મજબૂરી
ટૂંકી વાર્તા -બી. એચ. વૈષ્ણવ
સ્ટીલની તકતી પર મરોડદાર અક્ષરમાં અંગ્રેજીમાં નામ લખાવેલું . શ્રીમતી સપના આઠવલે, નાયબ સચિવ (સેવા),ગૃહ વિભાગ.
મે આઈ કમ ઈન? ફલેપ ડોર અધખુલ્લું કરી કોઇએ તેનો ચહેરો દેખાડી પૂછયું. આવી રોજ પૃચ્છા થાય. અધિકારી થાવ એટલે તમારી પ્રાઇવસી ખતમ થાય. ઇવન, તમે બપોરના ચાર વાગ્યે લંચ લઇ રહ્યા હોવ તો પણ ખતરોકે ખિલાડી કે તું ખિલાડી મૈં અનાડી જેવા અરજદાર માન ન માન મેં તેરા મહેમાનની જેમ વગર ચોમાસે ટપકી પડે! મગજ પર બરફનું ગચિયું રાખવું પડે. બી કૂલ નહીં પણ બી કૂલેસ્ટ રહેવું પડે. ઘણીવાર મીટિંગ ચાલુ હોય કે ફાઇલ જોઇ રહ્યા હોય ત્યારે પણ અરજદાર રાહુ-કેતુની જેમ ચેમ્બરના દરવાજો પાંત્રીસ ટકા ખોલી મોં બતાવે, બતાવે અને બતાવે! હમ નહીં સુધરેંગે એ અરજદારનો મંત્ર હોય!
ફાઈલમાંથી માથું ઊંચું કર્યા વિના મેં માથું હકારમાં ધુણાવી અંદર આવવા પરમિશન આપી. તે અંદર આવી. મૃગનયની જેવી પાણીદાર આંખો ઊંડી ઊતરી ગયેલી. આંખની નીચે ડાર્ક સર્કલ. ચહેરો મ્લાન લાગે. અવાજમાં હતાશા જણાય! વાળ કોરા હતા. વાળની લટો ઉડીને ચહેરા પર આવી જતી હતી. માનો કે મુખચંદ્ર પર વાદળો ઢંકાઈ જતા ન હોય! પાતળી દેહયષ્ટી હતી! મુરજાયેલ પારિજાત લાગે!
મેં સામેની ખુરશી દર્શાવી કહ્યું ટેઈક યોર સીટ એન્ડ બી કમ્ફર્ટેબલ. તે ખુરશીમાં રિક્ષા ડ્રાઇવરની જેમ અધુકડી બેસીને કહ્યું, થેન્ક યુ મેડમ.
યુ આર વેલકમ મેં શિષ્ટાચાર દાખવ્યો. મારે એક દરખાસ્ત કાલની કેબિનેટમાં મુકવાની હોવાથી ફાઇલ વર્કમાં વ્યસ્ત હતી. આમ, તો પ્યુનને કોઇ મુલાકાતીને ચેમ્બરમા ન મોકલવા સૂચના આપેલી. આ છોકરીને જોતાં વેંત જ કોઇ અગમ્ય વાત્સલ્યના ભાવ ઉછાળા મારવા મંડયા. હું દિમાગથી ચાલવા વાળી. દિલ પર જોર આપતી નહીં. મારી પીઠ પાછળ મને મારા કર્મચારી એઆઇ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માને છે! પરંતુ, લોકો મારી યાંત્રિકતાનું રહસ્ય કયાં જાણે છે! મને પણ રહસ્ય પરથી પડદો ઉઠાવવામાં રસ ન હતો. મારી આજુબાજુ રહસ્યનું કોચલું ઊભું કરી દીધેલ!
મેં બેલ મારી પટાવાળાને બોલાવી પાણી લાવવા કહ્યું અને આવકારીને પૂછ્યું ચા કે કોફી?
પેલી સડક થઈ ગઈ. સરકારી ઓફિસમાં ચા-પાણી ઓફર થાય? તે બીજે ક્યાંય આવી ગઇ કે શું એવો પ્રશ્ર થયો. સરકારી ઓફિસે બાઇ બાઇ ચાળણી હોય. એકબીજાને ખો આપે. અરજદાર સાથે રૂક્ષતાથી વર્તે. ઓફિસરના શબ્દોમાં એરોગન્સી અને તુમાખી ટપકતી હોય! કટુ અનુભવોની ભૂતાવળોથી તેનું મન ખિન્ન! આ આ લેડી ઓફિસર કોઇ જુદી માટીની બનેલી હોય તેવું ફીલ થયું!
મેં પૂછ્યું બોલો, શી સેવા કરું? આપનું નામ? ક્યાંથી આવ્યા છો?
તેણી બોલી, મારુ નામ તિતિક્ષા છે. હતાશપુરથી આવું છું…
કોઈ ત્રાહિતની વાત સાક્ષીભાવે કહેતી હોય તેમ દિલ ખોલીને તિતિક્ષા સડસડાટ બોલવા માંડી, હું આઈપીસી કલમ ૩૭૬ની શિકાર થઈ છું. આરોપી દરીન્દા પર્સન છે. મારી જિંદગી તબાહ કરી નાંખી છે. પાંચ વરસ પહેલા તેની ઓફિસમાં રેનોપહીલની ટેબ્લેટ કોલ્ડ ડ્રીંકમાં મિલાવી બેભાન કરી જબરદસ્તી કરી. લાખો વીંછીના ચટકા જેવી વેદના, સર્વસ્વ ગુમાવવાની વેદના. મને ન્યાય મળે તે માટે પોલીસ સ્ટેશન, અદાલત, સચિવાલયના પગથિયાં ઘસી નાંખ્યા, પરંતુ આજદિન સુધી શૂન્ય પરિણામ! તેનો અવાજ ધ્રૂજવા લાગ્યો, આંખોમાં આંસુ સુકાયેલા. મેં તેને પાણીનો ગ્લાસ ધરી ઊભા થઈ પીઠ પસવારી સાંત્વન આપવા કોશિશ કરી!
મેં તેનો ચહેરો ધ્યાનથી જોયો. માસ્ક ઉતારેલો ચહેરો. અપ્રતિમ સૌંદર્ય સામ્રાજ્ઞી. તેના ગાલે ચૂંટલી ખણીએ તો લોહીનો ટશિયો ફૂટે. રૂપની અફાટ રાશી. આવી ઢીંગલીને તેની ઈચ્છા વિરુદ્ધ-પારેવડીને પીંખી નાંખતા હૃદય થડક્યું નહીં હોય? તેનું કાળજું કંપ્યું નહી હોય? મારા દીકરા સાથે જોડી જામે એવી પણ, ખેર જવા દો લાગણીવેડા. કોણ જાણે તેવામાં મારી જાત પ્રતિબિંબત કેમ થતી હશે?
તિતિક્ષા પાણી પીને બોલી, “મેડમ પાંચ વરસથી ન્યાય મેળવવા પોલીસ સ્ટેશન, પોલીસ કમિશનરની ઓફિસ, વકીલની ઓફિસ, ફોરેન્સિક સેલેમાં ધક્કા ખાઉ છું. હું પીડિતા હોવા છતાં ગુનેગાર જેવો વ્યવહાર. પુરાવામાં છેડછાડ. સાંયોગિક પુરાવાનો નાશ કરી કેસ લુલો કરવા મોટા સાહેબો સામેલ છે. મેડમ પ્રેસિડેન્ટ સાહેબ નવી દિલ્હી, સ્પીકર લોકસભા, માનવાધિકાર આયોગ, પ્રધાનમંત્રી ઓફિસ, માહિતી કમિશનર, લોકપાલ બધે કોથળો ભરી અરજી કરી છે, પણ બાસ્કેટ બોલની નેટની જેમ અરજીઓ ખોવાઈ ગઈ, ચવાઈ ગઈ.
ઓહ. હાઉ પેનિક!!! તારી વાત સાંભળતા મને કમકમા આવે છે. દેશમાં દીકરીઓ વલ્નરેબલ કેમ છે? નો ગર્લ્સ સિકયોર! હું બોલી.
થોડું અટકીને તિતિક્ષા શતાબ્દી મેઈલની જેમ બોલવા માંડી, મેડમ મારો કેસ તો સ્ટેચ્યું થઈ ગયો છે, સામેવાળો બધી રીતે પૂરો છે, મૂઆ પીટ્યાએ નવ વાર મારા વકીલને પૈસાથી ફોડી નાંખ્યો છે, મારા સાક્ષીને સામ, દામ, દંડ, ભેદથી પોતાના કરી નાંખ્યા. મારી પીડાના વલવલાટથી મેં મારી માથી હાથ ધોઈ નાંખ્યા .મારી વહાલસોઈ મા મરી ગઈ. મારી મા એ મને લડવા માટે સોગંદ આપેલા.
પિતાજીનો ધંધો ચોપટ, હાર્ટ એટેકમાં માંડ બચ્યા.મારા લગ્નનું ક્યાંય ગોઠવાતું નથી. નાનો ભાઈ ત્રીસે પહોંચ્યો. મારા પાપે તેને કોઈ છોકરી લગ્ન માટે મળતી નથી. એનું નિમાણું મોં મારાથી જોવાતું નથી. બધાની જડ હું છું.
કેરી ઓન! મેં તેને વાત પૂરી કરવા કહ્યું!
તિતિક્ષા ઊંડો શ્ર્વાસ લઈ બરફ જેવા અવાજે બોલી, આટલું ઓછું હોય તેમ કેસ સેટલ કરવા પાંચ ખોખાની સમાધાન પેટે ઓફર કરે છે. મામાના ઘરના ભૂવા મદદ કરે છે તેને ખોટા કેસના ચક્રવ્યૂહમાં ફસાવ્યા, વિજ્ઞાન જાથાની રેડ પડાવી…
મેં એક વિઝિટિંગ કાર્ડ આપ્યું ને કહ્યું કે આ કાર્ડ મારા હસબન્ડનું છે. પોલીસ કમિશનર છે. તને એ ન્યાય અપાવશે, તેમાં કોઈ પાછી પાની કરશે નહીં. તિતિક્ષા વિદાય થઈ.
હું ફલેશબેકમાં પહોંચી ગઈ મેં પચ્ચીસ વરસ પહેલા મારી પછી ત્રણ બહેનોના લગ્ન બાકી હોવાથી મારી વ્યથા કથાનો પચાસ પેટીમાં સોદો કરી…, કાશ મને કોઈ એવો હમસફર… જવા દો. અંગારા પર ફૂંક મારો એટલે દાઝવાનું જ રહે! છોડો મડદા દટાયેલા જ સૌને માટે સારા!!! (સત્ય ઘટના પર આધારિત વાર્તા)