કેનવાસ : ટોળામાંથી ધણ થવામાં બહુ વાર લાગતી નથી! સંઘભાવનાનો જાદુ અનેરો છે

-અભિમન્યુ મોદી
2006 : સ્થળ આર્જેન્ટિનાનું પાટનગર બ્યૂનસ આયર્સ. આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશનની જગ્યા જ્યાં મેસી જેવા મહાન ખેલાડીએ ટ્રેનિંગ લીધી છે ત્યાં બીજે દિવસે જે અતિ મહત્ત્વની મેચ રમાવાની હતી તેની સ્ટ્રેટેજી ખેલાડીઓ વચ્ચે બંધ બારણે પ્લાન આઉટ થઇ રહી. ત્યાં ટકોરા સંભળાયા. ટીમના કોચે દરવાજો ખોલ્યો. જોયું તો એક નાનકડો છોકરો હતો, એનું નામ હતું જુઆન. એ કોચને કહે કે એ બધાને મળવા આવ્યો છે અને બધા ખેલાડીઓને ચર્ચ લઇ જવા માગે છે. કોચે હસીને શાંતિથી જવાબ આપ્યો કે આભાર, પણ અત્યારે ચર્ચ જવાનો સમય નથી. પણ એ બાળકે હઠ પકડી કે ના, તમે બધા મારી સાથે ચર્ચ આવો… કોચ તો પણ ન માન્યો તો પેલા છોકરાએ બહુ અચરજભરી વાત કરી કે મારા પર વિશ્વાસ રાખો. બધા ખેલાડીઓ મારી સાથે ચર્ચ આવશે અને અહીં એના રૂમ પર પરત ફરી રહ્યા હશે ત્યારે અમુક ખેલાડીઓ દેખતા થઇ જશે. આવું સાંભળીને એક ખેલાડી ઊભો થયો ને કડક ટોનમાં કહ્યું, કે જો હું તારી સાથે ચર્ચ આવું અને દેખતો થઇ જઉં તો આવતીકાલની ફૂટબોલ મેચ હારી જઈશ અને તને ખૂબ મારીશ! પેલો છોકરો ભાગ્યો અને બધા ખેલાડીઓ બીજા દિવસની ગેમ પ્લાનિંગની ચર્ચામાં લાગી પડ્યા.
હા, બધા જ ખેલાડીઓ અંધ હતા, કોચ સિવાય. બીજા દિવસે બધા બસમાં ફૂટબોલના મેદાને પહોંચ્યા તો આ કોચ સાથે એક સિલ્વીઓ નામનો ખેલાડી હતો. એણે કોચને કહ્યું કે મને આજુબાજુના પરિસરની બધી જ માહિતી આપો. કોચે શક્ય એટલી માહિતી આપી. સિલ્વીઓને સંતોષ ન થતાં એણે પૂછ્યું કે ક્યાંય તમને મારા શહેર ‘સાન પેડ્રોનો’ ઝંડો દેખાય છે? કોચે હજારોના ઓડિયન્સમાં નજર નાખીને પેલો ઝંડો ગોત્યો. સિલ્વીઓ કહે કે એ મારી પત્ની છે. એણે પત્નીની દિશામાં હાથ હલાવ્યો. એ સાઈડના લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. પછી મેચ શરૂ થઈ. અંધ ખેલાડીઓને બોલ ક્યાં છે એ ખબર પડે એટલે બોલની અંદરથી અવાજ આવતો હોય માટે હજારો દર્શકોમાંથી કોઈને પણ જરાય અવાજ કરવાની છૂટ ન હોય. નિરવ શાંતિ હતી અને ન જીતી શકાય એવી અઘરી મેચ આર્જેન્ટિનાના ખેલાડીઓ જીતી ગયા અને અચાનક એ નિરવ શાંતિ વચ્ચે ગગનભેદી હર્ષનાદોથી આ અંધ ખેલાડીઓને વધાવી લેવામાં આવ્યા…
આ વાત જ્યારે કોચ ગોન્ઝાલો વિલેરીનો કહે છે ત્યારે ઓડિન્સમાંથી ઘણા બધાની આંખ ભીની થઈ. ફૂટબોલ મેચ ક્યારેય નિહાળી પણ ન હોય એવી ટીમ અશક્યને શક્યમાં ફેરવી શકી એનું કારણ હતું એમનું જબરદસ્ત ટીમવર્ક.
માણસ સમૂહાચારી હતો ને હજુય છે, પણ ટોળું જેમ જેમ સિવિલાઈઝડ થતું ગયું સંસ્કારી થતું ગયું એમ સમાજ સ્થપાતો ગયો.
સમાજ એટલે શું? એટલે એક ટીમ ગણોને.. પણ ઉત્ક્રાંતિ દરમિયાન પેલા ગુફા સમયના ટોળાના જનીનો હજુ સાવ ભૂંસાયા નહિ, કેટલાય દેશની જેમ આપણા દેશવાસીઓમાં પણ ટીમ સ્પિરિટ વિકસવાને બદલે ટોળાપણું વિકસ્યું. વસ્તારી કુટુંબમાં જન્મેલા સરેરાશ બાળકમાં તો આ ટોળાશાહીનાં લક્ષણ બાય ડિફોલ્ટ- મૂળભૂત રીતે આવી જ જાય છે. બાળકનો જો નાના સ્વતંત્ર ફેમિલીમાં જન્મ થયો હોય તો તો વધુ પ્રોબ્લેમ, ટોળાં પ્રત્યે એને વધુ આકર્ષણ થશે, શેરિંગના ગુણના અભાવે. આજુબાજુ નજર કરો. ટાટિયાખેંચની પ્રવૃત્તિ, ચડસાચડસીની વૃત્તિ, દંભખોરીની મસલત જ ચાલ્યા કરે. સોશિયલ મીડ્યિા પર નાની નાની અમર્થી વાહિયાત વાતોમાં આખો દેશ સામૂહિક સમય બગાડે. દિશાહીનતા એ ટોળાનું પહેલું લક્ષણ હોય છે જે આપણી લક્ઝરી બની ગઈ છે.
ટીમ-સંઘ ભાવના એટલે શું એ ખરેખર આપણે સમજ્યા નથી. આઝાદીનાં વર્ષો પછી પણ અમુક મહાન ચિંતકો ચર્ચા કર્યા કરે છે કે ગાંધીજી એકને કારણે કંઈ આઝાદી નથી મળી આપણને. અરે ભાઈ, ગાંધીજીએ ભારત આવીને પહેલું કામ એ જ કર્યું, ટીમ બનાવવાનું જેના એ લીડર બન્યા. નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર પહેલો પગ ત્યારે મૂકી શક્યો જ્યારે એની પાછળ ચાલીસ હજારથી વધુ નિષ્ણાતોની ટીમની વર્ષોની મહેનત હતી. શેરલોક હોમ્સનું રિયલ લાઈફ અસ્તિત્વ ન હોવા છતાં પણ કરોડો લોકો એને રોજ યાદ કરે છે, કારણ કે ડો. વોટસન સાથે એની ટીમ હતી. ‘અમે તો જિસસ કરતાં પણ વધુ પ્રખ્યાત થઇ ગયા છીએ’, એવું સિંગર જ્હોન લેનન ત્યારે બોલી શકે જ્યારે બીટલ્સ જેવું અલ્ટ્રા સ્ટ્રોંગ ગ્રૂપ હોય. આખી દુનિયાને હંફાવનાર લાદેનની છાતીમાં ગોળીઓ કોઈ એક ટીમ ધરબી શકે, એકલદોકલ માણસ નહિ. ટીમ એ સફળતાનું ક્ધફર્મેશન છે-પુરાવો છે…અને જો ટીમ બનાવ્યા પછી પણ ધારી સફળતા ન મળી તો સમજવું કે ટીમના એકાદ-બે મેમ્બરમાં પેલા ટોળાશાહીનાં જનીન (આનુવંશિક લાક્ષણિકતા) સુષુપ્ત પડેલા છે.
ટીમવર્ક શીખવું- ટીમસ્પિરિટ આત્મસાત કરવી બહુ જ જરૂરી છે ભલે ને તમે એકલા કામ કરતા હો તો પણ. વીસમી સદીમાં બધું જ મહત્ત્વનું થઇ ગયું છે. આઈનસ્ટાઇન પણ આવી ગયો ને ગાંધીજી પણ ગયા. હવે કોઈ ક્રાંતિકારી કદમ ભરવું એ એકલદોકલ ઇન્સાનની વાત નથી. સ્ટિવ જોબ્સની પણ ‘એપલ’ ટીમમાંથી હક્કાલપટ્ટી થઇ શકે જો એ ટીમનો ભાગ બનીને ન રહે તો. શેરિંગ એન્ડ કેરિંગનો સમય છે તો આપણી આજુબાજુના બધાનું ભલું થાય એ ખેવનાથી આગળ વધીએ તો જ આપણો વિકાસ થાય. આ ફિલસૂફી નહિં પણ પાયાગત વિજ્ઞાન છે. જ્હોન નેશ ‘અ બ્યુટીફૂલ માઈન્ડ’માં ગણિત દ્વારા એવા મતલબનું સમજાવે છે કે કેન્ટિનમાં પાંચ છોકરાની સામે માત્ર ત્રણ છોકરી છે. જો બધા વારાફરતી કોઈ એક છોકરી પાસે જશું તો રિજેક્ટ થવાના ચાન્સ વધુ છે અને કોઈને છોકરી નહિ મળે એના કરતાં આપણે ટીમ બનાવીને એમની રાહ જોઈએ તો એટલીસ્ટ, આપણા પાંચમાંથી ત્રણ તો ખાલી હાથ નહિ જાય!
આપણ વાંચો: અમદાવાદના બોપલમાં દારૂની મહેફિલ માણતા 9 નબીરા ઝડપાયા, પોલીસ ત્રાટકતાં જ ઉડી ગયા હોશ
આ છે ટોળા અને ટીમ વચ્ચેનો તફાવત છે કે તમે ભલે એકલા હો, પણ ટીમસ્પિરિટ નહિ હોય તો ફેંકાઈ જશો. ગૂગલ જેવી કંપની એટલે જ સતત સફળ થતી રહી છે, કારણ કે ત્યાં ટીમ-ભાવના છે. સ્ટાફ્ને ટોળાના ગણીને યુનિફોર્મ પહેરાવીને પંચ મશીનમાં એન્ટ્રી ફરજિયાત નથી કરાવતા, પણ એમને છુટ્ટોદોર આપે છે એટલે સ્ટાફમાં આપોઆપ સંઘભાવના જન્મે છે અને વર્લ્ડ બેસ્ટ રિઝલ્ટ આવે છે, જેનું પરિણામ તમારી સામે છે.
આ સાદી વાત જો મા-બાપ, સ્કૂલે જતાં સંતાનો અને એમના શિક્ષકો, કોઈ પણ સંસ્થા-કંપની, ખાસ કરીને યુવાનો અને સરકાર અપનાવી લે તો….. પણ ટોળાના વંટોળમાં મીણબત્તી કેટલો સમય રહી શકે? ટીમ રચવા માટે લીડર-કેપ્ટન પણ એવા દમદાર જોઈએ, પણ હવે ગાંધી કે પટેલ ફરી કયારે મળશે?