ઉત્સવ

આવો, જીવી લઈએ આપણી રીતે આપણી જિંદગી !

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેં’ ફિલ્મમાં પિતાનું પાત્ર અમરિશ પુરી દીકરીનું પાત્ર ભજવતી કાજોલના શાહરુખ સાથેના પ્રેમસંબંધનો વિરોધ કરતા રહે છે, પણ છેવટે રેલવે સ્ટેશન પર એ કાજોલનો હાથ પોતાના હાથમાંથી છોડીને કહે છે: ‘જા સિમરન, જી લે અપની જિંદગી.’

એ વાત તો પ્રેમમાં પડેલી દીકરીને પિતા કહે છે, પણ આપણે આપણી જાતને જ આ વાત કહેવા જેવી છે: ‘જા, જી લે અપની જિંદગી.’ મોટાભાગના માણસો પોતાને પસંદ હોય એ રીતે જિંદગી નથી જીવતા હોતા, પરંતુ બીજાને ગમે એ રીતે જિંદગી જીવે છે. ’લોકો શું કહેશે?’ એ વિચાર એમના પર એટલો હાવી થઈ જતો હોય છે કે સમજણા થાય ત્યારથી મૃત્યુ સુધી પોતાની જાતને સમાજના અને પોતાના વિચારોના બંધનમાં જકડી રાખે છે.

ચાલો, સમાજને તો બાજુ પર મૂકી દઈએ તો પણ સગાંવહાલાં શું કહેશે- પાડોશીઓ શું કહેશે- ઓફિસમાં સહયોગી શું કહેશે એવા વિચારો તો મોટાભાગના માણસોને સતાવતા જ રહે છે, પણ ઘણા પોતાના વિચારોના ગુલામ બનીને પોતાના જ દુશ્મન સાબિત થતા હોય છે. મોટાભાગના મધ્યમવર્ગી અને ઉચ્ચ મધ્યમવર્ગી ઘરોમાં ક્રોકરીના સેટ હશે અને એક સેટ તો અચૂક હશે (ઘણાં ઘરોમાં તો ક્રોકરીના અનેક સેટ્સ હોય છે), પરંતુ એ ક્રોકરી મહેમાનો આવે ત્યારે જ બહાર કાઢવી એવા વિચારો સાથે મોટાભાગના મધ્યમવર્ગી પરિવારોની ગૃહિણીઓ જીવતી હોય છે. ઘરના સભ્યોએ સ્ટિલના જ વાસણોમાં જ ખાવું જોઈએ એવી માનસિકતા ઘણાં બધાં કુટુંબોમાં જોવા મળે છે.

ઘણી વાર કોઈની એક – બે વર્ષ જૂની કારમાં બેસીએ ત્યારે આપણને જોવા મળે કે સીટનાં કવર પર કંપનીએ ચડાવેલાં પ્લાસ્ટિકનાં આવરણો (અમુક જગ્યાએથી ફાટી ગયાં હોવા છતાં) સીટ પર જોવાં મળતાં હોય છે. ઘણા લોકો નવું ટીવી લાવે ત્યારે સ્ક્રીન પર પ્લાસ્ટિકનું આવરણ હોય એ ઘણા મહિનાઓ સુધી રાખતા હોય છે.

મોટાભાગના માણસોને આર્થિક રીતે પરવડે એમ હોય છતાં એ ઘરમાં જૂના (અને કેટલાક તો વળી કધોણા થઈ ગયેલાં) કપડાં જ પહેરશે!

ઘણાં એવા ઘર હોય છે કે જેમાં પગલુછણિયાં ઘસાઈ ગયાં હોય એમ છતાં નવાં પગલુછણિયાં ખરીદવાની તકલીફ લેવાતી નથી હોતી. નેપકીન કે ટોવેલ્સ પણ એકદમ જૂનાં ન થઈ જાય ત્યાં સુધી ઘણાં લોકો એનો ઉપયોગ કરતા હોય છે. જેમની આર્થિક સ્થિતિ ખરાબ હોય એમના માટે શક્ય ન બનતું હોય સમજી શકાય, પરંતુ મોંઘી કારમાં ફરતા હોવા છતાં ઘરમાં નેપક્ધિસ કે ટોવેલ્સ અલમોસ્ટ ઘસાઈ ગયેલાં જોવા મળે ેતો વળી ક્યારેક કોઈ પૈસાપાત્ર કુટુંબમાં કોઈ એરલાઈનના નામ સાથેના કાંટા-ચમચીઓ પણ જોવાં મળી જાય!

મોટાભાગના માણસો પોતાના જ વિચારોના ગુલામ બની જતા હોય છે. એમાંના ઘણા માણસો પાછા સંતાનનાં લગ્ન વખતે પોતાના ગજા બહાર ખર્ચ કરી નાખે છે ( લોકોને એ બતાવી દેવા ઈચ્છતા હોય છે, પણ ગુજરાતના ઘણા ગામડાઓમાં કે નાના ટાઉનમાં લગ્નમાં જાઓ ત્યારે જોજો, જ્યાં લગ્ન હોય એ સમાજમાં કે વાડીમાં જમણવારમાં મોંઘી ડીશ જોવો મળશે, પણ હાથ ધોવાની જગ્યા હશે ત્યાં સાબુ જોવા નહીં મળે)!

સવાલ એ છે કે આપણે કોના માટે જીવીએ છીએ? લોકો માટે કે પોતાના માટે? આનો જવાબ પણ મોટાભાગના લોકો એ જ આપશે કે આપણી રીતે તો ન જીવી શકાય ને! આવી માનસિકતા મોટા ભાગના લોકોમાં જોવા મળે છે.

નર્સમાંથી પ્રખ્યાત લેખિકા અને મોટીવેશનલ સ્પિકર બનેલાં ઓસ્ટ્રેલિયન લેખિકા બ્રોની વૅરે ‘ધ ટોપ ફાઈવ રિગ્રેટ્સ ઓફ ડાઈંગ’ (મરતી વખતે થતા મુખ્ય પાંચ અફસોસ) નામનું પુસ્તક લખ્યું છે. બ્રોની વૅરે એ પુસ્તકમાં લખ્યું છે કે મરતી વખતે મોટાભાગના માણસોનાં મનમાં કયા-કયા અફ્સોસ હોય છે (એ પુસ્તક બેસ્ટસેલર બન્યું હતું અને દુનિયાની ૨૭ ભાષાઓમાં એ પુસ્તકનો અનુવાદ પણ થયો).

બ્રોનીએ નર્સ તરીકે થયેલા અનુભવોના આધારે લખ્યું છે કે ‘દરેક મરતા માણસના મનમાં એ અફસોસ હતો કે ’અમે આખી જિંદગી લોકોની અપેક્ષા પ્રમાણે જ જીવ્યા. અમે એ વિચારતા રહી ગયા કે લોકો શું વિચારશે. એ ડરને કારણે અમે ક્યારેય પોતાની મરજી પ્રમાણે ન જીવ્યા. એવો ડર રાખ્યો કે આવા કપડાં પહેરીશું તો લોકો શું વિચારશે! અહીં ન જાઓ કે ત્યાં ન જાઓ, લોકો શું વિચારશે! આવું ન કરો કે તેવું ન કરો, લોકો શું વિચારશે! કેટલાક લોકોએ પોતાની મનપસંદ વ્યક્તિ સાથે એવા ડરથી લગ્ન ના કર્યાં કે લોકો શું વિચારશે. કેટલાક લોકોએ પોતાના શોખ એ વિચારીને પૂરા ન કર્યા કે લોકો શું વિચારશે. કેટલાક લોકોએ પોતાની મનપસંદ નોકરી ન કરી કે લોકો શું વિચારશે!’

બ્રોનીએ આ પુસ્તકમાં સલાહ આપી છે: ‘તમે જેમાં વિશ્ર્વાસ કરો છો એ કરો. અને આખી જિંદગી તમે એ ન વિચારતા કે લોકો શું વિચારશે, લોકો શું કહેશે? નહીં તો એક દિવસ આવો અફસોસ તમને પણ થશે કે સાલું લોકોના ડરથી આપણી ઈચ્છા હતી એ રીતે ન જીવ્યા, આપણી ઇચ્છાઓ મારીને જીવ્યા!’
આવા અફસોસ સાથે ન મરવું હોય તો પોતાની જાતને કહો: ‘જા જી લે અપની જિંદગી!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button