દીકરીના સ્વમાન અને બાપના અભિમાનની ટક્કર
મહેશ્ર્વરી
મીર લોકો કલાકાર જીવ. સંગીત માટે રુચિ અને આવડત પણ ખરા. મીર કલાકારના બૈરા નાટકમાં કામ ન કરે. હા, એમના છોકરાઓ સ્ત્રી પાત્ર ભજવે, પુરુષ પાત્ર પણ કરે. વાદ્ય વગાડવામાં અને ગાયકીમાં એકદમ નિપુણ. મીર લોકોની કળા અને તેમની નિષ્ઠાથી હું પરિચિત હતી. હું મહેસાણામાં હતી ત્યારે કોઈએ મને કાસમભાઈ મીર નામના રંગભૂમિના ખૂબ જ જાણીતા એક્ટર અને સંગીતકાર વિશે વાત કરી હતી. વીસમી સદીના બીજા દાયકામાં તેમણે શરૂઆત શ્રી આર્યનૈતિક નાટક સમાજથી કરી હતી. આવડત એવી હતી કે કેવળ ૨૧ વર્ષની ઉંમરે દેશી નાટક સમાજના દિગ્દર્શક અને સંગીતકાર બની ગયા હતા. ૧૯૩૬ના એક પ્રસંગે મારા દિલ – દિમાગ પર ઊંડી છાપ પાડી છે. કાસમભાઈ શ્રી દેશી નાટક સમાજનું નાટક ભજવી રહ્યા હતા એ દરમિયાન તેમની પત્નીના અવસાનનો તાર મળ્યો હતો. જોકે, જરા પણ સ્વસ્થતા ગુમાવ્યા વિના તેમણે નાટકનું શૃંગાર રસનું દ્રશ્ય રાબેતા મુજબ ભજવી નાટ્ય નિષ્ઠા પ્રગટ કરી હતી. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર સ્ત્રી-પાત્ર ભજવનારા નામાંકિત અભિનેતા હિંમતભાઇ કાળુભાઈ પણ મીર જ હતા. મીર લોકોનો કળા પ્રત્યે સારો ઝુકાવ. આ બધું જાણતી હતી એટલે જરાય ખચકાટ વિના બાબુભાઇ મીર સાથે કામ કરવા તૈયાર થઈ ગઈ. બાબુભાઈની ઈચ્છા બહુચરાજીથી કંપની શરૂ કરવાની હતી. હાલ જે યાત્રાધામ છે તેનાથી એકાદ કિલોમીટર દૂર બેચર નામનું ગામ છે અને એ નામ પરથી તીર્થસ્થળનું નામ બહુચરાજી પડ્યું હોવાની માન્યતા છે. બહુચરાજી ખાતે સ્થપાયેલી આદ્યશક્તિ બહુચરબાળાની આ શક્તિપીઠ ભારતવર્ષની બાવન અને ગુજરાતની ત્રણ શક્તિપીઠો પૈકીની એક છે. એકંદરે આ સ્થળ ધાર્મિક ભાવનાથી જોડાયેલું છે. એટલે જ કદાચ બાબુભાઈ ત્યાંથી નાટકનો પ્રારંભ કરવા માગતા હતા.
આ વખતે અમે કવિ મણિલાલ ‘પાગલ’ ત્રિવેદીના ‘હંસા કુમારી’ નાટકથી અમે શરૂઆત કરી. આ નાટકની એક મજેદાર વાત જાણવા જેવી છે. ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ પરથી ગુજરાતી દિગ્દર્શક ગોવિંદ સરૈયાએ હિન્દીમાં ‘સરસ્વતીચંદ્ર’ નામની ફિલ્મ બનાવી હતી અને એનાં ગીતો આપણા કલ્યાણજીભાઈ – આનંદજીભાઈએ તૈયાર કર્યાં હતાં. એનું નૂતન પર ફિલ્માવાયેલું એક ગીત ખૂબ લોકપ્રિય થયું હતું ‘મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેસ, પિયા કા ઘર પ્યારા લગે’. ઘણા લોકો જાણતા હશે. આ ગીતની ધૂન પરથી નાટકમાં એક ગીત બેસાડવામાં આવ્યું હતું: ‘મીઠું મીઠું સાસરિયું સોહાય, સુહાગી નારને મળે. માતાની માયા છે સાસુને ખોળે, પિતાના હેત સમા સસરા છે.’ નાટ્ય રસિકોમાં ખાસ્સું લોકપ્રિય થયું હતું. નાટકની વાર્તા બળુકી હતી. હંસા એક શ્રીમંત બાપની એકમાત્ર દીકરી છે. પિતાને પુત્રી માટે હેત તો હોય, પણ અહીં તો વળગણ હતું. એ હદ સુધીનું કે એ છોકરીના લગ્ન કરી તેને સાસરે વળાવવા પિતા તૈયાર નથી. એને તો ઘર જમાઈ જોઈએ છે. હંસાનાં લગ્ન એક ગરીબ યુવાન સાથે થાય છે અને વખાનો માર્યો એ ઘર જમાઈ બનીને રહી જાય છે. હંસા લાડકોડમાં ઉછરી છે, પણ બહુ સ્વમાની ક્ધયા છે. વરની આર્થિક સ્થિતિ પાતળી હોવા છતાં હંસા સાસરે જ રહેવા ઈચ્છે છે. છેવટે એ જાય છે, પણ દીકરીનો બાપ આ વાત સહન નથી કરી શકતો અને એટલે કાવાદાવા – છળકપટ કરી દીકરીના સાસરિયાની સતામણી કર્યા કરે. વાત એ હદ સુધી વકરે છે કે પિતાશ્રી વેવાઈને ફસાવીને પોલીસમાં પકડાવી દે છે. હંસા આ બધું જુએ છે, અને કોના ઈશારે બધું થઈ રહ્યું છે એ સુધ્ધાં સમજે છે. જમાઈના પરિવારનું જીવન ખેદાનમેદાન કરી દીધા પછી બાપ દીકરીને લેવા એના સાસરે જાય છે અને કહે છે કે ‘હવે અહીં શું રહ્યું છે? ચાલ મારી સાથે આપણા ઘરે.’ અને જીવનમાં એવી ક્ષણ આવે છે કે દીકરીને બાપમાં જન્મદાતા નહીં, પણ નાશ કરનારો રાક્ષસ દેખાય છે. દીકરીની સહનશક્તિ ખૂટી જાય છે અને ત્યારે એ બાપને સંભળાવી દે છે ‘અત્યારે તમે મને રોમ બળતું હતું ત્યારે ફિડલ વગાડનારા સમ્રાટ નીરો કરતાં પણ વધુ ક્રૂર લાગો છો. મારો જે પિતા હતો એ સ્વર્ગનો વાસી થઈ ગયો. જાવ, જતા રહો અહીંથી. હું નથી આવતી તમારી સાથે.’ હંસાનું પાત્ર ભજવતી વખતે હું બહુ લાગણીવશ થઈ જતી અને ક્યારેક જાતને હંસા સાથે સરખાવી પણ લેતી હતી. નાટક હોય કે ફિલ્મ, એના પાત્રમાં પ્રેક્ષક જાતને શોધતો હોય છે, સરખાવતો હોય છે. મહેશ્ર્વરી એટલે કે હું એક અભિનેત્રી હતી જે આજીવિકા મેળવવા અને કલા રુચિ સંતોષવા વિવિધ પાત્ર ભજવતી હતી, પણ હું આખરે તો એક મનુષ્ય જ ને. મને પણ કોઈ પાત્રમાં જાતને નીરખવાની અને એ પ્રમાણે વર્તવાની ઈચ્છા ન થાય? ત્યારબાદ ‘ભાવના બી.એ.’ નામનું નાટક કર્યું. એની કથા પણ હટકે હતી. એ સમયે ક્ધયા ભણતર વિશેષ નહોતું. છોકરીએ તો પરણીને ઘરગૃહસ્થી જ સંભાળવાની એવી સમજમાં સમાજ વીંટળાયેલો હતો. ભાવના ગ્રેજ્યુએટ (બી.એ. પાસ) થાય છે અને પરણીને સોનીના ઘરમાં જાય છે જ્યાં ભણતરનું મહત્ત્વ નથી અને એનો પતિ નરમઘેંસ સ્વભાવનો હોય છે. નિર્ણયશક્તિનો એનામાં અભાવ હોય છે. આવા ઘરમાં જઈને ગ્રેજ્યુએટ ભાવના શું કરે છે એ નાટકનું હાર્દ છે. એમ નાટક કરતા કરતા બાબુભાઈ મીરની કંપની સાથેનો એક મહિનાનો સમય પૂરો થવા આવ્યો અને હવે શું એ સવાલ ફરી સામે આવીને ઊભો રહ્યો. જોકે, જવાબ ગોતવાની કોશિશ કરું એ પહેલા રમેશ મિસ્ત્રી નામના કોઈ ભાઈ મળવા આવવાના છે એવું મને કહેવામાં આવ્યું. મિસ્ત્રી મને શું કામ મળવા માગતા હશે? એ વિચાર મારા દિમાગમાં રમવા લાગ્યો.
નામ હિંમતભાઈ, ઓળખ દ્રૌપદીની
ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર સ્ત્રી પાત્ર ભજવતા નામાંકિત અભિનેતા તરીકે પંકાયેલા હિંમતભાઈ કાળુભાઈ મીર કોમના હોવાથી સંગીત કળા વારસામાં મળી હતી. ડાહ્યાભાઈ ધોળશાજીના શ્રી દેશી નાટક સમાજમાં જોડાયા પછી દ્રૌપદી, દમયંતી વગેરે સ્ત્રી પાત્રો કુશળતાપૂર્વક ભજવી પ્રશંસા અને નામના મેળવ્યા. ‘રુક્મિણી સ્વયંવર’ નાટકમાં તેમના રુક્મિણીના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. આ સિવાય ‘અહલ્યાબાઈ’ નાટકમાં હિંમતભાઈએ અહલ્યાબાઈનો રોલ કરી બધાને આશ્ર્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા. મહિલા પાત્ર કુશળતાથી ભજવવાની તેમની કાબેલિયત તેમને વધુ સ્ત્રી પાત્ર મેળવવામાં ખાસ્સી મદદરૂપ થઈ હતી. શ્રી દેશી નાટકમાં જોડાયા બાદ ત્યાં પણ વિવિધ નારી પાત્રો ભજવી શાબાસી મેળવી હતી. તેમના ગળામાં ગજબની મીઠાશ હતી અને તેમનાં કેટલાંક ગીતોની રેકોર્ડ બહાર પડી હોવાની નોંધ છે. સુરીલો અવાજ અને અભિનયની અવ્વલ તાલીમનો સરવાળો તેમને સફળતાની સીડીનાં પગથિયાં ચડવામાં નિમિત્ત બન્યા હતા. ગાંધીજીએ સાબરમતી આશ્રમથી શરૂ કરેલા સ્વાતંત્ર્ય-આંદોલન પ્રસંગે હિંમતભાઈના કંઠે ગવાયેલું ગીત ‘ખાદી કી સાડી પેહનો ખાદી હૈ આબાદી’ ખૂબ જ લોકપ્રિય થયું હતું. તેમણે ભજવેલાં સ્ત્રીપાત્રોમાં શ્રી દેશી નાટક સમાજનું ‘સતી દ્રૌપદી’ શિરમોર ગણાય છે કારણ કે એમાં તેઓ એ હદે ઓતપ્રોત થઈ ગયા હતા કે તેમને દ્રૌપદીનું બિરુદ આપવામાં આવ્યું હતું. (સંકલિત)