ઉત્સવ

દેશના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકને ખતમ કરવાનું કાવતરું…!

આ વૈજ્ઞાનિકને ખોટા કેસમાં ફસાવીને ખતમ કરી નાખવાનો પ્રયત્ન થયો, કારણ કે એમણે અંતરિક્ષ વિજ્ઞાનમાં ઉપકારક એવું ક્રાયોઝેનિક એન્જિન બનાવ્યું હતું….!

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

આ નામ્બી નારાયણન કોણ છે ?
થોડાં વર્ષો પહેલાં રાષ્ટ્રપતિના હસ્તે દેશનો એક સર્વોચ્ચ પુરસ્કાર ‘પદ્મભૂષણ’ મેળવ્યો તે પહેલાં તો મોટાભાગનાએ આ નામ સાંભળ્યું પણ નહોતું.

દેશના એક શ્રેષ્ઠ વૈજ્ઞાનિક નામ્બી નારાયણનની જિંદગી બરબાદ કરી નાખી એમને ખતમ કરવા કેરળની સામ્યવાદી સરકારે ભૂતકાળમાં કેવી ગંદી રમત ખેલી હતી એની વાત આજે કરવી છે…
નામ્બી નારાયણન ‘ઇસરો’ (ઇન્ડિયન સ્પેઇસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)માં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા. એ ક્રાયોઝેનિક્સ વિભાગના વડા હતા. આમ આદમીની ભાષામાં કહીએ તો અવકાશયાનને સ્પેશ-અંતરિક્ષમાં મોકલવા માટે જે ખાસ પ્રકારનું એન્જિન બનાવવામાં આવે છે તેને ‘ક્રાયોઝેનિક્સ એન્જિન’ કહે છે. આ એન્જિનની મદદથી સેટેલાઇટને અવકાશમાં તરતો મૂકવામાં આવે છે. ક્રાયોઝેનિક એન્જિનની ટેકનોલોજીમાં માહેર થયા વગર આપણે અવકાશ વિજ્ઞાનમાં સફળતા પામી શકીએ નહીં. સ્વાભાવિક છે કે વિશ્ર્વના બીજા માહેર દેશ આ ટેક્નોલોજી આપણને આપવા તૈયાર ન જ થાય.

તમને જાણીને નવાઈ લાગશે કે નામ્બી નારાયણનને એટલા માટે જ ખોટા કેસમાં ફસાવીને ખતમ કરી નાખવાનો પ્રયત્ન થયો, કારણ કે એમણે ‘વિકાસ એન્જિન’ તરીકે ઓળખાતું આ ક્રાયોઝેનિક એન્જીન બનાવ્યું હતું. ૧૯૯૦ના દાયકામાં ક્રાયોઝેનિક એન્જિન બનાવવાની ટેક્નોલોજી પર એક માત્ર વૈજ્ઞાનિક નામ્બી નારાયણન જ કામ કરી રહ્યા હતા. અગાઉ ભારતે સ્પેસ વિજ્ઞાનની કેટલીક ટેક્નોલોજી રશિયા પાસેથી ખરીદવાની કોશિશ કરી હતી, પરંતુ અમેરિકાએ આ સોદા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. છેવટે આપણી તમામ આશા નામ્બી નારાયણન પર જ હતી. એકાએક જ ૧૯૯૪માં નામ્બી નારાયણન સામે જાસૂસ હોવાનો અને રોકેટને લગતી સંવેદનશીલ માહિતી વિદેશી એજન્ટોને વેચતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો. ધરપકડ કરીને એમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. કસ્ટડીમાં એમના પર કલ્પી ન શકાય એવો અત્યાચાર ગુજારવામાં આવ્યો. પાછળથી નારાયણને કહ્યું હતું કે કલાકો સુધી એમને ઊભા રાખવામાં આવતા, દિવસો સુધી ઊંઘથી વંચિત રાખવામાં આવતા અને પીવા માટે પાણી પણ આપવામાં આવતું નહીં. જો એ આ કાલ્પનિક ગુનાની કબૂલાત નહીં કરે તો એમના કુટુંબના અન્ય સભ્યો અને સાથીદારોને પણ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવતી. ૫૦ દિવસ સુધી નામ્બી નારાયણન પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. જામીન પર છૂટ્યા પછી ભાંગી પડેલા નામ્બીએ સવાલ પૂછયો હતો કે :
‘૧૯૯૪માં જે ટેક્નોલોજીનું ભારતમાં અસ્તિત્વ સુદ્ધાં નહોતું એને હું કંઈ રીતે વેચી શકવાનો હતો ? અને જે ટેક્નોલોજી મે વેચી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો એ ટેક્નોલોજી તો વિશ્ર્વ આખામાં સામાન્ય રીંગણાની જેમ બજારમાં વેચાય રહી છે!’
આ ઘટના પછી નામ્બી નારાયણનની કારકિર્દી ખતમ થઈ ગઈ અને એની સાથે જ ક્રાયોઝેનિક એન્જિન બનાવવાનું ભારતનું સપનું દાયકાઓ પાછળ ઠેલાઈ ગયું.

જો કે છેવટે ૨૦૧૪ના જાન્યુઆરી મહિનામાં આપણે ક્રાયોઝેનિક એન્જિન બનાવવામાં સફળ થયા.

આ આધુનિક ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવવામાં આપણને ૨૦ વર્ષ પાછળ રાખનાર જવાબદાર કોઈ હોય તો એ કેરળની સામ્યવાદી સરકાર હતી. સામ્યવાદીઓ કોના ઇશારે કામ કરે છે એ વિશે અહીં ઉમેરવાની જરૂર નથી. વર્ષો સુધી નામ્બી નારાયણન પોતાને થયેલા અન્યાય માટે જવાબદાર પોલીસ અધિકારીઓને યોગ્ય સજા અપાવવા કેરળની વિવિધ સરકારો પાસે ધક્કા ખાતા રહ્યા, પરંતુ કોઈ સરકારે એમને ન્યાય આપ્યો નહીં. ૧૯૯૬માં તો ત્યારની કેરળ સરકારે ‘સીબીઆઇ’ના રિપોર્ટ સામે વાંધો લઈ ફરીથી પોલીસને જ તપાસ કરવા કહ્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટે સરકારની મેલી મુરાદ પર પાણી ફેરવી દીધું હતું. નામ્બી નારાયણનનો કેસ કોર્ટમાં ચલાવવામાં આવ્યો ત્યારે તપાસ કરનાર એજન્સી ‘સીબીઆઇ’એ કબૂલ કરવું પડ્યું કે ‘આઇબી’એ (ઇન્ટેલીજન્સ બ્યુરો) આખે આખો ખોટો કેસ ઊભો કર્યો હતો. ૧૯૯૬ની ત્રીજીજૂને ડીઆઇજી શરદકુમારે ‘સીબીઆઇ’નો રિપોર્ટ ત્યારના હોમ સેક્રેટરીને મોકલ્યો ત્યારે સાથેની નોટમાં લખ્યું હતું : ‘આ કેસની તપાસ દરમિયાન એવુ પ્રતિપાદીત થતું હતું કે સેન્ટર ઇન્ટેલિજન્સ બ્યુરોના કેટલાક અધિકારીઓએ ગંભીર ભૂલ કરી હતી. આવા અધિકારીઓ સામે પગલા લેવા માટે આ સાથે વિગતો બીડવામાં આવી છે. ’
આ બોગસ કેસ ઊભો કરીને તપાસને આડે માર્ગે લઈ જવા માટે જે આઇબી અધિકારીઓનાં નામ આપવામાં આવ્યા એમાં ડેપ્યુટી ડાયરેક્ટર આર. બી. શ્રીકુમાર, જોઇન્ટ ડાયરેક્ટર મેથ્યુ જોન, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સી આર નાયર વગેરે હતા. નામ્બી નારાયણન સિવાય બીજા પાંચ વૈજ્ઞાનિકોની પણ ધરપકડ કરીને એમને અપાર શારીરિક અને માનસિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ તમામ માટે આર. બી. શ્રીકુમારને જવાબદાર ગણવામાં આવ્યા હતા.

આ આર. બી. શ્રીકુમાર કોણ છે એ જાણો છો?

આજથી લગભગ ૨૦ વર્ષ પહેલા ગુજરાત વિરુદ્ધ ઝેર ઓકનારા તિસ્તા સેતલવાડના ખાસ સાથીદાર તરીકે આર. બી. શ્રીકુમારે ગુજરાત પોલીસમાં રહીને કામ કર્યું હતું. નામ્બી નારાયણન અને એમના સાથીદારોને એટલી હદે શારીરીક અને માનસિક યાતના આપવામાં આવી હતી કે એ બધા લગભગ અર્ધ પાગલ બની ગયા હતા. આ શ્રીકુમારે ગુજરાતના આતંકવાદીઓ વિરુદ્ધ કરાયેલા એન્કાઉન્ટરને લઈને જોરશોરમાં નાટકીય વિરોધ કર્યો હતો, પરંતુ જ્યારે નામ્બી નારાયણનના માનવ અધિકારની વાત આવી ત્યારે એક કાવતરાના ભાગ હેઠળ સામ્યવાદી સરકારના એજન્ટ તરીકે એમણે કામ કર્યું.

નવાઈની વાત એ છે કે આટલા મોટા આતંરરાષ્ટ્રિય કાવતરાનો ઘટસ્ફોટ થયો હોવા છતાં એ સમયે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સંપૂણપણે ચૂપ રહ્યું હતું. ટીવીના કોઈ સ્ક્રીન કાળા કરવામાં આવ્યા નહોતા, કેરળની સરકારને કોઈએ
‘ફાસિસ્ટ’ કહી ન હતી. ઉલટાનું વૈજ્ઞાનિકોને ફસાવનાર પોલીસ અધિકારી સી વાય મેથ્યુસને કેરળના મુખ્ય માહિતી અધિકારી બનાવવામાં આવ્યા હતા!

કોર્ટના હુકમ પછી લડાઈ ચાલુ રહી લાંબી. લડાઈના અંતે ૨૦૧૮ના સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે નામ્બી નારાયણનને ૫૦ લાખ રૂપિયાનું વળતર આપવા માટે હુકમ કર્યો અને કોર્ટે ન્યાયાધીશ બી. કે. જૈનના અધ્યક્ષપણા હેઠળ એક કમિટી બનાવીને કેરળ પોલીસે ભજવેલા ભાગની તપાસ કરવા હુકમ કર્યો હતો.

‘જેએનયુ’(જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી)માં પ્રજાના પૈસે જલસા કરનારા કનૈયાકુમાર અને ઉમર ખાલીદ જેવાઓની ટુકડે ટુકડે ગેંગને લવિંગ કેરી લાકડીએ અડવામાં પણ આવે તો અન્યાય… ‘અન્યાય’ની ચીસો પાડનાર બૌદ્ધિકો અને મીડિયાના મોંઢે પણ નારાયણન સામે થયેલા અન્યાય વખતે તાળા લાગી ગયા હતા. બીજી તરફ દેશ માટે આટલું મોટું યોગદાન આપનાર નામ્બી નારાયણનને જો ‘પદ્મભૂષણ’ એવોર્ડ મળ્યો નહીં હોત તો કદાચ હજી પણ ‘નામ્બી નારાયણ’ કોણ ? એમ અચૂક પૂછવામાં આવતું હોત !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…