ઉત્સવ

સર્જકના સથવારે : એકનિષ્ઠાથી ગઝલની સાધના કરનાર શાયર મનહર ચોક્સી

-રમેશ પુરોહિત

તારો અવાજ એક વખત સાંભળ્યો હતો
માનું છું: તારા શબ્દમાં ટહુકાનું ઘર હશે
ગુજરાતી ગઝલની શરૂઆતમાં તબક્કામાં મોટાભાગના ગઝલકારો ફક્ત ગઝલ રચનામાં સવિશેષ પ્રવૃત્ત હતા. કવિતાના અન્ય પ્રકારોમાં તેઓની ગતિ બહુ જ ઓછી હતી.

વીસમી સદીના મધ્યભાગમાં આ પરિસ્થિતિમાં પરિવર્તનનો પવન ફૂંકાયો અને કવિતાના તથા ગદ્યના તમામ પ્રકારોમાં જેમની કલમ ચાલતી હોય એવા કવિઓ પાસેથી ગઝલ મળવા લાગી. આ સમય દરમિયાન કેટલાક પરંપરામાં લખતા ગઝલકારો પણ મહત્ત્વનું પ્રદાન કરી રહ્યા હતા તેમાં સૂરતના ગઝલકાર મનહર ચોક્સીનો સમાવેશ થાય છે.

મનહરભાઈએ ગુજરાતી અને ઉર્દૂ એમ બન્ને ભાષામાં ગઝલ સાધના કરી છે. એમના ‘અક્ષર’ શીર્ષકવાળા સંગ્રહમાં ગુજરાતી અને ઉર્દૂ ગઝલો સમાવિષ્ટ કરવામાં આવી છે.
આધુનિક કાવ્ય વિભાવનાની અસરથી ગઝલ કેવી રીતે મુક્ત રહી શકે એટલે ગઝલ ધીરે ધીરે પરંપરાગત માળખામાંથી મુક્ત થવા લાગી અને મનહરભાઈ જેવા પરંપરાના ગઝલકારોએ નવા માહોલમાં ગોઠવાઈ જવા માટે સભાન થયા, જેમ કે એમનો આ શેર:

આ લીમડાની આંખ પણ કેવી ખૂલી ગઇ,
લાગે છે એમાં સૂર્યના તડકાનું ઘર હશે.
ગઝલમાં પ્રેમ, પ્રેમની મસ્તી, મિલન અને પ્રિયતમાના વર્ણન તથા વિરહની વ્યથા અને વફાઈ-બેવફાઈની દાસ્તાનો હોય જ પણ ગઝલના રંગને નખશિખ નિભાવીને આ બધું કહેવાય તો કવિ પોતાની વિશિષ્ટતાનો પરિચય કરાવી શકે. મનહરભાઈ આવી આગવી ઓળખાણ ઊભી કરવામાં સારા એવા સફળ રહ્યા છે. જુઓ એમના આ શેર:

મુહબ્બત તો મારું નિખાલસપણું છે
તમે સ્મિત આપો છો એ પણ ઘણું છે
વસંતોની સાથે એ ચાલ્યા જવાના
આ ટહુકાઓ કોઈનું સંભારણું છે
તમારા એ ધ્રુજેલ શબ્દોથી ‘મનહર’
હજુ પણ આ જીવન તો સોહામણું છે.
‘અક્ષર’ સંગ્રહની પ્રસ્તાવનમાં કવિશ્રી જયંત પાઠકે નોંધ્યું છે કે ‘સરિયામ ભાવવિચારો અને લઢણો છોડીને તેઓ અપૂર્વ અને સૂક્ષ્મ સંવેદનાને અવનવા આકારોમાં ઢાળવાનો પ્રયાસ કરે છે ને એમાં ઘણી વાર સફળ પણ થાય છે. નવી કવિતામાં જેવું ઝીણીઝીણી વિગતોનું ને ચિત્તની સંકુલ અવસ્થાનું નિરૂપણ જોવા મળે છે તેવું મનહર ચોક્સીની રચનાઓમાં પણ મળે છે. ‘સમય, સૂરજ, અંધકાર કે ભીંત જેવો વિષય લઈને તેઓ તેમાં સૂક્ષ્મ સંવેદનોની ભાત ઉપસાવે છે… રણમાં ચાલતી વણઝારનો ખેદ, સૂર્યની દાહકતા ને રેતીના ઊઠતાં તોફાનોનું ચિત્ર ચોક્સીએ બે પંક્તિઓમાં લાઘવથી ચોટદાર આંક્યું છે’:
ઊંટનાં પગલામાં હાંફી જાય રણ
સૂર્યના શ્ર્વાસોથી ફંગોળાય રણ
વિરહ પછીના મિલનનો ગંભીર આનંદ કવિએ ઉક્તિ વૈચિત્ર્ય દ્વારા વ્યક્ત કર્યો છે:
તમે મળ્યાં તો આ વૈશાખનું હૃદય તૂટ્યું
ચિતા વિરહની તો જાતે બળી ગઈ આજે.
એમના કાવ્યોચિત સંયમનો ઉલ્લેખ કરીને પાઠક સાહેબે કહ્યું છે કે આવેશની મુખરતાને બદલે ભાવની સૂક્ષ્મ વ્યંજના સિદ્ધ થાય છે. એમની ગઝલોમાં આવા સૂક્ષ્મ ભાવવ્યંજનાના અનેક શેરો છે જેમ કે:
આપણો ‘મનહર’ કદી રિસાય છે?
ખૂબ ઢંઢોળ્યો છતાં બોલ્યો નહીં!


ચાર અક્ષર યાદ રાખી લો તમે:
નામ ‘મનહર’ કૈં બહુ મોટું નથી.


એક અક્ષરથી જગત બંધાય છે
એ ન પૂછો ‘હા’ તણો આકાર શું?
આપણાં અગ્રગણ્ય કવિ અને સાહિત્યકાર ચિનુ મોદીએ આ કવિની કેટલીક પંક્તિઓ ટાંકીને કહ્યું છે કે એમના કેટલાક મિસરામાં અલગ સંવેદનવિશ્ર્વ રચવાની શક્તિ છે, જે મને આકર્ષક લાગે છે. આવી પંક્તિઓ આ પ્રમાણે છે:
ક્યારેક બારી પલળીને પાણી થઈ જશે


ઈતિહાસ બંધ કર અને રમતું તુષાર જો


નથી જડતું મને એ વૃક્ષ જ્યાં તુજ નામ મ્હોર્યું’તું


મૃગજળને અંજલિમાં ભરી કોઈ પી ગયું
આ પંક્તિઓની સવિસ્તર વાત કરતાં એમણે કહ્યું છે કે મનહર ચોક્સીની ઘણી ગઝલના એકથી વિશેષ શેર મને રોમાંચકર કવિતાનુભવ કરાવી શક્યા છે એથી મનહર ચોક્સીના કવિપણાનો હું વિશેષ ઋણી રહ્યો છું. પછી આ શેરો ટાંકીને તેની સરસ છણાવટ પણ કરે છે:
રંગોની ઓળખાણ ગમે છે, કબૂલ છે
માટે જ હું કહું છું, પતંગિયું બનાવજો


ખોવાઈ શું ગયા છે ચરણચિહ્ન કોઈના?
પૂછી રહ્યું છે કોણ કે કેવી હતી સડક?
પામી શકાય એવા સપાટી ઉપર નથી
ઉલ્લેખનું કમળ તો છે આંખોના મૌનમાં


સૂર્ય પણ લાચાર થૈ બેસી પડે
સાત ઘોડા એના ભાગી જાય તો


જામમાં રાખીને તરસાવ્યા કરું
હાથમાં મૃગજળ જો આવી જાય તો


તારો અવાજ એક વખત સાંભળ્યો હતો
માનું છું: તારા શબ્દમાં ટહુકાનું ઘર હશે.
એમણે ગઝલમાં નવી નવી રદીફના પ્રયોગો કરીને જુદાં જુદાં સંવેદનોને એક સાથે મૂકવાનો અભિગમ રાખ્યો હતો પણ મુસલસલ ગઝલમાં પરિણમતો નથી. કવિને મૌનનો મહિમા છે તેથી મૌનના કેટલાંક આગવાં ઉપક્રમ જોવા મળે છે, જેમ કે:
‘મનહર’ છતાં ય કેમ દીવાલો નથી પડી?
દુનિયાનું દર્દ જોઉં છું ઇંટોના મૌનમાં


મૌનનો પાલવ અગર છોડી દઉં
કોઈની યાદો વિખેરાઈ જશે


આ મૌનથી તો મારું હૃદય બંધ થૈ ગયું
‘મનહર’નું નામ કાનમાં ધીમેથી બોલજે


મૌન આદરનું અનોખું રૂપ છે
રૂપની સામે કંઈ બોલો નહીં


મંજરીઓ મૌનની ખીલી રહી છે ચોતરફ
ઘેન આ વાતાવરણનું મનમાં અંજાયા કરે
જ્યારે સૂરતમાં ગની દહીંવાળા, ભગવતીકુમાર શર્મા, રતિલાલ ‘અનિલ’, જયંત પાઠક, અમીન આઝાદ જેવા સર્જકોની વચ્ચે રહીને મનહરભાઈએ ગઝલ પ્રકારની જ્યોત જલતી રાખી હતી. એમણે પરંપરાગત થયા વિના પરંપરા નિભાવી છે અને બદલાતી જતી સ્થિતિમાં કદમ મિલાવીને સર્જન કર્યું છે. એમના થોડાંક મુક્તકથી સમાપન કરીએ:
નથી ઉપયોગ સૂરજનો, પ્રકાશિત અંત ને આદિ
જલે છે બેઉ છેડે એવી મીણબત્તી ખરીદી છે


મુખ પર છે સ્મિત તો ય હૃદયમાં ઉચાટ છે
જીવન નથી, નદીનો કોઈ સૂનો ઘાટ છે
ફૂલો ખરી ગયાં અને કંટક વહી ગયા
ગુલશન હતું તે આજ તો સહરાનો પાટ છે


તારી ઉપેક્ષા હોય તો એમાં ય લાડ છે
ફૂલો જ જ્યાં ઊગે છે એ કાંટાની વાડ છે
એને ઊતરતાં પ્રાણ તો કંઠે ચડી ગયા
તારા વિરહની વાત તો ઊંચો પહાડ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button