્યામાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની સંડોવણી હોવાના આક્ષેપો પણ એ વખતે થયા હતા.
આવા આક્ષેપો દરમિયાન દિશાના પિતા સતીશ સાલિયાન અને માતા વાસંતીએ મીડિયાને સાથ નહોતો આપ્યો. બલકે મીડિયા પોતાની દીકરીના ચારિત્ર્ય પર કાદવ ઉછાળીને પોતાનું જીવવું હરામ કરી રહી હોવાનું કહેલું. પોલીસની થિયરી સાચી માનીને એમણે દિશાનું મોત અકસ્માત હોવાનું પણ સ્વીકારી લીધું હતું.
હવે આ આખી કથામાં કોઈ ફિલ્મને પણ ટક્કર મારે એવો ટ્વિસ્ટ આવ્યો છે.
હમણાં પાંચ વર્ષ પછી દિશાના પિતા સતીશ સાલિયાનનો વિચાર અચાનક બદલાયો છે. એમણે બૉમ્બે હાઈ કોર્ટને કરેલી ફાઈલ કરેલી યાચિકામાં એવો દાવો કર્યો છે કે, દિશાએ આપઘાત નહોતો કર્યો, પણ એની નિર્મમ હત્યા થઈ હતી. સતીશ સાલિયાનના કહેવા પ્રમાણે, દિશા 14મા માળેથી પડી હોવા છતાં એના શરીર પર ગંભીર ઈજાનાં કોઈ નિશાન નહોતાં કે લોહી પણ નહોતું નીકળ્યું. સતીશ સાલિયાને દિશાના ક-મોતમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેની સંડોવણી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. સાલિયાને આદિત્ય ઠાકરેની પૂછપરછ કરવાની માગ પણ કરી છે. મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર, અનિલ નાયક, દિશાના મંગેતર રોહન સહિતના લોકો સામે કેસ નોંધવાની તથા આરોપીઓ સામે ઈન્ડિયન પિનલ કોડની (ઈંઙઈ)ની સામૂહિક બળાત્કાર સહિતની વિવિધ કલમો હેઠળ આરોપો ઘડવા પણ વિનંતી કરી છે.
સાલિયાનની અરજીમાં આ ઘટનાના કહેવાતા સાક્ષીઓએ આપેલી વિગતોનો ઉલ્લેખ છે.
8 જૂન 2020ની રાત્રે, માલવણીમાં ખાસ મિત્રોની એક પાર્ટી ચાલી રહી હતી ત્યારે આદિત્ય ઠાકરે પોતાના બોડીગાર્ડ, સૂરજ પંચોલી અને ડીનો મોરિયા સાથે આવ્યો પછી પાર્ટીનો માહોલ બદલાઈ ગયો હતો એવું સાક્ષીઓએ કહ્યું હોવાનો સાલિયાને ઉલ્લેખ કર્યો છે. સાલિયાને સીધો આક્ષેપ નથી કર્યો, પણ આડકતરી રીતે આદિત્ય ઠાકરે, સૂરજ પંચોલી અને ડીનો મોરિયાએ ગૅંગ રેપ કરેલો એવો આક્ષેપ ચોક્કસ કર્યો છે.
સતીશ સાલિયાનની અરજીના પગલે રાજકીય આક્ષેપબાજી પણ શરૂ થઈ છે. ભાજપના નેતા નારાયણ રાણે અને એમના ધારાસભ્ય પુત્ર નિતેશ રાણે આ કેસમાં આદિત્ય ઠાકરેની સંડોવણી હોવાનો આક્ષેપ કરે છે. એમણે પોતે સાચા ઠર્યા હોવાનું કોરસ શરૂ કર્યું છે તો ઉદ્ધવ ઠાકરેની શિવસેના બચાવની સ્થિતિમાં છે. ભાજપના ઈશારે પાંચ વર્ષ પછી આદિત્ય ઠાકરેને ફસાવવા આવાં બધાં નાટક થઈ રહ્યાં હોવાનો દાવો ઉદ્ધવની શિવસેના કરી રહી છે. આદિત્ય પણ ખુદ કહી રહ્યો છે કે `દિશાનું મોત થયું ત્યારે હું તો હૉસ્પિટલમાં હતો. મારે મારા બચાવ માટે જે કહેવું હશે એ હું કોર્ટમાં કહીશ.’!!
દિશાનું મોત રહસ્યમય છે તેમાં શંકા નથી, પણ અત્યાર સુધીનો ઘટનાક્રમ જોતાં આ રહસ્ય ઉકેલવામાં કોઈને રસ નથી, પણ તેનો રાજકીય ફાયદો ઉઠાવવામાં જ રસ હોય એવું લાગી રહ્યું છે. દિશાના મોતથી માંડીને સતીશ સાલિયાનની અરજી સુધીનો ઘટનાક્રમ જોશો તો આ વાત સમજાશે.
દિશા અને સુશાંત બંનેની કહેવાતી હત્યામાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની સંડોવણી હોવાના આક્ષેપો સતત થયા કરે છે, પણ એ વાત કોઈ સાબિત કરી શકતું નથી. દિશા અને સુશાંતનાં મોત વખતે મહારાષ્ટ્રમાં ઉદ્ધવની સરકાર હતી અને આદિત્ય પોતે મંત્રી હતો તેથી એ વખતે ભલે કશું ના થયું, પણ છેલ્લાં લગભગ ત્રણ વર્ષથી તો ભાજપની સરકાર છે છતાં ભાજપ પોતે કરેલા આક્ષેપોને કેમ સાચા સાબિત નથી કરી શકતો? કેન્દ્રની સરકારે પણ સીબીઆઈ પાસે તપાસ કરાવી, પણ સીબીઆઈ પણ કશું શોધી નથી શકી.
ઉદ્ધવ ઠાકરેને ઉથલાવીને એકનાથ શિંદે મુખ્ય મંત્રી બન્યા પછી દેવેન્દ્ર ફડણવિસ એમની સરકારમાં ગૃહ મંત્રી બનેલા. ફડણવિસે 2023ના નવેમ્બરમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ને આ કેસની તપાસ સોંપી હતી. એસઆઈટી છેલ્લાં સવા બે વરસથી તપાસ કર્યા કરે છે, પણ આદિત્ય ઠાકરેએ ગૅંગ રેપ કર્યો હોય કે મર્ડર કર્યું હોય એવા કોઈ પુરાવા હજુ સુધી તો બહાર નથી આવ્યા.
આ પણ વાંચો…ઓપિનિયનઃ જિંદગી તો આમ જીવાય…
ભાજપમાંથી નારાયણ રાણે અને એમનો દીકરો નિતેશ સતત આદિત્ય ઠાકરેની ગૅંગ રેપમાં સંડોવણીના આક્ષેપો કર્યા કરે છે. બંનેએ 2022માં પણ આવો જ આક્ષેપ કરેલો કે, દિશા પર સામૂહિક બળાત્કાર કરીને પછી એની હત્યા કરવામાં આવી હતી અને દિશાનાં ગુપ્તાંગો પર મળેલાં ઈજાનાં નિશાન બળાત્કારની વાતને સમર્થન આપે છે. રાણે પિતા-પુત્રનો તો એવો પણ દાવો છે કે, દિશા પર બળાત્કાર-હત્યાની ઘટનાને નજરે જોનારા સાક્ષીએ આદિત્ય ઠાકરેએ કરેલા ક્રાઈમનું વર્ણન કર્યું તેની પેન ડ્રાઈવ પણ પોતાની પાસે છે.
રાણેના આક્ષેપો ગંભીર છે, પણ બહુ વિશ્વસનીય નથી. રાણે પાસે એ પ્રકારના પુરાવા હોય તો એ ચૂપ બેસી રહે ખરા? ને ભાજપની સરકાર પણ ચૂપ રહે ખરી? તેના આધારે તરત આદિત્ય ઠાકરેને ઉઠાવીને જેલમાં ધકેલી દે, પણ અત્યાર સુધી આદિત્યને કશું થયું નથી તેનો મતલબ કોઈ પણ પુરાવા હોવાનો દાવો શંકાસ્પદ છે. એક સમયે દિશાની માતા વાસંતી અને પિતા સતીશ સાલિયાને પણ રાણેની વાતોને મોં-માથા વિનાની ગણાવીને મહારાષ્ટ્ર મહિલા પંચનાં પ્રમુખ રૂપાલી ચાકણકરને ફરિયાદ કરી હતી કે આ આક્ષેપોને કારણે પોતાના માટે સમાજમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે.
જોકે હવે સતીશ સાલિયાન જુદી જ વાત કરે છે ત્યારે તેની પાછળ પણ રાજકીય દોરીસંચારની શક્યતા નકારી ના શકાય.
દિશા માત્ર 28 વર્ષની હતી – સ્માર્ટ હતી અને બોલિવૂડ સાથે સંકળાઈને સેલિબ્રિટી મૅનેજર તરીકે સરસ કામગીરી બજાવતી સ્વતંત્ર રીતે પોતાની જિંદગી જીવતી હતી. અચાનક એની જિંદગી ક્યાં કારણોસર ટૂંકાઈ ગઈ એ આપણે નથી જાણતા, પણ હાલના તબક્કે તો દિશાના ક-મોતનો કિસ્સો અકસ્માત – બળાત્કાર – આત્મહત્યા અને હત્યા વચ્ચે જ અટવાઈ ગયો છે અને દિશા સાલિયનના મોતને રાજકીય ફાયદો લેવાનો તમાશો બનાવી દેવામાં આવ્યો છે.