હેં… ખરેખર?! : છુના મના હૈ: મલાણા ગામમાં ક્યાંય અડયા તો નક્કી દંડાશો…
રાજકુમાર, હેમા માલિની અને રાખી અભિનિત “લાલ પથ્થરમાં જાનીને મોઢે બોલાયેલો ડાયલૉગ “હાથ મત લગાના આજે યાદ આવી ગયો. હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાના મલાણા ગામનો પણ પરદેશીઓ
માટે મંત્ર અને આદેશ છે: ક્યાંય સ્પર્શ કરતા નહીં.
ખરેખર, બહારની કોઈ વ્યક્તિને ગામની કોઈ પણ ચીજ-વસ્તુનું સ્પર્શ કરવાની સખત મનાઈ છે. એનું પાલન ન કરનારાઓને દંડ કરાય છે. મલાણાની અન્ય વિશિષ્ટતાઓ પણ ઘણી છે. અહીં સૌથી જૂની અર્થાત્ સૌથી લાંબા સમયથી લોકશાહી શાસન વ્યવસ્થા છે. એટલું જ નહીં, આ સૌથી પ્રાચીન અને કંઈક અંશે રહસ્યમય ગામ પણ છે.
આ મામલામાં વધુ ઊંડા ઊતરીએ. આ કુલુની ખીણાના ઉત્તરપૂર્વમાં આવેલું ગામ છે. પાર્વતી ખીણમાં ચંદ્રખાની અને દેઓટિબ્બા નામના પહાડો વચ્ચે મલાણા નદીને કિનારે આવેલું છે આ ગામ. આ ગામ અને એના રહેવાસીઓ હજી બહારની દુનિયાના પ્રભાવથી સંપૂર્ણપણે મુક્ત રહ્યા છે. પોતીકા રિવાજ, પરંપરા અને સમાજ વ્યવસ્થા વચ્ચે જ તેઓ આજે ય ખુશીખુશીથી રહે છે.
લોકવાયકા મુજબ એક સમયે અહીં રહેતા જમલુ ઋષિએ મલાણાના નિયમો અને કાયદા બનાવ્યા હતા, જેનું આજે ય સંપૂર્ણપણે પાલન થાય છે બધા માટે ભલે ઋષિ જમલુ હોય પણ મલાણાવાસીઓ માટે તેઓ ઋષિ જમલુ દેવતા છે. આ ગામનું સંચાલન સદીઓથી ગ્રામ પરિષદ દ્વારા થાય છે. જમલુ ઋષિએ ઘડેલા નિયમ-કાયદા મુજબ ગ્રામ પરિષદના અગિયાર સભ્ય ગામની વ્યવસ્થા ચલાવે છે. પરિષદના સભ્યોને ઋષિ જમલુના પ્રતિનિધિ મનાય છે. તેમના નિયમ અંતિમ અને સફર ગણાયા જેને કોઈ ઉથાપી કે પડકારી ન શકે. મલાણામાં ગ્રામ
પરિષદે ઘડેલા નિયમોનો જ અમલ થાય. બહારના કોઈ નિયંત્રણ કાયદા કે નિયમ અહીં લાગુ પડતા નથી.
આ ગામની રાજકીય-સામાજિક વ્યવસ્થા પ્રાચીન ગ્રીસની વ્યવસ્થા સાથે ઘણી મળતી આવે છે. આ કારણસર મલાણાને હિમાચલનું એથેન્સ કહેવાય છે. આપણે ભલે જમલુ ઋષિ વિશે જાણતા ન હોઈએ પણ તેઓ આર્યોના આગમન અગાઉથી પૂજાતા હોવાનું મનાય છે. એમનો ઉલ્લેખ પુરાણોમાં મળ્યો હોવાનો દાવો થાય છે. કેવો ભાતીગળ ઈતિહાસ અને ભવ્ય સંસ્કૃતિ!
મલાણાવાસીઓ પોતાને આર્યોના વંશજ માને છે અને તે બદલ ખૂબ ગૌરવ અનુભવે છે. કહેવાય છે કે આ ગામના રહેવાસીઓ મહાન સિકંદરના સૈનિકોના વંશજો છે.
મલાણા વિશે જાણતા-વાચતા જઈએ એમ વધુને વધુ આશ્ર્ચર્ય થાય. ઘણાં અહીંની સ્થાનિક બોલીને રહસ્યમય ગણાવે છે. એ કાનાસી અને રક્ષ તરીકે ઓળખાય છે. અમુક લોકો એને રાક્ષસી બોલી પણ કહે છે. અભ્યાસુઓ દૃઢપણે માને છે કે મલાણાની સંસ્કૃતિ અને ભાષા પર તિબેટનું મિશ્રણ છે.
પણ ગામમાં ક્યાંય બહારના લોકો કે પર્યટકોને અડવા ન દેવાનું કારણ શું ? મલાણાવાસીઓ પોતાને શ્રેષ્ઠતમ અને ઉત્તમોતમ માને છે. કદાચ બહારના લોકો પોતાની જેટલા શ્રેષ્ઠ નથી એવી ગ્રંથિ સ્વીકારીને તેઓ કોઈને પોતાના ગામના ઘર, મંદિર, કલાકૃતિ કે સ્મારકને સ્પર્શ કરવા દેતા નથી. અનેક વિચિત્રતા અને વિશિષ્ટતાને લીધે પર્યટકોના ધાડેધાડા મલાણામાં ઊતરી આવે છે પણ તેમને ગામમાં રહેવા દેવાતા નથી. પર્યટકોએ ગામની બહાર રહેવું પડે છે અને એ પણ તંબુમાં. અન્યત્ર પર્યટન અર્થતંત્રનો પ્રાણવાયુ મનાતો હોય એ પર્યટકોના અછોવાના કરાય. પહેલું મલાણામાં તો કોઈ આગંતુક ઘર-મકાનને અડી જાય તો એક-બે હજાર દંડ પેટે વસૂલી લેવાય જ. અલબત્ત, ગામમાં ઠેર-ઠેર બોર્ડ લગાવાયા છે કે કયાંય અડવાની મનાઈ છે, નહિતર દંડ થશે. એક ધાર્મિક સ્થળ બહાર સ્પષ્ટ હિન્દીમાં લખાયું છે. “ઈસ પવિત્ર સ્થળ કો છુને પર એક હજાર રૂપિયા જુર્માના દેના પડેગા
અરે! પર્યટક કંઈ ખરીદી કરે તો દુકાનદાર હાથોહાથ આપવાને બદલે દુકાનની બહાર મૂકી દે. પર્યટકે રકમ પણ એ રીતે જ નીચે જમીન પર મૂકી દેવાની!
મલાણાના રિવાજા, સંસ્કૃતિ, નિયમો અને સર્વોચ્ચતા ગ્રંથિ સિવાય અહીંના ચરસ-ગાંજા ખૂબ વખણાય છે. અહીંની ચરસ માર્કેટ સૌથી નામચીન અને એકદમ મોંઘી છે. આનો શ્રેય ગુણવત્તાસભર સ્થાનિક તેમને અપાય છે. સ્થાનિક પોલીસ તંત્ર મલાણાવાસીઓને ભાંગની ખેતી કરતા રોકવા સતત પ્રયત્નશીલ રહે છે, પણ લાંબો સમય વીતવા છતાં પૂરેપૂરી સફળતા હજી કોશો દૂર લાગે છે. અહીંના ચરસ-ગાંજાની પરદેશમાં ખૂબ માંગ હોવાથી દાણચોરી ય થાય છે.
અને એક સમયે કોઈ માંદગીનો ઉપચાર કરવા માટે બાદશાહ અકબર મલાણા આવ્યો હતો. સાજા થઈ ગયાની ખુશીમાં તેણે મલાણા ગામને બધા કરવેરામાંથી મુક્તિ આપી હતી છે. છેમલાણાની તોલે આવે એવું અન્ય કોઈ ગામ ધ્યાનમાં?