સાવધાન! ‘સ્વદેશી’ ની આડમાં વિદેશીઓ કરી રહ્યા છે સાયબર અપરાધ
વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ રિસર્ચના અહેવાલ અનુસાર સાયબર ફ્રોડના મામલામાં ભારત ૧૦માં સ્થાન પર
વિચાર-વિમર્શ -ઉત્કર્ષ મહેતા
સાયબર અપરાધની ઘટનાઓ દેશમાં વધતી જાય છે. ભારત સરકારે ૮૦૦થી વધુ શંકાસ્પદ એપ્સ પર પ્રતિબંધ લાદી દીધો છે. જોકે, ચોરને ચાર આંખો હોય છે. સાયબર ગૂનેગારો હવે નવો પેંતરો રચી રહ્યા છે. થોડા દિવસો બાદ ૧૫મી ઑગસ્ટ-સ્વાતંત્ર્ય દિવસ આવે છે. અગાઉ ચૂંટણીનો માહોલ હતો. આ દિવસોમાં કાશ્મીરમાં ઘૂસપેઠ અને આતંકી હુમલા વધી ગયા છે. સૈનિકો શહીદ થઇ ગયા છે. આવામાં સાયબર નિષ્ણાતોનું કહેવું છે કે આ બધી ઘટનાઓનો સાઇબર અપરાધીઓ ફાયદો ઉઠાવી શકે છે. મોબાઇલ અને સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ પર ભારતમાં નિર્મિત અનેક ‘એપ્સ’ના પૂર આવવા લાગશે. ભારતીયતા અને રાષ્ટ્રીય એકતાના નામ પર વિવિધ પ્રકારના ચિન્હ, અને ઝંડા લાગ્યા હોય તેવી એપ્સ ડાઉનલોડ કરવા માટે પ્રેરિત કરવામાં આવશે. એવી દલીલ કરવામાં આવશે કે આ બધી ભારતમાં નિર્મિત સ્વદેશી એપ્સ છે. ભારતીય હોવાના કારણે આપને હક છે કે વધુમાં વધુ સ્વદેશી એપ્સ ડાઉનલોડ કરીને તેનો વધારે ઉપયોગ કરો. જેવા તમે આ જાળમાં ફસાયા સાઇબર ક્રાઇમનો શિકાર બની જાશો. વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ રિસર્ચના અહેવાલ અનુસાર સાઇબર ફ્રોડના મામલામાં ભારત ૧૦માં સ્થાન
પર છે.
શંકાસ્પદ એપ્સનું
ચીન કનેક્શન
એક સાયબર નિષ્ણાતનું કહેવું છે કે રાષ્ટ્રીયતા અને સ્વદેશીનો દાવો
કરનારા કથિત સ્પોન્સર્સ દ્વારા રજૂ કરાયેલા એપ્સમાંથી મોટા ભાગના બનાવટી હોય છે. આ ઍપ્સ ચીન, વિયેટનામ, બાંગ્લાદેશ, પાકિસ્તાન તુર્કી, ફિલિપાઇન્સ,કેન્યા અને દુબઇથી ઓપરેટ થઇ રહ્યા છે. આમાંથી વધુમાં વધુ એપ્સ કોઇને કોઇ રીતે ચીન સાથે સંકળાયેલા જોવા મળ્યા છે. આ કથિત એપ્સ સ્વદેશી અને રાષ્ટ્રીયતાની આડમાં લોકોના ડેટા ચોરી લે છે. લોકોને ઓનલાઇન સાયબર ફ્રોડનો શિકાર બનાવી રહ્યા છે. હેકીંગ, સ્ટોકિંગ, સ્મેશિંગ અને બ્લેકમેઇલ કરી રહ્યા છે.
આંખો મીંચીને એપ્સ ડાઉનલોડ ન કરો
સાયબર નિષ્ણાતો કોઇ પણ શંકાસ્પદ એપ્સને આંખો મીચીને ડાઉનલોડ કરવાની સલાહ નથી આપતું. આની આડમાં હૈકર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ડેટા ચોરી કરીને સાયબર ક્રાઇમ કરી રહ્યા છે. કોરોના બાદ ભરાતમાં ચીની ઍપ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એ પછી રાષ્ટ્રીયતા અને ભારત નિર્મિત એપ્સના નામ પર રોજના સેંકડો એપ્સ લૉન્ચ કરવામાં આવે છે. જેમાંના કેટલાય બનાવટી એપ્સ છે.
નિષ્ણાતો શું કહે છે?
એક નિષ્ણાતના કહેવા પ્રમાણે સરકાર દ્વારા ચીન સહિત બીજા કેટલાક દેશોની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મુકાયા બાદ સ્ટાર્ટઅપ્સ કંપનીઓ સ્વદેશી ટેક્નિક અને સ્વદેશી બ્રાન્ડના નામ પર વિવિધ પ્રકારની એપ્સ બનાવી રહી છે.વપરાશકર્તા (યૂઝર્સ) વચ્ચે પ્રખ્યાત હોવાના કારણે સુરક્ષાના મુદ્દાાઓને નજર અંદાજ કરવામાં આવે છે, જેનો ફાયદો હેકર્સ ઉઠાવે છે. તેઓ આ એપ્સની મદદથી યૂઝર્સ સુધી પહોંચે છે. લોકોની ખાનગી માહિતી લઇને સાયબર ક્રાઇમ આચરે છે. આઇટી મિનિસ્ટ્રીએ આવી એપ્સને નિયંત્રિત કરવા માટે સખત રેગ્યુલેટરી ઓથોરિટી બનાવવી જોઇએ જે ભારતમાં બનેલી બધી એપ્સ પર નજર રાખીને ભારત સરકારને અહેવાલ આપી શકે. એવી પણ શંકા દર્શાવાઇ રહી છે કે કેટલીક મોબાઇલ એપ્સ કંપનીઓ કથિત રીતે પ્રલોભનોમાં ફસાઇને વિદેશી કંપનીઓને પોતાનો ડેટા મોકલી
રહી છે.
મુંબઇ પોલીસના સાયબર નિષ્ણાત વિવેક તાંબે કહે છે કે મોબાઇલ કે અન્ય ડિજિટલ સાઇટ્સ પર પોપ-અપ થતી કોઇ પણ એપની પૂરી તપાસ કર્યા વગર ડાઉનલોડ ન કરો. અન્યથા તમે સ્વદેશી એપના ચક્કરમાં ઓનલાઇન ઠગાઇના શિકાર બની શકો છો. બીજા એક સાઇબર પોલીસ અધિકારી પ્રકાશ જાધવના જણાવ્યા પ્રમાણે ‘ડેટા પ્રોટેક્શન ઍક્ટ’ લાગુ ન થવાને કારણે મોબાઇલ એપ્સ પર કોઇ કાયદાકીય નજર રાખવાની વ્યવસ્થા નથી. આવા સંજોગોમાં યૂઝર્સે ઘણી સતર્કતા રાખવી જોઇએ.
સાયબર પોલીસે બચાવ્યા કરોડો રૂપિયા
સાયબર પોલીસે હેલ્પલાઇન નંબર ૧૯૩૦ના માધ્યમથી ૧૦૦.૮૫ કરોડ રૂપિયા સાયબર ગૂનેગારોના ખાતામાં જતા રોક્યા છે. પાછલા સાત મહિનામાં સાત મહિનામાં થયેલી સાયબર અપરાધની ઘટનાઓની તપાસ બાદ આ સફળતા મળી છે. મુંબઇ પોલીસ અનુસાર જાન્યુઆરથી અત્યાર સુધીમાં સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કુલ ૩૫,૯૧૮ ફરિયાદો પ્રાપ્ત થઇ છે. એમાં શેર ટ્રેડિંગ, રોકાણ, ફેડેક્સ અને અન્ય કૂરિયર વિશ્ર્વાસઘાત અને ડિજિટલ ધરપકડ સમેત અનેક પ્રકારની છેતરપિંડીની ફરિયાદો સામેલ છે. આવી ઘટનાઓ બને ત્યારે તરત જ હેલ્પલાઇન નંબર પર જાણકારી આપતા લોકોની પોલીસે પ્રશંસા પણ કરી હતી. વેળાસર જાણકારી મળતા પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.આનાથી સંબંધિત બૅન્કો અને નોડલ અધિકારીઓ સાથે ઝડપથી સમન્વય અને ફોલોઅપ કરવામાં મદદ મળે છે.
બનાવટી સ્વદેશી એપ્સથી કેવી રીતે બચવું?
*સ્વદેશી અને રાષ્ટ્રિયતાનો દાવો કરતી એપ્સથી સાવધાન રહો.
*પ્લે સ્ટોર અને બીજી અધિકૃત જગ્યાઓથી જ એપ ડાઉન લોડ કરો.
*લોકોના રિવ્યૂ અને ટિપ્પણી પર પણ ધ્યાન રાખો.
*ભાવનાઓમાં બહેકી ન જાવ. શંકાસ્પદ એપને સ્વદેશી સમજીને ડાઉનલોડ કરવાથી બચો.