માતાના હેતનું વ્યાજ સહિત વળતર આપો તેમની વૃદ્ધાવસ્થામાં
પ્રાસંગિક -રેખા દેશરાજ
‘જનની જોડ સખી નહીં જડે રે લોલ’. જો તમે ગુજરાતી છો તો તમે ગુજરાતી કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરની આ કવિતા તમે ચોક્કસ સાંભળી જ હશે. આજે વિશ્ર્વ માતૃ દિવસ એટલે કે ‘મધર્સ ડે’ ઉજવાઇ રહ્યો છે ત્યારે માતાના ગુણ તો ગવાશે જ અને બધા પોતપાતાની વ્હાલી મમ્મીઓને કદાચ ગિફ્ટ આપી કે અન્ય સરપ્રાઇઝ આપીને તે તેમના જીવનમાં કેટલી ઇમ્પોર્ટન્ટ છે તેનો અનુભવ કરાવવાનો પ્રયાસ કરશે જ. જોકે, આજે આપણે આપણી જનનીઓના ગુણ ગાવાને બદલે વાત કરીશું તેમની સારસંભાળ લેવાની.
બાળપણમાં આપણને હેતથી ઉછેરીને મોટા કરનારી માતાઓ આપણે જેમ જેમ મોટા થઇએ છીએ તેમ તેમ તે ઘરડી થતી જાય છે. સમય વીતતો જાય છે તેમ તેનું શરીર નબળું થતું જાય છે અને માનસિક અને શારીરિક રીતે ઉંમરની અસર થતી આપણને સ્પષ્ટ દેખાય છે. આ જ સમય છે જ્યારે આપણે આપણી માતાઓએ આપણને ઉછેર્યા અને બધા જ પ્રકારના કષ્ઠ અને અગવડો ભોગવીને આપણે જે છીએ તે બનાવ્યા તેનું વળતર ચૂકવીએ અને તે પણ વ્યાજ સાથે. એ સાથે જ આપણે સંકલ્પ પણ લઇએ કે આપણે આપણા જીવનમાં ભલે કેટલા પણ વ્યસ્ત થઇ જઇએ આપણે આપણી માતાની હેલ્થના મામલે કોઇપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. આપણી વ્હાલી મમ્મીઓના સ્વાસ્થ્યનું ધ્યાન કઇ રીતે રાખવું એ માટેની થોડી ટિપ્સ ઉપર નજર નાખીએ.
ખાવા-પીવાની તકેદારી
આપણે નાનપણથી આપણી મમ્મીને જોતા આવ્યા છીએ અને તેમને ખાવામાં શું ભાવે છે અને શું નથી ભાવતું તે આપણે જાણતા જ હોઇએ. તેમના ખાવા-પીવાનો શું સમય છે તે વિશે પણ આપણને ખબર હોય છે. જોકે, એક ઉંમર પછી બધી જવાબદારી મમ્મી નથી ઉપાડી શકતી અને એટલી સક્ષમ નથી હોતી કે પોતાના ખાવા-પીવાનું અને સમયસર ખાવાનું શક્ય નથી રહેતું. એટલે જરૂરી છે કે તમે ખાતરી કરો કે તમારી મમ્મી સમયસર ભોજન લે છે અને તેમના સ્વાસ્થ્યને અને જો કોઇ બીમારી હોય તેને ધ્યાનમાં રાખીને પૌષ્ટિક આહાર લે છે. જો શક્ય હોય અને કોઇ મેડિકલ કંડિશન ન હોય તો તેમને તેમની મનભાવતી વાનગી પણ સમયાંતરે તેમની માટે લાવી કે ઘરે બનાવી ખવડાવો.
માતાના સ્વાસ્થ્યની રાખો કાળજી
આપણે બાળક હોઇએ છીએ ત્યારે માતા આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી હોય છે અને આપણને યોગ્ય પોષણ મળી રહે અને માનસિક તેમ જ શારીરિક રીતે આપણે સ્વસ્થ રહીએ તે માટે શક્ય તે બધુ જ કરતી. હવે આપણો વારો છે તેમના સ્વાસ્થ્યની કાળજી લેવાનો. સમયસર તેમનું મેડિકલ ચેક-અપ કરાવવું, જરૂરી ટેસ્ટ કરાવવા અને જો કોઇ બીમારી કે સમસ્યા જણાય તો તેનો શક્ય તેટલી ઝડપથી તેનો ઇલાજ કરાવવો. એ સાથે જ નિયમિત રીતે વ્યાયામ, યોગ વગેરે કરાવવું પણ તમારી ફરજ સમજો.
વજનનું રાખવું ખાસ ધ્યાન
શરીરનું વજન એ ઉંમર વધવાની સાથે જ બીમારી નોતરે છે એટલા માટે મમ્મીનું વજન તેમની ઉંમર અને તેમની ઊંચાઇ વગેરેના હિસાબે યોગ્ય છે અને ક્ધટ્રોલમાં છે તેની તકેદારી રાખવી જરૂરી છે. એક ઉંમર બાદ મહિલાઓનું વજન પુરુષોની સરખામણીએ વધારે પ્રમાણમાં વધવા લાગે છે. જોકે, અમુક ઉંમર બાદ મહિલાઓને પોતે કેવી દેખાય છે તેનાથી ફરક પડતો નથી અને તેના કારણે તે પોતાના વજનને નજરઅંદાજ કરતા થઇ જાય છે. તેમને પોતાના બાહ્ય દેખાવની વધારે ચિંતા નથી હોતી. જોકે, આ અત્યંત જોખમી સાબિત થઇ શકે છે. તેમનું વજન વધતું જાય છે અને તેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. અટલે તમે હંમેશા મમ્મીને સારા અને ફીટ રહેવા માટે પ્રોત્સાહિત કરો એ જરૂરી છે. મમ્મીને કહો કે તમે તેને ફીટ અને ‘ઇન-શેપ’ જોવા માગો છો. પોતાના સંતાન પાસેથી આવા શબ્દો સાંભળીને માતા જરૂર પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા પ્રેરાશે.
પૂરતો આરામ મળે તેની ખાતરી કરો
આપણે ઘોડિયામાં હોઇએ ત્યારથી મમ્મી પોતાની ઊંઘ ત્યજીને આરામની ચિંતા ન કરતા આપણું ધ્યાન રાખે છે. હવે તેમને આરામ મળે તે જોવાની જવાબદારી આપણી છે. મમ્મીના સ્વાસ્થ્યની સાથે તેમને પૂરતી ઊંઘ મળે તે પણ જરૂરી છે. રાતના સમયે મમ્મી ઓછામાં ઓછા આઠ કલાકની ઊંઘ લે તે નિશ્ર્ચિત કરો. ઊંઘ આવવામાં કોઇ સમસ્યા હોય તો તેને સમજો અને તેનું નિરાકરણ શોધવા માટે પ્રયત્ન કરો. મમ્મી જો આ વાતને ગંભીરતાથી ન લે તો પૂરતી ઊંઘના શું શારીરિક અને માનસિક ફાયદા છે તે તેમને જણાવો.
આ રીતે છોડાવો વ્યસન
આપણા સમાજમાં આવું જ્વલ્લે જ બનતું હોય પણ ઘણાં ઘરોમાં એવું પણ બને છે કે માતાને કોઇ કુટેવ હોય જેમ કે સિગારેટ કે તંબાકુ. આપણાં અંતરિયાળ ગામોમાં જૂના સમયમાં મહિલાઓમાં પણ હોકો કે હુક્કો પીવાનું ચલણ હતું. જો આ પ્રકારની કોઇ ટેવ તમારી માતાને હોય તો તેમને વઢીને આ ઉંમરે વ્યસન છોડાવવું શક્ય નથી. તેમને ખીજાઇને તેમને લજ્જિત ન કરવા. તેમને આ બધી વસ્તુઓના નુકસાન સમજાવો અને ધીરે ધીરે આ બધી વસ્તુઓથી તેને દૂર લઇ જાવ.
બધા જ પોષક તત્ત્વો મળે તે જરૂરી
મમ્મીના ખોરાકમાં લીલાં શાકભાજી, દૂધ, દહીં, દાળ, કેલ્શિયમ, વિટામિન-ડી, ફાઇબર, આયરન બધું જ પૂરતા અને યોગ્ય પ્રમાણમાં હોય તેનું ધ્યાન રાખો અને એ માટે નિયમિત ચેક-અપ કરાવતા રહો. લોહીમાં
હેમોગ્લોબીન, શરીરમાં પ્રોટીન વગેરે પણ સમતોલ પ્રમાણમાં રહે તે રીતનો આહાર મમ્મીને આપવો.
પહેરવેશ અને લુક્સ પર ધ્યાન આપવું પણ જરૂરી
કોઇપણ મહિલા હોય તેને તૈયાર થવું ન ગમે એવું તો બને જ નહીં. સારા દેખાવવું બધા જ ઇચ્છતા હોય પછી તે મહિલા હોય કે પછી પુરુષ. મમ્મી જવાનીના દિવસોમાં સારા જ કપડાં પહેરતી હશે. જોકે એક ઉંમર પછી તે સાધારણ કપડા પહેરવા લાગે છે અને પોતે કેવી દેખાય છે તેની ચિંતા કરવાનું બંધ કરી દે છે, પરંતુ સારા દેખાવવાનો માનસિક ફાયદો પણ થાય છે અને તેથી મમ્મી પોતાના લુક્સ પ્રત્યે સજાગ રહે અને સારા કપડાઓ પહેરે તેનું પણ ધ્યાન રાખવું. તેમના વાળ પણ સારા રહે તે માટે જરૂરી ઉપાયો કરવા. તેમની લુક્સ અને પર્સનાલિટીનું ધ્યાન રાખવું પણ આપણી ફરજમાં આવે છે, જેથી તે ઉંમરમાં વધુ વૃદ્ધ ન દેખાય અને તમારી મમ્મી એવરગ્રીન બ્યુટી જેવી દેખાય.