કફ પરેડ નામ, મી. ટી. ડબલ્યુ. કફની યાદમાં આપવામાં આવ્યું છે
નરીમાન પોઈન્ટની પાળેથી – મૂલચંદ વર્મા
ગુજરાતીઓ સાહસમૂર્તિ છે અને આજના મહાનગર મુંબઇનું ૧૯૪૭ પછી મહાનગર મુંબઈના નગરસેવકો શહેરના રસ્તા, ચોક, શેરી, ગલીને અપાયેલાં વિદેશીઓનાં નામ બદલવા માટે આદું ખાઈને એવા પાછળ પડી ગયા કે આજે ભાગ્યે જ વિદેશીઓનાં પૂતળાં શહેરમાં જોવા મળે છે. પહેલાં શહેરમાં ઠેર ઠેર હતાં તે એકઠાં કરીને રાણી જીજામાતા ઉદ્યાન-રાણીબાગમાં એક ખૂણે ભંગારના રૂપમાં ખડકી દેવામાં આવ્યાં છે આ નામ બદલવાનું જનૂન ૪૩ વરસો પછીયે ઓસર્યું નથી. વર્તમાન હવામાનમાં જે જાતિવાદ છે, પ્રદેશવાદ છે, સાંપ્રદાયિકતા છે એ જોતાં સહજ એવું લાગી આવે છે કે ભવિષ્યમાં આ ત્રણ વાદના કારણે ભારતીય નેતાઓની પ્રતિમા માહિમની ખાડીના એક ખૂણે પધરાવી દેવામાં આવશે. આટલું બધું થવા છતાંયે નગરસેવકો એક વિદેશી નામને જીભેથી ભૂલ્યા નથી અને તે છે ‘કફ પરેડ’.
કફ પરેડ નામ, મી. ટી. ડબલ્યુ. કફ (CUFFE)ની યાદમાં આપવામાં આવ્યું છે. મી. કફ ૧૯૦૧-૨ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા હતા. ઈમ્પ્રુવમેન્ટ કમિટીના સભ્ય તરીકે સડકની ફૂટપાથની ઊંચાઈ અધિક રાખવાની દરખાસ્ત રજૂ કરી હતી કે જેથી ફૂટપાથ અને સડકનો તફાવત સરળતાથી પારખી શકાય અને વાહનચાલકો તથા પદયાત્રીઓને અનુકૂળતા થઈ પડે. મી. કફ ‘બોમ્બે લાઈટ હોર્સ’ના કમાન્ડન્ટ હતા. આ માર્ગ પહેલાં કફ પરેડ રોડ તરીકે ઓળખાતો હતો અને પાછળથી રોડ શબ્દ પડતો મુકાયો.
મુંબઈની શેરીઓનાં નામો ચિત્ર-વિચિત્ર છે. ચણા સ્ટ્રીટ, મટન સ્ટ્રીટ, ભાજીપાલા લેન, કોલસા સ્ટ્રીટ, ડુક્કરવાડી, સુથાર સ્ટ્રીટ, હમામ સ્ટ્રીટ, હમાલ સ્ટ્રીટ, તવા લેન, બુચર સ્ટ્રીટ, ભોઈવાડા, કુંભારવાડા એવાં ઘણાં નામો છે કોચીન સ્ટ્રીટ, માંડવી સ્ટ્રીટ એવા ભારતીય શહેરોનાં નામો પણ અપાયાં છે, પરંતુ વિદેશી શહેરનાં નામ અપાયાં નથી. નામ બદલવામાં મુંબઈના જ નગરસેવકો ઉત્સુક રહે છે એવું નથી. પોર્તુગલના પાટનગર લીસ્બનના નગરસેવકોએ શહેરની એક શેરીને ‘લંડન સ્ટ્રીટ’ નામ આપવાની દરખાસ્ત ૧૯૧૪માં રજૂ કરી હતી. ‘લંડન સ્ટ્રીટ’ એવું નામ આપવાની દરખાસ્તમાં કારણ પણ જરા વિચિત્ર હતું. ઓલિવર કોયેલ્હો નામનો એક પોર્તુગીઝ નાગરિક પોતાની પત્ની સાથે બ્રિટિશ સ્ટીમરમાં પ્રવાસ કરી રહ્યો હતો અને સ્ટીમર ભરદરિયે હતી ત્યારે એણે પોતાની પત્નીની હત્યા કરી હતી. બ્રિટિશ કાયદા અનુસાર કોયેલ્હોને લીવરપુલ લઈ જઈ અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું. અદાલતે ફાંસીની સજા ફરમાવી. લિસ્બનની સરકારે અરજ કરી કે પોર્તુગલમાં ફાંસીની સજાનો કાયદો નહી હોવાથી એ પોર્તુગીઝ નાગરિકને ફાંસી આપવી નહીં. લંડનની સરકારે ફાંસી કરી નહીં એટલે આભારની સ્મૃતિ તરીકે લિસ્બનમાં ‘લંડન સ્ટ્રીટ’ નામ રાખવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી.
વડાલા પરિસરમાં એન્ટોપ હિલ છે. આ એન્ટોપ નામ કોઈ પોર્તુગીઝ નામ હોય એવું લાગે છે. વાસ્તવમાં આ નામ એક ભારતીય હિન્દુનું છે અને તે નામ છે અંતોબા. અંતોબા વડાલા, વરલી, ગિરગાંવ ખાતે જમીન ધરાવતા હતા અને વડાલાનો આ ડુંગર અંતોબા ડુંગર તરીકે ઓળખાતો હતો. પોર્તુગીઝનો કબ્જો જ્યારે મુંબઈ પર ૧૫૩૫માં થયો અને પોર્તુગીઝ અમલદારો અંતોબાને એન્ટોપ તરીકે ઓળખવા લાગ્યા અને કાળાંતરે અંતોબા ડુંગર એન્ટોપ હિલ અંગ્રેજી રાજમાં બની ગયો.
ચર્ની રોડ પણ વિદેશી નામ લાગે છે, પણ એવું નથી. લોકમાન્યતા એવી રહી છે કે અહીં ઢોરોને ઘાસ ચરવા માટેની જગ્યા હતી. ઢોરોને ચરવાની જગ્યાને ચરાણ કે ચરિયાણ તરીકે ઓળખવામાં આવે છે. આ ચરિયાણ ઉપરથી અંગ્રેજોએ ‘ચર્ની’ શબ્દ અપનાવ્યો. નજીકમાં ગાયવાડી છે એટલે માની શકાય કે અહીં ચરિયાણ હશે.
બીજી માન્યતા એવી છે કે થાણે રેલવે સ્ટેશન નજીક એક પરિસર ‘ચેન્દની’ નામની ઓળખાય છે. આ ચેંદની પરિસરના લોકો ગિરગાંવ ખાતે આવીને સ્થાયી થયા અને એ જગ્યાને ચેંદજી તરીકે ઓળખવા લાગ્યા અને સમય જતાં ચેંદનીનું ‘ચની’ થયું.
એવું જ એક બીજું નામ છે ખંબાલા હિલ કે જેને અંગ્રેજીમાં Cumballa Hill લખવામાં આવે છે. ગુજરાતમાં મૃત વ્યક્તિ માટે પાળિયા ઊભા કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં મૃત વ્યક્તિ માટે થાંભલો ઊભો કરે છે અને તેને ‘ખતરા’ કહે છે. મુંબઈના આદિવાસીઓ આ પ્રથા અનુસાર થાંભલો ઊભો કરતા અને તેને ખંભ કે ખાંભ રહેતા. ખંભાલા હિલની જગ્યાએ ડુંગર તો હતો જ, પણ આસપાસ જંગલ હતું. અહીં વસતા આદિવાસીઓ તેમના ભગત-ભૂવા-બૂવાના કહેવા પ્રમાણે ખંભ ઊભા કરતા. અહીં વનમાં ખેરના ઝાડની વિપુલતા હતી એટલે ખેરનાં મજબૂત લાકડાંના થાંભલા મૃત વ્યક્તિ માટે ઊભા કરાતા હતા અને એ ડુંગરને ખંભા ડુંગર કે ખંભા ટેકરી તરીકે ઓળખતા હતા. આ રીતે ‘ખંબાલા હિલ’ શબ્દ પ્રચલિત બન્યો. શ્રાદ્ધના દિવસોના આદિવાસીઓ આ ખંભાની પૂજા કરતા હતા.
દાદર એ બહુ જાણીતું મથક છે, પણ દાદર નામ કેવી રીતે આવ્યું એ જરા વિચિત્ર લાગે છે. દાદરનો અર્થ મરાઠીમાં સીડી એવો થાય છે, ત્યારે દાદર એવું નામ કેમ હશે એવો પ્રશ્ર્ન ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે.
જ્યારે મુંબઈ માત્ર ટાપુ હતું અને નગર બન્યું નહોતું ત્યારે માહિમ નગર હતું. મહિષ્કાવતી નામે એ રાજા ભીમદેવ સોલંકીની રાજધાની હતી અને માટુંગા ખાતે હાથીઓની ગજશાળા હતી. હાથીઓની ગજશાળાને ‘માતંગાલય’ (હાથીઓના સ્થળ = માતંગ + આલય) તરીકે ઓળખવામાં આવતો હતો. આ માતંગાલય ઉપરથી માટુંગા શબ્દ અવતર્યો.
મુંબઈના મૂળ વતનીઓ નગર કે ગામના પાદરે વસતા લોકોની વસતીને ‘દાદર’ કહેતા હતા. પશ્ર્ચિમ રેલવે પર આવેલા ‘કેલવા રોડ’ સ્ટેશનના કેલવા ગામના પાદરે કોલીઓ રહે છે તે પરિસરને ‘દાદર’ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે મહિષ્કાવતીના પાદરે રહેતી વસતીને ‘દાદર’ તરીકે ઓળખવામાં આવતી હતી. આ ઉપરથી દાદર શબ્દ પ્રચલિત બન્યો. (ક્રમશ:)