ઉત્સવ

ચલો, સૂર્યનગરી જોધપુર… રાજસ્થાન રજવાડાંઓનાં ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતું એક જોશીલું નગર…!

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

રાજસ્થાનના થારના રણનાં એ દઝાડતા વહેતાં વાયરા વચ્ચે જાણે દુધિયા દાંત બતાવી મરક મરક હસતું હોઈ એવો આભાસ આપતું આ નગર છે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ ટકી રહી આજે અડીખમ ઊભું રહીને એના જોશીલા ભૂતકાળની સાક્ષી પૂરે છે. રજવાડાઓની શૌર્યભૂમિમાં અનેક ગાથા સંભળાય છે. વીરતાનો અને સંસ્કૃતિનો વારસો આજે પણ અહીં નદીના નીરની જેમ સતત વહી રહ્યો છે.

રાજસ્થાનના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ધરોહર સંગોપીને બેઠેલું એવું જ એક નગર એટલે જોધપુર. ‘બ્લુ સિટી’ તરીકે ઓળખાતા જોધપુરના મહેલો, દુર્ગો અને મંદિરોમાં રાજસ્થાનના રંગો ઝળકે છે. અહીંના મહેરાનગઢ કિલ્લાની આસપાસ વીંટળાઈને આવેલ વાદળી – આસમાની રંગોનાં મકાનોના કારણે આ શહેરને ‘બ્લુ સિટી’ તરીકે જાણીતું છે.

વર્ષો પહેલા જોધપુરના બ્રાહ્મણોએ એમની વસતિની ઓળખ અલગ તરી આવે એ માટે એમનાં મકાનો વાદળી રંગથી રંગ્યા પછી તો ધીમે ધીમે એ શહેરની પરંપરા થઈ ગઈ હોય એમ દેખાદેખીમાં બધા જ ઘર વાદળી રંગનાં થઈ ગયાં. આ ઉપરાંત અહીં તાપમાન ખૂબ જ વધુ હોવાથી લોકો પોતાના ઘરને ઠંડું રાખવા વાદળી રંગથી ઘર રંગવા લાગ્યા. આજે આ ‘બ્લુ સિટી’ એક ફોટોજેનિક શહેર તરીકે વિશ્ર્વભરનાં પ્રવાસીઓને આકર્ષે છે.

આમ તો જોધપુરનું મુખ્ય આકર્ષણ છે ત્યાંના મહેલ અને કિલ્લાઓ . તેમાં મહેરાનગઢ ફોર્ટ સૌથી શ્રેષ્ઠ છે. મહેરાનગઢનો અર્થ ‘સૂર્ય’ એવો થાય છે. પંદરમી સદીમાં રાવ જોધા દ્વારા આ કિલ્લાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને એ પછીના ઉત્તરાધિકારીઓ એમની જરૂરિયાત અનુસાર બાંધકામ કરાવતા ગયા.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ફોર્ટ ચીડિયાટુક નામની પહાડી પર બનાવવામાં આવ્યો, જેમાં સાત પોલ (પોળ -દરવાજા) છે અને એક આઠમું રહસ્યમય પોલ પણ છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ કિલ્લાની રચના કરવામાં આવી હતી. આ કિલ્લાની અંદર ખૂબ જ સુંદર મહેલ-ઝરોખા અને મંદિર છે. હાલ મ્યુઝિયમમાં એ સમયનાં હથિયારો, પુરાણું ફર્નિચર , રાણીઓની પાલખીઓ વગેરે સાચવીને રાખવામાં આવ્યાં છે. સૂર્યાસ્ત સમયના મહેરાનગઢ ફોર્ટ આસપાસ વીંટળાયેલાં નીલાં મકાનો અને કિલ્લાના સુંદર દ્રશ્ય માટે જાણીતો છે.

જોધપુરમાં ઘણી રૂફટોપ કેફે અને રેસ્ટોરાં છે , જેની મુલાકાત લઈ સૂર્યાસ્તના રંગોને અચૂકથી માણવા જોઈએ. સૂર્યનગરી જોધપુરનો સૂર્યાસ્ત જોવો એ એક લહાવો છે અને દરેકના વિશ લિસ્ટમાં એ જરૂરથી હોય જ છે. ઢળતી સાંજનું આકાશ ધીરે ધીરે વાદળી રંગોનાં મકાનોને છેલ્લો સોનેરી ઓપ આપીને ગ્રે શેડની-રાખોડી રંગની ચાદર ઓઢાડી રહ્યું હોય એવાં દ્રશ્યો મહેરાનગઢની ઊંચાઈએથી કોઈને પણ નજરબંધ કરી મૂકે.

અહીં મેહરાનગઢના કિલ્લાની સામે જ એક ટેકરી પર નાનકડું મંદિર છે ,જેનાં પરથી મહેરાનગઢ સોનેરી ઓપ આપતો સૂર્ય ક્ષિતિજ પર સરકતો જોઈ શકાય અને આખું જોધપુર જાણે સોનેરી રંગે રંગાયું હોય એવું અદ્ભુત દ્રશ્ય સર્જાય છે.

આ શહેરનું બીજું મુખ્ય આકર્ષણ ઉમેદભવન પેલેસ છે. મહારાજા ઉમેદસિંહ દ્વારા નિર્મિત આ ભવન સંગેમરમર અને બાલુક પથ્થરમાંથી દુષ્કાળ દરમિયાન લોકોને રોજગારી મળી રહે એ હેતુથી આ ભવ્ય મહેલ બનાવવાની શરૂઆત કરી હતી. હાલમાં આ મહેલના એક ભાગમાં હોટેલ, બીજામાં સંગ્રહાલય અને ત્રીજા ભાગમાં રાજ પરિવારના સભ્યોનાં રહેણાંક તરીકે ઉપયોગ થાય છે.
મારવાડના ‘તાજમહેલ’ તરીકે જાણીતું જસવંત થડા તો મહારાજા સરદારસિંહ દ્વારા પિતા જસવંતસિંહ દ્વિતીય અને એમના સૈનિકોની સ્મૃતિમાં બનાવ્યું હતું. સંગેમરમરના પથ્થરોથી સર્જાયેલું આ બેનમૂન સ્થાપત્ય કલારસિકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. જસવંત થડા નજીકમાં જ તળાવ પાસે રાવ જોધાનું સ્ટેચ્યૂ છે. આ ઉપરાંત આસપાસ મંડોર ગાર્ડન, ચામુંડા માતાનું મંદિર, બાલસમંદ ઝીલ, કાયલાના લેક, રાવ જોધા ડેઝર્ટ રોક પાર્ક, મસૂરિયા હિલ ગાર્ડન વગેરે સ્થળોની મુલાકાત લઈ શકાય.

કોઈ પણ સ્થળની મુલાકાત લઈએ ત્યાં આપણે શોપિંગ તો અચૂક કરીએ… જોધપુર શહેરની વચ્ચે એક ઘંટાઘર છે, જેની આસપાસ સરદાર માર્કેટ ભરાય છે.અહીં અંદાજે ૭૦૦થી વધુ દુકાનો છે. અહીં હેંડીક્રાફ્ટની આઇટમ્સ ઉપરાંત રાજસ્થાનની સાડી, કુર્તા, લાખની બેંગલ્સ , લોકલ ક્રાફટ અને બીજું ઘણું બધું, શોપિંગ રસિયા માટે આનાથી વિશેષ કોઈ સ્થળ ન હોઈ શકે. આ ઉપરાંત મોચી બજાર , ત્રિપોલિયા બજાર, ઘંટાઘર, કપારા બજાર, નઈ સડક માર્કેટ, ઉમેદભવન પેલેસ માર્કેટ વગેરેમાં હંમેશાં ગ્રાહકોની ભીડ જોવા મળે છે. મોચી બજારમાં રાજસ્થાનની નમૂનેદાર કસીદાકારીવાળી, ભરત ભરેલી મોજડીઓ પ્રવાસીઓને મોહી લે એવી હોય છે. અમુક એન્ટિક -પ્રાચીન કાળની વસ્તુઓની દુકાનોમાં સાવ જ યુનિક કહી શકાય એવો સંગ્રણ પણ જેવાં-ખરીદવા મળે છે.
શહેરની વચ્ચે “તુરજી કા ઝાલરા વાવ છે. ૧૭૪૦માં મહારાજા અભયસિંહના રાણી તુરજી દ્વારા જળપ્રબંધ માટે આ વાવ બનાવવામાં આવી હતી. પ્રવાસીઓ માટે ફોટોગ્રાફીનું એક સરસ સ્થળ છે. આસપાસના વિસ્તારોમાં લોકલ ફૂડ અને મ્યુઝિકને એક્સપ્લોર કરી શકો.

જોધપુર આવતા લોકો બિશનોઇ ગામની અચૂકથી મુલાકાત લે છે. અહીંના મૂળ નિવાસીઓનું પ્રકૃતિ સાથેનું નિરાળું સહજીવન, એમની ગ્રામીણ પરંપરા અને જીવનશૈલી એમને ખરેખર પર્યાવરણના રક્ષક અને પર્યાવરણપ્રેમી બનાવે છે. બ્લેકબક પ્રજાતિનાં હરણ અને ચીકારા જેવાં પ્રાણીઓ કોઈ પણ ડર વગર આ લોકો સાથે રહે છે. અહીં લોકો ખેજડીનાં વૃક્ષોની પૂજા કરે છે. ખેજડલી ગામમાં એમનું એક સ્મારક પણ છે. એક સમયે અમૃતદેવી બિશનોઇ અને એમના સાથીઓ દ્વારા ખેજડીનાં વૃક્ષો બચાવવા સૈનિક સામે બળવો કર્યો, જેમાં ૩૬૩ લોકોએ ખેજડીનાં વૃક્ષોની રક્ષા કરવા જીવ ગુમાવ્યો હતો. વિશ્ર્વમાં વૃક્ષો બચાવવા માટેનું આ સર્વોચ્ચ અને અદ્વિતીય બલિદાન છે.

જોધપુરની ગલીઓમાં તમે રાજસ્થાનની મહેકને માણી શકો, નટબજાણિયા અને કલબેલિયાનાં નૃત્યોનો આનંદ લઈ શકો. વિસરાઈ જતા કઠપૂતળીઓના ખેલ જોઈ શકો. કેમલ સફારી પણ લઈ શકો.
જોધપુરના સ્ટ્રીટ ફૂડની વાત જ અલગ છે. ખાતા ખાતા માણસનું પેટ ભરાય પણ મન નહીં. જોધપુર જઈને ત્યાંના મિર્ચી વડાંનો સ્વાદ ન માણીએ તો જોધપુરની મુલાકાત અધૂરી રહી કહેવાય. અહીંના મિર્ચી વડા દેશ વિદેશમાં ફેમસ છે. મરચાંમાં બટેટાના માવા સાથેનો થોડો સ્વીટ , સ્પાઇસી અને ટેંગી ટેસ્ટ વિસરાઈ નહિ. આ ઉપરાંત પ્યાઝ કી કચોરી, કલાકંદ, ચાસણી નાખેલી માવા કચોરી, ઘેવર, બદામનો હલવો, કોફતા , શાહી સમોસા, રાજસ્થાનની સ્પેશિયલ દાલબાટી ચૂરમાં અને ગુલામ જાંબુ સાથે મખનિયા લસ્સી , મિશરીલાલજીની લસ્સી અને તેમની પેંડા રબડી અચૂકથી માણવી. આ સિવાય પાવતા વિસ્તાર આસપાસમાં સ્ટ્રીટ ફૂડનો લ્હાવો અચૂક માણવો.

જોધપુરવાસીઓ માટે બ્લુ માત્ર રંગ નથી એ હવે એમની ઓળખ પણ છે. ત્યાંની વાદળી સાંકડી શેરીઓમાંથી પસાર થવું એ એક તહેવાર જેવું છે. દૂર દૂરથી આવેલ લોકો અહીંની બ્લુ દીવાલોની બેકગ્રાઉન્ડવાળી ફોટોગ્રાફી અચૂક કરે. અહીં બહુ બધી હોસ્ટેલ છે. આપણા ગુજરાતમાં હોટેલ કલચર છે પણ હજુ હોસ્ટેલ કલચર વિકસ્યું નથી. સામાન્ય રીતે હોસ્ટેલમાં આપણે જાતે પોતાનાં ઘરે રહેતા હોય એમ જ રસોડાનો ઉપયોગ કરી શકીએ છીએ. કપડાં ધોવાની વ્યવસ્થા હોય છે અને સાવ જ નજીવા દરે બેડ એન્ડ બ્રેકફાસ્ટ મળી રહે છે.

જો તમે સોલો-એકલા ટ્રાવેલિંગ કરતા હો અથવા તો કરવાની ઈચ્છા હોય, એકલા લાગશે કે ગમશે કે નહીં ગમે એવો ભય હોય તો આવી હોસ્ટેલમાં તમને બહુ બધા અલગ અલગ લોકોનો પરિચય થશે. તમારે કઈ જ ન કરવું હોય તો પણ તમે અહીંની આવી હોસ્ટેલના કેફેમાં જઈને આરામથી આખો દિવસ પસાર કરી શકો અને મજાની વાત એ કે માત્ર નાઈટમાં જો તમારે સ્ટે કરવું હોય તો અહીં સાવ નજીવો ચાર્જ લે છે અને એમાં પણ જોધપુરની આવી બધી જ હોસ્ટેલમાં રૂફટોપ કેફે હોય છે .ત્યાં રાત્રે પણ સરસ મજાની રંગબેરંગી લાઈટો સાથે સ્કાયલાઈનને મળતા મેજિકલ મહેરાનગઢના ફોર્ટની બોલતી દીવાલો કે જે વર્ષોથી જાણે પેઢીઓનો ઈતિહાસ કહી રહી છે તેને જોઈ શકો – સાંભળી શકો અને ત્યાંના વાદળી આસમાની કલર જાણે એમનાં ઘર પર ઊતરી આવ્યો હોય એવો સુંદર નજારો માણી શકો.

સૂર્યનગરી જોધપુરની મુલાકાત લઈને કોઈ પણ વ્યક્તિ સોલો ટ્રાવેલિંગ શરૂ કરી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?