કોમ્પ્રોમાઈઝ
ટૂંકી વાર્તા -ભરત વૈષ્ણવ
“આ મારું વિઝીટીંગ કાર્ડ છે આમ કહી તેમણે મારા હાથમાં કાર્ડ થમાવ્યું. આગંતુક સુટેડ બુટેડ. કલીન શેવ્ડ ફેઇસ. ચહેરા પર ઓફિસરનો રૂઆબ. પાતળી કદ કાઠી !! આંખો એકસ રે જેવી વેધક. હેર ડાય કરેલ કર્લી હેર!!
“નરેન્દર અગ્રવાલ, સીએમડી-ઈન્ડિયન હેવી ઈલેકટ્રોનિક કોર્પોરેશન કાર્ડ પરનું લખાણ!! કાર્ડ પર સોનેરી અક્ષરો. કર્વીંગ લેટરમાં પ્રિન્ટ થયેલા. વિઝિટિંગ કાર્ડ તો એમણે કહેલું. બાકી તો લંચ બોકસ જેવો ડબ્બો. તમને થાય કે આઇડેન્ટિકાર્ડ છે કે હોળીનો હારડો છે??
“આ એક કાર્ડ મંત્રી સાહેબ માટે છે. બીજું ચોબેજી તમારા માટે છે. અગરવાલ સાહેબ બોલ્યા. રાજધાનીમાં આવી બાબતની નવાઈ કે છોછ નથી. મંત્રી માટે જે કાંઈ આવે તે નવાણુ ટકા તેના પીએસ એટલે કે પોઠિયા માટે આવે જ.
મેં મારા વાળો ડબ્બો ખોલ્યો. કાર્ડ સાથે પાંચ તોલાનું સોનાનું બિસ્કિટ. ડ્રાય ફ્રુટ તેમ જ પિયરે કાર્ડીનની પેન.
“ચોબેજી, એક ફેવર કરો. બાય હૂક ઓર બાય ક્રૂક! એની હાઉ! ગમે તે ભોગે સરની મીટીંગ ફિકસ કરાવી દો. મારી ડીલ થઈ જાય તો સાહેબ અને તમને ન્યાલ કરી દઇશ અગરવાલ સાહેબ ઉવાચ. આવું કહેનારા કામ પતી ગયા પછી મારી જેવાને ભૂલી જતા હોય છે. ગરજ સરી કે વૈદ નહીં, મંત્રીના પીએ વેરી. રાઇના ભાવ રાતે ગયા. ટૂંકમા તેરા તેલ ગયા મેરા ખેલ ગયા. અવસર ચૂક્યા મેહુલા કે ચિડાયા ચુગ ગઇ ખેત જેવો તાલ!!!
“માલિક, હમણાં તો સાહેબનું શિડયુલ સખ્ખત ટાઈટ છે. સાહેબ મેડમને પણ ટાઇમ આપતા નથી. અધૂરામાં પૂરું પાર્લામેન્ટનું ચોમાસું સત્ર ચાલે છે! ચાલો આવતા મહીને જુગાડ કરી દઉં. મેં મીઠાશથી કહ્યું.
અગરવાલની મુલાકાત મંત્રી સાહેબ સાથે ફિકસ કરી. પીએસ હોવાથી હું હાજર રહ્યો. અગરવાલે આસ્તિકની જેમ વાત શરૂ કરી!!
“સર સપ્ટેમ્બરમાં મારો સીએમડીનો ત્રણ વરસનો ટેન્યોર પૂરો થાય છે. બીજો ટેન્યોર મળે તે માટે પ્રયત્ન ચાલુ છે. મેળ પડે તો ગંગા નાહ્યા. નહિતર ટેન્યોર એકસટેન્ડ કરાવ્યા સિવાય છૂટકો નથી!! પેટ છૂટી વાત કરૂં તો મારો ટેન્યોર છ મહીના લંબાવી આપો તો મારા પાંચસો-છસો ખોખા છૂટા થાય. મારા હસ્તકના કામો કમ્પ્લીશન સ્ટેજ કે ફાઇનલ સ્ટેજે છે. કોન્ટ્રેકટર પાસેથી પેમેન્ટ લેવાના છે! આપને પાંચ ટકા લેખે મળી જશે. પાંચ ટકા ઓછા લાગે તો દસ ટકા સુધીમાં ડીલ ફાઇનલ કરવા તૈયાર છું!!! અગરવાલ અટક્યાં.
મારી આંખો ફાટીની ફાટી રહી ગઈ. ત્રીસ ખોખા થાય. પણ મારો સાહેબ. જવા દોને. અગરવાલ ભેખડે ભરાણો. આજે થોરે ઘસાણો. લોહીલુહાણ થશે અને મારો ભાગ ડુબાડશે!!
મારો મંત્રી ચુસ્ત સિદ્ધાંતવાદી. ભૂલમાં રાજકારણમાં પગ મુકાઈ ગયેલો. એના મત વિસ્તાર અમરોલીમાં એનો મીની ગાંધી ગણી બધા પૂજા કરે.
ભાનુભાઈ વિરડીયા એટલે મારા મંત્રીએ અગરવાલની દરખાસ્ત પર પાણીઢાળ કર્યું.
“સર આપ ઘર આઈ લક્ષ્મી કો ઠુકરા કે ગલતી કર રહે હૈ. ફાઈલમેં આપકો દસ્તખત તો કરના હી કરના હૈ. ઔર પૈસે ભી નહી મિલેંગા. ફોગટમેં ઔર ના ઈલાજ હોકર કરના પડેંગા આમ કહી ગુસ્સામાં દરવાજો… અફળાવી પગ પછાડતો અગરવાલ ગયો.
અગરવાલે મારા વાલીડાએ શું ચક્કર ચલાવ્યું એ તો રામ જાણે.કલાકમાં મોટા સાહેબની ઓફિસમાંથી મંત્રી પર ફોન આવ્યો.મોટા સાહેબ લાઈન પર આવશે.
“ભાનુભાઈ અભી કે અભી બંગલે પર આ જાવ. ઈટસ એન અરજન્ટ. મોટા સાહેબે આટલું કહી ફોન ડીસકનેકટ કર્યો.
અમારા સાહેબ મારતા ઘોડે એટલે કે મારતી મોટરે મોટા સાહેબના નિવાસસ્થાને પહોંચ્યા. મંત્રી સાહેબનું સિકયોરીટી ચેકીંગ થયું. એક ઓફિસર સાહેબને દોરીને મોટા સાહેબની ચેમ્બર લગી મૂકી ગયો. મોટા સાહેબને ત્યાં અગરવાલ હાજર.
“આઈએ, ભાનુભાઈ. તશરીફ રખીએ… આટલું કહી મોટા સાહેબ ખુરશીમાં ગોઠવાયા.
મોટા સાહેબ ગામઠી દેખાય. સફેદ દાઢી. ધોતી કુરતામાં સ્કૂલ માસ્તર લાગે. બલિયા વતન .
સર ઈસમેં હસ્તાક્ષર કીજીએ.એમ કહી મોટા સાહેબના પીએસે મંત્રીને ફાઈલ ધરી.
મંત્રીએ ફાઈલ જોઈ. નરેન્દર અગરવાલના હોદાની મુદત વરસ વધારવાની દરખાસ્ત મંત્રી તરીકે કરવાની અને મોટા સાહેબની મંજૂરી લેવાની હતી.
મંત્રીએ મોટા સાહેબ તરફ પ્રશ્ર્નાર્થ નજરે જોયું.
મોટા સાહેબે માથું ધુણાવતા હોય તેવી એકશન કરી પછી હતાશ સૂરે બોલ્યા , “ભાનુભાઈ, પીએમ થવામાં કાંઈ કાંદા કાઢવાના નથી. આપણી સરકાર કોકના ટેકાથી જેમતેમ ગાડું ગબડાવીએ છીએ… આટલું બોલી અગરવાલને બહાર જવા ઇશારો કર્યો.
“બોડીયા માથા પર હાથ ફેરવતા બોલ્યા કે આ અગરવાલ સાથી પક્ષનું પ્રેશર લાવ્યો છે. લઘુમતી સરકારને ડગલે ને પગલે સમાધાન કરવા પડે છે. નહીતર, સરકાર ક્યારે ભૂતપૂર્વ થઈ જાય તેની ખબર ન પડે. આ પરિસ્થિતિનો લાભ વેસ્ટેડ ઈનટ્રેસ્ટ ધરાવતી વ્યક્ત લઈ જાય. ભલે અગરવાલ તેનો લાભ લઈ જા. ગુડ લક ભાનુભાઈ!!
અગરવાલે મંત્રી સાહેબને તો ન્યાલ ન કર્યા. યુ વોન્ટ બિલિવ. મને પણ ન્યાલ કરી દીધો. તેની મુદત વધારાના હુકમ પછી એક પેટી નહીં પણ ખોખું. વેઈટ અ મિનિટ. મોતીચૂરના લાડવાનું એક ખોખું આપીને મારી સાત પેઢી તારી દીધી.!!!
(કથા બીજ શ્રી ભરતભાઈ દવે, ગાંધીનગર . સત્ય ઘટના ફેરફાર સાથે)