ઉત્સવ

સોય દોરાના ક્લાત્મક ફૂલ

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

કચ્છમાંની પ્રજાએ પોતાની કલા વિવિધતાને સાથે લઇને સંસ્કૃતિ ક્ષેત્રે વિશેષ ઓળખ ઊભી કરી છે, જેમાં હસ્તકલાનો મુખ્ય ફાળો રહેલો છે. તેમાંય માત્ર ભરતકલા રસપ્રદ અને ઊંડાણપૂર્વકનું સંશોધનાત્મક અનુભવ ઉપસાવે છે. કારીગર બહેનો પોતાનાં ભરતકામનાં વિશ્ર્વને તેની કુશળતા અને કલ્પનાને અનેક જાતનાં ફૂલોથી છલકાવી દે છે. બધા ભરતકામ વિષે વાત કરવા જઈએ તો ગ્રંથાકારે પુસ્તક લખાય પણ તેમાં આહીરોનું ભરત વિશિષ્ટ છે. જેમાં કેટલાંક ખાસ લક્ષણો છે જે આહીર ભરતકામને વિશિષ્ટ ઓળખાણ આપે છે. તેમાં ઘટ્ટ અને પ્રબળ રંગોનો ઉપયોગ, ગીચ ભરતકામ, વિશાળ બુટ્ટાઓ, મધ્યમ કદનાં આભલાંઓનો પુષ્કળ ઉપયોગ, ફૂલોનાં પુષ્કળ બુટ્ટાઓ અને ડિઝાઈનો સર્જવા કોરોનો ઉપયોગ-વગેરેનો સમાવેશ થાય છે. આહીર ભરતકામનાં પક્ષીઓ, ફૂલો, પ્રાણીઓ અને માનવ આકારો જોવા મળે છે જેને બુટ્ટા કહેવાય છે. તો જાણીએ આહીર ભરતમાં વપરાતાં ફૂલનાં બુટ્ટાઓની રસપ્રદ સમજણ. મુખ્યત્વે પાંચ ફૂલોનાં બુટ્ટાઓ છે – ઢુંગો, તુનારો ફૂલ, ચાટુડિયો ફૂલ, સેઢ ફૂલ અને મોચિયાનું ફૂલ.

ઢુંગો: આ ફૂલનો બુટ્ટો આહીર ભરતની ઓળખ સમાન છે. તેમાં મધ્યમાં આભલો હોય છે અને તેની આસપાસ પણ આભલાંનો સમૂહ હોય છે. તે સ્વતંત્ર બુટ્ટો છે અને તે લગભગ ભરતકામની બધી જ વસ્તુઓમાં તથા બધા જ પેટાં જૂથો દ્વારા તેને ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રાથળિયા અને મેઘવાળ ગુર્જર તેને ‘ઢુંગો’ કહે છે, તો મચ્છોયા અને બોરીચા તેને ગોટો’ કહે છે. મજબૂત, તારા આકારના દોરા રચી, મધ્યમ કદના આભલાંને કાપડ પર ટાંકવામાં આવે છે. ઢુંગાનો ઉપયોગ સતત થતો હોવાથી કારીગર બહેનો દરેક ટૂંગાને ખાસ ઓળખ આપવા નાનાં નાનાં વૈવિધ્યો ઊભાં કરતાં રહે છે. ખૂબ જ કુશળ અને સર્જનાત્મક કારીગર બહેનો, જેઓ ગામડીયો જેવી ઝીણવટભરી વિગતો તેમાં ઉમેરે છે, તેમના હાથમાં આ બુટ્ટો એક અદ્ભુત કલાનો નમૂનો બની રહે છે. આ ભવ્ય રીતે તૈયાર કરેલ બુટ્ટાઓમાં રંગોની રમત, બાવળિયા જેવા અટપટા ટાંકાનો ઉપયોગ અને દાણાંના ઉપયોગ દ્વારા જે સૂક્ષ્મ વિગતો દેખાડવામાં આવે છે.

તુનારો ફૂલ: તુનારા ફૂલના બુટ્ટાની પાંદડી બનાવવા તુનારા ટાંકાનો ઉપયોગ કરવાથી, આ બુટ્ટાને આ નામ અને તેની વિશિષ્ટ ઓળખ મળેલ છે. પાંદડી બનાવવા મુખ્યત્વે પીળો અને સફેદ રંગનો ઉપયોગ કરાય છે. આ બે રંગની રમતથી બુટ્ટાનો પ્રભાવ વધતો દેખાય છે. પાંદડી હંમેશ તુનારીના ઉપયોગથી જ તૈયાર કરાય છે, જ્યારે બુટ્ટાનો વચ્ચેનો હિસ્સો વિવિધ રીતે બનાવાય છે. હકીકતે દરેક ટાંકામાં અને રંગમાં જે સૂક્ષ્મ-નાની વિગતો હોય છે તે જ દરેક બુટ્ટાને વિશિષ્ટ રીતે અલગ પાડે છે.

ચાટુડીયો ફૂલ: ચાટુડીયો ફૂલનાં બુટ્ટાને મુખ્યત્વે સફેદ અને પીળા રંગની સાંકળીમાં બનાવાય છે. પહેલાના વખતમાં તો તેનો ખૂબ જ ઉપયોગ કરાતો હતો, અને આજે પણ ભરતકામમાં તે ઘણો જોવા મળે છે. ચાટુડીયો ફૂલ છુટ્ટા બુટ્ટા તરીકે ભાગ્યે જ જોવા મળે છે. તે મુખ્યત્વે બીજાં બુટ્ટાઓ અને કોરમાં મુકુટ તરીકે ઉપયોગમાં લેવાય છે.

સેઢ ફૂલ: તે ‘ખોટા ફૂલ’ તરીકે પણ ઓળખાય છે. આ બુટ્ટો માત્ર કચ્છના વાગડ વિસ્તારમાં રહેતા પ્રાથળિયા આહીરોના ભરતકામમાં જ જોવા મળે છે. આ બુટ્ટો કદમાં મોટો અને પ્રભાવમાં ભારે હોય છે અને ખાસ તો છેડા પર વપરાય છે. ખાસ વિગતો દર્શાવતું બહારનું વર્તુળ માત્ર સફેદ કે પીળા રંગમાં હોય છે. વચ્ચેની જગ્યામાં રસ જન્માવવા અને કદાચ બહારનાં વર્તુળનો પ્રભાવ ઘટાડવા વિવિધ રીતે તૈયાર કરવામાં આવે છે.

મોચિયાનું ફૂલ: આ બુટ્ટાને વિવિધ પેટાજૂથો જુદાજુદા નામથી ઓળખે છે. પ્રાથળિયા આહીરો તેને ‘મોચિયાનું ફૂલ’ કે ‘સાચો ફૂલ’ કહે છે. મચ્છોયા તેને ‘માંજનું ફૂલ’ કહે છે અને બોરીયા તેને ‘બપોરિયાનું ફૂલ’ કહે છે. એકાંતરે વાદળી અને ગુલાબી રંગની પાંદડીઓ આ બુટ્ટાના વિશિષ્ટ ભાત આપે છે. સફેદ રંગની સાંકળીની બે હાર અને વચ્ચે વચ્ચે પાંદડીનો આકાર, ટૂંગાની યાદ અપાવે છે.

ભાવાનુવાદ: કચ્છજા માડૂ પિંઢજી કલા સંસ્કૃતિજી અજાઇ છાપ ઊભી કેં આય. જેમેં હસ્તકલાજો મેન ફાડ઼ો રેલો આય. તેમેં પ ભરતકલા રસાડ તીં જેમથવારો અનુભવ ઉપસાયતો. કારીગર ભેંણું પિંઢજે ભરતકમજે વિશ્ર્વકે ઇનીજી કરામત નેં કલ્પનાસે કિઇક જાતેજે ફૂલસેં છલકાઇ ડેતી. મિડ઼ે ભરતકમ વિસે ગ઼ાલ કરેમેં રયા ત ગ્રંથ જેડ઼ો વડો ચોપડ઼ો લખાજે પ તેમેં આહીરેંજો ભરત ખાસ આય. જેમેં કિતરાક ખાસ લખણ ઐં જુકો આહીર ભરતજી અજાઇ છપ ઊભી કરેતો. તેમેં ગાટા નેં ચમકવારે રઙજો વપરાસ, ગાટો ભરતકમ, વડા બુટ્ટા, માપસરજે આભલેજો ગ઼ચ વપરાસ ભેરો ફૂલેજા બુટ્ટા નેં ડિઝાઈનું કરેલા કોરજો ઉપયોગ વગેરેજો સમાવેસ થિએતો. આહીરેંજે ભરતમેં પખી, ફુલ, પશુ નેં માનવ આકાર ન્યારેલા જુડેતા જેંકે બુટ્ટા ચોવાજેતા. ત માણીયું આહીરેંજે ભરતમેં વપરાંધા ફુલેજે બુટેજી રસપ્રદ ગ઼ાલીયું. પંજ પ્રિકારજા ફૂલેજા બુટા ઐં – ઢુંગો, તુનારો ફૂલ, ચાટુડિયો ફૂલ, સેઢ ફૂલ નેં મોચિયાજો ફૂલ.

ઢુંગો: હી ફુલજો બુટ્ટો આહીર ભરતજી ઓડ઼ખ સમાન આય. તેમેં વિચમેં આભલો હોયતો નેં તેંજી ફરધે પ આભલેજો સમૂહ વેતો. ઇ સ્વતંત્ર બુટ્ટો આય નેં ઇ લગ઼ભગ઼ ભરતકમજી મિડે ચીજુમેં નેં મિડ઼ે પેટાં જૂથ ભરાં ઉપયોગમેં ગ઼િનાજેતો. પ્રાથડ઼િયા ઇનકે ‘ઢુંગો’ ચેંતા, ત મછોયા નેં બોરીચા તેંકે ‘ગોટો’ ચેંતા. મજબૂત, તારા આકારજા ડોરેંસે, વચલે માપજા આભલે કે કપડ઼ેતે સંધેમેં અચેતો. ઢુંગેજો ઉપયોગ વધારે થીંધે જે કારણ કારીગર બાઇયું મિડ઼ે ઢૂંગેકે ખાસ ઓડ઼ખ ડેલા નિડારા નિડારા કરામતજા નમૂના ભનાઇયેંત્યું. કુશલ કારીગર ભેંણું, જુકો ગામડ઼ીયો જેડ઼ી સની સની વિગતો તેમેં વજેંત્યું, ઇનીજે હથમેં હી બુટ્ટો હિકડ઼ો બેનમૂન કલાજો નમૂનો ભની રેતો. હી ભારે જેમથસે તૈયાર થેલ બુટ્ટેમેં રંઙેંજી રમત, બાવરીયે જેડ઼ે ટાંકેજો ઉપયોગ નેં ડાણે જેડ઼ી ભાત ઉપસાયને સની સની વિગતું વતાયમેં અચેતિ.

તુનારો ફૂલ: તુનારે ફુલજે બુટ્ટેજી પાંદડી ભનાયલા તુનારે ટાંકેજો ઉપયોગ કરેસે, હી બુટ્ટેકે હી નાંલો ડેમેં આયો આય. પન ભનાયલા મેન ત પીરો નેં ધોરે રઙજો ઉપયોગ કરેમેં અચેતો. હી બ રઙેજી રમતસે બુટ્ટેજો પ્રિભાવ વધંધો વેતો. પન હમેંસ તુનારીજે ઉપયોગસે જ તૈયાર કરેમેં અચેતો, જેર બુટ્ટેજો વિચલો હિસ્સો નિડારી રીતે ભનાવાજેતો. હકીકતમેં મિડ઼ે ટાંકેમેં નેં રઙેમેં સની સની વિગતું ભરેમેં અચેતી જુકો નમૂનેકે ખાસ ભનાયતો.

ચટુડિયો ફૂલ: ચટુડિયે ફુલજે બુટ્ટેકે ખાસ ત ધોરો નેં પીરે રઙજી સાંકડ઼ીસે ભનાવાજેતો. પેલેજે વખતમેં ત તેંજો ગ઼ચ ઉપયોગ થીંધો હો, નેં અજ઼ પ ભરતકમમેં ઇ ગ઼ચ ન્યારેલા જુડેતો. ચટુડિયો ફૂલ છુટા બુટ્ટા તરીકેં કિડેક જ ન્યારેલા મિલે ઇ ત ખાસ કરેનેં બ્યે બુટ્ટેમેં નેં કોરમેં મુકુટ તરીકેં ઉપયોગમેં ગિનાજેતો.

સેઢ ફૂલ: ઇ ‘ખોટો ફુલ’ તરીકેં પ ઓરખાજેતો. ઇ બુટ્ટો ખાલી કચ્છજે વાગડ઼ વિસ્તારમેંરોંધલ પ્રાથડ઼િયા આહીરેંજે ભરતકમમેં જ ન્યારેલા મિલેતો. હી બુટ્ટો કદમેં વડો પ્રિભાવમેં ભારે હોયતો નેં ખાસ ત છેડ઼ેમેં વપરાજેતો. બારાજી ગોલાઇ ખાલી ધોરો કે પીરે રઙમેં વેતો. વિચલી જગ્યામેં રસ જન્માયલા નેં બારાજી ગોલાઇજી ચમક ઉછી કરેલા નિડારી રીતેં તૈયાર કરેમેં અચેતો.

મોચિયેજો ફૂલ: હી બુટ્ટો નિડારે નિડારે ન઼ાલેસે ઓરખાજેતો. પ્રાથડ઼િયા આહીર ઇનકે ‘મોચિયેજો ફૂલ’ ક ‘સચો ફુલ’ ચેંતા. મચ્છોયા તેંકે ‘માંજજો ફૂલ’ ચેંતા ને બોરીચા ‘બપોરિયેજો ફૂલ’ ચેંતા. આસમાની નેં ગુલાબી રઙજી પાંદડીયું હી બુટ્ટેજી અજાઇ છપ ડિએંતા. ધોરે કલરજી સાંકડ઼ીનેં બ હાર ને વિચ- વિચમેં પનેજો, ટૂંગેજી જાધ ડેરાયતો.

(અભ્યાસિક સંદર્ભ અને ફોટો: ‘ભરેલા આકાશ નીચે-શ્રુજન’માંથી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button