ઉત્સવ

કાપડી સંત દાદા મેકરણની સ્મૃતિ વંદના

વલો કચ્છ – ડૉ. પૂર્વી ગોસ્વામી

માનવતાનો ધૂણો ધખાવતા મહાત્મા કચ્છના પરમ સંત મેકરણ તરીકે સ્થાપિત થયાં. જેને કાળી ચૌદશે વિશેષ યાદ કરાયા, કારણ કે જીવમાંથી શિવની ગતિને પામવા માટે કચ્છની ધરતી પર મેકરણ ડાડાએ સંવત ૧૬૭૪નાં આસો વદ ૧૪ના રોજ કુલ અગિયાર દિવ્યાત્માઓ સાથે જીવતાં સમાધિ લીધી હતી.

અઢારમો સૈકો ચાલતો હતો. કચ્છ જેવી પાણીદાર ધરા હતી. પૂર્વ ભવના અખૂટ સંસ્કારને કારણે બહુ નાની ઉંમરમાં એ બાળકના હૃદયમાં ત્યાગ અને વૈરાગ્યના ભાવ જાગ્યા.

અવિચળ સુખા હોવા છતાંય ખોંભડી ગામના એ બાળકે જાગીરનો મોહ છોડ્યો, માની મમતા છોડી. ઘર છોડીને એ તો નીકળ્યા ગુરુ ગાંગોજીના સાંનિધ્યમાં આશાપુરા માતાના મઢ ગામે. ઇષ્ટદેવી આશાપુરા, મોમાઈ, રવેચી અને હિંગળાજ હતાં. ચારેય દેવીની પ્રસન્નતા તેની સાથે હતી. દેવીમાતાએ અભય ચૂંદડી અને ત્રિશૂલ તેને આપેલ હતાં એટલે હવે કોઇ ડર ન હતો. ભાટી રજપૂત હળધ્રોળજી ને માતા પાબાંબાના આ દીકરાએ કાપડી પરંપરાના સંત બનીને ‘જીનામ’ શબ્દથી રજેરજને રંગી દીધાં.

મા-પે કેડ઼ા ત કરમ કેં હુને ક ઇનીજા બોય પુતર ધરમજે મારગકે અપનાયો નેં સંત ભન્યા. હિકડે જો નાંલો પતોજી નેં બ્યે જો મેકોજી. નિંઢપણનું પતોજીજી બેઠકું ઇસ્લામ ભાવસેં રજૂ થીંધ્લ ડાયરેં વિચ હુઇ ઇતરે હિની ઇસ્લામ ધરમકે અપનાયોં નેં પતોજી મટીને ‘પતંગશા’ પીર તરીકે ઓરંખાણા નેં મેકોજી સંત ‘મેકરણ’ ભન્યા. કુલા ક મેકોજીજી વેંઢાર હિન્દુ ધરમજી છાયામેં થિઇ હુઇ.

સાહસ તીં હિંમતસે હિકડેઠઠ ભરલ કચ્છજી હી ધરા મથે માડૂએંકે લૂણી લાગણીએંજો આડેસ હી સંતજે સૂરમેં પ્રિગટ્યા જુકો રાજા ક સાહુકારેં ભેરા રોંધે પ ઠાઠ ઊભી નં કરેં નેં હર પલ ભાવકેંજે વિચ ઇનીજે ધિલમેં વસ્યા. વા. ઇનીકે ત સુમેલા ટુકર જમીન નેં પોઢેલા આકાશ વે ત બસ હો! મેકોજી મનંધા વા ક, ‘પ્રભુકૃપાએ આ બે વસ્તુઓ મોજૂદ છે તો ત્યાં લગી ચિંતા નથી.’ ઇની પિંઢજા ઉજરા, સાત્ત્વિક જીયણજી છાપ ભક્તકે ધરમજી વાટ વતાઇંધલ સાબિત થ્યા ને માડૂ પ ડાડાજી છાઇંમેં સુખસેં જીવન પસાર ક્યોં.

માતાના મઢે સદ્ગુરુ ગંગારાજાના સાનિધ્યમાં ભજન-કીર્તનમાં પાંચ વર્ષ ગાળ્યા અને ત્યાંથી વાગડમાં આવેલ કંથકોટ થતાં ગરવા ગઢ ગિરનારની છાયામાં પોતાનું તપ વધાર્યુ. ત્યાંની પ્રજાનો ઉદ્ધાર કરતા તેમણે હરદ્વારની યાત્રા પૂર્ણ કરવા સાથે હિંગલાજ પીરસવા સિંધ તરફ પ્રયાણ કર્યું હતું. ત્યાંના મુસ્લિમ ભાઇઓમાં પણ સદાચારના ઉદ્દેશો આપ્યા.

એકવાર કોઈ મુસલમાને મહાત્માશ્રીને પ્રશ્ર્ન કર્યો કે, આ પૃથ્વી પર હિન્દુ, મુસલમાન, યહૂદી, ખ્રિસ્તી વગેરે મુખ્ય ધર્મ ઉપરાંત અનેકાનેક પેટા ધર્મો પ્રવર્તી રહેલા છે. એ બરાબર છે કે નહીં?’ મેકરણે જવાબ આપ્યો કે ‘મું ભાયો તડ હિકડો, પણ તડ લખ હજાર, જુકો જેઆ લંગેઆ, સે તરી થેઆ પાર.’ ભાવાર્થ : હું પોતે પણ ખુદા અથવા ઈશ્ર્વરનાં સાંનિધ્યમાં જવા માટે એક જ માર્ગ હશે એમ માનતો હતો, પણ એ બાબત પર બારીક વિચાર કરતાં મને જણાયું કે એવા માર્ગો અનેકાનેક છે. સંસારરૂપી સમુદ્ર એટલો તો વિશાળ છે કે એને તરી પાર કરવા માટે આસ્થા હોય તો તે ગમે તે માર્ગે જઈ શકે છે. પરમકૃપાળુ ઈશ્ર્વર ભક્તાધિન હોવાથી એવા ભક્તને તે જરૂર મદદગાર થઈ પડે છે. રામ એક પણ તેના નામ અનેક છે. જુદાં જુદાં નામોએ તેને ભજવાથી તેનો મૂળ એક સ્વરૂપમાં ફેર પડતો નથી.

બારોક મેંણા સિંધમેં રે પૂંઠીયા ડાડા જંગીમેં બારો વરે પૂરાં ક્યોં. નેં ઉતાનૂં નિક્કી કરલ અવધ પૂરી થીંધે લોડાઇ આયા. હિન ગોઠજો હિકડ઼ો કુંભાર ડાડાજી દયાસેં બો પુતરજો પે ભનેજી ખુસી હાંસલ કેંવે ઇતરે કુંભાર ડાડાકે ગધેડ઼ો ભેટ ધરેં વેં, જેંજો નાંલો લાલિયો રખેમેં આયો ને ડાડા વટ હિકડ઼ો કુત્તો મોતિયો ત પેલેસેં હો જ.

કચ્છ નેં સિંધજી વિચમેં આવલ ખાવડેનું લોડાઈજે રસ્તે ચોડો ગાઉજો રિણજો રસ્તો અચેતો. ઉનારેજી કપરી લાયમેં હી રિણ એડ઼ો તપે ક જુકો હિન વાટતેં અચીંધલ મુસાફર વટ પાણી ન વે ક ખૂટી પે ત ઍડે સંજોગમેં તોંસમેં નેં તોંસમેં પિલાંધો રિઇ વિંઞે. હિન રીતેં કિઇક જાત્રાડ઼ૂ મીંજે અભાવમેં રિણમેં મઇ રોંધાવા. હી ન્યારીનેં મેકોજીડાડા લાલિયે નેં મોતિયેજો ઉપયોગ કરેંજો વિચાર ક્યોં નેં હિનલા બોંય પશુકે તાલીમ ડીણોં. હી પશુ અબોલા હૂંધે છતાં પિંઢજી અકલસેં માડૂએંકે પ થાપ ખરાઇ ડિંયે ઍડ઼ો કમ કરેં વતાયોં.

લાલિયાની પીઠ પર રાખેલા છાલકામાં ઠંડા પાણીથી ભરેલાં બે માટલાં બે બાજુએ મૂકવામાં આવતાં. એ તૈયારી થઈ ગયા પછી એ બે મૂંગાં જાનવરો દાદાશ્રીની સંજ્ઞાથી રણ તરફ વિદાય થઈ જતાં. મોતિયો આગળ ને લાલિયો પાછળ. આગ વરસતા ને અંગાર ઝરતા રણ વચ્ચે ભટકી રહેલા તરસ્યા મુસાફરોને શોધતા. મોતિયો આવા કોઈ માણસને જોતો કે તરત જ લાલિયાને તે તરફ દોરી જતો અને અચાનક એ રીતે આવી મળેલું ઠંડું પાણી જોઈ મુસાફરના હર્ષનો પાર રહેતો નહીં. આમ, દાદાની પ્રેરણાથી લાલિયા અને મોતિયાએ અનેકાનેક માર્ગ ભૂલેલા અને તરસ્યા માનવીઓના અમૂલ્ય જીવો બચાવી લેવાનું પુણ્ય હાંસલ કર્યું હતું.

તેણે જીવનભર હિન્દુ-મુસ્લિમ ઐક્યના પ્રયાસો કર્યા હતા. હિન્દુ-મુસ્લિમ એકતા ભાવનાનો તે સંદેશો અંતિમ વખત ધ્રંગના તેમના સ્થાનક ખાતેથી ગુંજતો રહ્યો છે. તેનું પ્રમાણ છે ત્યાંની સમાધિઓ અને શિખરની ટોચે લહેરાતો ધ્વજ.

ધ્રંગ ખાતે જાણે સૂનકારમાં સર્જનાત્મક વાતાવરણ ઊપસી આવેલું લાગ્યું. વીરપુરની જેમ ત્યાં અન્નક્ષેત્ર ચાલે છે. પાકું મોટું મકાન અને તેના મોટા હોલમાં ભાવિકોને સપ્રેમ ભોજન પીરસાય છે. શુદ્ધ સાત્ત્વિક કચ્છી ભોજન. ભાવિકો કંઈ ભેટ આપી જાય તો ભલે, નહીંતર ભાવતાલની કોઇ રીત ત્યાં ચાલતી નથી.

મેમાનલા કિતરાક ઓરડ઼ા નેં હિકડ઼ી લાટ ગૌંશાડ઼ા આય. શિવરાત્રિજે ડીં ઉત મેરો ભરાજેતો નેં મેરેમેં ત્રી- ચારી હજાર ભાવિક ડરસન કરેલા અચીંધા વેંતાં. ઇનમેં લગ઼્ભગ઼ ત આયર વેંતા. ગુરુપૂર્ણિમા નેં ડિયારી તીં ચૈતરજી અજ઼વારી પાંચમજો પણ મેરો ભરાજેતો. ચૈતરજે મેરેમેં રબારી કોમજા માડૂ ઘણેં અચીંધા વેતા. મુંભઈ ક બીં ઠેકાણે વસંધલ કચ્છજા ડાનવીર નેં ભગત ડાન હિત હલાઇંધા વેતા.

મહાત્મા મેકરણે જનતાના ભક્તિરૂપી છોડને અહોર્નિશ સત્સંગ નામક પાણીનું સિંચન કરી તેને વધતો કર્યો. છોડવામાંથી એ રીતના દાદાના સુપ્રયાસથી ભક્તિ નામનું વૃક્ષ એટલું તો વધ્યું કે તેની ડાળીઓ ચોમેર ફેલાઈ ગઇ. દુનિયામાં પ્રવર્તી રહેલ ધર્મો સત્ય, દયા, તપ અને સૌચ પર રચાયેલા છે. મતભેદ તો અધૂરું જ્ઞાન ધરાવનાર અથવા તો અજ્ઞાનીઓમાં અધૂરી સમજના કારણે હોય છે.

જીઓ તાં ઝેર મ થિયો, સક્કર થિયો સેણ;
મરી વેંધા માડુઆ, રોંધા ભલેજા વેણ.

“હે સ્નેહીજનો! જીવતાં સુધી ઝેર ન બનજો, સાકર બનજો. હે માનવીઓ! આપણે તો મરી જવાનાં. રહેવાનાં છે ફક્ત સજ્જનોનાં વેણ.

ડાડા મેકરણને સાચા હ્રદયભાવથી ‘જીનામ.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…