શત્રુનો પૂર્ણ નાશ જરૂરી
ફોકસ -હેમંત વાળા
કહેવાય છે કે અગ્નિ, દેવું અને શત્રુ અંશ માત્ર પણ બચી જાય તો તે ફરી ફરી વધ્યા જ કરે છે. તેનો સંપૂર્ણ નાશ જ હિતકારી છે. શત્રુતો શત્રુ છે જ, અગ્નિ અને દેવું પણ શત્રુ છે. વાત તો આ વ્યવહારુ બાબતો માટે કહેવાય છે, પરંતુ થોડું ઊંડાણમાં સમજવાની
જરૂર છે.
વ્યવહારનો અગ્નિ એટલે આગ. જિંદગી માટે અગ્નિ બહુ મહત્વની અને અગત્યની ઘટના છે. પણ તે ત્યાં સુધી જ હકારાત્મક ભૂમિકા ભજવી શકે જ્યાં સુધી તે નિયંત્રણમાં હોય.અગ્નિ જ્યારે નિયંત્રણની બહાર જાય ત્યારે તે વિનાશક બની રહે. વ્યવહારમાં અગ્નિનું નિયંત્રણ જરૂરી છે. જો તે જાણ બહાર કોઈ પણ સ્વરૂપે શેષ રહી જાય તો તેના ઘણા માઠા પરિણામો આવી શકે. અગ્નિ શેષ ન વધવો જોઈએ.તેવું જ ’દેવું’ માટે કહેવાય. મનોવિજ્ઞાન એમ કહે છે કે જો થોડું દેવું વધેલું હોય તો તેને વધુ વધારવાની ઈચ્છાથી આવે. એકવાર દેવા સાથે જીવન જીવવાની માનસિક સ્વિકૃતિ મળી ગઈ હોય તો પછી તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહે. અહીં ક્યાંક હારેલા જુગારી જેવી સ્થિતિ હોય છે.
શત્રુ શત્રુતા ક્યારેય છોડે. તમે લાખ સકારાત્મકતા દેખાડો, તમે લાખ માનવીય બાબતોને પ્રાધાન્ય આપો, તમે લાખ ઉદારતાવાદી નીતિ અપનાવો, તો પણ શત્રુ સદાકાળનો શત્રુ જ રહે છે. ઇતિહાસ સાક્ષી છે કે પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા અનેકવાર જીવતદાન અપાયા પછી પણ મહંમદ ઘોરી એ તો પૃથ્વીરાજની હત્યા જ કરી હતી. શત્રુને ક્યારેય બાકી ન રખાય. કારણ કે તેની શત્રુતા કાયમી છે, થોડી તક મળતા વ્યક્તિ ફરીથી બળવાન થઈ હુમલો કરવાનો જ. શત્રુનો સંપૂર્ણ નાશ કરવાથી જ શત્રુતા નાશ પામે.
આ બધી દુનિયાની વાસ્તવિકતા થઈ. જાણવાની એ પણ જરૂર છે કે ખરેખર શત્રુ કોણ છે, અગ્નિ શું છે અને ઋણ શું છે.
જીવનમાં છ પ્રકારના શત્રુની વાત થઈ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અને મત્સર; આ છ નો સદંતર નાશ થવો જોઈએ. કામ એટલે વાસના કે ઈચ્છા. ક્રોધ એટલે પરિસ્થિતિ પર આવેલ ગુસ્સો. લોભ એટલે જરૂરિયાત કરતા વધારે પામવાની ઈચ્છા. મોહ એટલે જે તે બાબત સાથે સ્થપાતું તાદાત્મ્ય. મદ એટલે અહંકાર અને મત્સર એટલે રાગ-દ્વેષ આધારિત વ્યવહાર. આ શત્રુને હરાવવાના છે. આ શત્રુનો નાશ કરવાનો છે અને તે પણ એ રીતે કે તેનો અંશ માત્ર પણ શેષ ન રહે. આ સાચી
જીત છે.
અગ્નિ એટલે જીવનમાં સતત દાહ ઉભી કરે તેવી ઘટના. આમ તો ષટ્રીપુની હાજરી ને કારણે જે પરિસ્થિતિ ઊભી થાય તે સ્વાભાવિક રીતે દાહક જ હોય. વિશેષથી જોતા સમજાશે કે આમાં વાસના સૌથી વધુ પ્રજ્વલિત દાહ છે. તે પછી કદાચ અહંકારનું સ્થાન આવે. વાસના અને અહંકાર એ એ પ્રકારના અગ્નિ છે કે જે લગભગ સતત પ્રજ્વલિત રહે. ઋષિમુનિઓ કે દેવતાઓ પણ આ અગ્નિથી બચવા ક્યારેક અસમર્થ રહ્યા છે. આ અગ્નિનો નાશ પણ મૂળથી કરવાનો છે. જરા પણ વાસના કે અહંકાર બાકી રહી જાય તો તે બીજ સ્વરૂપે સચવાઈ રહે અને આગળ જતાં ફરીથી વટવૃક્ષમાં પરિણમે. અગ્નિનો નાશ સદંતર અને સંપૂર્ણ હોવો જોઈએ.
ઋણ એ એક એવી ઘટના છે જે મુક્તિમાં એક મોટી બાધા બની રહે. સંસારમાં કે સૃષ્ટિમાં વ્યક્તિ પર અનેક પ્રકારના ઋણ ચડેલા હોય છે. વ્યક્તિ માતા-પિતાની ઋણી તો હોય જ પણ સાથે સાથે સમાજનું પણ ઋણ હોય છે. ધરતીનું પણ ઋણ હોય અને વરસતા વરસાદના પાણીનું પણ ઋણ હોય. સૂર્ય અને ચંદ્રનું પણ ઋણ હોય અને વૃક્ષ-ઔષધીઓનું પણ ઋણ હોય. શરીર પ્રદાન કરનાર પંચમહાભૂતનુ પણ ઋણ હોય અને સતત રક્ષા કરતા પિતૃઓનું પણ ઋણ હોય. ઋણનો બોજો બહુ મોટો છે. એક સિદ્ધાંત પ્રમાણે જ્યાં સુધી વ્યક્તિ સંપૂર્ણ રીતે ઋણ મુક્ત ન થાય ત્યાં સુધી ફરીથી જન્મ લેવાની સંભાવના બની રહે. મુક્તિ માટે બધા જ ઋણથી મુક્તિ લેવી જરૂરી છે.
જે જે વ્યક્તિએ, જે જે બાબતે, જે જે શક્તિએ, જે જે પરિસ્થિતિએ ઋણ સ્થાપિત કર્યું હોય તે તે પ્રત્યે વિશેષ પ્રકારના કાર્ય કે ભાવથી ઋણ ઉતારવાનો પ્રયત્ન કરવો પડે. કાર્ય વિશાળ છે પણ મુશ્કેલ નથી. ઘણીવાર તો એમ પણ બને કે સામેવાળી શક્તિ ઋણ ચડ્યું છે તેવું માનતી જ ન હોય. તેવા સંજોગોમાં ઋણની વિશાળતા ઓછી થઈ જાય. આ એક આશાસ્પદ બાબત છે.
એવી કોઈ પણ બાબત બાકી ન રહેવી જોઈએ એ આગળ જતા તકલીફ સરજી શકે. જ્ઞાનના સંપાદનની પ્રક્રિયા પણ પૂરી થવી જોઈએ – તેમાં પણ કંઈ શેષ બાકી ન રહેવું જોઈએ. તંદુરસ્તી પણ પૂરેપૂરી હોવી જોઈએ. અધૂરી કે બાકી રહી ગયેલી તંદુરસ્તી એ તંદુરસ્તી નથી.
સેવા કરવામાં પણ સંપૂર્ણતા હોવી જોઈએ. સેવા કરવામાં રહેલી કચાશ ધાર્યું પરિણામ ન લાવી શકે. મદદ કરવી તો પૂરેપૂરી કરવી. સથવારો આપવો તો પૂરેપૂરો આપવો. પ્રેમ કરવો તો સમગ્ર અસ્તિત્વથી કરવો. અસ્તિત્વનો કોઈ ભાગ અળગો રાખી પ્રેમ ન થઈ શકે. મિત્રતા બાંધવી તો કોઈપણ પ્રકારના બંધન વગર બાંધવી. ટૂંકમાં કોઈપણ બાબતે કચાશ કે અધૂરાશ ન હોવી જોઈએ. સફળતા માટેના પ્રયત્નોમાં પણ કંઈ શેષ ન રહી જવું જોઈએ.
હકીકતમાં તો જે પણ કરવામાં આવે એ પૂર્ણતામાં જ કરવાનું હોય.