ચેક એન્ડ મેટ
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે
આપણા કોઈ અંગત સંબંધો હોય કે સામાજિક સંબંધો, તેને સમૃદ્ધ રાખવા જરૂરી છે. વ્યવસાયિક સ્પર્ધા હોય કે રાજકારણના આટાપાટા દરેક ક્ષેત્રે સંઘર્ષ કરવો પડે છે. અહીં તો એક જ નિયમ જો જીતા વો હી સિકંદર- ચેક એન્ડ મેટની આ રમતમાં જેનો રાજા જીતે તે શૂરો.
પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમે શું નિર્ણય લો છો હારેલી બાજીને તમે જીતમાં કેવી રીતે પલટાવી શકો છો તે જ મહત્ત્વનું છે.
ગુજરાતના મહેસાણા અને વીસનગર જિલ્લામાં હમણાં રાજકીયપક્ષ લોકસેવા દળનો(કાલ્પનિક) પ્રભાવ ખૂબ હતો. પક્ષના લોકપ્રિય નેતા મનસુખ પટેલ યુવા કાર્યકરોને પક્ષમાં લઈને સ્થાનિક લોકોના જાહેરકામ કરતા હતા. મનસુખલાલ પટેલ એટલે યુવાજૂથના ગોડફાધર અને સંકટ સમયની સાંકળ.
એમ. કોમ. પ્રથમ વર્ગમાં પાસ કરીને મહેસાણાની એક કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતો મયંક સોની મનસુખભાઈનો જમણો હાથ ગણાય છે. પાર્ટીનું કોઈ પણ કામ, આગામી ચૂંટણીનો વ્યૂહ હોય, મનસુખલાલ હવે મયંક સાથે જ નકકી કરતા.
મનસુખલાલ પાર્ટી માટે પૈસાપાણીની જેમ વાપરતા અને ખૂબ મોટા ડોનેશન લાવી શકતા હતા. પણ,મયંક જેવા એક નવલોહિયાના હાથમાં આમ પાર્ટીની કમાન ચાલે અને પોતે સિનિયર હોવા છતાં ય મયંક કહે તેમ કરવાનું એ વાતે સિનિયર નેતા દુષ્યંત ભટ્ટ ખૂબ અસંતુષ્ટ થઈ ગયા હતા.
પાર્ટીની મહિલા કાર્યકર સોનાલી આસપાસના વિસ્તારોમાં જરૂરતમંદ લોકોના ઘરે જતી, ત્યાંના લોકોની ખાસ સ્ત્રીઓની સમસ્યાઓ વિષે જાણતી અને એ અંગે શું કરી શકાય તેની મનસુખલાલ જોડે ચર્ચા પણ કરતી.
એક જાહેર સભામાં સોનાલીના ભાષણે તો કમાલ કરી. ક્ધયાશિક્ષણ અને લઘુઉદ્યોગો વિષે સોનાલીના નવા વિચારોને લોકોએ તાળીઓ સાથે વધાવી લીધા. મનસુખલાલ મનોમન પોતાની રાજકુનેહ માટે પોરસાવા લાગ્યા અને વિચારવા લાગ્યા- ચીડિયા ચુલબુલી ભી હૈ ઔર અચ્છા ચહકતી ભી હૈ.
બીજી તરફ પાર્ટીના સિનિયર પણ અસંતુષ્ટ નેતા દુષ્યંત ભટ્ટનું શેતાની દિમાગ સચેત થઈ ગયું. તે વિચારવા લાગ્યા- આ ચૂંટણીમાં હું આ મનસુખીયાને એના જ દાવપેચમાં ફસાવીશ, એના જ કરતૂતો એને માથે મારીશ. આવા નવલોહિયાને કામે લગાડી એના કાળા કરતૂતો હું ઉઘાડા પાડીશ. આ સોનાલી મને કામ લાગશે.
સોનાલી તો આદર્શમાં રાચે છે, અને મનસુખના ખાસ માણસ મયંકને સાધવો મુશ્કેલ છે. એક વાર મયંક જે કહે તે કિંમત તેને ચૂકવી દઉ. મનસુખીયાને મહાત કરું એટલે-બસ પછી પાર્ટીનો બોસ હું જ.
પણ બે ત્રણ પ્રસંગ એવા બન્યા કે મનસુખભાઇ માટેનો મયંકનો અહોભાવ નષ્ટ થઇ ગયો.
નગર પાલિકાનું મકાન જૂનું થઈ ગયું હતું. સીલિંગમાંથી પોપડા ખરવા લાગ્યા હતા. નવા મકાન માટે જમીન ખરીદવાની વાતચીત ચાલતી હતી. લાગતા વળગતા લોકો એમાં એમનો ફાયદો ઉઠાવવાની તજવીજ કરી રહ્યા હતા. મનસુખભાઇએ પણ એમાં જંપલાવ્યું. એમના ફળદ્રુપ મગજમાં નવા નવા તુક્કા ઊભા થવા લાગ્યા હતા.
નગર પાલિકાએ પોતાના મકાન માટે એક પ્લોટ વિચારી રાખ્યો હતો. શહેરના બજાર પાસે આવેલા મંદિરને લગોલગનો પ્લોટ નગર પાલિકાની નજરમાં હતો. અત્યારના બજાર ભાવે પણ જો ખરીદવામાં આવે તો ય નગર પાલિકાને સસ્તામાં પડે તેવો હતો. એ માટેના વાટાધાટ શરૂ કરી દીધા હતા.
મનસુખભાઇને કાને આ વાત પહોંચી. શહેરના બસ ડેપો પાસેનો પ્લોટ નગર પાલિકાએ લેવો જોઈએ, એવી આગ્રહભરી વિનંતી કરી. મનસુખભાઇના મળતિયા અધિકારીઓએ એમાં સાદ
પુરાવ્યો.
મનસુખભાઇએ સૂચવેલો પ્લોટ લેવાનું નગર પાલિકાએ નક્કી કર્યું. એ માટેના જરૂરી દસ્તાવેજ તૈયાર કરાયા, સહી સીક્કા થયા. પેમેન્ટ ચુકવાયું. પ્લોટનો કબ્જો નગર પાલિકાએ લીધો. નવા મકાનના મેપ તૈયાર કરાયા ત્યારે ખબર પડી કે પ્લોટનો એરિયા જરૂરિયાત કરતા ઘણો નાનો છે. એટલે આજુબાજુના પ્લોટ પણ વેચાતા લેવા પડે. એ પ્લોટના માલિક મનસુખભાઇ જ નીકળ્યા.
મનસુખભાઇએ એ બધા પ્લોટ સાવ પાણીના ભાવે પંદર દિવસ પહેલાં જ ખરીદ્યા હતા. નગર પાલિકાના એ સોદામાં મનસુખભાઇને લાખો રૂપિયાનો ફાયદો થયો હતો.
મયંક વિચારમાં પડ્યો કે આવી કેવી લોક સેવા, જેમાં પોતાનો ફાયદો જ જોવાનો. રાજકીય પક્ષના નેતાએ તો નગરનું, લોકોનું ધ્યાન રાખવાનું હોય, નહીં કે પોતાનો ફાયદો.
પછી તો મનસુખલાલે એક સ્ત્રી પર કરેલો અત્યાચાર અને આવા ચાર પાંચ પ્રસંગો મયંકને જાણવા મળ્યા જેમાં મનસુખભાઈએ
પોતાનો રોટલો શેકી લીધો હોય. મહિલા નેતા સોનાલીએ કહેલી સત્ય હકીકત જાણીને મયંક સોની દુષ્યંત ભટ્ટને ગુપ્ત મદદ કરવા લાગ્યો.
ચૂંટણીમાં લોકસેવા પાર્ટીને બહુમતી તો મળી, મનસુખલાલ હાર્યા, તેમને આકરી સજા થઈ, હવે પાર્ટીઅધ્યક્ષ અને નાણામંત્રી તરીકે દુષ્યંત ભટ્ટ છે.
ચેક એન્ડ મેટની બાજીમાં જો જીતા વો સિકંદર.