ઉત્સવ

મિજાજ મસ્તી : બધાં લઈ ગ્યા, અમે રહી ગ્યા: ‘કોલ્ડ-કોફી’ હોય કે ‘કોલ્ડ-પ્લે’…

-સંજય છેલ

ટાઇટલ્સ: ઝાંઝવાની પ્યાસ બૂઝે જ નહીં. (છેલવાણી)
ફૂટબોલ મેદાનમાં અમુક બાળકો, વર્તુળમાં વિચિત્ર રમત રમતાં હતાં. જેમાં કોઇ બોલ ઉછાળે તો બીજાએ બોલને જમીન પર પડે એ પહેલાં જ કિકથી ઉછળવાનો અને એમાં જો બોલ, વર્તુળની બહાર જાય તો બધાં મળીને પેલાને જરાં ઢીબી નાખે!

એક સીનિયર છોકરો રોજ દૂરથી આ ગેમ જોતો અને ના રહેવાતા એ પણ રમતમાં જોડાયો. એક્ચ્યુઅલી, એ સારો ફૂટબોલ ખેલાડી હતો એટલે બોલને આરામથી કિક મારી શકે પણ એણે જાણી જોઇને કીક ના મારી અને બોલને પડી જવા દીધો, પછી બધાંએ એને ટીપી નાખ્યો.

બાળકોએ પૂછ્યું, ‘ચેંપિયન થઇને તમે કેમ બરાબર કિક ના મારી?’ ત્યારે ચેંપિયને કહ્યું, ‘સાચું કહું? હું રોજ તમને બધાંને ધીંગામસ્તી કરતાં જોતો ત્યારે મને થતું: આવી માર ખાવાની મજામસ્તીમાંથી હું કેમ રહી જાઉં?’ બોલો?એક ચેંપિયન સામેથી હારીને માર ખાવા ગયો, કારણ એને બધાંમાં, એ ભીડમાં સામેલ થવું હતું!

આ અવસ્થાનું નામ છે: ‘ફો.મો.(F.O.M.O)’ એટલે કે ‘ફીઅર ઓફ મિસિંગ આઉટ’નું શોર્ટ-ફોર્મ. ગુજરાતીમાં- ‘બધાં લઇ ગ્યા ને અમે રહી ગ્યાં’વાળો ડર, અજંપો કે અફસોસ. આજની જનરેશનનો ‘ફો.મો.’ શબ્દ એટલે- જ્યારે કોઈ વ્યક્તિ પોપ્યુલર ઘટનાઓ, ફેસબૂક પોસ્ટ, ઇન્સ્ટાગ્રામની રીલ્સ, સેલ્ફી, તહેવારોનો તરખાટ, ફેશનનો નવો ટ્રેંડ વગેરેમાં ભાગ ના લઇ શકવાથી ‘પોતે કશુંક મહાન ચૂકી જાય છે’- તેવી અધૂરપની ઈર્ષ્યા, ચિંતા કે બેકરારીની પીડા..અર્થાત્ ‘હાય હાય હું રહી ગયો કે રહી ગઇ?’

કૈકૈયી, આ ‘ફો.મો.’થી પીડાતું પૌરાણીક પાત્ર હતું કે-‘મારો ભરત કેમ ગાદી ના પામે?’
૨૦૨૫ જાન્યુ.માં રોક-બેંડ ‘કોલ્ડપ્લે’નો ભવ્ય શો ભારતમાં યોજાવાનો છે તો એક બૂકિંગ-એપ પર જેવી ટીકિટો વેંચાવાની શરૂ થઈ કે લાખો લોકો ખરીદવા તૂટી પડ્યા. પછી તો ટિકિટો આડેધડ બ્લેકમાં ધડાધડ વેંચાવા માંડી. ૩-૪ હજારની ટિકિટ ૩૦-૪૦ હજારમાં કે ૧થી-૧.૫લાખ સુધી વેંચાઇ.

આટલી મોંઘી ટિકિટ લેનારાઓમાંનાં ઘણાંને ‘કોલ્ડપ્લે’ શું છે એની પણ ખબર નહીં હોય. પણ બધાં લે છે ને ‘હું કેમ રહી જાઉં?’ આવો ‘ફો.મો.’ તો સાક્ષાત માઇકલ જેકસનનાં શો માટે ય નહોતો કારણ કે ત્યારે ઇંટરનેંટની આંધી નહોતી આવી.
આ ‘ફો.મો.’ના ચક્કરમાં, અમેરિકામાં એક પુરૂષે સેક્સી સ્ત્રીઓના ફોટાં/રીલ્સની લોકપ્રિયતાની ઇર્ષ્યાથી જલીને છેવટે નરમાંથી નારી બનવાનું અઘરું ઓપરેશન કરાવ્યું.

આખરે એ પોતાના સ્ત્રીરૂપે સેક્સી ફોટાં મૂકીને જ જંપ્યો ને છેવટે ઓપરેશનની આડઅસરમાં જાન ગુમાવ્યો! અરે, કોરોનાનાં કારમા કાળમાં ‘દાલાગોના કોફી’ બનાવવાની એવી ઘેલછા સોશિયલ મીડિયામાં ફેલાયેલી કે એકસાથે અનેકોએ કોફીને ગ્લાસ કે મિકસરમાં સતત હલાવીને આખે આખા મકાનો ધૃજાવી નાખેલા. અરે, આપણે પણ ‘ફો.મો.’થી પીડાઇ ને જ સતત મોબાઇલ ચેક કરીએ છીએ કે રખેને કોઇ ન્યૂઝ, ઇવેન્ટ કે સનસનાટીને ચૂકી જઈશું તો?

ઇંટરવલ:
હઝારો ખ્વાહિશેં ઇતની
કિ હર ખ્વાહિશ પે દમ નિકલે! (ગાલિબ)

ઓફિસમાં રમેશ, જેવી ચા-કોફી મંગાવે કે મહેશ, હંમેશા તરત જ કહે: ‘મારી પણ એક!’ આખરે રમેશ બાપના કેંસર-ટેસ્ટ માટે મુંબઇ જવા નીકળ્યો ત્યારે મહેશથી બોલી જવાયું: ‘મારા પપ્પાની પણ….’ જોક ક્રૂર છે પણ ‘ફો.મો.’નો રોગ રહેવાનો જ. રાસ-ગરબામાં ઉછળીને નાચતા ભદ્દા શરીરોનાં ફોટા-રીલ્સથી માંડીને ‘હું જ મહાન લેખક-વિચારક’ જેવી આલુલુલુ-અવસ્થાનાં ‘ફો.મો.’માં અનેક પીડાય છે. ગર્લફ્રેંડ/બોયફ્રેંડ-વિહીન લોકો, શૃંગારિક ફોટાં મૂકીને ‘અમે પણ રોમાંસ માણીએ છીએં!’-એવું સતત સાબિત કરે રાખે છે. લાખો રૂ. ઓફર કરીને અવૉર્ડઝ જીતવામાં ભલભલા સુપરસ્ટારો કે મહાનાયકો ય બાકાત નથી.

આજકાલ ‘મોટિવેશન’-’વાસ્તુ’-‘નુસ્ખા’ની ટિપ્સવાળી રીલ્સે, માઝા મૂકી છે. હદ તો એ છે કે લાખો લાઇક્સ મેળવવા કોઇએ દાવો કર્યો: ‘પત્ની, જો પતિના જાંગિયામાં ગાંઠ બાંધીને સૂકવી દે તો પતિ બહાર લફરું નહીં કરે!’ (ત્યારથી ઘણાં પતિઓ ખોવાયેલ જાંઘિયાઓ શોધે છે.) રીલ્સ માટે પહાડ કે ધોધની ધાર પાસે વીડીયોે ઉતારવામાં ‘ફો.મો.’-ફિતૂરીઓનાં જાન ગયા સુદ્ધાં છે પણ મર્યા પછી એમની રીલ્સ વાઇરલ થાય ખરી! આ ‘ફો.મો.’ની પ્રાણઘાતક પરાકાષ્ઠા.

દેખાદેખીનાં દંશ આજના નથી, અગાઉ બહેનપણીઓ પરણવા માંડતી તો ‘હાય રે હું રહી જઇશ?’-એવા વલવલાટથી સારીસારી કન્યાઓ, ‘વહેલો તે પહેલો’નાં ધોરણે કાગડાને દિલનું દહીંથરું આપી દેતી. ’બધાંનાં બાળકો મેડિકલ-એંજિન્યરિંગમાં ભણે તો મારૂં સંતાન કેમ નહીં?’ એવા મા-બાપોના ‘ફો.મો.’માં લાખો બાળકોનાં જીવન નર્ક બન્યા કે પ્રેશરમાં બાળકો સ્વર્ગે પામ્યા.

શોષણ-અસામનતા છોડો, સાચું કહેજો- અમીરો જ્યારે સ્ટાઈલથી માલ ઉડાવે ત્યારે આપણને ય એસિડિક ઓડકાર આવે છે ને? આ ‘ફોમો.’ની જ આડઅસર છે. વચમાં એક પ્રૌઢ કોંગ્રેસી-નેતા, અડધી વયની સુંદર પત્રકારને પરણેલા ત્યારે વિરોધી નેતાઓથી લઇને સામાન્ય લોકોએ સૂંડલા ભરીને ભદ્દી ટીકાઓ કરેલી. કારણ? એ જ-‘ફોમો’ કે- બુઢ્ઢા નેતાને, આ ઉંમરે મસ્ત ગર્લફ્રેંડ મળી તો અમને કેમ નહીં?’

માન્યું કે મીઠી ઇર્ષ્યા કે મામૂલી ઇચ્છા નોર્મલ છે, એ જ જીવન-રસ ચલાવે છે. મિત્રો કે સગાંસબંધીઓ ફોરેન-ટ્રિપ કે પાર્ટીનાં, વેડિંગનાં ફોટાઓ-રીલ્સ જોઇને આપણને ય ચટપટી થાય ને કે હું ત્યા કેમ નહોતો/નહોતી? બાકી કિટી-પાર્ટીમાં ‘વર્ચાસે’ કે ‘ગુચી’ની લાખો રૂ.ની મોંઘી પર્સ હોય કે પછી જગત જીતનાર વિશ્વવિજેતાઓનું લોહિયાળ મૃત્યુ હોય કે લોકશાહીમાં અન્ય રાજકિય પાર્ટીઓને ખતમ કરીને એકહથ્થુ સત્તા-લાલસાનું લપકવુ…‘ફો.મો.’ જ છે ને? ‘બધું હું જ હાંસિલ કરીશ!’ એટલે ‘ફો.મો’.-અવસ્થાનો અંતિમ આક્રમક અધ્યાય.

‘ફો.મો.’ના ચક્કરમાં જ ‘જો.મો.’- એટલે કે ‘જોય ઓફ મિસિંગ આઉટ’ કે ‘જે છે એના આનંદ માણવામાંથી’ આપણે રહી જઇએ છીએં ને?
(આ લેખને લાઇક કરજો, હોં)
એંડ-ટાઇટલ્સ:
આદમ: બાજુનાં ઝાડ પર ૪-૪ સફરજન છે.
ઈવ: આપણે બે જ છીએં!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button