ઉત્સવ

કેન્વાસ: ૨૬/૧૧ના સોળ વર્ષ … ક્યાં છે આજે એ આતંકીઓ?

-અભિમન્યુ મોદી

૨૬/૧૧ના મુંબઈની તાજ મહલ હોટેલ અને રેલવે સ્ટેશન પરના આતંકવાદી હુમલાઓ ભારત ક્યારેય ભૂલી શકવાનું નથી. સોળ વર્ષ પહેલાં, ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ, પાકિસ્તાન સ્થિત ‘લશ્કર-એ-તૈયબા’ ના દસ આતંકવાદીએ સમગ્ર મુંબઈમાં આતંકનું હિંસાત્મક તોફાન પેદા કર્યું હતું, જેમાં ૧૬૬ લોકો માર્યા ગયા એમાં અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ વીરગતિ પામ્યા હતા અને ૩૦૦થી વધુ ઘાયલ થયા હતા. આ આતંક-કાંડે માત્ર મુંબઈને જ નહીં, સમગ્ર દેશ-દુનિયાને હચમચાવી નાખ્યું હતું.

સોળ વર્ષ પછી પણ ભારત માર્યા ગયેલા નિર્દોષ લોકોને યાદ કરે છે અને સુરક્ષા દળોની બહાદુરીનું સન્માન કરે છે. જોકે, તે કારમી રાતના ઘાવ હજુ તાજા છે, કારણ કે હજુ પણ એ કાંડના ભોગ બનેલાને સંપૂર્ણ ન્યાય મળ્યો નથી.

લિયોપોલ્ડ કાફે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને તાજ હોટેલ પર હુમલો કરનારા આતંકીઓ આજે ક્યાં છે?
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે અંધાધૂંધ ગોળીબાર કરનાર હુમલાખોર અજમલ કસાબનો ચહેરો આજે પણ દરેક ભારતીયની નજર સામે તરવરે છે.

મુંબઈ પર ત્રાટકેલા દસ આતંકવાદીમાંથી અજમલ કસાબ એકમાત્ર જીવિત ઝડપાયો હતો. પાછળથી કસાબે એની જુબાનીમાં સ્વીકાર્યું હતું કે એને ‘એલઇટી’ દ્વારા પાકિસ્તાનમાં સઘન તાલીમ આપવામાં આવી હતી.

આવા કસાબને ૨૦૧૦માં હત્યા અને ભારતના સાર્વભૌમત્વ ઉપર આક્રમણ કરવા જેવા કુલ મળીને ૮૬ ગુનામાં આરોપી ઠેરવીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ઉચ્ચ અદાલતો અને રાષ્ટ્રપતિ દ્વારા એની દયાની અપીલ ફગાવી દેવામાં આવી પછી કસાબને ૨૧CR નવેમ્બર, ૨૦૧૨ના રોજ પૂણેમાં ફાંસીએ ઝુલાવી દેવામાં આવ્યો હતો. એના કેસમાં ત્વરિત કાર્યવાહી કરવામાં આવી, પરંતુ અન્ય ઘણા ગુનેગારો હજુ પણ આપણી પહોંચની બહાર છે.

(એમાંથી કેટલાક કાં તો હજુ ત્યાંના શાસકોની કૃપા હેઠળ ત્યાં લપાયા છે અથવા તો કોઈ મુસ્લિમ દેશોમાં સરકી ગયા છે )
સૈયદ ઝબીઉદ્દીન અંસારી ઉર્ફે અબુ જુંદાલે કરાચીના કંટ્રોલ રૂમમાંથી હુમલાનું સંકલન કર્યું હતું. એણે ઈન્ટરનેટ કોલ્સ દ્વારા રિયલ ટાઈમમાં આતંકવાદીઓને સૂચનાઓ આપી હતી. ૨૦૧૨માં ધરપકડ થઈ એ જુંદાલ મુંબઈની આર્થર રોડ જેલમાં કેદ છે, પરંતુ એનો કેસ વર્ષોથી અટકી પડ્યો છે.

પાકિસ્તાની-અમેરિકન ડેવિડ હેડલીએ ‘લશ્કર-એ-તૈયબા’ માટે જાસૂસી મિશન હાથ ધરીને હુમલાની યોજના બનાવવામાં મદદ કરી હતી. એણે તાજ મહલ હોટેલ અને ઓબેરોય ટ્રાઈડેન્ટ જેવા મુખ્ય સ્થળનો સર્વે -રેકી કરી હતી. ૨૦૧૩માં અમેરિકન કોર્ટે એને ૩૫ વર્ષની જેલની સજા સંભળાવી હતી. ભારતની વિનંતીઓ, છતાં અમેરિકા એને ભારતને સોંપતી નથી.

હેડલીના સાથી તહવ્વુર રાણા પર હુમલા માટે નાણાં પૂરાં પાડવા અને લોજિસ્ટિકલ સપોર્ટ આપવાનો આરોપ છે. એ મુંબઈના ‘યહૂદી ચાબડ હાઉસ’ અને ભારતની નેશનલ ડિફેન્સ કોલેજ પર વધારાના હુમલાનું કાવતરું ઘડવા માટે પણ વોન્ટેડ છે. ૨૦૨૦માં યુ.એસ.માં ધરપકડ કરવામાં આવી હોવા છતાં રાણા ભારતમાં પ્રત્યાર્પણ સામે લડી રહ્યો છે અને પોતાને ભારત મોકલવામાં ન આવે તેના માટે અમેરિકન ન્યાયતંત્ર સામે કમર કસી રહ્યો છે.

Also Read – કવર સ્ટોરી: મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રીપદનું કોકડું કેમ ગૂંચવાયું?

‘લશ્કર-એ-તૈયબા’ના સહ-સ્થાપક અને કથિત માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ પાકિસ્તાનમાં આશરો લઈ રહ્યો છે. આતંકવાદીઓને નાણાં પૂરાં પાડવાં બદલ એને ૭૮ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હોવા છતાં ભારતની પ્રત્યાર્પણની વિનંતીઓ અનુત્તર રહી છે. હુમલાના વૈચારિક અને ઓપરેશનલ લીડર તરીકે સઈદની ભૂમિકા મોટી હતી છતાં પણ પાકિસ્તાનમાં એને પૂરતી સુરક્ષા આપવામાં આવી રહી છે.

મુખ્ય આતંકી એવા સાજિદ મીરે હુમલાઓની તૈયારીઓનું નિર્દેશન કર્યું અને ડેવિડ હેડલીના જાસૂસી મિશનનું સંચાલન કર્યું. પાકિસ્તાનમાં સત્તાવાર રીતે જેલમાં બંધ હોવા છતાં મીરની સ્થિતિ રહસ્યમયી છે. તાજેતરના અહેવાલો મુજબ એને ઝેર આપવામાં આવ્યું હતું અને એ લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો, જો કે કેટલાક માને છે કે આ વાર્તા ઘડવામાં આવી રહી છે, કારણ કે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય દબાણ અને બદનામી ટાળવી છે.

૨૬/૧૧ના હુમલાએ ભારતને તેની આતંકવાદ વિરોધી વ્યૂહરચના બદલવાની ફરજ પાડી, જેના કારણે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) જેવાં વિશેષ દળોની રચના થઈ અને ગુપ્તચર એજન્સીઓ વચ્ચેનું સંકલન બહેતર થયું. જો કે, પાકિસ્તાન તરફથી ભારતને કોઈ પણ પ્રકારે સહકાર મળી રહ્યો નથી તે પણ નોંધવું રહ્યું.

આ નવેમ્બર મહિનામાં આપણાં રાષ્ટ્રપતિ અને સરંક્ષણ પ્રધાન અને બીજા નેતાઓએ પણ મૃતકોને યાદ કર્યા, પરંતુ મૃતકોના પરિવારને એવું લાગતું નથી કે એમને ન્યાય મળ્યો, કારણ કે ઘણા ગુનેગારો રાજકીય અને પ્રણાલીગત અવરોધોને કારણે મુક્ત થઈ જાય છે અથવા અમુક ભારતની પકડમાં આવતા નથી.

૨૬/૧૧નો હુમલો માત્ર મુંબઈ પરનો હુમલો નહોતો, પરંતુ ભારત જેવા એક રાષ્ટ્ર પર હુમલો હતો. તાજ હોટેલ હોય કે સંસદ ભવન, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર હોય કે મુંબઈ ટ્રેનોમાં થયેલા બ્લાસ્ટ-આ બધા આતંકી હુમલાઓ ભૂતકાળના ભારતની નબળાઈઓની સાબિતી છે અને આતંકવાદનો આકરો જવાબ ભારતે આપવો રહ્યો તેની રિમાઈન્ડર પણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button