ત્રિવેણી સંગમ: કુંભથી લઈને `ગ્રેમી’ સુધી!
અમદાવાદ- IIMનો અભ્યાસ કરનારાં ચન્દ્રિકા ટંડને સંગીતમાં મેળવ્યું શીર્ષસ્થ સન્માન

કેન્વાસ -અભિમન્યુ મોદી
અત્યારે બહુધા ભારતીયોનું હાલપૂરતું લક્ષ્ય છે – ત્રિવેણી સંગમ. કુંભમાં જઈને ત્રણ નદીઓના સંગમસ્થાને ડૂબકી લગાવવી, સ્નાન કરવું અને પુણ્ય કમાવવું ને જન્મારો સફળ કરવો.
ત્રિવેણી સંગમ માટે ઉત્તરપ્રદેશ જવું પડે, પરંતુ ત્રિવેણીએ અમેરિકામાં પણ જયજયકાર બોલાવ્યો. 71 વર્ષીય મૂળ તો ભારતીય ગણાય એવાં ગાયિકા-ઉદ્યોગપતિ અને ફિલાન્થ્રોપિસ્ટ (દાનવીર) તરીકે જાણીતાં ચંદ્રિકા ટંડને ગ્રેમી' એવોર્ડ જીત્યો છે. મ્યુઝિકની દુનિયાનો
ઓસ્કાર’ એટલે ગ્રેમી. લોસ એન્જલસમાં આયોજિત 67મા ગ્રેમી એવોર્ડ્સમાં એમના આલ્બમ ત્રિવેણી'ને
બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ એન્ડ ચાન્ટ આલ્બમ’ કેટેગરીમાં એવોર્ડ મળ્યો.
સંગીત માટે `ગ્રેમી’ જેવો એફવોર્ડ મળવો એ આમ પણ અલ્ટિમેટ ઘટના ગણાય. કોઈ પણ સંગીતકારનું તે સપનું હોય છે. આ કોઈ સામાન્ય જીત નથી આ ભારતીય સંગીત અને સંસ્કૃતિ માટેની યાદગાર ક્ષણ છે, કારણ કે ચંદ્રિકા ટંડને એમના સહયોગીઓ – દક્ષિણ આફ્રિકાના વાંસળીવાદક વાઉટર કેલરમેન્સ અને જાપાની સેલિસ્ટ એરુ માત્સુમોટો સાથે એમના સાત ટે્રકના આલ્બમ દ્વારા પ્રાચીન વૈદિક મંત્રોને જીવંત બનાવ્યા છે..
ચેન્નાઈમાં જન્મેલાં – ઊછરેલાં ચંદ્રિકા એવા પરિવારમાંથી આવે છે જે શિક્ષણ અને સંસ્કૃતિને ખૂબ મહત્ત્વ આપે છે. બહુ ઓછા લોકો જાણે છે કે એ પેપ્સિકો’ના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂયીનાં મોટાં બહેન છે.. ચંદ્રિકાનું શિક્ષણ મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાં થયું હતું. શરૂઆતમાં એ કાયદાનો અભ્યાસ કરવા માંગતાં હતાં, પરંતુ એક પ્રોફેસરે એમને બિઝનેસ સ્ટડિઝનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યાં. આના કારણે એમને પ્રતિષ્ઠિતઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ અમદાવાદ (IIM-A)’ માં પ્રવેશ મળ્યો, એ વખતે ત્યાં ફક્ત આઠ જ યુવતીને એડમિશન મળેલું, તેમાંથી ચંદ્રિકા એક હતાં. ચંદ્રિકા ગુજરાતમાં અમુક વર્ષ સુધી રહ્યાં છે.
લેબનીઝ ગૃહયુદ્ધનાં અરાજકતા ભરેલાં વર્ષો દરમિયાન, એમણે લેબનોનના બૈરૂતની સિટી બૅન્કમાં વ્યવસાયી કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં, 1992માં, એમણે `ટંડન કૅપિટલ ઍસોસિયેટ્સ’ની સ્થાપના કરી, જે એક નાણાકીય સલાહકાર પેઢી છે. ચંદ્રિકાજીએ ચેઝ મેનહટન કૉર્પોરેશન, બૅન્ક ઑફ અમેરિકા અને ABN AMRO સહિત બૅન્કિંગ જગતની કેટલીક મોટી સંસ્થાઓ સાથે કામ કર્યું છે. કૉર્પોરેટ જગતમાં એમની સફળતા અભૂતપૂર્વ હતી. ન્યૂ યૉર્ક સિટીની અગ્રણી ક્નસલ્ટિંગ ફર્મ મેકક્નિસે એન્ડ કંપનીમાં ભાગીદાર બનનારાં એ પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા હતાં જોકે, અનેક વ્યવસાયી સિદ્ધિઓ મેળવવાં છતાં, સંગીત જ એમનો મુખ્ય લગાવ રહ્યો.
કૉર્પોરેટ કરિઅર ઉપરાંત, ચંદ્રિકા એમનાં પરોપકારી કાર્યો માટે પણ જાણીતાં છે. 2015માં, એમણે અને એમના પતિ રંજન ટંડને ન્યૂ યૉર્ક યુનિવર્સિટી સ્કૂલ ઑફ એન્જિનિયરિગ'ને 100 મિલિયન ડૉલરનું દાન આપ્યું હતું, જેનું નામ પાછળથી એમના માનમાં
NYU ટંડન સ્કૂલ ઑફ એન્જિનિયરિગ’ રાખવામાં આવ્યું. 2004માં એમણે `કૃષ્ણમૂર્તિ ટંડન ફાઉન્ડેશન’ની સ્થાપના પણ કરી, જે કલા, શિક્ષણ અને સમુદાયના ડેવલપમેન્ટ માટે સહાય આપે છે. એમના યોગદાનથી અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન, યેલ યુનિવર્સિટી અને બર્કલી કૉલેજ ઑફ મ્યુઝિક સહિત વિવિધ સંસ્થાઓને ટેકો મળ્યો છે.
આટલાં બધાં કામ વચ્ચે સંગીત ક્યાં આવ્યું?
ચંદ્રિકા ટંડન એક એવા પરિવારમાં ઊછર્યાં છે, જ્યાં પરંપરાગત ભારતીય સંગીતનું મૂલ્ય ઘણું હતું. એ અને એમની બહેન ઇન્દ્રા નૂયી નાનપણથી જ કર્ણાટકી સંગીત અને વૈદિક મંત્રોચ્ચાર સાંભળતાં. બાદમાં એમણે શાસ્ત્રીય ગાયિકા શુભ્રા ગુહા અને ગાયક ગિરીશ વઝલવારના માર્ગદર્શન હેઠળ સંગીત શીખવાની શરૂઆત કરી.
ચંદ્રિકા ટંડનના ગ્રેમી-વિનિંગ આલ્બમ `ત્રિવેણી’નું નામ ત્રણ પવિત્ર ભારતીય નદી ગંગા-યમુના અને સરસ્વતીના સંગમ પરથી રાખવામાં આવ્યું છે. આ આલ્બમમાં સાત ટે્રક છે, જે પ્રાચીન ભારતીય મંત્રોનું સમકાલીન સંગીત શૈલીઓની સાથે ફ્યુઝન છે. આ સાતેય ટે્રકનાં ગીત સાંભળીને શ્રોતાને આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે.
ગ્રેમી' એવોર્ડ સ્વીકારતી વખતે ચંદ્રિકા ટંડને સુંદર રીતે સંગીત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં કહ્યું:
સંગીત પ્રેમ છે, સંગીત પ્રકાશ છે અને સંગીત હાસ્ય છે. ચાલો, આપણે બધા પ્રેમ-પ્રકાશ અને હાસ્યથી ઘેરાયેલા રહીએ. સંગીતનો આભાર અને સંગીત બનાવનારા દરેકનો આભાર.’
રસપ્રદ વાત એ છે કે, ચંદ્રિકા ટંડનની આ પહેલી ગ્રેમી’ ઇવેન્ટ ન હતી. 2010માં એમના આલ્બમ:ઓમ નમો નારાયણ: સોલ કોલ’ માટે બેસ્ટ ક્નટેમ્પરી વર્લ્ડ મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં નામાંકિત કરવામાં આવ્યા હતા. ભલે તે વખતે એમને એવોર્ડ મળ્યો ન હતો, પરંતુ એમની સંગીત પ્રત્યેની અવિરત ચાહતને કારણે એમને 2024માં `ગ્રેમી’ મળ્યો.
આ વર્ષે, ચંદ્રિકા ટંડનનો મુકાબલો ભારતીય સિતારવાદક અનુષ્કા શંકર, રિકી કેજ, સ્વર્ગસ્થ જાપાનીઝ ઉસ્તાદ ર્યુઇચી સાકામોટો અને રાશિકા વેકરિયા જેવા સશક્ત કલાકારો સામે હતો. સ્પર્ધા બહુ કઠિન હતી, છતાં ચંદ્રિકા આવા દિગ્ગજો સામે જીત્યાં એની વિશેષ નોંધ લેવામાં આવી છે.
આમ જુવો તો ચંદ્રિકા ટંડનની કહાની ફક્ત ગ્રેમી’ એવોર્ડ પૂરતી સીમિત નથી. એ હાથમાં લીધેલું પ્રત્યેક કામ ઉત્કંટતા સાથે કરે છે પછી એ બૅન્કિંગથી લઈને એનજીઓ સુધી અને હવે સંગીત સુધી કેમ ન હોય..! ગ્રેમી’ એવોર્ડની આ જીત સાથે એ પ્રાચીન ભારતીય સંગીતને વૈશ્વિક મંચ પર લઈ આવ્યાં છે..