ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશેઃ વેપાર નહીં, વેપાર કરવાની પદ્ધતિ બદલો

-સમીર જોશી

નાનપણમાં આપણે અકબર-બિરબલની વાર્તા સાંભળી છે, જેમાં બિરબલ શહેનશાહ અકબરની લાઈનની બાજુમાં મોટી લાઈન દોરી અકબરની લાઈન નાની કરે છે.

ઘણા લોકો નકારાત્મક અભિગમથી વેપાર કરતા હોય છે. એમાંય જ્યારથી ઑનલાઇન શોપિંગનું ચલણ વધ્યું છે ત્યારથી લોકલ વેપારીઓ આવો અભિગમ વધુ અપનાવતા થઈ ગયા છે. વારે-તહેવારે પોતે લોકોને મદદ કરે છે અને ઑનલાઈનવાળા એ નથી કરતા એવું દર્શાવતા મેસેજો મોકલે છે.

શું ધંધો આમ બીજાની લીટી નાની કરી થઈ શકે? જીવનના કોઈ પણ તબક્કે માણસે જો આગળ આવવું હોય તો પોતાની લીટી મોટી કરવી જોઈએ- ન કે બીજાની નાની કરવી.

અમુક પ્રશ્નો આપણે પોતાને પૂછવાના છે. શું આપણે આપણા આજના કન્ઝ્યુમરને સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો?
આટલાં વર્ષોથી તમારા એરિયામાં રહેતો તમારો ઘરાક શા માટે ઑનલાઈન ખરીદવા લાગ્યો તે વિશે વિચાર કરવો જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ઘરાક ઑનલાઈન માલ કેમ ખરીદે છે. જેમ આપણે વેપાર કરીએ છીએ બે પૈસા કમાવા માટે તેમ ઘરાક પણ પોતાના બે પૈસા કેવી રીતે બચશે તેનો વિચાર કરે એ સ્વાભાવિક છે અને એ તો એને જ્યાં ફાયદો જણાશે ત્યાં એ પહેલો જશે.

આજનો ઘરાક વેરાઈટીમાં માને છે, એક્સપેરિમેંટમાં માને છે. એ નવા નવા ઑપ્સન્સ ગોતશે પછી એ ફૅશન હોય કે ખાદ્ય પદાર્થ… આજનો ઘરાક એમાંય પતિ-પત્ની બંને પ્રોફેશનલ છે અને ખરીદી માટે સમય નથી તેથી એ એવી જગ્યાએ જશે જ્યાં એ પોતાના સમયે ખરીદી કરી શકે અને હોમ ડિલિવરીને પ્રાધાન્ય મળે. એટલું જ નહીં, આજનો ઘરાક માલ ન ગમે તો તરત પાછો આપતાં ખચકાશે નહી સાથે અપેક્ષા પણ રાખશે કે દુકાનદાર સામા પ્રશ્ર્ન પણ ન કરે.

આજનો ઘરાક રિવ્યુઝ જોશે પછી માલ ખરીદશે. એને પેમેન્ટમાં સુગમતા છે. એની પાસે ઑનલાઈન, કેશ ઑન ડિલિવરી, ક્રેડિટ કાર્ડ વગેરેની સુવિધા છે. આ સુવિધા જે આપશે એની સાથે એ ડીલ કરશે-વ્યવહાર કરશે.

સૌથી અગત્યનું એ કે આજનો ઘરાક જોશે કે ક્યાં સારી ડીલ મળી રહી છે. જે ઑનલાઈન સાઇટ એને બેસ્ટ રેટ, વેલ્યૂ એડિશન, ફ્રી ડિલિવરી આપશે ત્યાંથી એ ખરીદશે. આથી સ્પર્ધા ફક્ત સ્થાનિક વેપારી સાથે નથી, પણ ઑનલાઇન પ્લેયરોમાં પણ અંદર અંદર મોટી સ્પર્ધા છે.

હવે સ્થાનિક વિક્રેતા માટે પ્રશ્ર્ન તે છે કે મેં મારા એરિયાના ઘરાકને રિઝવવા કયા પ્રયત્નો કર્યા? કહેવાનું તાત્પર્ય તે નથી કે તમે કશું વિચાર્યું નથી, પણ આજનો જમાનો આઉટ ઑફ બૉક્સ થિંકિંગનો છે. આપણે આપણો ધંધો કરવાની પદ્ધતિ બદલાવવી પડશે.

ઑનલાઈનના પાસાને ધ્યાનથી સમજો અને તેના પર કામ કરવાની શરૂઆત કરો. જો ૧૦માંથી ૬ ચીજ પણ તમે આપી શકશો તો ઘરાક બીજી ૪ ચીજોને અવગણી તમને ચોક્કસ સાથ આપશે. જે વાત આજે ક્વિક કૉમર્સ કરી રહી છે તે લોકલ વેપારીઓએ કરવાની જરૂર હતી.

ઑનલાઈનમાં ઘરાકને એક જ જગ્યાએ બધી ચીજ મળી જાય છે. અલગ અલગ જગ્યાએ નથી જવું પડતું તો તમે પણ કેમ એક મિનિ પ્લૅટફૉર્મ તમારા એરિયાનું ન બનાવો?! બધા મળી એક ઑનલાઇન એપ તૈયાર કરો, જેના થકી તમારો ઘરાક તમને ઑનલાઇન ઑર્ડર આપી શકે. આનાથી ઘરાકને જીવન જરૂરિયાતની બધી ચીજો એક જ જગ્યાએ મળી જશે.

ગ્રાહકને વેરાઇટી જોઈએ છે. તમે જો ઑનલાઈન હશો તો તમારે જરૂરિયાત પ્રમાણે અમુક માલ મગાવવામાં વાંધો નહી આવે. નાના-મોટા ટાઈ-અપ દ્વારા ઘરાકને જોઈતી વસ્તુઓ પૂરી પાડો.

વાત રહી પેમેન્ટ મેથડની, જે ઘણી નાની વાત છે તે તમે આજની તારીખે પણ અપનાવી હશે. એપ હશે તેથી ઘરાક જે સમયે ચાહે તે સમયે ઑર્ડર આપી શકશે પછી તે દિવસ હોય કે રાત. હોમ ડિલિવરી તો તમે આજે પણ કરો છો તો તે પ્રશ્ર્ન પણ સારી રીતે હલ થઈ જશે.

Also Read – ટૅક વ્યૂહ : ગૂગલને હંફાવવા આવી ગયા છે બે હરીફ …!

સૌથી અગત્યનું જે ઑનલાઈન નથી કરી શકતું એ તમે કરી શકો છો. એમાં તમારો હાથ ઉપર છે એટલે કે તમે ગ્રાહકથી નજીક છો, જ્યારે ઑનલાઈનવાળા એનાથી દૂર છે. તમારો ચહેરો એણે જોયો છે, તમને ઓળખે છે જ્યારે ઑનલાઈન પર કોણ વેચે છે તેની ગ્રાહકને જાણ નથી. જો ગ્રાહકને કોઈ વસ્તુ પ્રત્યક્ષ જોવી હશે તો એ તમારે ત્યાં જોઈ શકશે, જે ઑનલાઈનમાં શક્ય નથી. આવા બધા મુદ્દા ગ્રાહકને સમજાવી-હાઈલાઈટ કરી ભાવનાત્મક રીતે પણ ઘરાકને તમારી તરફ ખેંચી શકશો.

તમારી એપની માહિતી ગ્રાહક સુધી પહોંચાડો. આજુબાજુની સોસાઇટીના સભ્યોની એક મીટિંગ બોલાવો, એમના પ્રોબ્લેમ્સ જાણો અને એને સોલ્વ કરવાનું આશ્ર્વાસન આપો. એને તમારી એપના મેમ્બર બનવાનું કહી તેના પર ઑર્ડર આપવા પ્રેરિત કરો. તમે ગ્રાહક માટે એની મનગમતી ઑનલાઈન પ્રક્રિયા અપનાવી છે એના ફાયદા વિશે એને માહિતગાર કરો.

આ બધા વચ્ચે, દર અઠવાડિયે કે મહિને નાનાં-મોટાં પ્રમોશન, સ્કિમ યોજો, જે રીતે ઑનલાઈનવાળા કરે છે એવા ફ્લેશ સેલ, એક પર એક ફ્રી, હેપી અવર્સ, મિડ વીક-ડે વગેરે તરીકા અજમાવી ગ્રાહકને ઍંગેજ કરો. આવી ઘણી નવી નવી વાત વિચારવી તમારી લીટીને મોટી કરી ઘરાકને તમારી તરફ આકર્ષો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button