ઉત્સવ

સ્પોટ લાઈટ : બાળકોએ મનોબળ વધુ મજબૂત બનાવ્યું

-મહેશ્વરી

જીવનમાં ઘણી વાર કેટલાક નિર્ણયો આવેગમાં લેવાઈ જતા હોય છે. આવેગ શાંત પડ્યા પછી એ નિર્ણય ઉતાવળે લીધો અને ભૂલભરેલો હતો એવા વિચારો દિલ-દિમાગને ઘેરી વળતા હોય છે. ખૂબ મહેનત કરીને, પૈસા બચાવી જોગેશ્ર્વરીમાં ઊભું કરેલું ઘર, પતિ (માસ્તર) સાથેનું સહજીવન અસહ્ય થઈ પડતાં તાત્કાલિક છોડી તો દીધું, પણ પછી એક ઘેરથી બીજે ઘર મારે જે રીતે રઝળપાટ કરવો પડી રહ્યો હતો

એ જોઈ ઘર છોડવાની ઉતાવળ તો નથી કરી ને એવા વિચારો ઘેરી વળ્યા. જોકે, માસ્તર સાથે રહેવાથી જે પીડા ભોગવતી હતી એની સામે ઘર બદલવાની તકલીફ તો મામૂલી હતી. ભવિષ્યનું ઘડતર હવે આપબળે જ કરવાનું હતું. કોઈ પણ લક્ષ્ય જાતે આપણી સાથે નથી આવતું. રસ્તામાં અનેક મુશ્કેલીઓ-વિઘ્નો આવે, પણ એનાથી અકળાયા વિના, એમાં અટવાયા વિના આગળ વધતાં રહેવાથી સફળતા મળે જ. ઘર બદલતાં રહેવાનો શારીરિક થાક લાગતો હતો, પણ હું નાસીપાસ નહોતી થઈ.

જોગેશ્ર્વરીનું પોતાનું ઘર છોડી ભાઈના ઘરે દહિસર ગઈ અને ત્યાંથી ઉચાળા ભરી વિલે પાર્લે ભાડાંના ઘરમાં રહેવા ગઈ. જોકે, ત્યાં પણ સમસ્યા ઊભી થતાં બહુ જલદી ઘર છોડવું પડ્યું. જુહુમાં દરિયાકિનારા નજીક એક સેનેટોરિયમ હતું (આજે છે કે નહીં એ હું નથી જાણતી) જ્યાં નજીવી રકમ ભરી ત્રણેક મહિના માટે રહેવા આપતા હતા.

આજે આપણે જોઈએ છીએ એ મુંબઈ તો કૉન્ક્રિટ જંગલ છે. દેશી નાટક સમાજમાં હતી ત્યારે મોટી ઉંમરના કલાકાર-કસબીઓ પાસે સેનેટોરિયમ વિશે સાંભળેલી વાત જણાવું છું.

વર્ષો પહેલાં જ્યારે મુંબઈ વિસ્તર્યું નહોતું ત્યારે તળ મુંબઈ (ચર્ચગેટ, કાલબાદેવી, ગિરગામ વગેરે)માં રહેતા લોકો, વિશેષ કરીને ગુજરાતીઓ વૅકેશન પડે ત્યારે હવાફેર કરવા કાંદિવલીના સેનેટોરિયમ જતા.

આ પણ વાંચો : કુદરતનો અલાયદો આવાસ હિમાલયનો આલીશાન વૈભવ – વિશ્વ પ્રસિદ્ધ બરફાચ્છાદિત શિખરો

વિચાર કરો કે એ મુંબઈ કેવું હશે જ્યારે કાંદિવલી હવાફેરનું સ્થળ ગણાતું. આજે તો પ્રદૂષણે એવી માઝા મૂકી છે કે મુંબઈના લોકો હવાફેર માટે લોનાવલા, માથેરાન – મહાબળેશ્ર્વર કે પંચગિની ઊપડી જાય છે. જાણવા જેવી વાત એ છે કે આજની તારીખમાં પણ મુંબઈમાં છૂટાછવાયાં સેનેટોરિયમ છે ખરાં.

અલબત્ત સેનેટોરિયમમાં કંઈ બધાને રહેવા ન મળતું. માંદા-બીમાર અથવા વૃદ્ધજનો અરજી કરી રહેવા આવી શકતા હતા. આ સિવાય ભારે વરસાદ કે અન્ય કોઈ કારણસર કોઈ લોકો ઘરબાર વિનાના થઈ ગયા હોય એમને પણ આશરો મળી જતો હતો. મેડિકલ સર્ટિફિકેટ પણ આપવું પડતું જેમાં ડૉક્ટર સંબંધિત વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી એને માટે હવાફેર જરૂરી છે એવું લખી આપતા.

બદલાયેલા વાતાવરણમાં પૂરતી સારવાર મળવાથી લોકો સાજા-નરવા થઈ ત્યાંથી નીકળી પોતાના ઘરે જતા રહેતા. મેં પણ અરજી કરી અને મેડિકલ સર્ટિફિકેટ સુદ્ધાં આપ્યું. જોકે, મને કોઈ કરતાં કોઈ માંદગી નહોતી, પણ મારી પાસે રહેવા માટે ઘર નહોતું. સદ્નસીબે બે મહિના માટે રહેવાની પરવાનગી તો મળી ગઈ.

બે મહિના પૂરા થાય એ પહેલાં વધુ એક મહિનો રોકાણ લંબાવવા માટે વિનંતી કરી શકાતી હતી. સંચાલકને કારણ યોગ્ય લાગે તો વધુ એક મહિનો રહેવાની છૂટ આપવામાં આવતી હતી. એટલે ત્રણ મહિના પૂરતો તો માથા પરના છાપરાનો પ્રૉબ્લેમ સોલ્વ થઈ ગયો. બાળકો અને બોરિયા-બિસ્તરાં લઈ પહોંચી ગઈ જુહુ સેનેટોરિયમ.

બાળકોને ખબર પડી કે નજીકમાં જ દરિયો છે તો એકદમ આનંદમાં આવી ગયાં. મને કહેવા લાગ્યાં કે ‘આઈ, આતા આપણ હે ઘર બદલાયચં નાહી. (મમ્મી, હવે અહીંથી ઘર નથી બદલવું.) નજીકમાં કેવો સુંદર દરિયાકિનારો છે.’ એમની નિર્દોષતા, એમનું ભોળપણ જોઈ હું હસી પડી. એમનો ઉત્સાહ ટકાવી રાખવા માટે ‘સારું. હવે આપણે અહીં જ રહેશું’ એમ કહ્યું. અંદરખાને હું જાણતી હતી કે ત્રણ મહિના પછી કાં તો બીજું ભાડાંનું ઘર શોધી કાઢવું પડશે અથવા બીજા સેનેટોરિયમ માટે કોશિશ કરવી પડશે.

એક સમી સાંજે હું બાળકોને દરિયા કિનારે ફરવા લઈ ગઈ. ખુશનુમા દિવસ હતો. બાળકો રેતીમાં રમવા લાગ્યાં. નજીકમાં બીજાં બાળકો રેતીનો કિલ્લો બનાવી રહ્યાં હતાં એ જોઈ તેમને પણ ઇચ્છા થઈ આવી. પહેલાં ક્યારેય આવી કોશિશ નહોતી કરી, પણ પોતાની ઉંમરનાં જ અન્ય બાળકોને જોઈ તેમનો ઉત્સાહ વધી ગયો અને મહેનત કરી કિલ્લો તો નહીં, પણ એક નાનકડું ઘર બનાવી નાખ્યું. એ બંધાઈ ગયા પછી તેમના ચહેરા પર જે આનંદનો સાગર દેખાયો એમાં મેં મનોમન ડૂબકી મારી લીધી.

‘કેવું લાગે છે?’ એવા સવાલમાં મેં કહ્યું કે ‘છાન’ (છાન એટલે સુંદર) અને એ સાંભળી બાળકો જે મલકાયાં એ દૃશ્ય મારા માનસપટ પર અંકિત થઈ ગયું. જીવનમાં રહેલી વિષમતાઓ થોડી વાર માટે ઓગળી ગઈ. બાળકોના સહવાસમાં પરિસ્થિતિ સામે લડી લેવાનું મનોબળ વધુ મજબૂત બન્યું. એ દિવસ પછી જ્યારે પણ હું દરિયાકિનારે ગઈ છું, ખિલખિલાટ કરતાં મારાં બાળકોના ચહેરા મારી આંખો સામે તરવરવા લાગે છે અને મારામાં ગજબના ઉત્સાહનો સંચાર થાય છે.

ખુશખુશાલ બાળકો મારી આંગળી પકડી દરિયાનાં પાણીમાં છબછબિયાં કરવા જવા માટે કહેવા લાગ્યાં. મને પણ મારું બાળપણ યાદ આવી ગયું. ‘સુજાતા’ના ગીતની પંક્તિઓમાં મારા કાનમાં ગુંજવા લાગી ‘બચપન કે દિન ભી ક્યા દિન થે, ઊડતે ફિરતે તિતલી બન’… દરિયાકિનારા પર બાળકો સાથે વિતાવેલી એ સાંજ મને બહુ હિંમત આપી ગઈ. ભરતી અને ઓટ તો દરિયામાં કાયમ થયા કરે, પણ એનાથી દરિયાની વિશાળતા ઓછી નથી થઈ જતી.

સંધ્યાકાળ થવા આવી હતી અને ડૂબી રહેલો સૂરજ આવતી કાલે સવારે ફરી પ્રકાશ પાથરવા આવવાનો છે એની હૈયાધારણ આપતો ગયો.

‘ભટનું ભોપાળું’: ક્ધયાવિક્રયનાં દૂષણનું નાટક
વિદેશી નાટકોથી પ્રભાવિત થઈ ગુજરાતીમાં અનેક નાટ્ય રૂપાંતર થયાં હતાં અને ભજવાયાં સુદ્ધાં હતાં. દલપતરામે ઈ. સ. પૂર્વે ૩૮૮માં પ્રાચીન ગ્રીક ભાષામાં લખાયેલાં અને પછી અંગ્રેજીમાં અનુવાદ થયેલાં ‘પ્લુટસ’ નાટક પરથી ‘લક્ષ્મી’ નામનું નાટક આપ્યું હતું. અમદાવાદની લોકપ્રિય નાટ્યસંસ્થા જવનિકાનું સર્વપ્રથમ નાટક હતું જ્યોર્જ બર્નાર્ડ શોના ‘ડેવિલ્સ ડિસાઇપલ’ ઉપરથી નિરંજન ભગત અને શશિકાન્ત નાણાવટીએ મળીને રૂપાંતર કરેલું ‘શયતાનનો સાથી’. કવિ, નાટ્યકાર અને વિવેચક તરીકે આદર અને પ્રતિષ્ઠા મેળવનારા નવલરામ પંડ્યાએ ‘ભટનું ભોપાળું’ અને ‘વીરમતી’ એ બે મહત્ત્વનાં નાટક આપ્યાં.

‘ભટનું ભોપાળું’ (૧૮૬૭) બ્રિટિશ મૅજિસ્ટ્રેટ અને લેખક હેન્રી ફિલ્ડિંગનાં અંગ્રેજી નાટક ‘ધ મોક ડૉક્ટર’ (૧૭૩૨) પર આધારિત હતું.

જોકે, મિસ્ટર ફિલ્ડિંગનું નાટક ફ્રેન્ચ નાટ્યકાર મોલિયરના પ્રહસન (૧૬૬૬)નું રૂપાંતર હતું. ફ્રેન્ચ અને અંગ્રેજી રૂપાંતરનું હાર્દ જાળવી નવલરામે ક્ધયાવિક્રય જેવા દૂષણને ઉઘાડું પાડવાના આશયે ‘ભટનું ભોપાળું’ લખ્યું હતું. સમકાલીન સમસ્યા સાથે તાલ મેળવી નાટક ધારી અસર ઉપસાવવામાં સફળ રહ્યું હતું.

વયોવૃદ્ધ સાથે એક ક્ધયાને પરણાવવાનો પેંતરો નિષ્ફ્ળ બનાવી ક્ધયાને તેના પ્રિય પાત્ર સાથે પરણાવવાનો નાટ્યકારનો આશય છે. ૧૯મી સદીમાં પૈસા માટે કુમળી ક્ધયાને વૃદ્ધ સાથે પરણાવી દેવાની કુપ્રથા ફેલાયેલી હતી. કજોડાને કેન્દ્રમાં રાખી અન્ય ભાષામાં પણ નાટક ભજવાયાં હતાં. (સંકલન)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button