ઉત્સવ

આવો, લટાર મારીએ આ એક નિરાળા વાધ- નગરમાં

મહારાષ્ટ્રનાંતડોબા અંધારી ટાઇગર રિઝર્વમાં ફરવાની તક ચૂકવા જેવી નથી…

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

કુદરતનો સાહજિક સ્પર્શ પણ નિસર્ગના દરેક જીવને નૃત્ય કરતા કરી દે એવો નશીલો છે. ભારતભરમાં માનવ વિક્ષેપ રહિત એવા કુદરતી સ્થળોને શોધીએ તો અઢળક સ્થળોનું લિસ્ટ નજર સામે હાજર થઇ જાય. દેશનાં વિવિધ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારનું વૈવિધ્ય ધરાવતા સ્થળો જંગલ રૂપે, રણ સ્વરૂપે, પહાડ સ્વરૂપે તો વળી ક્યાંક ઘાસનાં ખુલ્લા મેદાનો સ્વરૂપે વિવિધ જીવસૃષ્ટિને મહાલવા ખુલ્લું વિશ્વ પૂરું પાડે છે અને બધા આનંદથી પોતાની પેઢીને વસ્તારી શકે તેવું વાતાવરણ પણ પૂરું પાડે છે. દેશભરનાં વિવિધ જંગલોમાં ફર્યા પછી મને અમુક જંગલો ખૂબ જ આકર્ષે છે અને વાંરવાર તે જંગલોની મુલાકાત લેવાનું ચૂકતો નથી.

ચોમાસાની વિદાય સાથે શિયાળાની શરઆત થતા ભારતભરનાં દરેક રાષ્ટ્રિય ઉધાન અને અભ્યારણો મુલાકાતીઓ માટે ખુલવા લાગે છે અને જંગલ નવા જ રંગરૂપ સાથે પ્રવાસીઓને આવકારવા થનગની રહ્યું હોય છે. ગુજરાતથી સહુથી નજીકમાં આવું કોઈ સ્થળ હોય તો મહારાષ્ટ્રનાં નાગપુરથી આશરે ૧૫૦ કિમિ દૂર આવેલું અને ચંદ્રપુરથી નજીક તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ’ છે, જે ભારતનાં રાષ્ટ્રીય પ્રાણી વાઘને જંગલમાં મહાલતો જોવા માટેનું સર્વ શ્રેષ્ઠ સ્થળ છે. તાડોબા અંધારી ટાઇગર રિઝર્વની કોઈ પણ ટ્રેલ પર સવારે ધરણીને ચૂમતા સૂરજનો સ્પર્શ ધરણીને જીવંત કરતી હોય એવું ભાસે અને એમાં પણ નસીબ જોર કરતુ હોય તો એ જ સમયે વાઘ મહાલતો મળી જાય કે પછી હજારો હરણોનું ટોળું મળી જાય એટલે જંગલનો ફેરો સફળ એવું કહી શકાય.

તાડોબા એક સમયે વાઘનાં શિકાર માટેનું ખુલ્લું મેદાન મહારાષ્ટ્રના રાજવીઓ અને અંગ્રેજો માટે સ્વર્ગ સમાન હતું. ૧૯૫૫માં આ વિસ્તારમાં શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો પણ લોકોની અવરજવર એમ ને એમ જ રહી પરિણામે આ વિસ્તારમાંથી વન્યપ્રાણીઓ અને કુદરતી સંપત્તિ લાલચુ માણસોનાં સ્વાર્થ તળે અધોગતિ તરફ ધકેલાતી ગઈ. મોડે મોડે છેક ૧૯૮૬માં આ વિસ્તારને અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો અને ૧૯૯૩માં ૫૦૬ સ્કવેર કિલોમીટરના વિસ્તારને વધારીને ૬૨૨ સ્કવેર કિલોમીટરના રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કરવામાં આવ્યો ત્યારે ફરી અહીં વાઘની ત્રાડે સમગ્ર વિસ્તારને ગજવી મુક્યો. અહીંની મુલાકાત લઈએ કે માયા, શર્મીલી, બજરંગ, ભીમ, વાઘડો, સોનમ, લારા, છોટી તારા, સિતારા વગેરે વિષે જાણવાની તાલાવેલી ચોક્કસ જાગે. આ બધા એ વાઘ છે જેમણે અહીં વાઘની વસ્તિને વધારીને જંગલને ફરી ખૂંખાર અને જીવંત બનાવ્યું- અદ્દલ એવું જ જેવું જંગલ ખરેખર કુદરતી રીતે હોવું જોઈએ. અહીં ઈરાઈ અને અંધારી નામની બે નદીઓ વહે છે અને સમગ્ર જંગલની જીવસૃષ્ટિ આ બંને નદીઓ પર નભે છે પંઢરપોની-૧ અને પંઢરપોની-૨ નામનાં તળાવ હાલમાં દરેક પ્રવાસી અને પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે કેમ કે આખાયે જંગલની સહુથી જાણીતી અને ખૂબસૂરત વાઘણ માયા અહીં બચ્ચાઓ સાથે રાજ કરતી હતી અને આ વિસ્તારને વર્ષોથી તેણે પોતાનો વિસ્તાર બનાવીને સુરક્ષિત રીતે જાળવી રાખ્યો છે. ૨૦૨૨માં કુદરતી કારણો મૃત્યુ પામી ત્યાં સુધી તેણે આ રાષ્ટ્રિય ઉદ્યાનને ૧૩ કરતાં વધારે વાઘનો સફળ ઉછેર કર્યો છે. અહીં વાઘના અવનવા કરતબો જોવા મળે છે. વાઘ ઉપરાંત અહીં ૧૦૦ જેટલી વિવિધ પ્રજાતિઓ વસે છે. અહીંનું મુખ્ય આકર્ષણ અહીંના જંગલી કુતરા છે જે હંમેશા સમૂહમાં શિકાર કરતા જોવા મળે છે આ સિવાય રીંછ, વરુ, શિયાળ, દીપડાઓ, જંગલી સૂવર, સાંભર, ચિતલ, ઇન્ડિયન ગૌર જેવી વિવિધ પ્રજાતિઓ અહીં વિહરતી જોવા મળે છે. તાડોબા અલગ અલગ ત્રણ રેન્જમાં વહેચાયેલું જંગલ છે ,જેનાં છ અલગ અલગ ગેટ છે. દરેક રેન્જ એકબીજાથી આશરે ૧૦૦ કિમિ કરતા પણ વધારે અંતર ધરાવે છે એટલે ઝોન અને ગેટને ધ્યાનમાં લઈને જ રહેવા માટે રિસોર્ટ્સનું બુકિંગ કરાવી શકાય. તાડોબામાં છ કોર ઝોનનાં ગેટ અને બાર બફર ઝોનનાં ગેટ છે.

મોહારલી , ખૂંટવાડા, કોલારા, નવેગાંઓ, પગડી અને ઝરી એમ છ અલગ અલગ કોર ઝોનના ગેટ છે, જ્યાથી બુકીંગ પ્રમાણે પ્રવેશ લઇ શકાય છે. જંગલનાં અલગ અલગ વિસ્તારો પર અલગ અલગ વાઘ અને વાઘણનું વર્ચસ્વ છે એટલે જે તે વાઘણનાં વિસ્તારને ધ્યાનમાં લઈને જે તે ઝોનનું બુકીંગ કરી શકાય જેથી સરળતાથી વાઘ જોવા મળે. અહીં આશરે ૧૧૪ જેટલા વાઘ વિહરી રહ્યા છે આ સિવાય હાલમાં અહીં કાળો દીપડો જોવા મળે છે, જેને બ્લેકી’ તરીકે ઓળખવામાં આવે છે. તાડોબા લેક અને પંઢરપોનીની આસપાસનો વિસ્તાર માયા નામની વાઘણના વર્ચસ્વ તળે હતો એટલે આ વિસ્તારમાં તેના ઉછેરેલા વાઘ સરળતાથી મળી રહે છે. અહીં સફારીનાં સમય દરમ્યાન સરળતાથી પહોચવા માટે મોહારલી ઝોનનાં ખૂંટવાડા ગેટથી પહોંચી શકાય છે. આ જ વિસ્તારમાં બ્લેકી પણ વિહરતો જોવા મળે છે. જામની લેક વિસ્તારમાં છોટી તારા અને તેના બચ્ચાંઓ જોવા મળે છે. રેડિયો કોલર વાળી છોટી તારાને આ વિસ્તારમાં તેના ત્રણ નાનકડાં બચ્ચાઓ સાથે ગેલ કરતી હંમેશા જોઈ શકાય. જામની લેક પર પહોચવા માટે મોહારલી ઝોનનાં ખૂંટવાડા અને કોલારા ગેટથી સરળતાથી પહોંચી શકાય છે. તેલિયા લેક વિસ્તાર પર સોનમ અને તેના બચ્ચાઓનું પ્રભત્વ છે. તેલિયા લેક એક સમયે ચાર બહેનો માટે જાણીતો વિસ્તાર હતો જેઓએ સાથે રહીને આખાયે જંગલને હંફાવ્યું હતું અને પ્રાણીઓમાં એકતાનું અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સોનમ, લારા, ગીતા અને મોના નામની ચાર બહેનો પર ટાઇગર સિસ્ટર્સ ઓફ તેલિયા’ નામની દસ્તાવેજી ફિલ્મ પણ બની ચુકી છે. તેલિયા લેક પહોંચવા માટે મોહરલી ગેટથી જુના મેટલ રોડ પરથી જઈ શકાય છે.

દિવસ દરમ્યાન જંગલ મહાલવું એ એક આનંદમય પ્રવૃત્તિ તો છે જ પણ રાત્રિના સમયે જંગલમાં એક અલગ જ માહોલ સર્જાય છે. આખું જંગલ રાત્રે જાણે જીવંત થતું હોય એમ એક અલગ જ સંગીત ધારણ કરે છે અને નિશાચર જીવો એક્ટિવ-સચેત થઇ જાય છે. અહીં કોલારા અને મોહરલી ઝોનનાં બે ગેટમાંથી રાત્રી સફારી પણ થઇ શકે છે જેનો અનુભવ કરવાની તક જતી ન કરવી જોઈએ.

તાડોબા પહોંચવા માટે નજીકનું એરપોર્ટ નાગપુર છે, જ્યાં પહોંચવા ગુજરાતનાં મુખ્ય એરપોર્ટ્સથી ડાયેરક્ટ ફલાઇટ છે અને નજીકનુ રેલવે સ્ટેશન ચંદ્રપૂર છે. રહેવા માટે પરમીટ મુજબ જે તે ગેટની નજીકનાં ગામડાઓમાં વિવિધ બજેટનાં રિસોર્ટ્સ ઉપલબ્ધ છે.હારાષ્ટ્ર વનવિભાગની વેબસાઈટ વિિંાં://ૂૂૂ.ળફવફયભજ્ઞજ્ઞિીંશિતળ.લજ્ઞદ.શક્ષ/ પર ઓનલાઇન સફારી બુકીંગ કર્યા પછી જ તાડોબાની મુલાકાત લઇ શકાશે. ઓનલાઇન બુકીંગ સિવાય કોઈ વિકલ્પ નથી. અહીં સાદું મહારાષ્ટ્રીયન અને પંજાબી લિજ્જતની ખાણીપીણીઓ સરળતાથી મળી રહે છે.

શિયાળામાં અહીંનું વાતાવરણ આહલાદક હોય છે પણ વાઘને ચોક્કસપણે જોવો જ હોય તો માર્ચ-એપ્રિલ દરમ્યાન પાર્કની મુલાકાત લઇ શકાય. વર્ષ દરમ્યાન જૂન ૧૫થી ઓક્ટોબર ૧૫ સુધી પાર્ક બંધ રહે છે. ૧૫ ઓક્ટોબરથી પાર્ક ફરી પ્રવાસીઓને આવકારવા લીલોતરીથી સજીધજીને તૈયાર થઇ જાય છે.

-તોચાલો, આ નિસર્ગને જીવીએ અને માણીએ અને વાઘનાં નગરને દસ્તક દઈએ….

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી