ઉત્સવ

આપણે ત્યાં કોર્પોરેટ જોબમાં વધી રહ્યું છે ટોક્સિક કલ્ચર

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

કોચીની ૨૬ વર્ષીય યુવતી અન્ના સેબાસ્ટિયન પેરાયિલના મૃત્યુથી દેશના કોર્પોરેટ જગતમાં કામકાજ સબંધી સ્ટ્રેસને લઈને હોબાળો મચી ગયો છે. અન્ના ‘અર્ન્સ્ટ એન્ડ યંગ ઇન્ડિયા’ નામની પ્રોફેશનલ સર્વિસ આપતી વૈશ્ર્વિક કંપનીની પુણે ઓફિસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતી. એની માતાએ આરોપ લગાવ્યો છે કે કામના વધુ પડતા દબાણના કારણે એની પુત્રીને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.

માતા અનિતાએ ‘અર્ન્સ્ટ એન્ડ યંગ- ઇન્ડિયા’ના ચેરમેન રાજીવ મેમાનીને એક ભાવનાત્મક પત્રમાં લખ્યું છે કે જોબમાં જોડાયાના માત્ર ચાર મહિનામાં અન્નાનું મૃત્યુ થયું છે. કંપની જે રીતે કામ કરે છે તેના પર સવાલ ઉઠાવતા એમણે કહ્યું કે કંપનીવાળા કર્મચારીઓ પર ઘણું દબાણ લાવે છે અને એમનાં સ્વાસ્થ્યની અવગણના કરે છે.

અનિતાએ એ પણ જણાવ્યું છે કે આ મુદ્દો પોતાની પુત્રી સુધી મર્યાદિત નથી, પરંતુ દરેક કર્મચારી સાથે સંબંધિત છે, જે કાર્યસ્થળ પર ગેરવાજબી અપેક્ષાઓનો સામનો કરે છે.

આ ઘટના પછી કોર્પોરેટ જગતના વડાઓ, કેન્દ્ર સરકારના મંત્રીઓ, રાજનેતાઓ અને સોશિયલ મીડિયા પર લોકો પોતપોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક વાત બધા સ્વીકારે છે કે ભારતની ઓફિસોમાં કામનો ભાર અને સ્ટ્રેસ જબરદસ્ત છે. એક કર્મચારી પાસેથી એટલું બધું કામ કરાવવું (અને ઉપરથી નોકરી જતી રહેશે તેવા ડરની તલવાર લટકતી રાખવી) કે તે ઘરે જઈને પણ સુખેથી રહી ન શકે તેવો માહોલ ચારેબાજુ છે.આને ટોક્સિક વર્ક કલ્ચર કહે છે. સાદી ગુજરાતી ભાષામાં એને કમર્ચારીઓને નીચોવી નાખવાનું કહે છે. ‘આરપીજી એન્ટરપ્રાઇઝ’ના ચેરમેન હર્ષ ગોયન્કાએ અન્ના સેબાસ્ટિયનના મોત પછી કહ્યું હતું કે આપણે આ સમસ્યામાં માત્ર સંવેદના બતાવાથી નહીં ચાલે, વાસ્તવિક પરિવર્તન લાવવું પડશે. એમણે કહ્યું હતું કે, ભારતીય ઉદ્યોગોએ કામકાજમાં તંદુરસ્ત માહોલને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવાં જોઈએ, જેમાં કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે સ્પષ્ટ સીમાઓ નક્કી કરવી. અત્યારની અસુરક્ષિત અને શોષણકારી વાતાવરણ માટે એકમ વડાઓ જ અમુક અંશે જવાબદાર ગણાય.

‘ધ એશિયા મેન્ટલ હેલ્થ ઇન્ડેક્ષ’ના એક અભ્યાસ અનુસાર, ભારતમાં ૨૦થી ૨૯ વર્ષની વયના કર્મચારીઓની સ્થિતિ નોંધપાત્ર રીતે ખરાબ છે. એમના પર સૌથી વધુ સ્ટ્રેસ અને માનસિક સ્વાસ્થ્યનું જોખમ છે. ભારતમાં ૫૩% કર્મચારીઓનું કહેવું છે કે એમના માનસિક સ્વાસ્થ્યની અસર ઉત્પાદકતા પર પડી રહી છે. એકંદરે, ભારતમાં ૪૩% કર્મચારીઓનું કહેવું છે કે એશિયાના એકંદરે ૩૬%ની સરખામણીમાં એ અસ્વસ્થ અને નર્વસ હોય છે. ૫૨% કામદારો કામનો દિવસ પૂરો થાય ત્યારે માનસિક/શારીરિક રીતે થાકેલા હોય છે.

ભારતીય સમાજ સદીઓથી ગુલામીમાંથી પસાર થતો રહ્યો છે તેથી આપણા સમાજ દ્વારા, મોટે ભાગે આપણા માતા-પિતા દ્વારા, દરેક વસ્તુ માટે હા કહેવાની ગુલામ માનસિકતા કેળવવામાં આવી છે. એટલે આજે પણ મોટાભાગનાં ઘરો અને ઓફિસોમાં ‘ના’ કહેવું તે અપમાન ગણાય છે. તેની સાથે, મોટાભાગના માલિકો અને મેનેજરોની પણ એવી જ માનસિકતા હોય છે (જે પારિવારિક-સામાજિક માહોલની દેન છે) કે અપમાન કરો, હુકમ કરો, ચીસો પાડો, દબાણ કરો તો જ લોકો કામ કરશે.

બેંગ્લોરમાં કામ કરતી દિવ્યા શર્મા નામની એક નોકરિયાત કહે છે કે, ‘મેં ત્રણ જુદાં જુદાં શહેરમાં કામ કર્યું છે, ત્રણે જગ્યાએ ગૂંગળામણભર્યું કામ હતું અને ત્રણેયમાં કારણો આશ્ર્ચર્યજનક રીતે અલગ હતાં.’ દિવ્યાએ એના અનુભવમાં ૮ વાત નોંધી હતી, જે આપણે ત્યાં ટોક્સિક વર્ક કલ્ચર માટે જવાબદાર છે.

દરેક બોસ અથવા મેનેજરને એવું લાગે છે કે ‘પોતે એક રાજા’ છે અને બધાએ એને નમન કરવું જોઈએ. એ એક સરમુખત્યારની જેમ વર્તે છે.

મોટા ભાગના બોસ અને મેનેજરો કરોડરજ્જુ વિનાના હોય છે અને ઉપરના લોકોને ખુશ કરનારા હોય છે. આ લોકો પોતાના સ્વાર્થ માટે એક કર્મચારીને બીજા કર્મચારી સામે ઊભા કરવાનો પ્રયાસ કરે છે.

ભારતની ઓફિસોમાં સાથીદારો ગંદું રાજકારણ રમીને માહોલ બગાડતા હોય છે. એમાં એકબીજા સાથે ગંદી હુંસાતુંસી થાય છે. મેનેજમેન્ટ ઘણી વાર તો તે પોતે જ તેને પ્રોત્સાહન આપે છે.

સંસ્થામાં પહેલેથી જ કામ કરતા લોકોને એવું લાગતું હોય છે એમને બધું જ આવડે છે એટલે એ નવા લોકોને ન તો સ્વીકારે છે કે ન તો એમને પ્રોત્સાહન આપે છે એટલે નવોદિતો પહેલા દિવસથી જ નાસીપાસ થઇ જાય છે.

અહીં બીજી વિચિત્રતા એ છે કે ભારતમાં લોકો એમનાથી પ્રતિભાશાળી પણ નાની ઉંમરના લોકોના હાથ નીચે કામ કરતાં ખચકાય છે. આપણે ત્યાં પ્રતિભાનું નહીં, ઉંમરનું સન્માન થાય છે. આ પણ પેલી ગુલામ માનસિકતામાંથી આવે છે. મોટા હોય તેને નમન કરવાનું (પછી ભલે તે ડફોળ હોય)

બીજા દેશોની સરખામણીમાં, ભારતમાં પ્રદેશ/ભાષા/જાતિના આધારે ભેદભાવ વધુ છે. માણસો એમની આવડતના આધારે નહીં પણ એ કોણ છે તેના આધારે મહત્ત્વ આપવામાં આવે છે અથવા ઉપેક્ષા કરવામાં આવે છે.

આપણે ત્યાં કામકાજનાં સ્થળોએ એકબીજામાં હળવા-મળવાને પ્રોત્સાહન આપવામાં નથી આવતું. જો તમે બધાની સાથે વાતો કરો, તો તમે ‘મૂરખ’ છો કારણ કે બીજા તમને બનાવી જાય છે.

જો તમે કોઈની સાથે બહુ ના ભળો, તો તમને અહંકારી ગણવામાં આવે, તમારામાં એટિટ્યુડ બહુ છે એવું કહેવામાં આવે.

ટૂંકમાં ભારતમાં ઓફિસોમાં કામ કરતો કર્મચારી ચેસની રમતનું પ્યાદું છે. દરેક ટર્ન પર, બીજા લોકોનું એના પર દબાણ હોય છે અને એમાં છેલ્લે તો એણે જ ચેકમેટ થવાનું હોય છે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ