ઉત્સવ

બાળકો ખરા અર્થમાં ઈનફ્લુએન્સર

બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી

બાળકો મોટા ક્યાં થઇ ગયાં ખબર ના પડીથી લઈને બાળકો મોટા લોકોની જેમજ વર્તે છે ની સફર આપણે જોઈ છે. આજે મોટાભાગનાં બાળકો નાદાન જણાતા નથી અને પુખ્ત જલ્દી થઇ જાય છે તેમ જોવામાં આવ્યું છે. આમાં આજનો સમય, મીડિયા, ઈન્ટરનેટ, દુનિયાની જાણકારી અને સૌથી મોટું મા-બાપનું તેમના માટેનું સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરવું મોટો ભાગ ભજવે છે. આજે એમ કહેવું કે તું બાળક છે તને શું ખબર પડે તે બાલિશતામાં ગણાશે. ઘરમાં આજે કઈ નવું ખરીદવાનું હોય તો તેમાં તેને શું પૂછવાનુંની જગ્યાએ તેને એકવાર પૂછી જોઈએ, તેનો મત પણ જાણી લઈએ આ સામાન્ય થઇ ગયું છે. બાળકોનું આટલું જલ્દી પુખ્ત થઇ વિચારવું તે સારી વાત નથી જ પણ માર્કેટિંગ માટે આ વાત વરદાનરૂપ છે.

આજે ટીવીમાં આવતા કાર્યક્રમો જોઈએ તો જણાશે કે માસ્ટર શેફ થી લઈને રિયાલિટી શો અને સિરીયલોમાં બાળકો મહત્ત્વનો ભાગ ભજવે છે. આ વાત બાળકોની ચેનલની નથી પણ મોટાઓ દ્વારા જોવાતી જનરલ એન્ટરટેઇન્મેન્ટ ચેનલોની છે. કોઈ પણ ટીવી ચેનલ ઓન કરો, પ્રોગ્રામની વચ્ચે આવતી એડ જોવો, કોઈ પણ કેટેગરી હોય ફાઇનાન્સ, સાબુ, શેમ્પૂ, ખાવાના પદાર્થો, ટૂ-વ્હીલર, કાર કે પછી ઘર તમને તેમાં એક બાળક જરૂર દેખાશે. આ બાળક એડમાં ફક્ત એક પરિવારના સદસ્ય તરીકે નહીં, પણ નિર્ણય લેવામાં એકટિવ ભાગ ભજવતું દેખાશે.

શું આપણે આટલા ઘેલા છીએ કે આટલા મોટા નિર્ણયો બાળકોના પ્રેમ ખાતર કાંતો તેને ખુશ કરવા લેતા હશું? આટલું મોટું ઈન્વેસ્ટમેન્ટ કે સ્પેંડિંગ ફક્ત બાળકને ખુશ કરવા? ઈમોશનલી આનો જવાબ કદાચ હા હોઈ શકે પણ તાર્કિક રીતે આપણે માનીએ છીએ કે આજનું બાળક મારા કરતાં વધારે જાણે છે અને બીજાં અમુક કારણો છે જે મને તેના પર વિશ્ર્વાસ રાખવા પ્રેરે છે. માર્કેટિંગમાં બે શબ્દો છે: ટાર્ગેટ ઓડીએન્સ અને ઈનફ્લુએન્સર. કાર ખરીદનાર પિતા ટાર્ગેટ ઓડીએન્સ છે જ્યારે તેનું બાળક ઈનફ્લુએન્સર છે, જેના પર તેના પિતાના ખરીદી નિર્ણયનો ખૂબ મોટો મદાર છે. બ્રાન્ડ અહીં બાળકને સ્ટ્રોંગ ઈનફ્લુએન્સર તરીકે પ્રસ્થાપિત કરી નિર્ણયની પ્રક્રિયાને આસાન બનાવે છે. આજે બાળક એક ટાર્ગેટ ઓડીએન્સ તરીકે, ઈનફ્લુએન્સર તરીકે કે ક્ધઝ્યુમર તરીકે મહત્ત્વનો ભાગ ભજવે છે તેનાં કારણો સમજવા જરૂરી છે. કદાચ આ કારણો મને મારી બ્રાન્ડ પ્રમોટ કરવા કે નવી પ્રોડક્ટ લાઇન પ્લાન કરવામાં મદદરૂપ થશે.

પહેલાના બાળકની જેમ આજનું બાળક ચોકલેટ આપવાથી ભોળવાઈ જાય તેવું નથી. તેને પોતાને શું જોઈએ છે, શા માટે જોઈએ છે અને તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તે માટે સભાન છે. તેને નવું નવું જાણવાની જિજ્ઞાસા છે. આ જિજ્ઞાસા જાગૃત કરવાની અને તેને સંતોષવાનું ઘણું મોટુ શ્રેય ઈન્ટરનેટ અને ટીવીમાં આવતા ઈન્ફોટેઈન્મેન્ટ પ્રોગ્રામોને જાય છે. આજનું બાળક ડિજિટલી સેવી છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ તેના જીવનના અવિભાજ્ય અંગ બની ગયા છે. તેને જોઇતી બધી માહિતી તે ક્ષણ ભરમાં મેળવી શકે છે અને તેના દ્વારા તે તેના માતા-પિતાને શું ખરીદવું, શું ના ખરીદવું અને શા માટે ના કારણો બતાવી તેઓના ખરીદી નિર્ણયમાં મદદરૂપ થાય છે. આટલું જ નહીં આજનાં બાળકો તેઓના પેરેંટ્સના શિક્ષકો પણ બની ગયા છે. આપણે અનુભવ્યુ હશે કે આપણાં બાળકો આપણને મોબાઇલના વિવિધ ફીચર્સ સમજાવી, ઇંટરનેટ કેવી રીતે વાપરવું અને તેના ફાયદા જણાવી સમય સાથે ચલાવે છે. આજ કારણ છે કે મોબાઇલ ફોન, ટીવી, લેપટોપ જેવી કેટેગરીના ખરીદી નિર્ણયમાં બાળકો મહત્ત્વનો ભાગ ભજવે છે.

ઉપર જણાવ્યા મુજબ આજનું બાળક, બાળક ઓછું અને પુખ્ત વધુ જોવા મળે છે. ફ્ક્ત ભણી અને માર્ક્સ્ લાવવામાં તે નથી માનતો, તે પ્રયોગો કરવામાં માને છે. આજની શિક્ષણ પદ્ધતિ તેને ઑલ રાઉંડ શિક્ષણ આપે છે. ક્લાસ રૂમની બહાર જઈ ભણાવવું, લાઇવ ડેમો, પ્રોજેક્ટ વર્ક, અસાઇનમેંટ્સ, એજ્યુકેશનલ ટ્રિપ્સ તેને પ્રેક્ટિકલ લાઇફ જીવવામાં મદદ કરે છે. શરીર સ્વાસ્થ્ય જાળવવું જોઈએ, સાત્ત્વિક આહાર ખાવો જોઈએ, પૈસાની બચત અને તેનું પ્લાનિંગ કરવું જોઈએ, આ વાતો ફ્ક્ત આજે ક્લાસ રૂમમાં ભણાવવામાં નથી આવતી, પરંતુ લાઈવ ડેમો, એક્ટિવેશન દ્વારા જેમકે અમુક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ/બૅંક્સ શાળાઓમાં જઈ બાળકોને બચતના ફાયદા સમજાવશે, તેઓના પેરેંટસે શા માટે ઇન્સ્યુરન્સ લેવો જોઈએ તેનાં કારણો સમજાવશે. આરોગ્યપ્રદ ખોરાક માટે ઑટ્સ, કોર્નફ્લેક્સ, મુસીલી બનાવતી કંપનીઑ શાળામાં જઈ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને તેના માટે પ્રેરિત કરશે, આકર્ષશે. આ બાળક ઘરે જઈ માતા-પિતાને વાત કરશે અને આ વાતોને તેઓના જીવનમાં લાવવા માટે સમજાવશે. બાળક બચત કરવાનું નથી, ઇન્સ્યુરન્સ લેવાનું નથી કે સાત્ત્વિક આહાર બનાવવાનું નથી, પણ તે પાક્કું બ્રાન્ડને તેઓના વેચાણમાં મદદરૂપ થશે એક ઈનફ્લુએન્સર તરીકે. આ ઉપરાંત આ બ્રાન્ડ ફર્સ્ટ મૂવરનો ફાયદો લઈ તેના મનમાં પોતાની બ્રાન્ડને બાળકના જીવનમાં વહેલી તકે આવી જીવનભર માટે પ્રસ્થાપિત કરી શકે છે.

આજનું બાળક લાર્જર ધેન લાઇફ જીવવા માગે છે. રિયાલિટી શોમાં કોઈ બાળકને જિતતો જોઈ કે પર્ફોર્મ કરતો જોઈ તે પોતાને તેના સ્થાને જોવે છે. પોતાના મનગમતા સ્ટાર્સને (સ્પોર્ટસ કે ફિલ્મ સ્ટાર) જોઈ તેવો
બનવા પ્રયત્ન કરે છે. આ સેલિબ્રિટી જે પહેરશે, ખાશે-પીશે તે તેને ફોલો કરશે અને પેરેંટ્સ પાસે તે બ્રાન્ડની માગણી કરશે. ઉપરના તર્કસંગત કારણોની સાથે બીજું એક મોટુ
ઈમોશનલ કારણ છે, આજે પરિવારો નાના થતા જાય છે, બન્ને પેરેંટ્સ કામ કરે છે, બાળકને પૂરતો સમય ના આપી શકવાથી અપરાધી ભાવ તેઓ અનુભવે છે. વધુ પડતી આવક અને સાથીઓના દબાણ જે માતા-પિતાને બાળકના ઈનફ્લુએન્સરના રોલ પ્લે સાથે સહમત કરે છે. આજનું બાળક જલ્દીથી મોટું થવા માગે છે, તેને પોતાની સ્પેસ જોઈએ છે, પોતાના સપના અને ફેંટેસી છે લાર્જર ધેન લાઇફ જીવવાની, ઇંટરનેટના માધ્યમથી માહિતી મેળવી તેને ઑલરાઉંડર થઈ પાવરફુલ બનવું છે.

બ્રાન્ડ માટે આજે એક અમૂલ્ય તક છે, બાળકના આ બદલાતા બિહેવિયરનો બારીકાઇથી અભ્યાસ કરી તેને અનુરૂપ નવા પ્રોડક્ટ બનાવવા, તેને અનુરૂપ મીડિયા પ્લાનિંગ કરી નવા બ્રાન્ડ કેંપેન ક્રિયેટ કરી તેના જીવનમાં વહેલી તકે આવી તેના જીવનનો હિસ્સો બની તેનાં દિલો દિમાગ પર છવાઈ જવાની. આજે સોશ્યિલ મીડિયાના ઈનફ્લુએન્સરના જમાનામાં આપણા ઘરનાં બાળકો ખરા અર્થમાં ઈનફ્લુએન્સરની ભૂમિકા ભજવે છે બ્રાન્ડ તે સમજી વ્યૂહરચના બનાવશે તો આસાનીથી લોકોના ઘરમાં પ્રવેશ પામશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…